Showing posts with label GujaratSamachar. Show all posts
Showing posts with label GujaratSamachar. Show all posts

Monday, 6 July 2015

ગ્રીસ બચે તો પણ ગમે ત્યારે યુરો ઝોનને વેરવિખેર કરશે

આખરી નિર્ણય તો ગ્રીસની પ્રજાનો જ રહેશે

યુરોપિયન દેશોને ગ્રીસરૃપી ડોશી મરવા કરતાં રશિયા-ચીનરૃપી જમ ઘર ભાળી જવાનો ડર વિશેષ રશિયાએ તો ગ્રીસને યુરો ઝોનમાંથી નીકળે તો મદદ કરવાનો ઇશારો પણ કર્યો




ગ્રીસની કટોકટીમાં ગ્રીસ કરતાં પણ યુરોપીયન યુનિયનના અસ્તિત્વનો સવાલ વિશેષ મહત્વનો થઇ ગયો છે, કેમ કે ગ્રીસની જેમ આર્થિક મુશ્કેલીમાં આવી ગયેલા અન્ય યુરોપીયન દેશો પણ હાથ ઊંચા કરી દે તો તેના છાંટા પૂરા વિશ્વ પર તો ઉડશે જ પણ યુરોપીયન યુનિયનના તો મૂળીયા હચમચાવી આ સંગઠનનું વિઘટન થઇ જાય તો પણ નવાઇ પામવા જેવું નહીં હોય.ગ્રીસની બેન્કો બંધ કરી દેવાઇ ,મૂડી નિયંત્રણો લદાયા અને અનેક તાકીદના પગલા લેવાયા તે જ એક્ઝીટનો અણસાર આપતા હતા.રવિવારે રેફરેન્ડમ લેવાના નિર્ણયે યુરોઝોન અને આં.રા. લેણદારો સાથે વધુ વિચારવિમર્શ માટેના દરવાજા બંધ કરી દીધા ,કદાચ વિચાર વિમર્શ ચાલુ પણ રહે તો પણ આખરી નિર્ણય તો ગ્રીસની પ્રજાનો જ રહેશે અને તે પણ બહુમતી પ્રજા જે સરકારોના શિર્ષાસનોના લીધે એવી આર્થિક સંકડામણમાં આવી ગઇ છે કે ના છૂટકે નાદારી આવે તો પણ દેવાની રકમ પાછી નહીં આપીએ એવુ કહેવાની હદે આવી ગઇ છે.
નાણાકીય યુનિયનમાંથી ગ્રીસ નિકળી જાય પણ કસ્ટમ્સ યુનિયનમાં ચાલુ રહે તો એ પૂર્વ યુરોપીયન દેશો તથા બ્રિટનના જેવું સ્ટેટસ ધરાવશે.એ સ્ટેટસથી ઉક્ત દેશોને તો લાભ જ થયો છે.ગ્રીસને પોતાના ચલણને લોન્ચ કરતાં થોડો સમય જરૃર લાગે પણ તે પછી તે ચલણનું અવમૂલ્યન કરી વિદેશોની મદદ લઇ શકે તથા ઘણા અગત્યના નિર્ણયો સ્વબળે યુરોઝોનના ઓછાયામાં રહ્યા વગર લઇ શક્શે.આઇએમએફ ગ્રીસને નાદાર જાહેર કરે તો એ આવી નાદારી નોંધાવી ચૂકેલ ઝીમ્બાબ્વે,ક્યુબા અને સોમાલિયાની જમાતમાં આવી જશે.જોકે લોકશાહીમાં માનતા રાષ્ટ્રોની ગ્રીસ તરફ કુણી લાગણી જરૃર છે અને અમેરિકા તો હંમેશા કોઇપણ ભોગે ડેમોક્રસીને બચાવવા પ્રયત્નશીલ હોય છે એ ગ્રીસના માટે એક પ્લસ પોઇન્ટ ગણાય.ગ્રીસનો અમુક વર્ગ તો ગ્રીસની લોકશાહી માર્ગે ચૂંટાયેલી સરકારને પાડવાની કેટલાક દેશો અને આં.રા. સંસ્થાઓની આ ચાલ હોવાનું જણાવે છે.આ વર્ગ તો જોરશોરથી જણાવે છે કે ગ્રીસની પ્રજાને તેમના નિર્ણય લેવા દો બ્રસેલ્સથી ગ્રીસનું રિમોટ કંટ્રોલ તો ક્યારે ય થવા નહીં દેવાય! શાસક પક્ષ સિરીઝા ૩૬ ટકા મત મેળવીને સત્તા પર આવ્યો છે અને સત્તા પર આવ્યા પછી તેણે જે લોકપ્રિય પગલા લીધા છે તેની અસરે પક્ષ વધુ બળવત્તર થવાની સંભાવના છે.
ગ્રીસના વડાપ્રધાન એલેક્ષીસ સિપ્રાસે ભારે જોખમ ખેડીને પાંચ પાંચ મહીનાઓ સુધી લેણદારોને એક યા બીજા બહાને ખો આપીને મામલો છેક જૂનના અંત સુધી ખેંચ્યો છે.જોકે તેમાં તેઓ જવાબદાર સરકાર અને અઘરા નિર્ણયો લેતી સરકારની છાપ રેફરેન્ડમનો આશરો લઇને ઊભી કરી શક્યા નથી અને કદાચ હમણા તેમણે પોતાની ખુરશીના ભોગે પણ કરકસર સામે નહીં ઝૂકવાનો નિર્ધાર કર્યો હોવાનું જણાય છે.તેમના આવા સ્ટેન્ડ માટે તેમના પક્ષના હાર્ડલાઇન ડાબેરીઓનું દબાણ હોવાનું પણ કહેવાય છે.ટીકાકારો તો એમ પણ કહે છે કે જો તેઓ દેશના લાંબાગાળાના હિતચિંતક હોત તો જાન્યુઆરીમાં સત્તાપર આવતા વેંત જ તેમણે લેણદારો સાથે ગંભીર ચર્ચાઓ શરૃ કરી દીધી હોત પણ આ દિશામાં ગંભીર પ્રયાસો કરવાના બદલે તેમણે તો ટાઇમ પાસ કર્યો અને જૂનની ડેડલાઇન પહેલા મેમાં જ રેફરેન્ડમ લેવું જોઇતું હતુ તે કર્યું. વિરોધપક્ષો તો કહે છે કે ગ્રીસને યુરોઝોનમાંથી બહાર કાઢવાના નિર્ધાર સાથે જ સિપ્રાસ સરકાર સત્તા પર આવી હતી.હમણા સુધી ગ્રીસે તેના લેણદારો સાથે કોઇપણ બાંહેધરી આપતા કરારો કર્યા નથી.
આ સમગ્ર કટોકટીમાં રેફરેન્ડમમાં સરકારનો કરકસર વિરોધી પગલાઓ સાથે વિજય થાય તો વહેલી મોડી ગ્રીસની યુરોસંધમાંથી અને લાંબે ગાળે યુરોપીયન યુનિયનમાંથી એક્ઝીટ નક્કી મનાય છે પણ જો યુરોપ બ્લોક તરફી તત્વોનો હાથ ઉપર રહે તો વર્તમાન સરકારમાં લોકોને વિશ્વાસ ન હોવાનું તારણ નિકળશે અને ટૂંક સમયમાં જ નવી ચૂંટણીઓ થવા માટેના દરવાજા ખુલી જશે.જોકે બંન્ને કિસ્સામાં ખુરશી પર ચિટકી રહેવાનો મોકો વર્તમાન વડાપ્રધાનને મળી રહેશે એવું એમના પક્ષના લોકોનું માનવું છે.એક વાત તો નિશ્ચીત છે કે સિપ્રાસ લોકશાહી રક્ષક અને ગરીબોના બેલી તરીકે આ સમગ્ર પ્રક્રિયામાંથી બહાર આવશે.
ગ્રીસમાં બેંકીંગ ચક્રો થંભી ગયા અને શેરબજારનાં શટર ડાઉન થઇ ગયા ં છે અને તેનું અર્થતંત્ર ઇન્ટેન્સીવ કેર યુનિટમાં પહોંચી ગયું છે ત્યારે યુરોપે વધુ સાવધાન થઇ જવાની જરૃર છે.આઇસીયુમાંથી બહાર આવનાર ગ્રીસના અર્થતત્રનું કદ નાનું થઇ જશે અને તેનું નવુ સ્વરૃપ લોકો માટે પચાવવું મુશ્કેલ પણ હશે પરંતુ એ લાંબાગાળે સમૃદ્ધિ માટેના દ્વારો ખોલી નાંખશે.આજની ક્ષણે તો જોકે ગ્રીસના સિનિયર સીટીઝનોની હાલની હાલાકી ઓછી થાય એ બાબત પર ભાર મુકાય એ પણ એટલું જ જરૃરી છે કેમ કે પ્રખ્યાત અર્થશાસ્ત્રી લોર્ડ કેઇન્સે કહ્યું છે કે લાંબાગાળામાં તો આપણે સૌ મૃત છીએ.
ગ્રીસમાં જોકે એક સપ્તાહમાં બેન્કો બંધ હતી ત્યારે દેશમાં આંતરિક ધોરણે ઇન્ટરનેટના માધ્યમથી લેવડદેવડ ચાલુ રાખવાની તથા દુકાનોમાં કાર્ડથી પેમેન્ટની છૂટના કારણે લોકોને થોડીક રાહત થશે.ફંડ્સ વિદેશમાં ટ્રાન્સફર કરવા માટે સરકારી મંજૂરી જરૃરી હોવાનું સરકારે જાહેર કર્યું હતુ.તે જ રીતે વિદેશોના ડેબીટ કાર્ડથી ગ્રીસનાં એટીએમમાંથી ઉપાડ પર પણ કોઇ પ્રતિબંધો લદાયા ન હતા.સ્થાનિકો માટે ૬૦ યુરો અથવા ૬૫ ડોલરની દૈનિક ઉપાડની મર્યાદા મુકાઇ હતી.પેન્શન પેમેન્ટને આવા નિયંત્રણોમાંથી બાકાત રખાયું હતુ.
ગ્રીસ નાદાર થાય તો યુરોપમાં વર્ગવિગ્રહ થાય અને તેમાં દક્ષીણ યુરોપના ગરીબ દેશો -પોર્ટુગલ,સ્પેન,ઇટાલી અને ગ્રીસની સામે ઉત્તર યુરોપના અમીર દેશો -જર્મની,ફીનલેન્ડ અને લક્ઝમબર્ગ મોરચો માંડે એવી ચર્ચા સંભળાય છે.ગ્રીસ પછી પોર્ટુગલ પડવાની અટકળો પણ થઇ રહી છે.
૨૦૦૮માં યુરોપ નાણાકીય કટોકટીમાં સપડાયું ત્યારે સૌથી ખરાબ હાલત ગ્રીસની થઇ હતી.છેલ્લા પાંચ વર્ષમાં આ દેશની જીડીપીમાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.આઇએમએફ,ઇસીબી અને ઇસીએ મળીને ગ્રીસને ૨૪૦ અબજ ડોલરની લોન આપી હતી.જોકે તેની સાથે કેટલીક શરતો પણ લદાઇ હતી.ગ્રીસે આ રકમનો ઉપયોગ વિદેશી દેવું ચૂકવવા માટે કરતાં લેણદારોના ભંવા ચઢી ગયા હતા.આ દેશનો આર્થિક વિકાસ દર માઇનસ ૬.૯ ટકા ચાલી રહ્યો છે.ગ્રીસની ઘણી કંપનીઓ નાદારી નોંધાવી ચૂકી છે.બેરોજગારીનો દર વધીને ૩૩ ટકાએ પહોંચ્યો હોવાની વાયકા છે.આમ તો પૂરા યુરોપના જીડીપીમાં ગ્રીસનો હિસ્સો બે ટકા કરતાં પણ ઓછો હોવાથી તેની એક્ઝીટની યુરોપ પર લોકો ધારે છે તેટલી વિપરિત અસર ન પણ થાય.જોકે યુરોપીયન દેશોને ગ્રીસરૃપી ડોશી મરવાના કરતાં રશીયા-ચીનરૃપી જમ ઘર ભાળી જવાનો ડર વિશેષ છે.રશીયાએ તો ગ્રીસને યુરોઝોનમાંથી નિકળે તો મદદ કરવાનો ઇશારો પણ કર્યો છે.
સમગ્ર વિશ્વમાં ગ્રીસનું કુલ સત્તાવાર દેવું ૨૪૨.૮ અબજ યુરો એટલે કે ૧૭૨૭૦.૩૬ અબજ રૃ.નું હોવાની ચર્ચા થાય છે.આમાં આઇએમએફ તથા યુરોપીયન સરકારોએ આપેલા બે બેઇલઆઉટ પેકેજો માઇનસ પરત ચૂકવાયેેલ રકમનો સમાવેશ થાય છે.આ પેકેજો નોમીનલ ૨૨૦ બિલીયન યુરોના હતા.યુરોપીયન સેન્ટ્રલ બેન્ક તથા યુરો ઝોનના રાષ્ટ્રોની મધ્યવર્તી બેન્કોમાં ગ્રીક સરકારના બોન્ડ્સની રકમનો પણ આ કુલ દેવામાં સમાવેશ થાય છે.
મળતી માહીતી મુજબ ખાનગી રોકાણકારો પાસે ૩૮.૭ અબજ યુરોના મૂલ્યના ગ્રીસ સરકારના બોન્ડો છે.૨૦૧૨માં ગ્રીસે દેવાનું સ્વેપીંગ કર્યું તેમાં આ ખાનગી હોલ્ડરોને ઓલરેડી ૭૫ ટકાનો માર પડી ચૂક્યો છે.ઉપરાંત ગ્રીસની બેન્કોને જ ગ્રીસ સરકારે ૧૫ અબજ યુરોના ટૂંકા ગાળાના ટ્રેઝરી બીલો જારી કર્યાં છે.
આઇએમએફે જો ગ્રીસ બીજો આર્થિક એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ સરખી રીતે અમલ કરે તો કુલ ૪૮.૧ અબજ યુરોની રકમમાંથી ૧૬.૩ અબજ યુરો માર્ચ ૨૦૧૬ સુધીમાં આપવાનું વચન આપ્યું હતું.ઇસીબીની ગ્રીસ પાસેથી લેણી રકમ અંદાજે ૧૮ અબજ યુરો ગ્રીસના બોન્ડ સ્વરૃપે છે પણ જો ગ્રીસ યુરોઝોનમાંથી નિકળી જાય તો ફેસ વેલ્યુની મામૂલી રકમ જ આ બોન્ડ પેટે મળે તેમ છે.આમાંથી ૬.૭ અબજ ની રકમ જુલાઇ તેમ જ ઓગષ્ટમાં પાકે છે.
ઇસીબીએ ગ્રીસ બેન્કોને ૧૧૮ અબજ યુરોની પ્રવાહીતા પૂરી પાડી છે અને તેમાંથી ૮૯ અબજ યુરો ઇમરજન્સી લિક્વિડિટી મદદ તરીકે આપી છે.આ રકમ માટે આમ તો ગ્રીસની મધ્યવર્તી બેન્ક જવાબદાર છે પણ જો ગ્રીસ યુરોઝોનમાંથી નિકળી જાય તો એ જર્મની સહીતના અન્ય દેશોના માથે જાય એમ છે.
૪૫ અબજની યુરો બેન્ક નોટો પણ સરક્યુલેશનમાં છે જે ગ્રીસે હોનર કરવી જોઇએ.યુરોઝોનના રાષ્ટ્રોની પ્રથમ બેઇલ આઉટમાં ગ્રીસને ઉગારવા સરકારોએ ૫૨.૯ અબજ યુરો ગ્રીસને ધિર્યાં છે અને ૨૦૧૨ના બીજા પેકેજમાં એથેન્સને અત્યાર સુધીમાં ૧૪૧.૮ અબજ યુરોનું ફંડ આપ્યું છે.બેઉ પેકેજો મળીને સૌથી મોટુ એક્ષપોઝર જર્મનીનું ૫૭.૨૩ અબજ યુરો, તે પછીના ક્રમે ૪૨.૯૮ અબજ યુરો સાથે ફ્રાન્સ આવે છે.નબળા પડી ચૂકેલા ઇટાલી અને સ્પેને પણ ગ્રીસ પાસેથી અનુક્રમે ૩૭.૭૬ અબજ યુરો અને ૨૫.૧ અબજ યુરો લેવાના નિકળે છે.આમ ગ્રીસ પોતે તો ડૂબશે જ પણ સાથેસાથે ઇટાલી અને સ્પેન જેવા સોફ્ટ ટારગેટ દેશોને પણ લઇને ડૂબે એવો માહોલ સર્જાયો છે.
યુરો ઝોનના દેશોએ ગ્રીસને લોનોની પાકતી મુદત ૧૫થી ૩૦ વર્ષ લંબાવી આપી હતી અને ધિરાણો પરનું વ્યાજ પણ તેમની બોરોઇંગ કોસ્ટ પ્લસ ૦.૫૦ ટકા સુધી ઘટાડી આપ્યું હતુ.તે જ રીતે યુરોઝોન રેસ્ક્યુ ફંડમાંથી બીજા બેઇલ આઉટમાં અપાયેલ રકમ પર વ્યાજની ચૂકવણી ૧૦ વર્ષ સુધી નહીં કરવાનું મોરેટોરિયમ પણ આપ્યું હતુ.આટલું ઓછું હોય તેમ ગ્રીસે યુરોપીયનો પાસેથી દેવામાં વધુ રાહતની માગણી કરી છે અને તેને આઇએમએફનો ટેકો પણ છે.જોકે યુરોઝોનના દેશોની સરકારોએ ગ્રીસ તેનું બજેટ આકરું ન કરે તો ચર્ચાની ના પાડી હોવાનું સંભળાય છે.
ગ્રીસ તેના લેણદાર ઇટાલી અને સ્પેનને સાથે લઇને ડૂબે એ દિવસો દૂર નથી ત્યારે યુરો વિઘટનની લટકતી તલવાર ત્રાટકે તો એમાંથી બચવાના ઉપાયો આપણે હમણાથી શોધવા પડશે.

