Tuesday, 19 April 2016

પ્રવર્તમાન અર્થશાસ્ત્ર : મધ્યમમાર્ગીય, ડાબેરી અને જમણેરી થીયરીનું સહ અસ્તિત્વ

કુદરતી વિજ્ઞાાન અને અર્થશાસ્ત્ર
અર્થશાસ્ત્ર ભલે વિજ્ઞાાન હોવાનો દાવો કરે પણ તે કુદરતી વિજ્ઞાાનો (ફીઝીક્સ, કેમીસ્ટ્રી, બાયોલોજી વગેરે)ની તોલે આવી શકે તેમ નથી. કુદરતી વિજ્ઞાાનોમાં એક થીયરી ખોટી પડે તો તેનું સ્થાન બીજી થીયરી લે છે. દા.ત. ટોલેમીની પૃથ્વીકેન્દ્રી થીયરી ખોટી પડી અને ગેલેલીઓની સૂર્યકેન્દ્રી થીયરી સાચી પડી તેથી હવે ટોલેમીની થીયરીનો કોઇ ઉપયોગ રહ્યો નથી. તે ઈતિહાસ બની ગઇ છે. આઇન્સ્ટાઇનની રીલેટીવીટીની થીયરીએ ન્યુટનની થીયરીને પણ તેનો માત્ર એક ઉપવિભાગ (સ્પેશીઅલ કેસ) બનાવી દીધો. આનાથી વિરૃધ્ધ અર્થશાસ્ત્રમાં આજે આદમ સ્મીથની, કાર્લ માર્ક્સની, કેઇન્સની અને અતિ જમણેરી મીલ્ટન ફ્રીડમેનની થીયરીઝનું સહઅસ્તિત્વ છે.

કાર્લ માર્ક્સ અને કેઇન્સ
કાર્લ માર્ક્સે મૂડીવાદમાં મજૂરોનું સખત શોષણ જોયું. તેઓ મૂડીવાદનો નાશ ઈચ્છતા હતા અને મજૂરો પોતાની બેડીઓ તોડીને પોતાનું જ રાજ્ય સ્થાપે તેમ ઈચ્છતા હતા. જગતના મજૂરોને તેમણે મૂડીવાદ રાજ્યો હિંસક રીતે તોડવાનું ઈ.સ. ૧૮૪૮માં આવ્હાન કર્યું હતું. માર્ક્સ અને એન્જેલ્સના કોમ્યુનીસ્ટોમાં આ બાબત સ્પષ્ટ રીતે જણાવાઇ છે. કાર્લ માર્ક્સ અને એંજલ્સ કોમ્યુનીસ્ટ મેનીફેસ્ટોમાં આ બાબત સ્પષ્ટ રીતે જણાવાઇ છે. કાર્લ માર્ક્સ ૧૯મી સદીના પ્રખર અર્થશાસ્ત્રી-સમાજશાસ્ત્રી હતા તો ઈંગ્લેંડના કેઇન્સ ૨૦મી સદીના મહાન અર્થશાસ્ત્રી હતા. બન્નેમાં શું ફેર હતો ? માર્ક્સ - એંજલ્સ એમ માનતા હતા કે મૂડીવાદે ફ્યુડાલીઝમને તોડીને પુષ્કળ આર્થિક પ્રગતિ કરી છે. તે માટે મૂડીવાદની પ્રસંશા કરવી પડે પણ હવે તે મજૂરોને ગળે અને પગે બેડીરૃપ બની ગયો છે. એક વખતનો પ્રગતિશીલ મૂડીવાદ હવે શોષક બની ગયો છે, રીએકશનરી (પ્રત્યાઘાતી) બની ગયો છે.

મજૂરોને ચૂસી ખાય છે. તેથી તેને સુધારી શકાય તેમ નથી. કેઇન્સ આનાથી વિરૃધ્ધ મતના છે. તેઓએ ૧૯૨૯ના અમેરિકાના ભયાનક ડીપ્રેશનમાંથી બ્રીટન અને અમેરિકાના અર્થકારણને બચાવી લીધું. તેમની ૧૯૩૬માં લખાયેલું શકવર્તી મહાન પુસ્તક 'ધ જનરલ થીયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઈન્ટરેસ્ટ એન્ડ મની'માં અને તે પહેલાના લખાણોમાં આર્થિક મહામંદી (ડીપ્રેશન)ને નાથવાના જે ઉપાયો સૂચવ્યા હતા તે ફાયદાકારક સાબીત થયા. માર્ક્સ મૂડીવાદને end કરવા માગતા હતા જ્યારે કેઇન્સ મૂડીવાદને mend (સુધારવા, દુરસ્ત કરવા) માગતા હતા. કોઇ સીસ્ટમને end કરવી કે તેને mend કરવી તે માનવજાતનો યુગોજૂનો પ્રશ્ન છે અને તે અર્થકારણ પૂરતો મર્યાદિત નથી. દા.ત. લગ્નપ્રથાનેend કરવી કે mend કરવી ? અનામત પ્રથાને end કરવી કે mend કરવી ? ટ્રોટસ્કીએ સ્ટાલીનને કહ્યું કે સામ્યવાદી રાજ્યપ્રથા-અર્થપ્રથામાં લોકશાહી દાખલ કરી તેને 'મેન્ડ' કરો અને પક્ષની સરમુખત્યારશાહી દૂર કરો.

