Sunday, 22 May 2016

જગતમાં ગરીબોની સંખ્યા શૂન્ય થઈ જાય તો પણ આર્થિક અસમાનતા રહેશે

જગતમાં ગરીબોની સંખ્યા શૂન્ય થઈ જાય તેનો અર્થ એવો નથી કે માનવસમાજમાં આર્થિક સમાનતા સ્થપાઈ છે. કોઈપણ દેશ માટે ગરીબોની સંખ્યા ઘટાડવાની વ્યૂહરચના અને આર્થિક સમાનતા સ્થાપવાની વ્યૂહરચના વચ્ચે તફાવત હોય છે. ભારતમાં દરેક પુખ્ય વ્યક્તિને નોકરી મળે, બેરોજગારી દૂર થઈ જાય તેનો અર્થ એવો નથી થતો કે આર્થિક સમાનતા આવી છે. અત્યાર સુધી અર્થશાસ્ત્રીઓએ અર્થકારણને તેજી, મંદી અને મહામંદીના ચક્રમાંથી કેવી રીતે બચાવવું તેના પર વિચાર કર્યો છે. વધુ પડતા ફુગાવા (ઈનફ્લેશન)ને કેવી રીતે કાબુમાં લેવું તે અંગે પુષ્કળ લખાયું છે. આર્થિક વિકાસ કેવી રીતે કરવો તેની ડઝન જેટલી થીઅરીઝ (બીગ પુશ અને બેલેન્સ્ડ ગ્રોથ થીઅરીઝ, અનબેલેન્સ્ડ ગ્રોથ થીઅરીઝ, રોસ્ટોવની ટેઇક-ઑફ થીઅરી, આર્થર લેવીસની ઘનિષ્ઠ મૂડીરોકાણની થીઅરી, બેન્જામીન હીગીન્સની ટેકનોલોજીકલ ડયુઆલીઝમની થીઅરી, ગુલ્ટેવ રાનીસ અને જ્હોન ફેઈની ખેતીવાડીના સરપ્લસ લોકોને ઉદ્યોગોમાં સમાવી લેવાની થીઅરી વગેરે.)

યાદ રહે કે ઉપરની બધી થીઅરીઝનો ઉદ્દેશ ગરીબ દેશોનો વિકાસ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપવાનો હતો. આર્થિક અસમાનતા ઘટાડવાનો રજમાત્ર ઉદ્દેશ તેમાં નહતો. આ ઉપરાંત પશ્ચિમ જગતના આર્થિક વૃધ્ધિ દરને સમજાવવા ઈંગ્લેન્ડના સર રૉય હેરોડ અને એવસી ડોપરે થીયરીની રચના કરી જેને હેરોડ-ડોપર ગ્રોથ મોડેલ કહેવાય છે. આ થીયરી ગરીબ દેશોને ધ્યાનમાં લઈને રચાઈ ન હતી પણ એના મુખ્ય તત્ત્વોનો ઉપયોગ વિકસતા દેશોએ પણ કર્યો. ૨૦મી સદીના બે પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ-ઈંગ્લેન્ડના કેઈન્સ અને અમેરિકાના (શીકાગો યુનિવર્સિટી) મીલ્ટન ફ્રીડમેને પણ આર્થિક અસમાનતાને ધ્યાનમાં રાખીને પોતાની થીયરીઝની રચના કરી ન હતી.

બન્નેનો ઝોક પશ્ચિમ જગતના દેશોની આર્થિક મુશ્કેલીઓને સુલઝાવવાનો હતો. કાર્લ માર્કસનો ઉદ્દેશ શ્રમિકોને ઉદ્યોગકારોની નાગચૂડથી દૂર કરી સમાજવાદ સ્થાપવાનો હતો પણ આ સૂચિત સમાજવાદ વિષે તેમણે ઝાઝુ લખ્યું નથી. તેમનું ધ્યેય શોષણવિહીન સમાજની રચનાનું હતું. તેમાં આર્થિક સમાનતા હશે કે નહી તેની ચર્ચા તેમણે કે એન્જલ્સે કરી નથી. કેઈન્સ અને ફ્રીડમેન બન્ને વચ્ચે વૈચારીક મતભેદો હતા. કેઈન્સ અર્થકારણમાં હસ્તક્ષેપ કરવાના આગ્રહી હતા. કારણકે બજારો ઘણીવાર નિષ્ફળ જાય છે. આને માર્કેટ ફેઈલ્યોર્સ કહે છે. ફ્રીડમેન કહેતા કે બજારો લાંબાગાળે કદાપી નિષ્ફળ જતા નથી તે નિષ્ફળ જાય છે કારણકે રાજ્ય અર્થકારણમાં દરમિયાનગીરી કરે છે. તેઓ આને સ્ટેટ ફેઈલ્યોર્સ કહે છે.

જગતમાં આર્થિક અસમાનતા

અમેરિકાની માથાદીઠ આવક લગભગ ૫૪,૦૦૦ ડોલર્સ છે અને ભારતની લગભગ ૧૬૦૦ ડોલર્સ છે અને આફ્રીકાના ઘણા દેશોની માથાદીઠ આવક એક હજાર ડોલર્સથી નીચી છે. દેશો વચ્ચે આમ ભયાનક આર્થિક અસમાનતા છે. દેશની અંદર પણ ઘણી મોટી આર્થિક અસમાનતા છે તેનો આપણને પ્રત્યક્ષ અનુભવ છે. ઈ.સ. ૨૦૦૫ના સરવેમાં ભારતના દસ ટકા સૌથી ગરીબ કુટુંબો પાસે ભારતની કુલ આવકના ૩.૬ ટકા આવક હતી અને સૌથી વધુ ધનિક કુટુંબો પાસે ૩૧ ટકા આવક હતી. રશિઅન ફેડરેશનમાં દસ ટકા સૌથી ગરીબ કુટુંબો પાસે ૨.૬ ટકા આવક હતી. (ભારત કરતાં પણ વધુ અસમાનતા) અને સૌથી ધનિક કુટુંબો પાસે ૩૩.૫ ટકા આવક હતી. બ્રાઝીલ આમાં કનિષ્ઠ જણાયું. તેના સૌથી ગરીબ દસ કુટુંબો પાસે માત્ર ૧.૨ ટકા આવક હતી અને સૌથી ધનિક કુટુંબો પાસે દેશની કુલ ૪૨.૫ ટકા આવક હતી.

અસમાનતા વિષે પ્રો. પીકેટીનો હુંકાર અને પડકાર

ઈ.સ. ૧૯૭૧માં જન્મેલા થોમસ પીકેટીએ જગતના દેશો પર ધન અને સંપત્તિની અસમાનતા પર ઊંડું સંશોધન કરીને ઈ.સ. ૨૦૧૪માં 'કેપીટલ ઇન ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી' નામનું પુસ્તક બહાર પાડયું છે તે માટે જગતના ૨૦ દેશોનો છેલ્લા ૨૦૦ વર્ષોનો આ અંગેનો ઈતિહાસ તપાસ્યો છે. તેમણે અભ્યાસને અંતે નક્કર આંકડા દ્વારા જણાવ્યું છે કે માત્ર અમેરીકામાં જ નહી પણ ભારત, રશિયા, ચીન વગેરેમાં અબજોપતિની સંખ્યા વધતી જાય છે. છેલ્લા અહેવાલ પ્રમાણે અબજોપતિની સંખ્યામાં ભારત પાંચમા ક્રમે છે. આ હરખાવાની બાબત નથી. પણ દુઃખની બાબત છે. અમેરિકામાં અત્યારે ૪૨૨ અબજપતિઓ છે, રશિયામાં ૬૫, જર્મનીમાં ૫૭ અને ભારતમાં ૫૭ અબજોપતિઓ છે. અહીં અબજોપતિ એટલે બીલીયન ડોલર્સની ઓછામાં ઓછી કંપની ધરાવનાર વ્યક્તિ જેની રૃા. ૬૬૦૦ કરોડની કે તેનાથી અનેક ગણી વધારે મીલકત હોય.

જગતના ઘણા દેશોમાં અસમાનતા વધે છે. ઈજારાશાહી દ્વારા કંપનીઓ અને મેનેજરો ધન કમાય છે. મૂડીવાદી દેશોના ઉદ્યોગકારો રેન્ટ ઉઘરાવનારા રેન્ટીઅર્સ બની જાય છે. અહીં રેન્ટનો અર્થ હરીફાઈના ભાવો કરતાં વધુ ભાવો ઈજારાશાહી ઊભી કરીને લેવા તેવો થાય છે. આ અસમાનતાથી ચિંતિત થઈને જ ''અમે ૯૯ ટકા છીએ'' (અમે ૯૯ ટકા ગરીબો છીએ અને તમે ૧ ટકા સુપરરીચ છો) તે સ્લોગન હેઠળ વોલસ્ટ્રીટ પર થોડાં વર્ષ પહેલાં અમેરીકામાં ચળવળ થઈ હતી તે નિષ્ફળ ગઈ છે. તે દબાઈ ગઈ. ૧૯૭૯ થી ૧૯૯૦ના અગિયાર વર્ષ દરમિયાન ઈંગ્લેન્ડના વડાપ્રધાન માર્ગારેટ થેચરે અને અમેરીકાના રોનાલ્ડ રેગને કરવેરા ઘટાડી નાખ્યા, કલ્યાણ યોજનાઓ સંકોચી દીધી, ઘણી સેવાઓનું બીનરાષ્ટ્રીયકરણ કર્યું, કંપનીઓ પરના અંકુશો ઘટાડી દીધા જેથી આર્થિક અસમાનતા વધી. આજે અમેરિકાની કુલ રાષ્ટ્રીય આવક કરતાં તેની સંપત્તિ (વેલ્થ)નું મૂલ્ય છ ગણું વધારે છે. આ ગાળામાં અમેરિકાની સોશીઅલ ડેમોક્રસીનું મોડેલ તૂટી ગયું હતું. ડૉ. પીકેટીનો મુખ્ય મુદ્દો એ છે કે મૂડીવાદને જો નાથો નહી, તેના પર નિયંત્રણ ના મુકો તો તે આર્થિક અસમાનતા જરૃરથી વધારશે.

ભારતમાં આર્થિક અસમાનતા

આ મહાન અર્થશાસ્ત્રી જાન્યુઆરી ૨૦૧૬માં જેએનયુમાં વક્તવ્ય આપવા ભારત આવ્યા હતા. તેમણે ભારતમાં ઈડીઅન એક્સપ્રેસે લીધેલા ઈન્ટરવ્યુમાં નીચેના નિરીક્ષણો કર્યા ઃ ૨૦ દેશોના છેલ્લા ૨૦૦ વર્ષનો આર્થિક અસમાનતાનો ઈતિહાસ મેં તપાસ્યો છે. તેને આધારે હું કહી શકું કે ભારતમાં જે પ્રકારની આર્થિક અસમાનતા છે તે લાંબાગાળાની વૃધ્ધિ માટે ખરાબ છે. પશ્ચિમ જગતમાં બે વિશ્વયુધ્ધો થયા, ૧૯૩૦માં ઘોર મંદી આવી તે પછી પશ્ચિમ જગતની સાન ઠેકાણે આવી અને તેણે આર્થિક અસમાનતાના મુદ્દા પર ધ્યાન આપવાનું નક્કી કર્યું. ભારત શું આવા ઝટકાની રાહ જુએ છે? પશ્ચિમ જગતે આ દિશામાં જે કાંઈ પગલાં લીધા તે ભારતે હજી લીધા નથી. ભારતમાં સ્ત્રી શિક્ષણ અને જાહેર સવલતો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પાછળ બહુ ઓછું બજેટ ફાળવાય છે. આ દિશામાં ભારતે ઘણું વધારે કામ કરવું પડશે.

મુખ્ય બાબત શિક્ષણ અને કુશળતા વૃધ્ધિના ક્ષેત્રે બહુ મૂડીરોકાણ કરવું પડશે. મેં મારા પુસ્તકમાં જણાવ્યું છે તેમ શિક્ષણ અને જ્ઞાાનનો પ્રસાર આર્થિક અસમાનતાને દૂર કરવાની દિશામાં એક મોટું પરિબળ છે. શિક્ષણનું 'ફન્ડીંગ' પુષ્કળ વધારવું પડશે. શિક્ષણને ઈન્કલ્યુઝીવ બનાવવું પડશે. ભારતમાં કરવેરા તેની રાષ્ટ્રીય આવકના માત્ર ૧૧ ટકા છે. ધનિકો પર કરવેરા વધારવા પડશે. ભારત તેની રાષ્ટ્રીય આવકના માત્ર ૧ ટકો હેલ્થ પાછળ ખર્ચે છે. ચીન ત્રણ ટકા ખર્ચે છે. આવું ચાલે નહી, કરવેરા ૨૦ ટકા સુધી લઈ જાવો.

અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment