Monday, 6 July 2015

ભૂતકાળની ભૂતાવળો

સરકારી નોકરીમાં મહત્ત્વના હોદ્દેથી પરવારી ઉતરેલા અમલદારો તેમનાં સંભારણાં લખે ત્યારે વિવાદ ન થાય એવું ભાગ્યે જ બને. તેમને પુસ્તક લખવાનું મન ત્યારે જ થાય, જ્યારે તેમને કશું કહેવાની-જણાવવાની ચટપટી જાગી હોય અને નોકરી દરમિયાન તેની પર કાબૂ રાખીને બેઠા હોય. એમાં પણ ભારતની જાસુસી સંસ્થા 'રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ'ના વડા તરીકે કામ કરી ચૂકેલી વ્યક્તિ જ્યારે અને જેટલું પણ મોં ખોલે, ત્યારે ધુમાડા અને આગ નીકળે જ. 'રો'ના સૌથી નામાંકિત અને સૌથી સફળ ગણાયેલા વડા રામનાથ કાઓનું મોં આજીવન બંધ રહ્યું. તેમને ઘણું બધું કહેવાનું હતું. 'રો'ની સ્થાપનાથી માંડીને બાંગલાદેશના સર્જનમાં 'રો'નો ફાળો તથા આંતરરાષ્ટ્રિય સ્તરે 'રો'ની કામગીરી વિશે કાઓ પાસે રહેલી માહિતી કેવી માર્કાની હોય, એ કલ્પી શકાય એવું છે. કાઓએ આ બધું લખી પણ રાખ્યું. છતાં તેને પ્રકાશિત કરવાથી દૂર રહ્યા. પોતાના મૃત્યુ પછીનાં અમુક વર્ષે જ એ લખાણ પ્રકાશિત કરવાની તેમની સૂચનાનું કડક પાલન થયું. પરંતુ વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે 'રો'ના વડા તરીકે ફરજ બજાવનાર એ.એલ.દુલાત લાંબો સમય ચૂપ ન રહ્યા. તેમના પુસ્તક 'કાશ્મીર ઃ ધ વાજપેયી યર્સ'થી કેટલાક જૂના વિવાદો નવેસરથી ધુણવા લાગ્યા છે.
દુલાતના જણાવ્યા પ્રમાણે, ઇન્ડિયાન એરલાઇન્સના વિમાનનું ત્રાસવાદીઓએ અપહરણ કર્યું અને તેના મુસાફરોને મુક્ત કરવા માટે એનડીએ સરકારે ખતરનાક ત્રાસવાદી મસુદ અઝહરને છોડી મૂકવો પડયો, એ પ્રસંગે સરકારની નિર્ણયશક્તિ ઓછી પડી. તેમના મતે, અપહૃત વિમાન પહેલાં અમૃતસર વિમાનમથકે ઉતર્યું, ત્યારે તેને ત્યાં જ રોકી પાડવા માટે પંજાબ પોલીસ સક્રિય બની ચૂકી હતી. પંજાબ પોલીસ પાસે વિમાનને નિષ્ક્રિય બનાવી દઇ શકે એવા કમાન્ડો હતા. પરંતુ સરકાર તરફથી એ પ્રકારના કોઇ સ્પષ્ટ આદેશ અપાવાને બદલે ચર્ચાઓ થતી રહી અને વિમાન અમૃતસરથી ઉડીને લાહોર-દુબઇ થઇને કંદહાર પહોંચી ગયું. ત્રાસવાદીઓને છોડવાના મુદ્દે જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ફારુક અબ્દુલ્લા બહુ નારાજ હતા અને દુલાતે લખ્યું છે કે અબ્દુલ્લાએ તેમની સામે (ગુસ્સામાં આવીને) ઘણા બૂમબરાડા કર્યા અને પછી રાજ્યપાલને મળવા ચાલ્યા ગયા. દુલાતના જણાવ્યા પ્રમાણે, ફારુક રાજીનામું આપવા માગતા હતા પણ રાજ્યપાલે ઉત્તમ સ્કૉચ અને થોડી વાતોચીતો કરીને ફારુકને ટાઢા પાડયા અને રાજીનામું આપતાં રોક્યા.
