Tuesday 28 April 2015

જંતરમંતર છૂ

કરુણતા અને ફારસ વચ્ચે ઘણી વાર દોરાભારનું અંતર હોય છે. એ હકીકતનું તાજું ઉદાહરણ એટલે દિલ્હીમાં કહેવાતા ખેડૂતની આત્મહત્યાનો કરુણ કિસ્સો. જંતરમંતર પર 'આપ'ની રેલી ચાલુ હતી ત્યારે એ ભાઇ ઝાડ પરથી લટકી ગયા અને આઘાતની વાત એ છે કે તેમને કોઇએ બચાવ્યા નહીં કે એવી કોશિશ પણ ન કરી. ટોળાં ભેગાં થયાં હોય ત્યાં ઘણી વાર આવું બને છે. કોઇને બચાવવા જીવનું જોખમ વહોરીને ધસમસતા પાણીમાં કૂદી પડેલા 'હીરો' બહાર નીકળ્યા પછી 'પહેલાં એ કહો કે મને ધક્કો કોણે માર્યો' પૂછે--એવું ફક્ત રમુજમાં જ નહીં, વ્યવહારમાં પણ બનવાજોગ છે. એકઠાં થયેલાં ટોળાં, વાતાવરણમાં ફેલાયેલો ઉન્માદ અને રાજકીય ભાષણબાજી-આ મિશ્રણ નબળા મનના માણસો માટે જીવલેણ નીવડી શકે છે. દિલ્હીમાં મૃત્યુ પામેલા ગજેન્દ્રના કિસ્સામાં જે રીતે રાજકારણ ખેલાઇ રહ્યું છે એ જોતાં, સચ્ચાઇ ભાગ્યે જ કદી ઉજાગર થશે. પણ એટલું નક્કી છે કે ગજેન્દ્રના આપઘાત પછી કાર્યક્રમ યથાવત્ ચાલુ રાખીને 'આપ' અને અરવિંદ કેજરીવાલે મોટું રાજકીય ગોથું ખાધું છે.
'આપ'ની આવી ભારે ગફલતથી ભાજપ ગેલમાં આવી ગયો છે. મૃતકની ફિકરને બદલે 'આપ'ને ઝૂડવાની ભાજપની તાલાવેલી સમજાય એવી છે. પરંતુ આ બાબતે 'આપ' એટલું વાંકમાં છે કે તેની પાસે નાકલીટી તાણવા સિવાય કોઇ રસ્તો રહ્યો નથી. દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલે વધારે મોડું થાય તે પહેલાં માફી માગી લીધી, પણ તેમના નિવેદનમાં કોઇ લોકનેતાનો અફસોસ નહીં, એક ખંધા રાજકારણીની ઔપચારિકતા ગંધાય છે. પહેલાં એમણે એવું કહ્યું કે 'ખરેખર તો હું કલાક બોલવાનો હતો, પણ (આત્મહત્યાના બનાવ પછી) મેં દસ-પંદર મિનીટમાં આટોપી લીધું. એ મારી ભૂલ હતી. મારે કદાચ બોલવું જોઇતું ન હતું. તેનાથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માગું છું.' તેમનું બીજું નિવેદન કંઇક આવું હતું, 'હું દોષી છું. મને દોષ દો. મને લાગે છે કે રેલી અટકાવી દેવી જોઇતી હતી, પણ મહેરબાની કરીને તમે ખેડૂતોની આત્મહત્યાના અસલી મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરો. જે દોષી હોય તેને લટકાવી દો, પણ મૂળ ચર્ચાને ફંટાવા ન દો.'
શાંતિથી વાંચતા જોઇ શકાશે કે ઉપરના એક પણ નિવેદનમાં અંતઃકરણપૂર્વકની કે બિનશરતી માફીનો ભાવ નથી. પહેલા વિધાનમાં 'કોઇની લાગણી દુભાઇ હોય તો' તેમણે માફી માગી અને બીજામાં તેમનો સૂર છે કે 'લો આ માફી માગી, પણ એ તો મૂળ મુદ્દાની ચર્ચા ફરી શરૃ કરવા માટે.' આ બન્ને વિધાનો થોડા મહિના પહેલાં કેજરીવાલ તરફથી આવ્યાં હોત તો કલ્પના પણ ન આવત કે 'મૈં તો બહુત છોટ્ટા આદમી હું જી. મેરી ઔકાત હી ક્યા હૈ...'નું રટણ કરનારા ભાઇ રીઢા રાજકારણીની ભાષામાં વાત કરી રહ્યા છે અને કોઇના મૃત્યુથી વિચલિત થવાને બદલે, ઔપચારિક માફી માગીને, હાથ ખંખેરીને 'ચાલો, આપણે મુદ્દા પર આવી જઇએ?'ની મુદ્રામાં રાચે છે.
કેજરીવાલના નિકટ ગણાતા અને યોગેન્દ્ર યાદવ-પ્રશાંત ભૂષણ સામેની કાર્યવાહીમાં પહેલી હરોળનો મોરચો સંભાળનાર 'આપ' પ્રવક્તા આશુતોષ કેજરીવાલની કક્ષાના ખેલાડી નથી. એ મૂળ ટીવી પત્રકાર. એટલે કૅમેરા સામે તેમને ફાવે ખરું. પણ કેજરીવાલ જેવી કળા તેમને સાધ્ય નથી. એટલે મૃત ગજેન્દ્રની દીકરી સાથે ટીવી ચર્ચામાં વાત કરતાં કરતાં આશુતોષ રડવા બેસી ગયા. તેમનો ખ્યાલ એવો હશે કે તે ભાવવિભોર થઇને 'હાં બેટી, મૈં ગુનહગાર હું, મૈં તેરે પિતાકો નહીં બચા પાયા' આવું કહેશે, એટલે તેમની નિર્દોષતા પુરવાર થઇ જશે. આશુતોષ ઘણું રડયા, પણ હકીકત એ હતી કે તેમનું રુદન કોઇને પીગળાવે શકે એવું ન હતું. તેના માટે એક્ટિંગની આવડતનો અભાવ નહીં, પણ રુદનનું મૂળભૂત કારણ જવાબદાર હતું. ટીવીના હિસાબે ખાસ્સો લાંબો સમય કહેવાય ત્યાં સુધી રડતાં રડતાં આશુતોષ જે બોલ્યા તેનો મુખ્ય સાર એ હતો કે 'અમારા પક્ષને આ મામલામાં ખોટો ફસાવી દીધો છે. બધા એની પર રાજકારણ ખેલી રહ્યા છે અને અમે એમાં પાકા પાયે ફસાઇ ગયા છીએ. આવું ને આવું ચાલશે, તો અમારું શું થશે...'
દરમિયાન, મૃતકની ઓળખ અને તેમની આત્મહત્યાના હેતુ વિશેનું રહસ્ય બરકરાર છે. દિલ્હીની પોલીસે પોતાની રીતે તપાસ શરૃ કરી છે, જેની પૂછપરછનો રેલો મુખ્ય મંત્રી કેજરીવાલ સુધી પહોંચી શકે છે. વળતું પત્તું ઉતરીને કેજરીવાલ સરકારે મેજિસ્ટ્રેટ પાસે તપાસ શરૃ કરાવી છે, પરંતુ પોલીસે તેમાં સહકાર આપવાની ના પાડીને કહ્યું છે કે આ મેજિસ્ટ્રેટનું અધિકારક્ષેત્ર નથી. મૃતકના ગામમાંથી મળતા અહેવાલ પ્રમાણે, એ ભાઇનો મુખ્ય વ્યવસાય ખેતીનો ન હતો અને તે આર્થિક રીતે અભાવગ્રસ્ત કે ખેતીની નિષ્ફળતાથી દુઃખી થઇ જાય એવી સ્થિતિના બિલકુલ ન હતા. એ અચ્છાખાસા સમૃદ્ધ પરિવારના હતા અને આપઘાતના દિવસે તેમણે ઘરે કરેલી વાતમાં પણ કશું અસામાન્ય જણાયું ન હતું. આ હકીકતો ધ્યાનમાં રાખતાં, આપઘાતના બનાવમાં વ્યાપક તપાસને અવકાશ છે. પરંતુ રાજકીય પક્ષો એવી તપાસ થવા દે, એવી શક્યતા ખાસ લાગતી નથી.

No comments:

Post a Comment