યુરોપીયન દેશોના દેવા જીડીપી કરતાં કેટલા ગણા?


દેશ                     ડેબ્ટ-જીડીપી રેશીયો
ગ્રીસ                     ૧૭૫
ઇટાલી                  ૧૩૩
પોર્ટુગલ                ૧૨૯
આયર્લેન્ડ              ૧૨૪
સાયપ્રસ                ૧૧૨
બેલ્જિયમ               ૧૦૨
સ્પેન                      ૯૪
ફ્રાન્સ                      ૯૩
જર્મની                    ૭૮

આર્થિક બેહાલીનું ચિત્ર
છેલ્લા પાંચ વર્ષોથી ગ્રીસની કુલ રાષ્ટ્રીય ઊપજમાં સંકુચન જોવાયું છે અને હવે આ દેશ પર મંદીનો ભરડો વધુ કસાય એવું જણાય છે.મંદીમાં આર્થિક ચક્રો સાવ સ્થગિત ન થાય તો પણ અનેક સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડશે એવો ડર રહે છે.આ દેશનો આં.રા.વેપાર માર ખાશે,દેવાનો ડુંગર વધતો જશે,સમાંતર અર્થતંત્રનો પ્રભાવ વધશે.હોસ્પીટલો અને એરલાઇન્સની તો દુર્દશા થશે અને એમને સપ્લાય મેળવતા નાકે દમ આવી જશે.પુરવઠો મળે તો પણ ક્રેડીટરોને પેમેન્ટ કરતાં કમર તોડ બોજો આવશે.મોટા પાયે ગ્રીસમાંથી લોકો ઉચાળા ભરી રોજી-રોટી માટે અન્ય યુરોપીયન દેશોમાં સ્થળાંતર કરી જાય એવી પણ શક્યતા છે.
ગ્રીસના પર્યટન ઉદ્યોગને પણ મોટો ફટકો બેસવાની ગણતરી મુકાય છે.માનવતાના દ્રષ્ટીકોણથી જોઇએ તો ગરીબાઇ માઝા મુકશે.હાલ ૨૬ ટકાનો બેકારીનો દર છે તેમાં જોરદાર વધારો થાય તો પ્રજા ભૂખમરાના ખપ્પરમાં હોમાવાની તલવાર પણ ગ્રીસના માથે લટકી રહી છે.સરકાર પ્રજાનો ખ્યાલ રાખવા જશે તો એની પોતાની આર્થિક નૈયા ડૂબવા લાગશે,રાજકીય ગરમાગરમી વધશે અને પૂરા યુરોપમાં આક્ષેપો-પ્રતિ આક્ષેપોનો આ મુદ્દાઓને લઇને નવો દૌર શરૃ થઇ જશે.ટૂંકમાં ગ્રીસનો નવો અવતાર ફંડામેન્ટલી અલગ જ હશે અને તેની આવનારી પેઢીઓ માટે ગ્રીસ સુનહરી સવાર લઇ આવશે.જોકે તે માટે સરકારે અંદાજપત્રીય પ્રક્રિયામાં આમૂળ પરિવર્તન કરી સામાજીક સુરક્ષા માટે વધુ ફાળવણી કરવા માટે કરચોરી અટકાવી કરમાળખાનો વિસ્તાર કરવો પડશે.વેપાર ધંધામાં મોનોપોલી તથા ઓલિગોપોલી તોડવી પડશે!

યુરો જેવી કોમન કરન્સીનો આઈડિયા જ જોખમી

૧.૬ અબજ યુરોની ચૂકવણી નહીં કરી શકતા ગ્રીસ આખરે ડિફોલ્ટ

જર્મની યુરો ઝોનના મુક્ત વેપારનો લાભ લેતું અને ગ્રીસના બજારમાં સસ્તી ચીજવસ્તુઓ મૂકતું. એટલે લોકો પોતાના દેશમાં બનેલી નહીં પણ 'જર્મન મેડ' ચીજવસ્તુઓ ખરીદતા. ગ્રીસના અર્થતંત્ર પર કારમો ઘા પડવાની એ શરૃઆત હતી
યુરોપના તમામ દેશોએ સમગ્ર યુરોપનું અર્થતંત્ર 'અત્યંત મજબૂત'કરવાના ઈરાદાથી યુરોપિયન યુનિયન (ઈયુ)ની રચના કરી હતી. આ યુનિયન એટલે નવમી ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ એક કરાર કરીને યુરોપિયન દેશોએ એકબીજાના આર્થિક હિતો સાચવવા રચેલો શંભુમેળો

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડને ૧.૬ અબજ યુરોની ચૂકવણી નહીં કરી શકતા ગ્રીસ આખરે ડિફોલ્ટ એટલેે કે દેવાળિયું જાહેર થઈ ગયું છે. ગ્રીસ યુરો ઝોનમાં રહે અથવા ના રહે તો તેની વૈશ્વિક બજારો પર જુદી જુદી અસરો થઈ શકે. જોકે, ગ્રીસની આર્થિક સ્થિતિ બગડી એ પછી સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, યુરો ઝોને પોતાની કોમન કરન્સી એટલે કે સામાન્ય ચલણ તરીકે યુરોનું સર્જન કર્યું એ કેટલે અંશે યોગ્ય છે?ગ્રીસ કટોકટી વખતે વિશ્વભરના માધ્યમોમાં ગ્રીસે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડને ૧.૬ અબજ યુરોની ચૂકવણી કરવાની છે એ વાતની બહુ ચર્ચા થઈ છે. એનો અર્થ એ નથી કે, ગ્રીસનું દેવું ફક્ત ૧.૬ અબજ યુરો જ છે. આઈએમએફ સહિત વર્લ્ડ બેંક અને યુરોપિયન સેન્ટ્રલ બેંકે ગ્રીસ પાસે કુલ ૨૪૦ અબજ ડોલરના લેણાં નીકળે છે. આ આંકડા જોઈને જ કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે, હવે ગ્રીસ પાસે યુરો ઝોનમાંથી બહાર નીકળીને પોતાનું નવું ચલણ અમલી કરવા સિવાયનો કોઈ જ ઉપાય બચ્યો નથી. ગ્રીસનું ભવિષ્ય જે હોય તે 'યુરો'નો વિચાર જોખમી છે કારણ કે, બેથી વધુ દેશો ભેગા થઈને કોમન કરન્સી અમલી કરે ત્યારે ગૂંચવાડાભરી સ્થિતિનું સર્જન કરે છે.
કોમન કરન્સી કેવી ગંભીર અને જટિલ મુશ્કેલીઓ ઊભી કરે છે એ આપણે તબક્કાવાર સમજીએ.
યુરોપિયન યુનિયનની રચનાનો ઈતિહાસ
યુરોપના તમામ દેશોએ સમગ્ર યુરોપનું અર્થતંત્ર 'અત્યંત મજબૂત' કરવાના ઈરાદાથી યુરોપિયન યુનિયન (ઈયુ)ની રચના કરી હતી. આ યુનિયન એટલે નવમી ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ એક કરાર કરીને યુરોપિયન દેશોએ એકબીજાના આર્થિક હિતો સાચવવા રચેલો શંભુમેળો. આ વિચારના મૂળમાં યુરોપના તમામ દેશોની એક જ કોમન કરન્સી હોવી જોઈએ એ વિચાર હતો. આ વિચારના ભાગરૃપે ઈયુએ પહેલી જાન્યુઆરી, ૧૯૯૯ના રોજ એક મોનેટરી યુનિયન ચાલુ કર્યું. આ મોનેટરી યુનિયનનું કામ નવું ચલણ અમલી કરીને તેનું નિયમન કરવાનું હતું. આ મોનેટરી યુનિયને શરૃ કરેલું નવું ચલણ એટલે યુરો. આજે પણ વૈશ્વિક બજારમાં યુરો અત્યંત મજબૂત ચલણ છે. એક યુરોનું ભારતીય ચલણમાં મૂલ્ય સરેરાશ રૃ. ૭૦ છે.
યુરોની શરૃઆત નોન-ફિઝિકલ એટલે કે ટ્રાવેલર્સ ચેક, ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર અને બેંકિંગ વગેરે સ્વરૃપમાં કરાઈ હતી. શરૃઆતમાં યુરોપના ૧૧ મોટા દેશો આવા 'કાર્ડ યુરો'નો ઉપયોગ કરતા હતા. યુરોની સફળતાને પગલે એક પછી એક દેશો યુરો ઝોનમાં જોડાતા ગયા. આ દરમિયાન ગ્રીસે ૧૯મી જૂન, ૨૦૦૦ના રોજ પોતાનું મૂળ ચલણ ડ્રાચમા બંધ કરીને યુરોને સંપૂર્ણપણે અપનાવી લીધું. એ વખતે મોનેટરી યુનિયન માટે જરૃરી આર્થિક નિયમનના મુદ્દા હાંસિયામાં ધકેલાવાની શરૃઆત થઈ ચૂકી હતી. એ વખતે આખા યુરો ઝોનની નાણાકીય નીતિ યુરોપિયન સેન્ટ્રલ બેંક કરતી હતી. બીજી તરફ, ઈયુના તમામ સભ્ય દેશો પોતપોતાની નાણાકીય નીતિ અને બજેટ મુજબ ચાલતા જ હતા.
યુરોની પહેલી જંગી ચૂકવણીની અસર
વર્ષ ૧૯૯૦માં પશ્ચિમ અને પૂર્વ જર્મનીનું એકીકરણ થયું. આ દરમિયાન અત્યંત સમૃદ્ધ પશ્ચિમ જર્મનીએ વર્ષ ૧૯૯૦થી ૨૦૧૦ સુધી પૂર્વ જર્મનીના આધુનિકીકરણ માટે આશરે ૧.૬ હજાર અબજ યુરોની ચૂકવણી કરી. આ ભંડોળનો ઉપયોગ પૂર્વ જર્મનીએ માર્ગ-મકાન અને ફેક્ટરીઓ બાંધવા જેવા માળખાગત વિકાસની સાથે સાથે સરકારી સ્ટાફને પગારો, પેન્શન વગેરે ચૂકવવામાં પણ કર્યો. પૂર્વ જર્મનીને ફક્ત દસ વર્ષના ટૂંકા ગાળામાં મળેલી આ જંગી આર્થિક સહાયની ભરપૂર મદદ મળી અને એ પણ પશ્ચિમ જર્મનીના અર્થતંત્ર સમકક્ષ આવી ગયું. વર્ષ ૧૯૯૦થી ૧૯૯૫ દરમિયાન જર્મનીની લેબર કોસ્ટમાં ૧૭.૬ ટકાનો વધારો થયો હતો. એ વખતે યુરો ઝોનનું અર્થતંત્ર પણ લેબર કોસ્ટના ખર્ચને પગલે ૧૧.૫ ટકાની સરેરાશ એવરેજથી વિકસ્યું. જોેકે, લેબર કોસ્ટ ઊંચી આવવાના કારણે જર્મનીની નિકાસને મોટું નુકસાન થયું કારણ કે, જર્મની જેવા જ ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે ઉપલબ્ધ હતા, પરંતુ જર્મની ઊંચા ઉત્પાદન ખર્ચને કારણે ઓછી કિંમતે નિકાસ કરી શકે એમ ન હતું. આ સંજોગોમાં જર્મનીનો જીડીપી વર્ષ ૧૯૯૧-૯૩ દરમિયાન ઘટયો અને બેકારી દર પણ ૪.૨ ટકાથી વધીને ૮.૨ ટકા થઈ ગયો.
આમ, એક થઈ ગયેલા જર્મની સામે પણ મોટા આર્થિક પડકારો સર્જાવાની ધીમી શરૃઆત થઈ. એમાંથી બહાર આવવા જર્મનીએ આર્થિક સુધારાની ગતિ તેજ કરી, જેમાં પગાર-ભથ્થાંની ચૂકવણીનું આધુનિકીકરણ પણ સામેલ હતું. વર્ષ ૧૯૯૩થી ૨૦૦૦ દરમિયાન સરકારી કર્મચારીઓ પર ખર્ચાતા નાણામાં એક ટકાનો ઘટાડો થયો. એની અસર પ્રાઈવેટ ક્ષેત્ર પર પણ થઈ અને તેમણે પણ લેબર કોસ્ટ ઘટાડવા 'કોસ્ટ કટિંગ' ચાલુ કર્યું. આ સ્થિતિમાં બેકારીનો દર સતત વધતો ગયો. કોસ્ટ કટિંગને પગલે પ્રાઈવેટ ક્ષેત્રની લેબર કોસ્ટ વર્ષ ૧૯૯૫થી ૨૦૦૦ વચ્ચે ૩.૫ ટકા ઘટી ગઈ. એના કારણે વર્ષ ૧૯૯૩થી ૨૦૦૦ વચ્ચે જર્મનીના જીડીપીમાં નિકાસનો હિસ્સો ૩૩ ટકાથી ઘટીને ૨૨ ટકા થઈ ગયો. આમ, જર્મનીની વૈશ્વિક નિકાસ આશરે સાડા ત્રણ ટકા ઘટી ગઈ.
ગ્રીસ પર કારમો ઘા પડયો કેવી રીતે?
વર્ષ ૧૯૯૯માં યુરોપિયન યુનિયનનું મોનેટરી યુનિયન ચાલુ થયા પછી યુરોનો સૌથી મોટો લાભ જર્મનીએ લીધો. યુરો ઝોને યુરો અપનાવી લીધો હોવાથી કરન્સી માર્કેટની અફડાતફડીનું 'વેપારી જોખમ' બિલકુલ દૂર થઈ ગયું હતું. યુરોપિયન રાષ્ટ્રો એકબીજા સાથે ખૂબ સરળતાથી વેપાર કરી શકતા હતા કારણ કે, ખરીદી કે વેચાણ માટે યુરોમાં જ ચૂકવણી થતી હતી. જોકે, યુરો જેમ જેમ યુરો ઝોનમાં ફેલાતું ગયું એમ એમ ખબર પડી કે, જે દેશ ઓછામાં ઓછા ઉત્પાદન ખર્ચે ચીજવસ્તુઓ બનાવે તેની યુરોપના બધા દેશોમાં ઈજારાશાહી રહે. હવે બધા જ દેશોએ યુરોમાં જ ખરીદી કે વેચાણ કરવાનું હોવાથી કરન્સી માર્કેટનો લાભ પણ ના મળે. જેમ કે, અમેરિકામાં દાંતની સારવાર વધુ સારી થાય છે અને ભારતમાં પણ. આમ છતાં, અમેરિકનો દાંતની સારવાર માટે ભારત આવે છે કારણ કે, અહીં તેમણે રૃપિયામાં ચૂકવણી કરવાની હોવાથી સારવાર તેમને પ્રમાણમાં સસ્તી પડે છે. આ કારણોસર પશ્ચિમી દેશોના પ્રવાસીઓ ભારત આવે ત્યારે સારવાર કરાવવાની હોય તો તે પણ કરાવી લે છે.
યુરોપિયન દેશોમાં યુરો આવી ગયા પછી જે દેશ સૌથી સારા પગાર અને ભથ્થાં આપે ત્યાં લેબર ફોર્સ જતો રહે. પરંતુ આવું થયું નહીં કારણ કે, કોઈ પણ દેશના લોકોએ વર્ક વિઝા લઈને અન્ય દેશમાં જવું એટલું સરળ ન હતું. આ મુશ્કેલીનો ઉકેલ મોનેટરી યુનિયન લાવી શકે એમ હતું, પરંતુ એ પોલિટિકલ યુનિયન નહીં હોવાથી તેની સ્થિતિ દાંત-નહોર વિનાના સિંહ જેવી હતી. આમ, લેબર ફોર્સ વિના સૌથી કફોડી સ્થિતિ ઉદ્યોગ જગતની થઈ હતી.
આ મુદ્દો સમજવા એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે નેવુંના દાયકામાં જર્મનીમાં પગાર-ભથ્થાં ખૂબ નીચા હતા અને તેમાં વધારો પણ ધીમી ગતિએ થઈ રહ્યો હતો, જ્યારે ગ્રીસમાં પગાર ધોરણો સારા હતા અને તેનો વિકાસ દર પણ ઊંચો હતો. આ કારણોસર જર્મનીના ઉદ્યોગજગતને ભરપૂર ફાયદો મળતો હતો કારણ કે, જર્મન ચીજવસ્તુઓનો ઉત્પાદન ખર્ચ નીચો હોવાથી યુરોપના બજારોમાં જર્મની સામે ગ્રીસના ઉત્પાદનો ટકી નહીં શકતા. ગ્રીસમાં લોકોના પગાર ઊંચા હોવાથી તેની વસ્તુઓ પણ મોંઘી હતી. જર્મની યુરો ઝોનના મુક્ત વેપારનો લાભ લેતું અને ગ્રીસમાં જઈને ચીજવસ્તુઓ બજારમાં મૂકતું. એટલે ગ્રીક લોકો પણ પોતાના જ દેશમાં બનેલી ચીજવસ્તુઓ નહીં પણ જર્મન મેડ ચીજવસ્તુઓ ખરીદતી. ગ્રીસના અર્થતંત્ર પર આ કારમો ઘા હતો.
મોનેટરી યુનિયન 'પોલિટિકલ' બન્યું
મોનેટરી યુનિયનની સ્થિતિ લાંબો સમય 'ખરાબ' ન રહી અને તે પોલિટિકલ એટલે કે રાજકીય રીતે મજબૂત યુનિયન બન્યું. હવે જર્મન લેબર ફોર્સ નોકરી કરવા ગ્રીસ જઈ શકતા હતા. જર્મન કંપનીઓ પણ લેબર ફોર્સને ગ્રીસ જતો રોકવા પગાર વધારવા મજબૂર થઈ. બીજી તરફ, ગ્રીસની કંપનીઓ સસ્તા જર્મન સ્ટાફનું લોહી ચાખી ગઈ. જર્મનીના લાખો અસંતોષીઓ પગારની લાલચ પછીયે ગ્રીસ જતો રહ્યો. આટલી અફડાતફડી પછી જર્મની અને ગ્રીસના અર્થતંત્રો માંડ સંતુલિત થયા હતા. હજુ પણ જર્મન કંપનીઓનો ઉત્પાદન ખર્ચ ગ્રીસ કરતા પ્રમાણમાં નીચો જ હતો. પરંતુ વર્ષ ૨૦૦૦થી ૨૦૦૯ સુધી જર્મનીની નિકાસ માંડ ૦.૫ ટકા જ વધી હતી.
આ સમયગાળામાં વૈશ્વિક નિકાસમાં ૧૧.૬ ટકા ઘટાડો થયો હતો પણ જર્મની સહી-સલામત હતું. વર્ષ ૨૦૦૮માં જર્મનીના જીડીપીમાં નિકાસનો હિસ્સો ૪૮ ટકા હતો. આ ફૂલગુલાબી ચિત્ર નીચી લેબર કોસ્ટને જ આભારી હતું. જર્મનીની નિકાસ વર્ષ ૨૦૦૦થી ૨૦૦૮ સુધી ૧૫૦ ટકા વધીને ૧.૫ હજાર અબજે પહોંચી ગઈ હતી. જોેકે, નિકાસમાં ૧૫૦ ટકાના વધારા પછીયે લોકોના પગારધોરણોમાં માંડ ૧૧ ટકાનો વધારો થયો હતો. જર્મનીના પગારધોરણો યુરો ઝોનની સરેરાશથી પણ ૧૫ ટકા ઓછા હતા, જ્યારે પિગ્સ દેશોથી આ આંકડો ૩૬ ટકા નીચો હતો. યુરોપમાં પોર્ટુગલ, આયર્લેન્ડ, ઈટાલી, ગ્રીસ અને સ્પેન સમૂહ 'પિગ્સ' તરીકે ઓળખાય છે. એક અંદાજ પ્રમાણે, ગ્રીસમાં ઉત્પાદિત કોઈ પણ ચીજની કિંમત જર્મની કરતા ૩૦ ટકા વધારે રહેતી. આ દરમિયાન મુક્ત યુરો ઝોનમાં ગ્રીસની આયાત તેની નિકાસ કરતા અનેકગણી વધતી ગઈ. આમ, મોનેટરી યુનિયને લેબર ફોર્સની મુક્ત આવનજાવનનો પણ ગ્રીસને ફાયદો ના મળ્યો.
એક થિયરી પ્રમાણે, કોમન કરન્સીનો વિચાર મૂળમાંથી જ ખોટો છે. બેથી વધુ દેશોની કોમન કરન્સીથી લાભ થવાના બદલે નુકસાન વધુ થાય છે અને જેને ફાયદો થાય છે એને અન્ય દેશના અર્થતંત્રના ભોગે ફાયદો થાય છે. કોમન કરન્સીના તરફદારોનું કહેવું છે કે, તમામ અર્થતંત્રોને ફાયદો થાય એવી રીતે આયાત-નિકાસ અને લેબર ફોર્સને લગતા નીતિનિયમો બનાવી શકાય, પરંતુ કોમન કરન્સીનો અમલ અત્યંત જટિલ પ્રશ્નોનું સર્જન કરતા હોવાથી તેના નીતિનિયમો બનાવીને અમલમાં મૂકવા જ લગભગ અશક્ય હોય છે.

ઓઇલ કંપનીઓની અઢળક કમાણી પરંતુ ત્યાંની પ્રજાનું જીવન કંગાળ

વિષુવવૃત્તિય ગીનીમાં પશ્ચિમની
ગીનીમાં સરમુખત્યારશાહી વિષુવૃત્તિય ગીની આફ્રિકા ખંડનો એક નાનકડો દેશ છે. ૨૦૧૩માં તેની વસતી સાડા સાત લાખની હતી. તેના નામ પ્રમાણે તે વિષુવૃત્ત પર આવેલો છે. ૧૯૬૮માં તે સ્વતંત્ર થયો તેના પર સ્પેનની હકુમત હતી અને હજી પણ તેની સત્તાવાર ભાષા સ્પેનીશ છે. ૧૯૬૮માં સ્વતંત્રતા મળ્યા પછી ૧૯૭૦માં માર્કોસ ન્યુગેમાએ દેશમાં માત્ર એક રાજકીય પક્ષની સરકાર રચી. ૧૯૭૨માં માર્કોસ દેશના જીવનભરના પ્રેસિડેન્ટ બની ગયા. તેમણે વિરોધી લોકોને મારી નાખ્યા. ઇ.સ. ૧૯૭૫માં તેમને ઉથલાવવાનો પ્રયત્ન કરતા ૧૫૦ લોકોની કત્લેઆમ કરી નાખી.
બ્યુબી નામની લઘુમતી ટ્રાઇબના હજારો લોકોને મારી નાખ્યા આને જેનોસાઇડ કહેવાય. દેશ ભાંગી પડયો કારણ કે કુશળ કારીગરો, ટેકનિશિયનો અને વધુ કુશળ કામ કરનારા વિદેશીઓ દેશ છોડીને ભાગી ગયા. તે પછી માર્કોસને ઓબીઆન્ડા નામના નેતાએ ઉથલાવી પાડયા અને મારી નાખ્યા.
વિદેશી ઓઇલ કંપનીઓનું આગમન ઇ.સ. ૧૯૯૬માં અમેરિકન કંપનીએ આ દેશમાં ખનિજ તેલ ખોળી કાઢ્યું, તેલના કૂવાઓ ખોદ્યા તે પછી દેશમાં અર્થકારણ ઝડપી બન્યું. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે આ દેશને જગતના સૌથી વધુ ભ્રષ્ટ બાર દેશોમાંનો એક ગણ્યો છે. આ દેશનો માનવ અધિકારનો રેકોર્ડ બહુ જ ખરાબ છે. ૧૯૬૮માં આ દેશે સ્પેન પાસેથી સ્વતંત્રતા મેળવી તે પહેલા એ કોકો, કોફી અને લાકડાની નિકાસ કરનારો દેશ હતો પરંતુ હવે તે ખનિજ તેલની પણ મોટે પાયે નિકાસ કરે છે. વર્ષોથી આ દેશના પ્રેસિડેન્ટ ઓબીઆંન્ગ છે. પુષ્કળ ભ્રષ્ટ અને ક્રૂર છે પણ અમેરિકાના મિત્ર છે. કારણ કે તેમના દેશમાં અમેરિકન ઓઇલ કંપનીઓ કામ કરે છે જેને લીધે દેશની આવકમાં ગંજાવર વધારો થયો છે. ખનિજ તેલના ધંધાના કારણે હવે આ દેશમાં એકમાત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટની રચના થઈ છે. આ દેશમાં નસીબ અજમાવવા, બ્રિટીશ, ફ્રેંચ, જર્મન વગેરે કાયમી વસવાટ કરવા આવ્યા છે. થોડાક ઇઝરાઇલી, મોરક્કન અને ભારતીયો પણ આવ્યા છે. ઇ.સ. ૨૦૦૦માં આ દેશની માથાદીઠ આવક ૨૮૦૦ ડોલર્સ હતી તેમ છતાં તેની વસતીના લગભગ ૭૭ ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે અને સરાસરી જીવન આવરદા માત્ર ૫૩ વર્ષ છે. ૨૦૦૦માં તેની માથાદીઠ આવક જે માત્ર ૨૮૦૦ ડોલર્સ હતી. ઇ.સ. ૨૦૧૩માં તે જબરજસ્ત વધીને ૧૪,૩૨૦ ડોલર્સ થઈ ગઈ પણ દેશમાં ઉપર જોયું તેમ ૭૭ ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. દેશની સમૃદ્ધિનો લાભ ત્યાંના રાજ્યકર્તાઓ અને વિદેશીઓ લે છે.
જબરજસ્ત અસમાનતા ઃ આ દેશમાં સંપત્તિ અને આવકની અસમાનતા પુષ્કળ વધારે છે, નહીં તો ૭૭ ટકા લોકો ગરીબીની રેખા હેઠળ ક્યાંથી જીવતા હોય ? દેશના નેતાઓ નિર્દયી સરમુખત્યારો છે. જેમાં વિરોધીઓની કત્લેઆમ ચલાવે છે. દેશની મોટા ભાગની સંપત્તિ આ સરમુખત્યાર અને તેના કુટુંબીજનો અને મળતિયાઓ લૂંટી લે છે. વિરોધીઓ આતંકિત (ટેરરાઇઝ્ડ) થઈ ગયા છે. મોટા ભાગના લોકો ઝોંપડપટ્ટીમાં નળના પાણીની અને ગટરની સવલતો વિના જીવે છે. તેમાંના ઘણા તો નાના નાના ફેરિયા કે નાના દુકાનદારો છે. ઘણાં અનાજ અને ભંગાર વીણે છે. આ દેશમાં તેલનો જથ્થો ખૂબ મળ્યો હોવાથી તેનો આર્થિક વૃદ્ધિદર ઉંચો રહ્યો છે ભવિષ્યમાં પણ ઉંચો રહેશે. મોટા ભાગની તેલ કંપનીઓ અમેરિકાની છે આ કંપનીઓ (અમેરિકાની અને અન્ય ધનિક દેશોની) એ દેશની સરમુખત્યાર સરકાર સાથે સમજૂતી સાધી છે. કંપનીમાં કામ કરનારા લોકો (મોટા ભાગના વિદેશીઓ) પોતાના વિસ્તારમાં ઠાઠથી સારા મકાનોમાં રહે છે. જ્યારે દેશવાસીઓ ઝૂંપડામાં રહે છે. આ કંપની ઘણો નફો કરે છે અને પોતાની મિલકત સચવાય તેથી રાજ્યને મદદ કરે છે. વળી ઓઇલ ક્ષેત્રમાં કામ કરનારા કુશળ કારીગરો (ટેકનિશિયનો) પણ સારી રીતે જીવે છે. વૉશિંગ્ટનમાં ઓઇલ લોબી તેના રાજ્યકર્તાઓને સમજાવે છે કે, અમેરિકન બિઝનેસ આ દેશમાં સારી કામગીરી કરી રહી છે. જ્યારે અમેરિકામાં જ્યોર્જ બુશ પ્રેસિડેન્ટ હતા ત્યારે તેમણે આ દેશમાં અમેરિકન એમ્બેસીની પણ સ્થાપના કરી હતી. જ્યોર્જ બુશના સમયમાં ખનિજ તેલની લોબી ઘણી શક્તિશાળી હતી. આ દશમાં માનવ અધિકારોનું ધોરણ તદ્દન નીચું હોવા છતાં અમેરિકાને તેની પડી નથી. હવે નવા બંધારણ હેઠળ કોઈ જીવનભરનો પ્રેસિડેન્ટ ના થઈ શકે તેવી જોગવાઈ છે. અત્યારના પ્રેસિડેન્ટની મુદત ઇ.સ. ૨૦૧૬માં પૂરી થાય છે પછી પણ તેઓ પ્રેસિડેન્ટ રહેવા માગે છે. તેમના મત મુજબ તેઓ ઘણા વર્ષો પ્રેસિડેન્ટ રહ્યા પછી નવા બંધારણ પછી તેઓને નવેસરથી પ્રેસિડેન્ટ બનવાનો હક્ક છે.
નિરીક્ષણો ઃ ઉપરના કેસ સ્ટડી ઉપરથી ઘણી બાબતો સ્પષ્ટ બને છે. અમેરિકન કે યુરોપની કંપનીઓ જ્યાં જ્યાં તેલ મળે કે ખોળી કાઢે ત્યાં ધસી જાય છે અને પુષ્કળ નફો કરે છે. તેમની દલીલ એવી છે કે અમે પોતે જ ખનિજ ઓઇલના ક્ષેત્રો માટે જબરજસ્ત મૂડીરોકાણ કર્યુ છે. ટેકનિકલ કુશળતા જોઈએ તે પણ અમે જ પૂરી પાડીએ છીએ. તો પછી અમે નફો કેમ ના કરીએ ? અમે તે દેશના રાજકારણમાં પડવા માંગતા નથી પણ રાજકારણીઓ અમને કાઢી ન મૂકે તે માટે તેમને મનાવી લઈએ છીએ. વળી આ દેશમાં કુશળ કારીગરો જ નથી તેથી અમારે તેઓને અન્ય દેશોમાંથી જ સારા પગારે લાવવા પડે છે. આ દેશના રાજકર્તાઓ અનર્ગળ ભ્રષ્ટાચાર કરે છે અને પુષ્કળ વિરોધીઓને જેલમાં પૂરી ટોર્ચર કરે કે મારી નાખે છે પણ તેમાં અમે શું કરી શકીએ ? અમે અહીં વેપાર કરવા આવ્યા છીએ, રાજકારણ ખેલવા નથી. આ દેશના સરમુખત્યારો અમારી સંપત્તિ લૂંટી લેતા નથી કારણ કે એમની પાસે ઓઇલ કંપનીઓ મેનેજ કરવાની કોઈ કુશળતા નથી પરંતુ આ દલીલ ચાલી શકે તેમ નથી. કુશળતા કેળવી શકાય છે ભારતે તે કેળવી છે કે નહીં ? ખનિજ તેલની આવકનો સિંહ ભાગ આ કંપનીઓ લઈ જાય છે તેના બદલામાં થોડાક પ્રતીકાત્મક રસ્તાઓ બાંધી આપે કે થોડી શાળાઓ ઊભી કરે તે પૂરતું નથી તેનાથી આ ગરીબ દેશમા મૂળભૂત સુધારા આવી શકે નહીં. ગરીબો તો ગરીબ જ રહેશે. કારણ કે કુશળતા વધારવાની સવલતો આ દેશમાં ઊભી થઈ નથી અને માત્ર સાડા સાત લાખની વસ્તી ધરાવતા આ રાજ્યના રાજકર્તાઓ પુષ્કળ ધન પોતાના અંકે કરી લે છે. વળી તે ઉપરાંત એક મુદ્દો એ છે કે આફ્રિકાના દેશોમાં લોકશાહીની પરંપરા ઊભી થઈ નથી. જ્યાં યુગાન્ડાના ઇદી અમીનને પણ ભુલાવે એવા ક્રૂર સરમુખત્યારો ઉભા થાય છે. તેઓ જનતાને લૂંટે છે આ બધું જોયા પછી ભારતમાં લોકશાહી (ભલે ત્રૂટિપૂર્ણ હોય) છે તેનાથી એક પ્રકારની નિરાંતની લાગણી થાય છે.
છેલ્લે એક વાત ભૂલવાની નથી ભારતની પણ મોટી કંપનીઓ આફ્રિકા ખંડમાં ખનિજનું ઉત્ખનન કરે છે. ખનિજ ક્ષેત્રની માલિકી પણ ધરાવે છે. ભવિષ્યમાં ભારતની અનેક કંપનીઓ બહુરાષ્ટ્રીય બનશે અને આફ્રિકાના સંશાધનોનો ઉપયોગ કરશે અને ભારતને સમૃદ્ધ કરશે. આ બાબત ઇચ્છવા યોગ્ય છે કે નહીં તે ચર્ચા માંગી લે છે. પશ્ચિમની કંપનીઓ અન્ય દેશનું શોષણ કરે છે પણ ભારતની મોટી કંપનીઓ ના કરે એવું માનવાની જરૃર નથી. તક મળતા દરેક જૂથ કે પ્રજા બીજા અસહાય જૂથ કે અસહાય દેશનું શોષણ કરે છે. તેને અટકાવવા શોષિત લોકો કે જૂથોએ 'એમ્પાવરમેન્ટ' થવું પડે. તેમણે જ પહેલ કરવી પડે કારણ કે શોષણખોરો શોષિત પ્રજા માટે કોઈ સહાનુભૂતિ ધરાવતા નથી.

વ્યાપમ ટેરરઃ સન્નાટામાં ત્રાટકતું મોત કે યોગાનુયોગ?

સંદેહાત્મક મૃત્યુનો આંકડો પચાસે પહોંચ્યો છે પણ મોતનું કારણ મળતું નથી અને કૌભાંડનો તાગ મળતો નથી

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના ચાહકોમાં 'મામા'ના હુલામણા નામે જાણીતા છે અને તેમના જ રાજ્યમાં આઝાદી પછીના દરેક કૌભાંડનો 'મામો' ગણાય એવું કૌભાંડ સનસનાટી મચાવે છે



આઝાદી પછી કદાચ ભાગ્યે જ આવી કોઈ ઘટના નોંધાઈ છે જેમાં એક જ કૌભાંડ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા આરોપીઓ, સાક્ષીઓ, તપાસકર્તાઓ, પક્ષકારો સંદેહાત્મક મૃત્યુને ભેટતા હોય અને તેમ છતાં મૃત્યુનું કારણ ન જડતું હોય અને કૌભાંડનો છેડો ન પકડાતો હોય. એ હિસાબે મધ્યપ્રદેશનું વ્યાપમ કૌભાંડ અભૂતપૂર્વ બની રહ્યું છે.
સોશિયલ મીડિયાથી માંડીને પ્રસાર માધ્યમો સુધીના દરેક સ્તરે સનસનાટી મચાવી રહેલું વ્યાપમ કૌભાંડ તેમાં કોઈકને કોઈક રીતે સંકળાયેલા લોકોના પરિજનોના હૈયે ય હવે ફાળ પાડી રહ્યું છે. એક પછી એક ઘટનાઓ જ એવી બને છે કે જેનો કોઈ તાગ મળતો નથી. એકસરખી ભેદી રીતે મોતને ભેટતા લોકોની સંખ્યા ત્રણ વર્ષમાં અર્ધશતકે પહોંચવા આવી છે. સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે, ભેદી રીતે મોતને ભેટતા લોકોના પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી થઈ રહી છે અને એ પછી ય ભેદ ઉકેલાતો નથી.
મોત આવે છે પણ કેવી રીતે? જુઓ કેટલાંક ઉદાહરણ...
૨૦ વર્ષની એક યુવતીનું નામ નમ્રતા ડામોર. બારમા ધોરણમાં ઓછા ટકા આવ્યા પણ કોઈકે બનાવટી માર્કશીટ બનાવડાવીને મેડિકલમાં એડમિશન અપાવી દીધું. વ્યાપમ કૌભાંડની તપાસમાં માર્કશીટનો નંબર સરકારના રેકર્ડ સાથે ચેક કરવામાં બનાવટ પકડાઈ ગઈ એટલે નમ્રતાની પૂછપરછ થઈ, જેમાં તેણે પૈસા ખવડાવીને બનાવટી માર્કશીટ બનાવડાવી હોવાનું તેમજ એ ખોટી માર્કશીટના આધારે જ મેડિકલમાં એડમિશન લીધું હોવાનું સ્વીકારી લીધું.
પોલિસે આરંભે તેને કૌભાંડની સાક્ષી બનાવી અને તેના નિવેદનને આધાર બનાવીને કેટલાંક વચેટિયાની ધરપકડ કરવાનું આયોજન કર્યું. પોલિસ હજુ નમ્રતાની વધુ પૂછપરછ કરે એ પહેલાં ૨૦૧૨ના ઓગસ્ટ મહિનામાં નમ્રતા ઘરેથી ગાયબ થઈ ગઈ. થોડાં દિવસ પછી ૧૩૦ કિલોમીટર દૂર ઉજ્જૈન નજીકના રેલ-વે ટ્રેક પાસેથી તેની લાશ મળી. એ અહીં સુધી કેવી રીતે પહોંચી, તેની સાથે કોણ હતું, છેલ્લે તેણે કોનો સંપર્ક કર્યો હતો અને સૌૈથી વિશેષ તો, તેનું મૃત્યુ કેવી રીતે નીપજ્યું એ એકપણ સવાલના જવાબ ત્રણ વર્ષે ય હજુ સુધી મળ્યા નથી.
હવે બીજો બનાવ જુઓ.
એ જ નમ્રતા ડામોરના ભેદી મૃત્યુની છાનબીન કરવા અક્ષય સિંઘ નામનો એક રાષ્ટ્રીય ચેનલનો પત્રકાર મથી રહ્યો હતો. વ્યાપમ કૌભાંડ સંબંધિત કેટલીક સ્ટોરી તેણે કરી લીધી હતી. મધ્યપ્રદેશની ગુજરાતની સરહદ પાસેના ઝાબુઆ ગામના મેઘનગર વિસ્તારમાં જઈને તેણે નમ્રતાની ફ્રેન્ડ્સ, ટીચર્સ, પાસપડોશી અને બીજા લોકોના ઈન્ટરવ્યૂ પણ કર્યા હતા. છેવટે નમ્રતાના પરિવારજનો સાથે એ એક લાંબો ઈન્ટરવ્યૂ કરી રહ્યો હતો.
ઈન્ટરવ્યૂ પત્યા પછી કેટલાંક કાગળોની ફોટોકોપી કરાવીને અક્ષયને આપવા નમ્રતાના એક સંબંધી બજારમાં ગયા અને અક્ષય તેમજ કેમેરામેન ઘરની બહારના કેટલાંક દૃષ્યો કેમેરામાં ઝડપી રહ્યા હતા. અચાનક જ અક્ષયે કેમેરામેનને કહ્યું કે, 'મને કંઈક થાય છે', કેમેરામેન કંઈ સમજે એ પહેલાં તો અક્ષય ભોંય પર પટકાઈ પડયો અને તેનાં મોંમાંથી ફીણ નીકળવા માંડયા. તાત્કાલિક તેને પહેલાં સિવિલ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ અને પછી પાડોશી રાજ્ય ગુજરાતના દાહોદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તે મૃત જાહેર થયો.
હજુ ગયા અઠવાડિયે પહેલી જુલાઈએ પોતાનો ૩૯મો જન્મદિન ઉજવનાર અક્ષય બિલકુલ તંદુરસ્ત હતો અને તેને કોઈ જ બિમારી ન હતી. ભોંય પર તે પટકાયો ત્યાં સુધી કશીક તકલીફ થતી હોવાની તેણે કોઈ ફરિયાદ સુદ્ધાં કરી ન હતી. તો પછી અચાનક એવું શું થયું કે તે ગણતરીની મિનિટોમાં મોતને ભેટયો? સવાલ માત્ર અક્ષયનો નથી. વ્યાપમ કૌભાંડમાં આવા મોતની ભયાનક અને ચોંકાવનારી હારમાળઆ છે.
બીજો કિસ્સો જુઓ...
વ્યાપમ કૌભાંડમાં સરકારી નોકરીઓ ઉપરાંત એન્જિનિયરિંગ અને મેડિકલના એડમિશનમાં પણ ભારે ગોટાળા થયા હોવાનું તપાસમાં જણાતાં એક વર્ષ પહેલાં જબલપુરની નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજના ડીન ડો. ડી.કે.સકલ્લેને છેલ્લા પાંચ વર્ષમાં અપાયેલા મેડિકલ એડમિશનની સરકારી રેકોર્ડ મુજબ ખરાઈ કરવાની તપાસ સોંપાઈ હતી.
આ તપાસ સોંપાયાના થોડાં જ સમયમાં ડો. સકલ્લે રવિવાર હોવા છતાં 'અગત્યનું કામ હોવાથી ઓફિસે જાઉં છું' એમ કહીને મોડી સાંજે ઘરેથી નીકળ્યા. રાતભર ઘરે પરત ફર્યા નહિ અને સોમવારે સવારે તેમને ફાળવાયેલા મેડિકલ કોલેજના ક્વાર્ટરમાં બળેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો. ડો. સકલ્લે કેવી રીતે સળગી ગયા? સળગી ગયા ત્યારે કોઈએ તેમની ચીસ કેમ ન સાંભળી? વગેરે પાયાના સવાલો સુદ્ધાં હજુ અનુત્તર છે.
દરમિયાન...
ડો. સકલ્લેના ભેદી મૃત્યુ પછી તેમના સ્થાને ડો. અરુણ શર્મા નામના નવા ડીન નિમાયા. તેમણે ડો. સકલ્લેએ તારવેલા તપાસના મુદ્દાઓ વ્યાપમ કૌભાંડની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમને સોંપ્યા અને મળેલા આદેશ મુજબ નવી તપાસ આગળ ધપાવી. દરમિયાન, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા અગરતલા (ત્રિપુરા)ની એક મેડિકલ કોલેજના ઈન્સ્પેક્શન માટે જવાનું કહેણ આવતાં શનિવારે રાતે તેઓ દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં તેઓ હોટેલ ઉત્પલમાં રોકાયા અને મેડિકલ કાઉન્સિલને પોતાની હાજરીની જાણ કરીને રવિવારે બપોરે નિયત સમયે પોતે એરપોર્ટ પહોંચી જશે એવું કહ્યું.
રવિવારે સવારે ક્યાંય સુધી તેમના રૃમનો દરવાજો ય ન ખૂલ્યો અને તેમના રૃમમાં હોટેલનો ઈન્ટરકોમ પણ અનુત્તર રહ્યો એટલે હોટેલવાળાએ ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો તો ડો. શર્મા પથારીમાં પડયા હતા અને તેમના મોંમાંથી ફીણ નીકળતું હતું. પથારી પાસે દારૃની અડધી ભરેલી બોટલ હતી. બ્લડપ્રેશર સહિત કેટલીક દવાઓ ટેબલ પર પડી હતી. એ સિવાય બધું જ યથાવત્ત હતું. ફક્ત ડો. શર્માનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. આપણે અહીં ચાર મૃત્યુ વિશે વિગતે વાત કરી, પરંતુ બહુચર્ચિત વ્યાપમ કૌભાંડમાં આવા ભેદી, ડરામણા અને અત્યંત સનસનીખેજ મૃત્યુની હારમાળા છે. આવા આકસ્મિક અને રહસ્યમય મૃત્યુનો આંકડો પચાસ સુધી પહોંચવા આવ્યો છે. ડો. સકલ્લેનો એક જ કિસ્સો એવો છે જેમાં બળેલી હાલતમાં લાશ મળી છે. બાકીના મોટાભાગના કિસ્સામાં દારૃ અને દવા લાશ પાસેથી મળ્યા છે. કેટલાંક કિસ્સામાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
કેટલાંક કિસ્સામાં રસ્તા પર અકસ્માતમાં મોત થયું હોય એ પ્રકારે ઘવાયેલી લાશ મળી આવી છે. જોકે અકસ્માત જોયો હોય એવું કોઈ નથી. અપમૃત્યુના દોઢ ડઝનથી કિસ્સા એવા છે જેમાં મૃતક યુવાન વયના, તંદુરસ્ત અને માંદગીની કોઈ ફરિયાદ વગરના હોય. અક્ષય સિંહ સહિત કેટલાંક કિસ્સામાં પોસ્ટમોર્ટમની વિડિયોગ્રાફી પણ થઈ છે. ડો. શર્માના કિસ્સાની માફક વિસેરાની ફોરેન્સિક જાંચના આદેશ આ અગાઉ પણ થયા છે પરંતુ તારણ કશું જ આવતું નથી અને કમનસીબે ચૂપકીદીપૂર્વક ત્રાટકી જતા મોતનો સિલસિલો પણ ખતમ થતો નથી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના ચાહકો, સમર્થકોમાં 'મામા'ના હુલામણા નામે જાણીતા છે અને તેમના જ રાજ્યમાં આઝાદી પછીના દરેક કૌભાંડનો 'મામો' ગણાય એવું કૌભાંડ સનસનાટી મચાવે છે. વ્યાપમ કૌભાંડ શું છે, કોણ-કોણ એમાં સંડોવાયેલું છે એ વિશે આપણે આ કોલમ અંતર્ગત અગાઉ ચર્ચા કરી જ ચૂક્યા છીએ. છતાં ટૂંકમાં જાણી લઈએ તો, મધ્યપ્રદેશ સરકારના વ્યાવસાયિક પરિક્ષા મંડળ (વ્યાપમ) દ્વારા થતી સરકારી ભરતીમાં તેમજ ૨૦૦૮થી ૨૦૧૩ દરમિયાન લેવાયેલી મેડિકલ, એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ થતી હોવાનું બહાર આવ્યું હતું. એ પછી ઉચ્ચ શિક્ષણમંત્રી લક્ષ્મીકાંત શર્મા સહિત વ્યાપમના ટોચના એક ડઝનથી વધુ અધિકારીઓ જેલ ભેગા થયા હતા.
મોટા માથાઓની સંડોવણી પછી રાષ્ટ્રીય સ્તરે ચમકેલા આ કૌભાંડમાં સરકારે હાઈકોર્ટના આદેશથી સ્પેશ્યલ ટીમ નિમવી પડી હતી. સ્પેશ્યલ ટીમે સપાટો બોલાવાનો શરૃ કર્યો. આરોપીઓની યાદી તૈયાર થઈ, ધરપકડોનો દૌર આરંભાયો અને સાક્ષીઓને તૈયાર કરાયા. એ દરમિયાન અપમૃત્યુઓનો સિલસિલો પણ જારી થઈ ગયો. સંદેહાત્મક મૃત્યુનો આંકડો પચાસે પહોંચ્યો છે પણ મોતનું કારણ મળતું નથી, કૌભાંડનો તાગ મળતો નથી અને ચૂપકીદીપૂર્વક ત્રાટકતું મોત એવા જ છદ્મવેશે ગાયબ થઈ જાય છે... રહી જાય છે ફક્ત મોંમાંથી ફીણ નીકળતી પ્રાણ વગરની લાશ!
Source:[Gujarat Samachar]

ભૂતકાળની ભૂતાવળો

સરકારી નોકરીમાં મહત્ત્વના હોદ્દેથી પરવારી ઉતરેલા અમલદારો તેમનાં સંભારણાં લખે ત્યારે વિવાદ ન થાય એવું ભાગ્યે જ બને. તેમને પુસ્તક લખવાનું મન ત્યારે જ થાય, જ્યારે તેમને કશું કહેવાની-જણાવવાની ચટપટી જાગી હોય અને નોકરી દરમિયાન તેની પર કાબૂ રાખીને બેઠા હોય. એમાં પણ ભારતની જાસુસી સંસ્થા 'રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ'ના વડા તરીકે કામ કરી ચૂકેલી વ્યક્તિ જ્યારે અને જેટલું પણ મોં ખોલે, ત્યારે ધુમાડા અને આગ નીકળે જ. 'રો'ના સૌથી નામાંકિત અને સૌથી સફળ ગણાયેલા વડા રામનાથ કાઓનું મોં આજીવન બંધ રહ્યું. તેમને ઘણું બધું કહેવાનું હતું. 'રો'ની સ્થાપનાથી માંડીને બાંગલાદેશના સર્જનમાં 'રો'નો ફાળો તથા આંતરરાષ્ટ્રિય સ્તરે 'રો'ની કામગીરી વિશે કાઓ પાસે રહેલી માહિતી કેવી માર્કાની હોય, એ કલ્પી શકાય એવું છે. કાઓએ આ બધું લખી પણ રાખ્યું. છતાં તેને પ્રકાશિત કરવાથી દૂર રહ્યા. પોતાના મૃત્યુ પછીનાં અમુક વર્ષે જ એ લખાણ પ્રકાશિત કરવાની તેમની સૂચનાનું કડક પાલન થયું. પરંતુ વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે 'રો'ના વડા તરીકે ફરજ બજાવનાર એ.એલ.દુલાત લાંબો સમય ચૂપ ન રહ્યા. તેમના પુસ્તક 'કાશ્મીર ઃ ધ વાજપેયી યર્સ'થી કેટલાક જૂના વિવાદો નવેસરથી ધુણવા લાગ્યા છે.
દુલાતના જણાવ્યા પ્રમાણે, ઇન્ડિયાન એરલાઇન્સના વિમાનનું ત્રાસવાદીઓએ અપહરણ કર્યું અને તેના મુસાફરોને મુક્ત કરવા માટે એનડીએ સરકારે ખતરનાક ત્રાસવાદી મસુદ અઝહરને છોડી મૂકવો પડયો, એ પ્રસંગે સરકારની નિર્ણયશક્તિ ઓછી પડી. તેમના મતે, અપહૃત વિમાન પહેલાં અમૃતસર વિમાનમથકે ઉતર્યું, ત્યારે તેને ત્યાં જ રોકી પાડવા માટે પંજાબ પોલીસ સક્રિય બની ચૂકી હતી. પંજાબ પોલીસ પાસે વિમાનને નિષ્ક્રિય બનાવી દઇ શકે એવા કમાન્ડો હતા. પરંતુ સરકાર તરફથી એ પ્રકારના કોઇ સ્પષ્ટ આદેશ અપાવાને બદલે ચર્ચાઓ થતી રહી અને વિમાન અમૃતસરથી ઉડીને લાહોર-દુબઇ થઇને કંદહાર પહોંચી ગયું. ત્રાસવાદીઓને છોડવાના મુદ્દે જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ફારુક અબ્દુલ્લા બહુ નારાજ હતા અને દુલાતે લખ્યું છે કે અબ્દુલ્લાએ તેમની સામે (ગુસ્સામાં આવીને) ઘણા બૂમબરાડા કર્યા અને પછી રાજ્યપાલને મળવા ચાલ્યા ગયા. દુલાતના જણાવ્યા પ્રમાણે, ફારુક રાજીનામું આપવા માગતા હતા પણ રાજ્યપાલે ઉત્તમ સ્કૉચ અને થોડી વાતોચીતો કરીને ફારુકને ટાઢા પાડયા અને રાજીનામું આપતાં રોક્યા.
ગુજરાતમાં ૨૦૦૨ની કોમી હિંસા વિશે દુલાતે વાજપેયીનું ખેદ-વાક્ય નોંધ્યું છે કે 'વો હમારેસે ગલતી હુઇ હૈ.' વર્ષ ૨૦૦૪માં થયેલી ચૂંટણીમાં એનડીએનો પરાજય થયો ત્યારે પણ દુલાતના જણાવ્યા પ્રમાણે, વાજપેયીએ ગુજરાતની 'ગલતી'ને યાદ કરી હતી અને તેમના ચહેરા પર ઉદાસી છવાઇ ગઇ હતી. વાજપેયીની પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ મુશર્રફ સાથે આગ્રામાં બેઠક યોજાઇ ત્યારે તેમની મંત્રણાઓ સફળ બને એવી પૂરી સંભાવના હતી. વાજપેયી સરકારમાં ભારે દબદબો ધરાવતા સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રા મંત્રણાઓ બાબતે બહુ આશાવાદી હતા. પણ આગલી સાંજે બધા નેતાઓ સાથેની મુલાકાત વખતે, દુલાતના નોંધ્યા પ્રમાણે, ગૃહમંત્રી અડવાણીએ મુશર્રફને દાઉદ ઇબ્રાહિમ વિશે પૂછપરછ કરતાં મુશર્રફ ઉખડી ગયા અને મંત્રણાઓનું વાતાવરણ બગડી ગયું. સરવાળે મંત્રણાઓ નિષ્ફળ ગઇ.
દુલાતના પુસ્તકમાં અને તેમની મુલાકાતોમાં જાહેર થયેલા આવા ઘણા મુદ્દાને લઇને કૉંગ્રેસે વર્તમાન સરકાર સામે રાબેતા મુજબ ટીકાનો મારો ચલાવ્યો છે. ખાસ કરીને, કંદહાર અપહરણકાંડમાં ત્રાસવાદીઓને છોડી મૂકવાનું પગલું અને ગુજરાતની કોમી હિંસા ફરી એક વાર કૉંગ્રેસ માટે હાથવગાં બન્યાં છે. કંદહારકાંડ વખતે સરકારની ભૂમિકા વિશે બેશક મતભેદ હોઇ શકે છે અને કૉંગ્રેસની સરકારના રાજમાં એ બનાવ બન્યો હોત, તો આ જ ભાજપી નેતાઓ કૂદી કૂદીને રાષ્ટ્રવાદના નામે કૉંગ્રેસના માથે છાણાં થાપતા હોત. કૉંગ્રેસની મુશ્કેલી એ છે કે તેના પ્રવક્તાઓની વાતનો મુદ્દો ગમે તેટલો સાચો હોય તો પણ એ તેમના મોઢેથી શોભતો નથી. ગુજરાતની કોમી હિંસાના મુદ્દે વડાપ્રધાન પર આક્રમણ માટે આતુર કૉંગ્રેસ પહેલાં એ વાતનો તો જવાબ આપે કે કાળા બોગદા જેવા એ સમયગાળામાં કૉંગ્રેસે શું કર્યું હતું? અને ત્યાર પછીના દિવસોમાં પણ કેન્દ્રમાં પોતાની સરકાર હોવા છતાં, કૉંગ્રેસ કેમ ન્યાયની લડતના પક્ષે ભાગ્યે જ દેખાઇ?
એક સમયના વરિષ્ઠ પત્રકાર-તંત્રી એમ.જે.અકબરે ભાજપના બચાવમાં ઉતરવું પડેે અને રીઢા રાજકારણીના અંદાજમાં દલીલો કરવી પડે, એ આમ તો નિશ્ચિત થઇ ચૂકેલી, છતાં જ્યારે પણ થાય ત્યારે નવેસરથી કરુણતા જગાડતી વાસ્તવિકતા છે. અકબર કોમી હિંસામાં તત્કાલીન મુખ્ય મંત્રી (હાલના વડાપ્રધાન)ને ક્લીન ચીટ મળી ગયાની અને એકેય અદાલતમાં તેમનો ગુનો પુરવાર ન થયો હોવાની વાત કરેે અને એમ કહે કે કૉંગ્રેસરાજમાં થયેલાં હુલ્લડો વિશે આવી તપાસ થઇ હોત તો તેના ઘણા નેતાઓ જેલમાં હોત--ત્યારે એટલો જ વિચાર આવે છે કે અકબર જેવા એક સમયના સજ્જ વિચારનારાનું પક્ષીય રાજકારણમાં ગયા પછી કેવું પતન થાય છે.
Source:[Gujarat samchar]

Saturday, 4 July 2015

ભારતીય કંપનીઓના ખોટકાયેલા પ્રોજેક્ટ એક વર્ષમાં અડધા થઈ ગયા

ભારતીય ઉદ્યોગ જગત માટે 'અચ્છે દિન'

હજારો કરોડના પ્રોજેક્ટ પર્યાવરણ સહિતની વિવિધ મંજૂરીઓ અને મૂડીની અછતને લીધે અટવાયા હતા
નવી દિલ્હી, શુક્રવાર
ભારતીય ઉદ્યોગ જગત માટે આખરે 'અચ્છે દિન'ની શરૃઆત થઈ ગઈ છે. એનડીએ સરકારની શરૃઆત થઈ એ પછી મૂડીભંડોળની મુશ્કેલીઓથી લઈને પર્યાવરણની મંજૂરી જેવા અનેક કારણોસર વિવિધ કંપનીઓના હજારો કરોડના પ્રોજેક્ટ ખોટકાઈ ગયા હતા. જોકે, જૂન ૨૦૧૫ સુધી આ ખોટકાયેલા પ્રોજેક્ટની સંખ્યા છેલ્લાં એક વર્ષમાં અડધી થઈ ગઈ છે એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ જાહેર કરેલા ડેટામાં જાણવા મળ્યું છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના અહેવાલ મુજબ, ખોટકાયેલા પ્રોજેક્ટની સંખ્યા અડધી થઈ જવા માટે ઘણાં બધા કારણો જવાબદાર છે. જોકે, મુખ્ય કારણોમાં રાજકીય સ્થિરતા અને નવા ઉદ્યોગ માટે અત્યંત ઝડપી ક્લિયરન્સ પ્રક્રિયાને મૂકી શકાય.
યુપીએ સરકારના કાર્યકાળમાં વિવિધ કંપનીઓના આશરે ૨૧૨ અબજ ડોલરના પ્રોજેક્ટ અટવાઈ ગયા હતા. આ પ્રોજેક્ટ પર્યાવરણ સહિતની વિવિધ મંજૂરી, જંગી મૂડીભંડોળની જરૃરિયાત અને જમીન સંપાદન બિલ જેવા કારણોસર અટવાયેલા હતા. છેલ્લાં એક વર્ષમાં ૧૪ મોટા પ્રોજેક્ટને વિવિધ સ્તરે મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટમાં કોલસા ક્ષેત્રને લગતા પ્રોજેક્ટ સૌથી વધારે છે અને તેના પછી મેટલ ક્ષેત્રનો ક્રમ છે.
છેલ્લાં એક વર્ષમાં મંજૂર થયેલા પ્રોજેક્ટનું મૂલ્ય રૃ. ૩.૭ હજાર અબજ છે, જેમાંથી એક લાખ કરોડ રૃપિયાના પ્રોજેક્ટ ફક્ત જૂનમાં જ મંજૂર થયા છે. એનો અર્થ એ છે કે, વર્ષ ૨૦૧૬ના અંત સુધી આશરે ચાર લાખ કરોડથી પણ વધુ કિંમતના પ્રોજેક્ટ અમલી થઈ ગયા હશે.
રિલાયન્સ પાવર સહિતની કેટલીક કંપનીઓએ તેમના પ્રોજેક્ટ કાયમ માટે બંધ કરી દીધા છે. જોકે, આ માટે મંજૂરી સિવાયના પરિબળો જવાબદાર છે. જેમ કે, વેદાન્તા કંપનીનો રૃ. ૨૦ હજાર કરોડનો એલ્યુનિયમ  પ્લાન્ટ ફક્ત ૨૦ ટકા ક્ષમતાથી ચાલી રહ્યો છે કારણ કે, કંપનીને કાચા માલની તકલીફ પડી રહી છે. સીએમઆઈઈના અહેવાલ મુજબ, વીજ ઉત્પાદન ક્ષેત્રના આશરે રૃ. ૨૭,૭૦૦ કરોડના છ પ્રોજેક્ટ પર કાયમ માટે બંધ થઈ ગયા છે.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૬માં ભારત સરકાર આશરે ૩૦૦ અબજ ડોલરના પ્રોજેક્ટને મંજૂરી આપે એવી શક્યતા છે.

આં.રા. ધોરણો મુજબ ભાવ નક્કી કરતું સોનાનુ રાષ્ટ્રીય બજાર સ્થપાશે

એનસીડેક્ષના ગોલ્ડનાઉના ત્રણ ડિલિવરી કેન્દ્રમાં અમદાવાદ,

હૈદ્રાબાદ અને ચેન્નઇનો સમાવેશ કરવામાં આવ્યો

હૈદ્રાબાદ,  શુક્રવાર
નેશનલ કોમોડિટી એન્ડ ડિરાઇવેટીવ્સ એક્ષચેન્જ લિમિટેડ સોનાના રાષ્ટ્રીય સ્તરના બજાર ગોલ્ડ નાઉને વિકસાવી રહી છે.એક નવા ઇન્ટરનશનલ  સ્ટાન્ડર્ડ મુજબ બુલીયનના ભાવો નક્કી થિ શકે તે માટે ગોલ્ડ નાઉ રજૂ થશે.
એનસીડેક્ષના હેડ ઓફ બિઝનેસે જણાવ્યું હતુ કે હાલ સોનાનો ભાવ વેપારીઓ વચ્ચે સ્થાનિક સ્તરે  વિચાર વિનિમયથી નક્કી થાય છે અને તેમાં તેઓ તેમની પોતાની પદ્ધતિ મુજબ જ ભાવ નક્કી કરતા હોય છે.પણ હવે ગોલ્ડ નાઉ લોન્ચ થવાથી સોનાના ભાવો આં.રા. ધોરણો અનુસાર નક્કી થશે અને સોનાનો વેપાર જે હાલ છૂટોછવાયો છે તે સ્ટાન્ડર્ડાઇઝ થઇ વ્યાપક ફલક પર આવી જશે.
ભારત વિશ્વભરમાં સોનાનો સૌથી મોટો વપરાશકાર દેશ છે પણ સોનાના ભાવો નક્કી કરવાની બાબતમાં હજૂ તેનું એટલું વજન નથી કેમ કે ઘરઆંગણે સોનાનું ઉત્પાદન નહીંવત છે.ગોલ્ડનાઉ સ્થાનિક સોના-ચાંદીના ઉદ્યોગ અને ઝવેરાત ઉદ્યોગને તેમની કાર્યક્ષમતા સુધારી યોગ્ય વ્યવસ્થા સ્થાપવામાં મદદ કરશે.આ માટે ગોલ્ડનાઉ ત્રણ ડિલિવરી કેન્દ્રો ઊભા કરશે જે હૈદ્રાબાદ,અમદાવાદ અને ચેન્નઇ ખાતે હશે અને ટૂંક સમયમાં જ મુંબઇ અને જયપુર ખાતે પણ આવા કેન્દ્રો ઊભા કરાશે .

Sunday, 10 May 2015

છત્તીસગઢ બંધક પ્રકરણઃ વિશ્વાસના ભોગે વિકાસ ખપે છે?

ઉદ્યોગ સ્થાપવાના બહાને સરકાર ફરીથી સાલ્વા જુડુમ જેવા સંગઠનને પુનર્જિવિત કરવા ધારે છે એવો માઓવાદીઓનો અંદેશો
અપહરણકાંડ માટે અને એ પૂર્વે વારંવાર થયેલા હત્યાકાંડો માટે નક્સલવાદ જવાબદાર છે પરંતુ નક્સલવાદ માટે કોણ જવાબદાર છે એ કહેવામાં આંગળી સત્તા અને સ્થાપિત હિતો તરફ તકાય છે


વડાપ્રધાન મોદી છત્તીસગઠના નક્સલ પ્રભાવિત વિસ્તારની મુલાકાતે જાય એ પૂર્વે જ માઓવાદીઓએ સુકમા જિલ્લાના એક નાનકડા ગામના આશરે ૩૦૦ જેટલાં ગ્રામિણોને બંધક બનાવ્યા છે. મુખ્યમંત્રી ડો. રમણસિંઘનું સત્તાવાર નિવેદન ૨૫૦નો આંકડો આપે છે. રાજ્યનું પોલિસ તંત્ર અને નક્સલવાદીઓ સાથે નીપટવા માટે રચાયેલ સ્પેશ્યલ ફોર્સ પણ વિરોધાભાસી બયાન આપે છે. જ્યારે નજરે જોનારા આ આંકડો ૧૦૦૦થી ય વધુ હોવાનો અંદાજ મૂકે છે. મુખ્ય વાત એ છે કે, રાજ્યમાં અને કેન્દ્રમાં નવી સરકારની રચના પછી નક્સલવાદ મોળો પડી રહ્યો હોવાનો પ્રચાર સદંતર ભ્રામક અને ભરમાવનારો હોવાનું આ ઘટનાથી પૂરવાર થાય છે.
શા માટે છત્તીસગઢ નક્સલવાદથી મુક્ત થઈ શકતું નથી તેનો જવાબ વખતોવખત મળતો રહે છે. ચારેકોર કુદરતે મન મૂકીને વેરેલી અપાર નૈસર્ગિક સંપત્તિ અને તેમ છથાં દારૃણ ગરીબી, કાગળ પર બોલતી અબજો રૃપિયાની સંખ્યાબંધ વિકાસ યોજનાઓ છતાં પાવલું પાણી મેળવવા માટે ૧૫ કિલોમીટર ભટકતો જંગલવાસી, રાજધાની રાયપુરમાં ઠેરઠેર દેખાતા ઝળહળાટ વિકાસના હોર્ડિંગ્સ અને ટાઢિયા તાવની દવાના અભાવે મોતને ભેટતા લોકો. છત્તીસગઢ એ અપાર વિરોધાભાસનું રાજ્ય છે. શનિવારની ઘટના એ આવી અનેક ઘટનાઓનું અનુસરણ છે.
છત્તીસગઢ એ વિરોધાભાસનું રાજ્ય છે તો નક્સલવાદ કે માઓવાદ પોતે પણ એવા જ વિરોધાભાસનું આંદોલન છે. શનિવારે યોજાયેલા અપહરણકાંડ માટે અને એ પૂર્વે વારંવાર થયેલા હત્યાકાંડો માટે નક્સલવાદ જવાબદાર છે પરંતુ નક્સલવાદ માટે કોણ જવાબદાર છે એ કહેવું એટલું આસાન નથી. કારણ કે તેમાં આંગળી સત્તા, વ્યવસ્થા અને સ્થાપિત હિતો તરફ મંડાય છે. વડાપ્રધાને છત્તીસગઢના પ્રવાસે જતાં અગાઉ ખોંખારીને દાવો કર્યો હતો કે બંગાળના નોક્સલાબાડીમાં ય હવે નક્સલવાદ રહ્યો નથી. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે.
જેની પાસે સઘળું છે એ કેમ શોષક છે અને જેની પાસે કશું જ નથી એ કેમ હંમેશા શોષિત જ રહે છે? આદિમકાળથી પૂછાતા આ સવાલના જવાબમાં પાંચ દાયકા પહેલાં બંગાળના નોક્સાલબાડી ગામેથી પ્રગટેલો હુતાશન આ સવાલનો જવાબ મેળવવા માટે પ્રગટયો હતો. કમનસીબે એ જવાબ પોતે જ ઉકેલ બનવાને બદલે આજે વધુને વધુ ગૂંચવાતી સમસ્યા બની ચૂક્યો છે. શોષિતોના બંડ તરીકે ઓળખાતું આંદોલન શોષણખોરીના અંતિમવાદી વિરોધ તરીકે હિંસક બન્યું એ પછી આજે તેમાં એટલી ભેળસેળ થઈ ચૂકી છે કે શોષક અને શોષિત વચ્ચેના ભેદ ઓગળી ચૂક્યા છે. શક્તિના કેન્દ્રિકરણ સામેનો વિરોધ પોતે આજે એ જ કરી રહ્યો છે જેના વિરોધમાં એ હાથોએ બંદૂક ઝાલી હતી.
નક્સલવાદ સ્થાપિત પરિબળો સામેનો વિરોધ છે એવી વ્યાપક સમજ હવે બંદૂકના ધડાકા અને બારૃદની ગંધમાં ક્યાંય વહી ગઈ છે. હવે બહુધા જે છે એ આદર્શવાદી લિબાસ પાછળ સંતાયેલી સત્તાલાલસા. હવે નક્સલવાદીઓ પણ બંદૂકના જોરે ભ્રષ્ટાચાર આચરે છે. હપ્તા ઉઘરાવે છે. પોતાના વિરોધીઓ પર દમન ગુજારે છે અને સત્તા કે સ્થાપિત હિતો સાથે પાછલા બારણે હાથ મિલાવતા રહે છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો, નક્સલવાદ હવે ઘણેખરે અંશે લોકશાહી પ્રણાલિમાં રહ્યા વગર, કોઈ જ જવાબદારીથી દૂર રહીને બેફામ હિંસાને જોેરે સત્તાનું સમાંતર કેન્દ્ર બની ચૂક્યો છે.
શનિવારની ઘટના સાવ આકસ્મિક નથી. છત્તીસગઢની મુલાકાતે જઈ રહેલા વડાપ્રધાન કેટલાંક ઉદ્યોગગૃહોનો શિલાન્યાસ કરવાના છે અને નક્સલવાદીઓએ તેનો વિરોધ કર્યો છે. નક્સલવાદીઓના વિરોધનું જે કારણ છે એ સાલ્વા જુડુમ છે. માઓવાદી કે નક્સલવાદીઓને અંદેશો છે કે નવી રચાયેલી રાજ્ય-કેન્દ્ર સરકાર નક્સલવાદનો સામનો કરવા માટે સાલ્વા જુડુમ નામના એવા જ આતંકખોર સંગઠનને ફરીથી છુટ્ટો દોર આપવાની પેરવીમાં છે. આથી માઓવાદીઓએ સંખ્યાબંધ ગ્રામિણોને બંધક બનાવીને પરચો આપ્યો છે. શું છે સાલ્વા જુડુમ?
હિન્દી ફિલ્મ શોલેનો એક સરસ ડાયલોગ હતો, લોહા લોહે કો કાટતા હૈ. નક્સલવાદીઓ હિંસા આચરે છે, કાયદો હાથમાં લે છે, પોતાની રીતે ન્યાય તોળે છે તો તેમને નશ્યત કરવા આપણે ય એવું જ કરીએ. આ વિચારમાંથી પ્રેરાયેલો નક્સલવાદનો જવાબ એટલે સાલ્વા જુડુમ. નક્સલવાદ તો સ્વયંભૂ આક્રોશ હતો, જેને કેટલાંક બુધ્ધિજીવીઓ અને સામ્યવાદના પ્રબુદ્ધોએ પાંગર્યો હતો. સાલ્વા જુડુમને તો એવા કોઈ આદર્શ સાથે દૂર દૂરનો ય નાતો ન હતો.
નક્સલવાદનો ઉકેલ શું એવા મંથનમાંથી એંસીના દાયકામાં એવો વિચાર પ્રગટયો કે નક્સલપ્રભાવી વિસ્તારોમાં ઉદ્યોગો લાવવામાં આવે તો બેરોજગારી ઘટે, પ્રાથમિક સુવિધાઓ વધે અને લોકો બંદૂક ઊઠાવવાને બદલે કામધંધએ વળગે. કમનસીબે આ સરળ લાગતો જવાબ પણ સરકારો અને વ્યવસ્થાતંત્રો અને સ્થાપિત હિતોએ બહુ જ બેહુદો બનાવી દીધો છે. હાલમાં નવી સરકારની નીતિ પણ આ દિશામાં જ પરંતુ પોતાના પૂરોગામીની એટલી જ ખોટી દિશામાં જઈ રહી જણાય છે. સાલ્વા જુડુમ એ આવી ભૂલભરેલી નીતિનું પરિણામ છે, જે નક્સલવાદને નશ્યત કરવાને બદલે આડકતરી રીતે તેને ઉત્તેજન આપી રહ્યું છે.
હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઉદ્યોગો એટલી આસાનીથી ન આવે. ઉદ્યોગ ગૃહોને, તેમના કર્મચારીઓને, ઉદ્યોગ સાથે સંકળાયેલા બીજા ધંધા-રોજગારને રક્ષણની ખાતરી આપવી પડે. એક જમાનામાં ઉદ્યોગોને રક્ષણ આપવા માટે અને નક્સલવાદીઓની હપ્તા વસૂલીથી મુક્ત રાખવા માટે બેરોજગાર વંચિતો, શોષિતોનું જ એક દળ બનાવવામાં આવ્યું.
કાયદાએ આંખ આડા કાન કર્યા અને આ દળને બંદૂક આપવામાં આવી અને પછી સાલ્વા જુડુમ એવું સ્થાનિક ભાષામાં રૃપાળુ નામ આપવામાં આવ્યું, જેનો અર્થ થાય છે શુધ્ધતા તરફની આગેકૂચ.
૨૦૦૬માં સ્થપાયેલી સાલ્વા જુડુમ માટે નક્સલવાદનો લોકો દ્વારા થતો પ્રતિકાર એવો બચાવ કરવામાં આવતો હતો. પરંતુ હકિકત એ હતી કે તેને સ્થાનિક સરકારો કે સ્થાપિત તંત્રનું વ્યાપક સમર્થન હતું અને સાલ્વા જુડુમ સાથે એવા જ પૂર્વ નક્સલવાદીઓ સંકળાયેલા હતા જેઓ સ્થાપિત હિતો ધરાવતા હતા. લોકોના રક્ષણના નામે અને નક્સલવાદીઓને મહ્તા કરવાના નામે સાલ્વા જુડુમે પણ બેફામ અત્યાચાર ગુજાર્યા. પરિણામે હાલત એવી થઈ કે ગરીબ આદિવાસી પહેલાં પોલિસ અને નક્સલવાદીઓથી ડરતો હતો. તેણે હવે ડરવા માટે સાલ્વા જુડુમ નામનો ત્રીજો મોરચો ય ખૂલ્યો.
૨૦૧૧માં સર્વોચ્ચ અદાલતના આદેશથી નિમાયેલા પંચનો અહેવાલ કહે છે કે સાલ્વા જુડુમની આણ ફરતી થયા પછી જંગલ વિસ્તારોના ૬૪૪ કસ્બાઓ સદંતર ભેંકાર થઈ ગયા છે. ત્રણ-ત્રણ પ્રકારની બંદૂકોથી ડરીને ૩ લાખથી વધુ આદિવાસીઓ વિસ્થાપિત થઈ ચૂક્યા છે. આ જમીન પર કબજો મેળવવા માટે નક્સલ અને રાજકારણીઓ પ્રેરિત સાલ્વા જુડુમ વચ્ચે ઉગ્ર સંઘર્ષ ચાલતો રહ્યો છે. આ અહેવાલ પછી સર્વોચ્ચ અદાલતે સાલ્વા જુડુમને પ્રતિબંધિત જાહેર કરી દીધું હતું પરંતુ લોહી ચાખી ગયેલો વાઘ પાછલા બારણે સરકાર અને સ્થાપિત હિતોની મહેરબાનીથી હજુ ય ઘૂરકતો જ રહે છે.
નવી સરકાર રાજ્યમાં ઉદ્યોગો લાવવા ધારે છે. હાલમાં જ કેન્દ્ર સરકારે નક્સલપ્રભાવી વિસ્તારમાં ઉદ્યોગો લાવવા માટે ઘણી છૂટછાટો આપતી નવી નીતિ પણ જાહેર કરી. સ્વાભાવિક છે કે આ હિલચાલથી રાજ્યમાં સાલ્વા જુડુમના સુષુપ્ત થવા લાગેલા પરિબળો પણ જોરમાં આવ્યા. કારણ કે, ઉદ્યોગો આવે તો તેમના રક્ષણ માટે સાલ્વા જુડુમની ય જરૃર પડવાની. સાલ્વા જુડુમના પૂર્વ નેતા મહેન્દ્ર કર્માની હત્યા પછી હાલ તે નેતૃત્વવિહિન છે પરંતુ બંદૂકના જોરે રૃપિયા રળવા માંગતા લોકોની કમી નથી.
માઓવાદીઓને અંદેશો છે કે ફરી એકવાર સરકાર પોતે જ ઉદ્યોગ લાવીને, વિકાસનો રૃપકડો નકશો બતાવી શકાય એ માટે સાલ્વા જુડુમને પુનર્જીવિત કરશે. વડાપ્રધાનની યાત્રા પૂર્વે નક્લવાદીઓએ એક આખા ગામને બંધક બનાવીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર જો ઉદ્યોગ સ્થાપના પૂર્વે પોતાની માંગણી ન માને તો બિહામણો હત્યાકાંડ આચરવાની માઓવાદીની ધમકી પણ હળવાશથી લઈ શકાય તેમ નથી. કારણ કે પૂર્વે આવા હત્યાકાંડો થઈ જ ચૂક્યા છે.
વિકાસ આવશ્યક છે પરંતુ સ્થાનિકોનો વિશ્વાસ વધારે મહત્ત્વન છે. આશા રાખીએ કે વિકાસના મોહમાં આપસી વિશ્વાસની દોર ન તૂટે.

Saturday, 9 May 2015

બ્રિટિશ સંસદની ચૂંટણીઃ ફિર એક બાર, કેમેરૃન સરકાર

ગત ચૂંટણીની સરખામણીએ વધુ મજબૂતી સત્તા પર આવી રહેલા ડેવિડ કેમરૃન ભારતને પણ ફળશે એવી ધારણા અસ્થાને નથી

કેમરૃન ભારત સાથે નૈસર્ગિત મિત્રતા ધરાવે છે. અગાઉ તેમની બે વખતની ભારતયાત્રા વખતે તેમણે પોતે આઝાદી પૂર્વેની પરંપરાગત અંગ્રેજી તુમાખીથી મુક્ત હોવાનો અહેસાસ કરાવ્યો હતો.

સળંગ ત્રણ દિવસથી દેશભરના માધ્યમોમાં સલમાનખાન છવાયેલો હોય ત્યારે સ્વાભાવિક રીતે જ હજારો કિલોમીટર દૂર બ્રિટનમાં યોજાઈ રહેલી સંસદીય ચૂંટણી હાંસિયામાં હડસેલાઈ જાય. હાઈકોર્ટના જામીન મળ્યા પછી ઓસરેલા સલમાનજ્વરના માહોલમાં બ્રિટનની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ફરી એકવાર ડેવિડ કેમરૃનની આગેવાની હેઠળ કન્ઝર્વેટિવ પાર્ટી સત્તા પર આવી રહી છે. યુનાઈટેડ કિંગ્ડમની એકતાના મુદ્દે લડાયેલી આ ચૂંટણી ઘણી બધી રીતે વિશિષ્ટ હતી માટે તેના પરિણામો પણ અસરકારક બની રહે છે.
ફરીથી અને વધુ મજબૂતીથી સત્તા પર આવેલી કન્ઝર્વેટિવ પાર્ટી, તેના નેતા કેમરૃન, કન્ઝર્વેટિવના પરંપરાગત હરિફ લેબર પાર્ટીની સરખામણીએ નવા હરીફ તરીકે ઊભરેલી સ્કોટિશ નેશનલ પાર્ટી વગેરે વિશે તેમજ પરિણામોના સંકેતો વિશે સમજતા પહેલાં લોકશાહી શાસન પ્રણાલિના જનક એવા બ્રિટનના આંતરિક રાજકારણ વિશે થોડીક પ્રાથમિક માહિતી મેળવવી જરૃરી બની જાય છે.
પ્રાચીન ગ્રીસમાં સોક્રેટિસ અને તેના શિષ્ય પ્લેટોની વિચારધારામાંથી જન્મેલી આધુનિક લોકશાહીનો પાયો ગ્રીસને બદલે બ્રિટનમાં નંખાયો હતો. બ્રિટિશ તાજનો સુરજ પ્રખર મધ્યાહ્ને ઝગમગતો હતો અને પોણી દુનિયા તેના તાબામાં હતી ત્યારે ખુદ બ્રિટન લોકશાહી શાસન વ્યવસ્થા તળે વિચાર, વાણી અને વર્તનની આઝાદી ભોગવતું હતું. લોકશાહીના આરંભે એ જ સામંતશાહી પરિબળો એકજૂટ થઈને વિવિધ પક્ષ રચતા હતા. બ્રિટિશ તાજના સામંતો, ઉમરાવો અને રાજાશાહીમાં હિત ધરાવતા લોકોનો વર્ગ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં કેવેલિયર્સ તરીકે રાજનીતિમાં પ્રવેશ્યો. એ જ કેવેલિયર્સ પાર્ટી સમય જતાં ટોરી પક્ષ તરીકે ઓળખાઈ.
ટોરીમાં પણ એક જૂથ એવું હતું જે બ્રિટિશ તાજની ઉમરાવ પદવીઓ અને હોદ્દાઓમાં પોતાને બીજા કરતાં ચડિયાતું ગણતું હતું. પોતાના ચડિયાતાપણાંને અલગ તારવવા આ જૂથના નેતાઓ જાહેર કાર્યક્રમોમાં ગરદન સુધી ઢંકાતી લાંબી વ્હિગ પહેરતા. આથી આ જૂથ વ્હિગ પાર્ટી તરીકે પણ ઓળખાતું હતું. કન્ઝર્વેટિવ પાર્ટીના આજના સ્વરૃપમાં વ્હિગ પાર્ટીના નેતાઓનો સિંહફાળો હતો.
સમયના બદલાવ સાથે રાજકીય પક્ષોની જરૃરિયાતો પણ બદલાઈ અને દૃષ્ટિકોણ પણ વધુ આધુનિક બનતા ગયા. આથી માત્ર રાજવી પરિવાર અને તેમની આસપાસ ઘૂમતી બ્રિટિશ રાજનીતિમાં પણ આમૂલ પરિવર્તન આવ્યા અને ટોરી પક્ષે પોતાની 'પ્યોર ઈંગ્લિશ બ્લડ'ની નીતિમાં થોડાંક સુધારા કરીને કન્ઝર્વેટિવ પાર્ટી રચી. આજે ૧૮૧ વર્ષથી કન્ઝર્વેટિવ પાર્ટી બ્રિટિશ રાજનીતિની મુખ્ય અને અસરકારક રાજકિય વિચારધારા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે. બેન્જામિન ડિઝરાયલી, લોર્ડ સેલિસબરી, લોર્ડ ચેમ્સફર્ડ અને વિન્સ્ટન ચર્ચિલ એ કન્ઝર્વેટિવ પાર્ટીના એવા ધૂરંધરો ગણાય છે જેમની જે-તે વખતે સમગ્ર વિશ્વમાં હાક વાગતી હતી.
કન્ઝર્વેટિવ પાર્ટી તેની 'ઈંગ્લિશ સુપિરિયર'ની વિચારધારા માટે જાણીતી હતી. ભારત સહિતના બ્રિટિશ કોલોની તરીકે ઓળખાતા દેશોને આઝાદી આપવામાં વિન્સ્ટન ચર્ચિલનો વિરોધ જાણીતો છે અને એ વિરોધનું કારણ ઈંગ્લિશ લોહીની સર્વોચ્ચતાની વિચારધારાથી પ્રેરાયેલો હતો. પરંતુ કાળક્રમે એ અહંકાર અને ઘમંડમાં પણ ખાસ્સો બદલાવ આવ્યો છે. એટલે જ રાજનીતિના અભ્યાસુઓ કન્ઝર્વેટિવ પાર્ટી માટે પ્રિ-વર્લ્ડવોર અને પોસ્ટ વર્લ્ડવોર એવા બે વિભાગ પાડે છે. સિત્તેરના દાયકામાં માર્ગારેટ થેચરના અડીખમ નેતૃત્વે કન્ઝર્વેટિવ પાર્ટીની ચુસ્ત વિચારધારાને લચીલી બનાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ રોયલ નેવીના સૈનિક તરીકે લડેલા અને બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને વિજય સુધી દોરી ગયેલા વિન્સટન ચર્ચિલ પછી કન્ઝર્વેટિવ પાર્ટીને જગતના બદલાતા પ્રવાહો સાથે તાલમેલ બેસાડવામાં અને બ્રિટિશ મતદારોની નવી પેઢીમાં લોકપ્રિય બનાવવામાં માર્ગારેટ થેચર પછી જો કોઈએ મજબૂત નેતૃત્વ પૂરું પાડયું હોય તો એ ડેવિડ કેમરૃન છે. હાલની ચૂંટણીમાં પણ કેમરૃનના નેતૃત્વ સામે આરંભે અનેક પડકારો ઊભા થવા છતાં તેઓ પક્ષને એકજૂટ રાખી શક્યા અને પૂર્ણ બહુમતિ સુધી દોરવામાં સફળ નીવડયા છે.
હાલમાં બ્રિટન અનેક મોરચે કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. 'ક્યારેય જેનો સુરજ આથમતો નથી' એવો પોણી સદી પહેલાંનો ઘમંડ ક્યારનો ચકનાચુર થઈ ચૂક્યો છે. છેલ્લાં કેટલાંક સમયથી બ્રિટનની શાખ વૈશ્વિક સ્તરે અમેરિકાના ખાંધિયા દેશ તરીકેની દૃઢ થતી રહી છે. ખાસ કરીને જ્હોન મેજર અને ટોની બ્લેરના શાસન દરમિયાન બ્રિટને અમેરિકાની તરફદારી કરીને આ છાપ ઉપસાવી છે. કેમરૃનની સૌથી મોટી સફળતા એ છે કે તેમણે અમેરિકાને નારાજ કર્યા વગર આ છાપ ભૂંસવાનો સઘન પ્રયત્ન કર્યો છે અને તેમાં આંશિક સફળતા પણ મેળવી છે.
કેમરૃનના પહેલા તબક્કાના શાસન વખતે કન્ઝર્વેટિવ પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતિ ન હતી. બ્રિટિશ સંસદ (હાઉસ ઓફ કોમન્સ)ના કુલ ૬૫૦ના સંખ્યાબળ સામે કન્ઝર્વેટિવ પાર્ટી પાસે ૩૦૩ સભ્યો હતા. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ૫૪ સાંસદોના ટેકાથી કેમરૃન સત્તા પર આવ્યા હતા. આથી તેમણે પોતાના પક્ષના આંતરિક વિરોધ ઉપરાંત ગઠબંધનના સાથી પક્ષની નીતિનો ય ખ્યાલ રાખવો પડતો હતો. આમ છતાં તેમણે અણુબિનપ્રસાર સંધિ વખતે ભારત પર મૂકાયેલા અમેરિકા પ્રેરિત આંશિક પ્રતિબંધ છતાં ભારત સાથેના વાણિજ્ય સંબંધો જાળવી રાખવામાં, ઈરાન સાથે દ્વિપક્ષી મંત્રણા જારી રાખવામાં દૃઢતા દાખવી હતી. તેનું જ પરિણામ એ છે કે આજે ખુદ અમેરિકા ઈરાન સાથે ઈરાન ડિલ તરીકે ઓળખાતી ગોઠવણ કરવા પ્રેરાયું છે અને ભારત સાથે અમેરિકાના સંબંધો પણ સુધર્યા છે.
આ ચૂંટણી મુખ્યત્વે સંયુક્ત બ્રિટનના મુદ્દે લડાઈ છે. છેલ્લાં કેટલાંક સમયથી સ્કોટલેન્ડનો યુનાઈટેડ કિંગડમથી અલગ થવાનો વાયરો પ્રબળ બની ચૂક્યો છે. સ્કોટલેન્ડમાં લેવાયેલા જનમતમાં અલબત્ત યુનાઈટેડ કિંગડમની સાથે રહેવાનો જનાદેશ આવ્યો છે. આમ છતાં સંસદની ચૂંટણીમાં એ મુદ્દો પ્રભાવશાળી હતો. સ્કોટલેન્ડના જનમત અને ખાસ તો વેસ્ટમિન્સ્ટર એગ્રીમેન્ટ તરીકે ઓળખાતા ઈંગ્લેન્ડ-સ્કોટલેન્ડના નવા કરારના મુદ્દે ડેવિડ કેમરૃને અપનાવેલી નીતિની કસોટી થવાની હતી. પરિણામો જોતાં કેમરૃન એ કસોટીમાં અણિશુદ્ધ પસાર થયા ગણાશે.
ગત ટર્મની ૩૦૩ બેઠક સામે આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીને ૩૨૬ બેઠકો સાંપડી છે. મતલબ કે હાઉસ ઓફ કોમન્સમાં હવે તે સ્પષ્ટ બહુમતિ ધરાવે છે અને અન્ય કોઈ પક્ષ સાથે તેણે સરકાર રચવા માટે ગઠબંધન કરવાની જરૃર નથી. આ જનાદેશનો મતલબ એ રીતે પણ સાફ છે કે ઈંગ્લેન્ડ (એટલે કે ઈંગ્લેન્ડ, આયરલેન્ડ, સ્કોટલેન્ડ)ની જનતાએ યુનાઈટેડ કિંગડમની જાળવણી માટેની કેમરૃનની નીતિને મજબૂત સમર્થન આપ્યું છે.
સૌથી આંચકાજનક પરિણામ લેબર પાર્ટી માટે છે. કન્ઝર્વેટિવના કટ્ટર અને પરંપરાગત વિરોધી તરીકે લેબર પાર્ટીએ આર્થિક ઉદારીકરણ, આઉટસોર્સિંગને લીધે સર્જાતું બ્રેઈન ડ્રેઈન, વિદેશીઓના વસવાટ માટે હળવા કરાયેલા વિઝા સંબંધિત કાનૂન અને ખાસ તો અમેરિકા સાથેના ચાલીસ વર્ષના આર્થિક કરાર અંગે કન્ઝર્વેટિવ્સનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ ચૂંટણીમાં લેબર પાર્ટીનું સાવ ધોવાણ તો નથી થયું પરંતુ તેને ગત ચૂંટણીની સરખામણીએ ૨૬ બેઠકો ઓછી મળી છે.
તેની સામે સ્કોટલેન્ડની સ્કોટિશ નેશનલ પાર્ટીએ ૫૬ બેઠકો મેળવીને તહેલકો મચાવી દીધો છે. અલબત્ત, એક્ઝિટ પોલના તારણોમાં તો સ્કોટિશ નેશનલ પાર્ટીને આશરે ૧૨૫ બેઠકો મળતી દર્શાવાઈ હતી અને એ સંજોગોમાં કોઈને સ્પષ્ટ બહુમતિ ન મળે તો ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાવાની શંકા પણ વ્યક્ત થઈ હતી. એ જોતાં મતદારોએ સ્કોટિશ નેશનલ પાર્ટીને સફળતા આપવા છતાં છકી ન જવાય તેવું માપ પણ આપીને શાણપણ દર્શાવ્યું છે.
સ્કોટિશ નેશનલ પાર્ટી સ્કોટલેન્ડને યુનાઈટેડ કિંગડમથી મુક્ત કરાવવા માટે બીજા જનમતનો આગ્રહ ધરાવે છે અને પોતે અમૂક ટકાના મત મેળવીને ૧૦૦થી વધુ બેઠકો મેળવશે તો પુનઃજનમતનું આંદોલન કરશે એવી જાહેરાત કરી ચૂકી છે. એ સંજોગોમાં તેને મળેલી ૫૬ બેઠક પણ નવી સંસદના વડાપ્રધાન તરીકે કેમરૃનને હાશકારો આપશે.
કેમેરૃન અને કન્ઝર્વેટિવ્સને એવો જ બીજો પડકાર યુનાઈટેડ કિંગ્ડમ ઈન્ડિપેન્ડન્સ પાર્ટી તરફથી હતો. નેવુના દાયકામાં રચાયેલો આ પક્ષ બ્રિટનના યુરોપિય યુનિયનમાં સામેલ થવાનો વિરોધ કરતો રહ્યો છે. યુરોપિય દેશોના સહિયારા ચલણ યુરોને લીધે બ્રિટનની આંતરિક અર્થવ્યવસ્થા ખોરવાઈ રહી છે અને બ્રિટને યુનિયન છોડવું જોઈએ એવી દલીલ સાથે જનતમ કેળવી રહેલો આ પક્ષ પચાસથી વધુ વય ધરાવતા અંગ્રેજોમાં લોકપ્રિય બની રહ્યો હતો. આ વર્ગ કન્ઝર્વેટિવ પાર્ટીનો ચુસ્ત સમર્થક મનાય છે. એટલે યુકેઆઈપી આ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના મત તોડશે એવી ધારણા મૂકાતી હતી. તેને બદલે યુકેઆઈપીનો સફાયો થઈ ગયો છે. કેમરૃન ભારત સાથે નૈસર્ગિત મિત્રતા ધરાવે છે. અગાઉ તેમની બે વખતની ભારતયાત્રા વખતે તેમણે પોતે આઝાદી પૂર્વેની પરંપરાગત અંગ્રેજી તુમાખીથી મુક્ત હોવાનો અહેસાસ કરાવ્યો હતો. હવે ફરી વાર તેમની વધુ મજબૂતીથી તાજપોશી થઈ રહી છે ત્યારે ભારત માટે પણ એ અવસર આશાવાદી ગણાશે.

Tuesday, 28 April 2015

જંતરમંતર છૂ

કરુણતા અને ફારસ વચ્ચે ઘણી વાર દોરાભારનું અંતર હોય છે. એ હકીકતનું તાજું ઉદાહરણ એટલે દિલ્હીમાં કહેવાતા ખેડૂતની આત્મહત્યાનો કરુણ કિસ્સો. જંતરમંતર પર 'આપ'ની રેલી ચાલુ હતી ત્યારે એ ભાઇ ઝાડ પરથી લટકી ગયા અને આઘાતની વાત એ છે કે તેમને કોઇએ બચાવ્યા નહીં કે એવી કોશિશ પણ ન કરી. ટોળાં ભેગાં થયાં હોય ત્યાં ઘણી વાર આવું બને છે. કોઇને બચાવવા જીવનું જોખમ વહોરીને ધસમસતા પાણીમાં કૂદી પડેલા 'હીરો' બહાર નીકળ્યા પછી 'પહેલાં એ કહો કે મને ધક્કો કોણે માર્યો' પૂછે--એવું ફક્ત રમુજમાં જ નહીં, વ્યવહારમાં પણ બનવાજોગ છે. એકઠાં થયેલાં ટોળાં, વાતાવરણમાં ફેલાયેલો ઉન્માદ અને રાજકીય ભાષણબાજી-આ મિશ્રણ નબળા મનના માણસો માટે જીવલેણ નીવડી શકે છે. દિલ્હીમાં મૃત્યુ પામેલા ગજેન્દ્રના કિસ્સામાં જે રીતે રાજકારણ ખેલાઇ રહ્યું છે એ જોતાં, સચ્ચાઇ ભાગ્યે જ કદી ઉજાગર થશે. પણ એટલું નક્કી છે કે ગજેન્દ્રના આપઘાત પછી કાર્યક્રમ યથાવત્ ચાલુ રાખીને 'આપ' અને અરવિંદ કેજરીવાલે મોટું રાજકીય ગોથું ખાધું છે.
'આપ'ની આવી ભારે ગફલતથી ભાજપ ગેલમાં આવી ગયો છે. મૃતકની ફિકરને બદલે 'આપ'ને ઝૂડવાની ભાજપની તાલાવેલી સમજાય એવી છે. પરંતુ આ બાબતે 'આપ' એટલું વાંકમાં છે કે તેની પાસે નાકલીટી તાણવા સિવાય કોઇ રસ્તો રહ્યો નથી. દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલે વધારે મોડું થાય તે પહેલાં માફી માગી લીધી, પણ તેમના નિવેદનમાં કોઇ લોકનેતાનો અફસોસ નહીં, એક ખંધા રાજકારણીની ઔપચારિકતા ગંધાય છે. પહેલાં એમણે એવું કહ્યું કે 'ખરેખર તો હું કલાક બોલવાનો હતો, પણ (આત્મહત્યાના બનાવ પછી) મેં દસ-પંદર મિનીટમાં આટોપી લીધું. એ મારી ભૂલ હતી. મારે કદાચ બોલવું જોઇતું ન હતું. તેનાથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માગું છું.' તેમનું બીજું નિવેદન કંઇક આવું હતું, 'હું દોષી છું. મને દોષ દો. મને લાગે છે કે રેલી અટકાવી દેવી જોઇતી હતી, પણ મહેરબાની કરીને તમે ખેડૂતોની આત્મહત્યાના અસલી મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરો. જે દોષી હોય તેને લટકાવી દો, પણ મૂળ ચર્ચાને ફંટાવા ન દો.'
શાંતિથી વાંચતા જોઇ શકાશે કે ઉપરના એક પણ નિવેદનમાં અંતઃકરણપૂર્વકની કે બિનશરતી માફીનો ભાવ નથી. પહેલા વિધાનમાં 'કોઇની લાગણી દુભાઇ હોય તો' તેમણે માફી માગી અને બીજામાં તેમનો સૂર છે કે 'લો આ માફી માગી, પણ એ તો મૂળ મુદ્દાની ચર્ચા ફરી શરૃ કરવા માટે.' આ બન્ને વિધાનો થોડા મહિના પહેલાં કેજરીવાલ તરફથી આવ્યાં હોત તો કલ્પના પણ ન આવત કે 'મૈં તો બહુત છોટ્ટા આદમી હું જી. મેરી ઔકાત હી ક્યા હૈ...'નું રટણ કરનારા ભાઇ રીઢા રાજકારણીની ભાષામાં વાત કરી રહ્યા છે અને કોઇના મૃત્યુથી વિચલિત થવાને બદલે, ઔપચારિક માફી માગીને, હાથ ખંખેરીને 'ચાલો, આપણે મુદ્દા પર આવી જઇએ?'ની મુદ્રામાં રાચે છે.
કેજરીવાલના નિકટ ગણાતા અને યોગેન્દ્ર યાદવ-પ્રશાંત ભૂષણ સામેની કાર્યવાહીમાં પહેલી હરોળનો મોરચો સંભાળનાર 'આપ' પ્રવક્તા આશુતોષ કેજરીવાલની કક્ષાના ખેલાડી નથી. એ મૂળ ટીવી પત્રકાર. એટલે કૅમેરા સામે તેમને ફાવે ખરું. પણ કેજરીવાલ જેવી કળા તેમને સાધ્ય નથી. એટલે મૃત ગજેન્દ્રની દીકરી સાથે ટીવી ચર્ચામાં વાત કરતાં કરતાં આશુતોષ રડવા બેસી ગયા. તેમનો ખ્યાલ એવો હશે કે તે ભાવવિભોર થઇને 'હાં બેટી, મૈં ગુનહગાર હું, મૈં તેરે પિતાકો નહીં બચા પાયા' આવું કહેશે, એટલે તેમની નિર્દોષતા પુરવાર થઇ જશે. આશુતોષ ઘણું રડયા, પણ હકીકત એ હતી કે તેમનું રુદન કોઇને પીગળાવે શકે એવું ન હતું. તેના માટે એક્ટિંગની આવડતનો અભાવ નહીં, પણ રુદનનું મૂળભૂત કારણ જવાબદાર હતું. ટીવીના હિસાબે ખાસ્સો લાંબો સમય કહેવાય ત્યાં સુધી રડતાં રડતાં આશુતોષ જે બોલ્યા તેનો મુખ્ય સાર એ હતો કે 'અમારા પક્ષને આ મામલામાં ખોટો ફસાવી દીધો છે. બધા એની પર રાજકારણ ખેલી રહ્યા છે અને અમે એમાં પાકા પાયે ફસાઇ ગયા છીએ. આવું ને આવું ચાલશે, તો અમારું શું થશે...'
દરમિયાન, મૃતકની ઓળખ અને તેમની આત્મહત્યાના હેતુ વિશેનું રહસ્ય બરકરાર છે. દિલ્હીની પોલીસે પોતાની રીતે તપાસ શરૃ કરી છે, જેની પૂછપરછનો રેલો મુખ્ય મંત્રી કેજરીવાલ સુધી પહોંચી શકે છે. વળતું પત્તું ઉતરીને કેજરીવાલ સરકારે મેજિસ્ટ્રેટ પાસે તપાસ શરૃ કરાવી છે, પરંતુ પોલીસે તેમાં સહકાર આપવાની ના પાડીને કહ્યું છે કે આ મેજિસ્ટ્રેટનું અધિકારક્ષેત્ર નથી. મૃતકના ગામમાંથી મળતા અહેવાલ પ્રમાણે, એ ભાઇનો મુખ્ય વ્યવસાય ખેતીનો ન હતો અને તે આર્થિક રીતે અભાવગ્રસ્ત કે ખેતીની નિષ્ફળતાથી દુઃખી થઇ જાય એવી સ્થિતિના બિલકુલ ન હતા. એ અચ્છાખાસા સમૃદ્ધ પરિવારના હતા અને આપઘાતના દિવસે તેમણે ઘરે કરેલી વાતમાં પણ કશું અસામાન્ય જણાયું ન હતું. આ હકીકતો ધ્યાનમાં રાખતાં, આપઘાતના બનાવમાં વ્યાપક તપાસને અવકાશ છે. પરંતુ રાજકીય પક્ષો એવી તપાસ થવા દે, એવી શક્યતા ખાસ લાગતી નથી.