ગુજરાતમાં ૨૦૦૨ની કોમી હિંસા વિશે દુલાતે વાજપેયીનું ખેદ-વાક્ય નોંધ્યું છે કે 'વો હમારેસે ગલતી હુઇ હૈ.' વર્ષ ૨૦૦૪માં થયેલી ચૂંટણીમાં એનડીએનો પરાજય થયો ત્યારે પણ દુલાતના જણાવ્યા પ્રમાણે, વાજપેયીએ ગુજરાતની 'ગલતી'ને યાદ કરી હતી અને તેમના ચહેરા પર ઉદાસી છવાઇ ગઇ હતી. વાજપેયીની પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ મુશર્રફ સાથે આગ્રામાં બેઠક યોજાઇ ત્યારે તેમની મંત્રણાઓ સફળ બને એવી પૂરી સંભાવના હતી. વાજપેયી સરકારમાં ભારે દબદબો ધરાવતા સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રા મંત્રણાઓ બાબતે બહુ આશાવાદી હતા. પણ આગલી સાંજે બધા નેતાઓ સાથેની મુલાકાત વખતે, દુલાતના નોંધ્યા પ્રમાણે, ગૃહમંત્રી અડવાણીએ મુશર્રફને દાઉદ ઇબ્રાહિમ વિશે પૂછપરછ કરતાં મુશર્રફ ઉખડી ગયા અને મંત્રણાઓનું વાતાવરણ બગડી ગયું. સરવાળે મંત્રણાઓ નિષ્ફળ ગઇ.
દુલાતના પુસ્તકમાં અને તેમની મુલાકાતોમાં જાહેર થયેલા આવા ઘણા મુદ્દાને લઇને કૉંગ્રેસે વર્તમાન સરકાર સામે રાબેતા મુજબ ટીકાનો મારો ચલાવ્યો છે. ખાસ કરીને, કંદહાર અપહરણકાંડમાં ત્રાસવાદીઓને છોડી મૂકવાનું પગલું અને ગુજરાતની કોમી હિંસા ફરી એક વાર કૉંગ્રેસ માટે હાથવગાં બન્યાં છે. કંદહારકાંડ વખતે સરકારની ભૂમિકા વિશે બેશક મતભેદ હોઇ શકે છે અને કૉંગ્રેસની સરકારના રાજમાં એ બનાવ બન્યો હોત, તો આ જ ભાજપી નેતાઓ કૂદી કૂદીને રાષ્ટ્રવાદના નામે કૉંગ્રેસના માથે છાણાં થાપતા હોત. કૉંગ્રેસની મુશ્કેલી એ છે કે તેના પ્રવક્તાઓની વાતનો મુદ્દો ગમે તેટલો સાચો હોય તો પણ એ તેમના મોઢેથી શોભતો નથી. ગુજરાતની કોમી હિંસાના મુદ્દે વડાપ્રધાન પર આક્રમણ માટે આતુર કૉંગ્રેસ પહેલાં એ વાતનો તો જવાબ આપે કે કાળા બોગદા જેવા એ સમયગાળામાં કૉંગ્રેસે શું કર્યું હતું? અને ત્યાર પછીના દિવસોમાં પણ કેન્દ્રમાં પોતાની સરકાર હોવા છતાં, કૉંગ્રેસ કેમ ન્યાયની લડતના પક્ષે ભાગ્યે જ દેખાઇ?
એક સમયના વરિષ્ઠ પત્રકાર-તંત્રી એમ.જે.અકબરે ભાજપના બચાવમાં ઉતરવું પડેે અને રીઢા રાજકારણીના અંદાજમાં દલીલો કરવી પડે, એ આમ તો નિશ્ચિત થઇ ચૂકેલી, છતાં જ્યારે પણ થાય ત્યારે નવેસરથી કરુણતા જગાડતી વાસ્તવિકતા છે. અકબર કોમી હિંસામાં તત્કાલીન મુખ્ય મંત્રી (હાલના વડાપ્રધાન)ને ક્લીન ચીટ મળી ગયાની અને એકેય અદાલતમાં તેમનો ગુનો પુરવાર ન થયો હોવાની વાત કરેે અને એમ કહે કે કૉંગ્રેસરાજમાં થયેલાં હુલ્લડો વિશે આવી તપાસ થઇ હોત તો તેના ઘણા નેતાઓ જેલમાં હોત--ત્યારે એટલો જ વિચાર આવે છે કે અકબર જેવા એક સમયના સજ્જ વિચારનારાનું પક્ષીય રાજકારણમાં ગયા પછી કેવું પતન થાય છે.
Source:[Gujarat samchar]