મૂડીવાદના નાભીશ્વાસ
અમુક લેટીન અમેરિકન દેશોમાં સામ્યવાદી અર્થકારણનો આંશિક પ્રયોગ થઇ રહ્યો છે. રશિઅન ફેડરેશનમાં પણ તે આંશિક રીતે ચાલુ છે. તેના ઘણા ચાહકો માને છે કે મૂડીવાદના અત્યારે નાભીશ્વાસ ચાલી રહ્યા છે અને મૂડીવાદના વિરોધાભાસો છતાં થતા જાય છે તેથી તે નાશ પામશે. મૂડીવાદના મરવાની ટાંપીને રાહ જોતો સામ્યવાદ તેના મરણ બાદ જગત પર છવાઇ જશે તેવો સામ્યવાદના ચાહકોનો મત છે. આ એક વીશફુલ થીંકીંગ છે. અત્યારે મૂડીવાદ-શાહીબાદ અને સામ્યવાદના સંયુક્ત મરણની રાહ જોતો ઈસ્લામીક આતંકવાદ સમસ્ત જગત પર કોરાન અને શરિયાનું રાજ્ય સ્થાપવા પ્રયત્નશીલ છે. ધર્મ પોતે પણ એક હિંસક આઇડીયોલોજી (વિચારસરણી) છે અને કોઇ ધર્મ તેનાથી પર નથી.

કેઇન્સનું સ્વપ્ન
કેઇન્સનું લક્ષ્ય જગતને ડીપ્રેશન (મહામંદી)માંથી બહાર કાઢવાનું હતું અને પશ્ચિમ જગતમાં પૂર્ણ રોજગારી (ફુલ એમ્પ્લોયમેન્ટ)નું સર્જન થાય તે માટે તેમણે પોતાની થીયરીની રચના કરી હતી. માર્ક્સની આર્થિક વિચારસરણીમાં મજૂરો અને મૂડીપતિઓના હિતો એકબીજાથી વિરૃધ્ધ હોવાથી તેના કેન્દ્રસ્થાને વર્ગવિગ્રહ હતો જ્યારે કેઇન્સના કેન્દ્રમાં પૂર્ણ રોજગારી સ્થાપવા માટે વર્ગો વચ્ચે સુમેળ અને સહકારનો ખયાલ હતો.

કેઇન્સને લોકશાહીમાં પૂર્ણ શ્રધ્ધા હતી અને અર્થકારણમાં રાજ્યનો હસ્તક્ષેપ જરૃરી માનતા હતા. તેઓનો મુખ્ય સિધ્ધાંત ખેડૂતો કે રાજ્યના હસ્તક્ષેપ વિના મૂડીવાદી અર્થકારણ પૂર્ણ રોજગારી સર્જી શકે જ નહીં. મૂડીવાદી અર્થકારણની બીઝનેસ સાયકલ્સ મંદી, મહામંદી, રીકવરી અને ગ્રોથના વિષચક્રમાં ફસાયા જ કરે છે. તેને માત્ર રાજ્યનો રાજકોષીય (ફીસ્કલ) નીતિ જ મદદ કરી શકે. જમણેરી અર્થશાસ્ત્રી ફ્રીડમેનને રાજકોષીય નીતિ જરા ય ગમતી ન હતી. તેઓને અર્થકારણની બાબતમાં રાજ્યનો કોઇ પણ હસ્તક્ષેપ માન્ય ન હતો. રાજ્યનો હસ્તક્ષેપ અર્થકારણનો કચરો (રબીશ) કરી નાખે છે તેમ તેઓ માનતા. રાજ્યનો હસ્તક્ષેપ ના હોય તો અર્થકારણ આપોઆપ (ઓટોમેટીકલી) સ્વનિયંત્રિત થઇને પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરે છે તેમ તેઓ માનતા.

રાજ્યે અલબત્ત મોનેટરી પોલીસી (અર્થકારણમાં નાણાની વધઘટ કરવી) ઘડવી જોઇએ પણ તેમાં ય રાજ્યનું કાંઇ મનસ્વીપણું ના ચાલવું જોઇએ. દર વર્ષે માત્ર ૩ ટકાના દરે નાણાનો સપ્લાય વધારવો. આવા નિયમને કારણે રાજ્યને કશું મનસ્વી વર્તન કરવાનું રહેશે નહીં. શિકાગો સ્કૂલના મીલ્ટન ફ્રીડમેનને જમણેરી અર્થકારણના અધીષ્ઠાતા માનવામાં આવે છે. કેઇન્સે કટાક્ષપૂર્વક તેનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે લાંબાગાળામાં તો આપણે બધા મરી જવાના છીએ માટે ટૂંકા ગાળાના પોઝીટીવ ઉપાયોની વાત કરો. જ્યારે મંદી અને મહામંદી દરમિયાન વ્યાજના દરો તદ્દન ઘટી જાય ત્યારે મોનેટરી પોલીસી કશું કામ ના કરી શકે. મંદીમાં ખરીદશક્તિ એટલી બધી ઘટી જાય કે ઉદ્યોગકારો કશું નવું ઉત્પાદન હાથમાં જ ના લે. કેઇન્સે તેથી કહ્યું કે લોકોની ખરીદશક્તિ વધારો. ખાડા ખોદવા અને પૂરવા પડે તો ય લોકોની ખરીદશક્તિ વધારો જેથી લોકો વધુ માલ ખરીદવા પ્રેરાય અને ઉત્પાદકો નવા સાહસો શરૃ કરે કે ફાજલ પડેલી ફેકટરીઓની ઉત્પાદનશક્તિ કાર્યાન્વીત કરે
ઈ.સ. ૧૯૯૧માં સોવિયેટ રશિયાનું વિઘટન થતા માર્ક્સીસ્ટ રાજકારણ અને અર્થકારણને અસાધારણ ફટકો પડયો છે.

ઈ.સ. ૧૯૭૬માં માઓના મૃત્યુ બાદ ડેંગે સામ્યવાદી ચીનમાં મૂડીવાદી - રાજ્યવાદી મીશ્ર અર્થકારણ દાખલ કરીને સામ્યવાદી અર્થકારણની વિચારમાળા તોડી નાખી. લોર્ડ કેઇન્સે તેમની પહેલાના ક્લાસીકલ અર્થશાસ્ત્રીઓ (આદમ સ્મીથ, રીર્કાડો, માસ્થ્યુસ, મીલ, માર્જીનાલીસ્ટો વગેરે)ની બજારો સેલ્ફ-એડજસ્ટીગ છે તે મીથને તોડી નાખી. તેવે વખતે પીગુ જેવા આઉટડેટેડ ક્લાસીકલ અર્થશાસ્ત્રીઓ સરકારનો બજેટરી ખર્ચો ઘટાડવાની વાતો કરે અને મજૂરસંઘોને એમ કહે કે તમે મજૂરીના દર ઘટાડો તો જ ઉત્પાદન વધશે - આ વાત કેઇન્સને મત તદ્દન ખોટી છે.

ઈ.સ. ૧૯૪૫થી ૧૯૭૪ દરમિયાન પશ્ચિમ જગતમાં કેઇન્સીઅન થીયરીનો સુવર્ણકાળ હતો. ૧૯૭૪માં ઓપેક દેશોએ બળતણના તેલના ભાવો વધાર્યા અને પશ્ચિમ જગત સ્ટેગ્ફલેશનમાં ફસાઇ ગયું તેથી અમેરિકામાં રેગને અને ઈંગ્લેન્ડમાં થેચરે (૧૯૭૯-૧૯૯૨) ફ્રીડમેનનો સુવર્ણકાળ સ્થાપવામાં મદદ કરી. જગતમાં નીઓલીબરાલીઝમ છવાઇ ગયું. અત્યારે જગતમાં ક્લાસીકલ આદમ અને પુગીનો, ડાબેરી માર્ક્સનો, મધ્યમમાર્ગી કેઇન્સનો અને જમણેરી ફ્રીડમેનનો યુગ એક સાથે ચાલે છે. જુદા જુદા દેશોમાં તેનું ચલણ જુદું જુદું છે. કોઇ ઉમ્મીદ બર નહીં આતી !!



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment