Monday, 6 July 2015

વ્યાપમ ટેરરઃ સન્નાટામાં ત્રાટકતું મોત કે યોગાનુયોગ?

સંદેહાત્મક મૃત્યુનો આંકડો પચાસે પહોંચ્યો છે પણ મોતનું કારણ મળતું નથી અને કૌભાંડનો તાગ મળતો નથી

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના ચાહકોમાં 'મામા'ના હુલામણા નામે જાણીતા છે અને તેમના જ રાજ્યમાં આઝાદી પછીના દરેક કૌભાંડનો 'મામો' ગણાય એવું કૌભાંડ સનસનાટી મચાવે છે



આઝાદી પછી કદાચ ભાગ્યે જ આવી કોઈ ઘટના નોંધાઈ છે જેમાં એક જ કૌભાંડ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા આરોપીઓ, સાક્ષીઓ, તપાસકર્તાઓ, પક્ષકારો સંદેહાત્મક મૃત્યુને ભેટતા હોય અને તેમ છતાં મૃત્યુનું કારણ ન જડતું હોય અને કૌભાંડનો છેડો ન પકડાતો હોય. એ હિસાબે મધ્યપ્રદેશનું વ્યાપમ કૌભાંડ અભૂતપૂર્વ બની રહ્યું છે.
સોશિયલ મીડિયાથી માંડીને પ્રસાર માધ્યમો સુધીના દરેક સ્તરે સનસનાટી મચાવી રહેલું વ્યાપમ કૌભાંડ તેમાં કોઈકને કોઈક રીતે સંકળાયેલા લોકોના પરિજનોના હૈયે ય હવે ફાળ પાડી રહ્યું છે. એક પછી એક ઘટનાઓ જ એવી બને છે કે જેનો કોઈ તાગ મળતો નથી. એકસરખી ભેદી રીતે મોતને ભેટતા લોકોની સંખ્યા ત્રણ વર્ષમાં અર્ધશતકે પહોંચવા આવી છે. સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે, ભેદી રીતે મોતને ભેટતા લોકોના પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી થઈ રહી છે અને એ પછી ય ભેદ ઉકેલાતો નથી.
મોત આવે છે પણ કેવી રીતે? જુઓ કેટલાંક ઉદાહરણ...
૨૦ વર્ષની એક યુવતીનું નામ નમ્રતા ડામોર. બારમા ધોરણમાં ઓછા ટકા આવ્યા પણ કોઈકે બનાવટી માર્કશીટ બનાવડાવીને મેડિકલમાં એડમિશન અપાવી દીધું. વ્યાપમ કૌભાંડની તપાસમાં માર્કશીટનો નંબર સરકારના રેકર્ડ સાથે ચેક કરવામાં બનાવટ પકડાઈ ગઈ એટલે નમ્રતાની પૂછપરછ થઈ, જેમાં તેણે પૈસા ખવડાવીને બનાવટી માર્કશીટ બનાવડાવી હોવાનું તેમજ એ ખોટી માર્કશીટના આધારે જ મેડિકલમાં એડમિશન લીધું હોવાનું સ્વીકારી લીધું.
પોલિસે આરંભે તેને કૌભાંડની સાક્ષી બનાવી અને તેના નિવેદનને આધાર બનાવીને કેટલાંક વચેટિયાની ધરપકડ કરવાનું આયોજન કર્યું. પોલિસ હજુ નમ્રતાની વધુ પૂછપરછ કરે એ પહેલાં ૨૦૧૨ના ઓગસ્ટ મહિનામાં નમ્રતા ઘરેથી ગાયબ થઈ ગઈ. થોડાં દિવસ પછી ૧૩૦ કિલોમીટર દૂર ઉજ્જૈન નજીકના રેલ-વે ટ્રેક પાસેથી તેની લાશ મળી. એ અહીં સુધી કેવી રીતે પહોંચી, તેની સાથે કોણ હતું, છેલ્લે તેણે કોનો સંપર્ક કર્યો હતો અને સૌૈથી વિશેષ તો, તેનું મૃત્યુ કેવી રીતે નીપજ્યું એ એકપણ સવાલના જવાબ ત્રણ વર્ષે ય હજુ સુધી મળ્યા નથી.
હવે બીજો બનાવ જુઓ.
એ જ નમ્રતા ડામોરના ભેદી મૃત્યુની છાનબીન કરવા અક્ષય સિંઘ નામનો એક રાષ્ટ્રીય ચેનલનો પત્રકાર મથી રહ્યો હતો. વ્યાપમ કૌભાંડ સંબંધિત કેટલીક સ્ટોરી તેણે કરી લીધી હતી. મધ્યપ્રદેશની ગુજરાતની સરહદ પાસેના ઝાબુઆ ગામના મેઘનગર વિસ્તારમાં જઈને તેણે નમ્રતાની ફ્રેન્ડ્સ, ટીચર્સ, પાસપડોશી અને બીજા લોકોના ઈન્ટરવ્યૂ પણ કર્યા હતા. છેવટે નમ્રતાના પરિવારજનો સાથે એ એક લાંબો ઈન્ટરવ્યૂ કરી રહ્યો હતો.
ઈન્ટરવ્યૂ પત્યા પછી કેટલાંક કાગળોની ફોટોકોપી કરાવીને અક્ષયને આપવા નમ્રતાના એક સંબંધી બજારમાં ગયા અને અક્ષય તેમજ કેમેરામેન ઘરની બહારના કેટલાંક દૃષ્યો કેમેરામાં ઝડપી રહ્યા હતા. અચાનક જ અક્ષયે કેમેરામેનને કહ્યું કે, 'મને કંઈક થાય છે', કેમેરામેન કંઈ સમજે એ પહેલાં તો અક્ષય ભોંય પર પટકાઈ પડયો અને તેનાં મોંમાંથી ફીણ નીકળવા માંડયા. તાત્કાલિક તેને પહેલાં સિવિલ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ અને પછી પાડોશી રાજ્ય ગુજરાતના દાહોદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તે મૃત જાહેર થયો.
હજુ ગયા અઠવાડિયે પહેલી જુલાઈએ પોતાનો ૩૯મો જન્મદિન ઉજવનાર અક્ષય બિલકુલ તંદુરસ્ત હતો અને તેને કોઈ જ બિમારી ન હતી. ભોંય પર તે પટકાયો ત્યાં સુધી કશીક તકલીફ થતી હોવાની તેણે કોઈ ફરિયાદ સુદ્ધાં કરી ન હતી. તો પછી અચાનક એવું શું થયું કે તે ગણતરીની મિનિટોમાં મોતને ભેટયો? સવાલ માત્ર અક્ષયનો નથી. વ્યાપમ કૌભાંડમાં આવા મોતની ભયાનક અને ચોંકાવનારી હારમાળઆ છે.
બીજો કિસ્સો જુઓ...
વ્યાપમ કૌભાંડમાં સરકારી નોકરીઓ ઉપરાંત એન્જિનિયરિંગ અને મેડિકલના એડમિશનમાં પણ ભારે ગોટાળા થયા હોવાનું તપાસમાં જણાતાં એક વર્ષ પહેલાં જબલપુરની નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજના ડીન ડો. ડી.કે.સકલ્લેને છેલ્લા પાંચ વર્ષમાં અપાયેલા મેડિકલ એડમિશનની સરકારી રેકોર્ડ મુજબ ખરાઈ કરવાની તપાસ સોંપાઈ હતી.
આ તપાસ સોંપાયાના થોડાં જ સમયમાં ડો. સકલ્લે રવિવાર હોવા છતાં 'અગત્યનું કામ હોવાથી ઓફિસે જાઉં છું' એમ કહીને મોડી સાંજે ઘરેથી નીકળ્યા. રાતભર ઘરે પરત ફર્યા નહિ અને સોમવારે સવારે તેમને ફાળવાયેલા મેડિકલ કોલેજના ક્વાર્ટરમાં બળેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો. ડો. સકલ્લે કેવી રીતે સળગી ગયા? સળગી ગયા ત્યારે કોઈએ તેમની ચીસ કેમ ન સાંભળી? વગેરે પાયાના સવાલો સુદ્ધાં હજુ અનુત્તર છે.
દરમિયાન...
ડો. સકલ્લેના ભેદી મૃત્યુ પછી તેમના સ્થાને ડો. અરુણ શર્મા નામના નવા ડીન નિમાયા. તેમણે ડો. સકલ્લેએ તારવેલા તપાસના મુદ્દાઓ વ્યાપમ કૌભાંડની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમને સોંપ્યા અને મળેલા આદેશ મુજબ નવી તપાસ આગળ ધપાવી. દરમિયાન, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા અગરતલા (ત્રિપુરા)ની એક મેડિકલ કોલેજના ઈન્સ્પેક્શન માટે જવાનું કહેણ આવતાં શનિવારે રાતે તેઓ દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં તેઓ હોટેલ ઉત્પલમાં રોકાયા અને મેડિકલ કાઉન્સિલને પોતાની હાજરીની જાણ કરીને રવિવારે બપોરે નિયત સમયે પોતે એરપોર્ટ પહોંચી જશે એવું કહ્યું.
રવિવારે સવારે ક્યાંય સુધી તેમના રૃમનો દરવાજો ય ન ખૂલ્યો અને તેમના રૃમમાં હોટેલનો ઈન્ટરકોમ પણ અનુત્તર રહ્યો એટલે હોટેલવાળાએ ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો તો ડો. શર્મા પથારીમાં પડયા હતા અને તેમના મોંમાંથી ફીણ નીકળતું હતું. પથારી પાસે દારૃની અડધી ભરેલી બોટલ હતી. બ્લડપ્રેશર સહિત કેટલીક દવાઓ ટેબલ પર પડી હતી. એ સિવાય બધું જ યથાવત્ત હતું. ફક્ત ડો. શર્માનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. આપણે અહીં ચાર મૃત્યુ વિશે વિગતે વાત કરી, પરંતુ બહુચર્ચિત વ્યાપમ કૌભાંડમાં આવા ભેદી, ડરામણા અને અત્યંત સનસનીખેજ મૃત્યુની હારમાળા છે. આવા આકસ્મિક અને રહસ્યમય મૃત્યુનો આંકડો પચાસ સુધી પહોંચવા આવ્યો છે. ડો. સકલ્લેનો એક જ કિસ્સો એવો છે જેમાં બળેલી હાલતમાં લાશ મળી છે. બાકીના મોટાભાગના કિસ્સામાં દારૃ અને દવા લાશ પાસેથી મળ્યા છે. કેટલાંક કિસ્સામાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
કેટલાંક કિસ્સામાં રસ્તા પર અકસ્માતમાં મોત થયું હોય એ પ્રકારે ઘવાયેલી લાશ મળી આવી છે. જોકે અકસ્માત જોયો હોય એવું કોઈ નથી. અપમૃત્યુના દોઢ ડઝનથી કિસ્સા એવા છે જેમાં મૃતક યુવાન વયના, તંદુરસ્ત અને માંદગીની કોઈ ફરિયાદ વગરના હોય. અક્ષય સિંહ સહિત કેટલાંક કિસ્સામાં પોસ્ટમોર્ટમની વિડિયોગ્રાફી પણ થઈ છે. ડો. શર્માના કિસ્સાની માફક વિસેરાની ફોરેન્સિક જાંચના આદેશ આ અગાઉ પણ થયા છે પરંતુ તારણ કશું જ આવતું નથી અને કમનસીબે ચૂપકીદીપૂર્વક ત્રાટકી જતા મોતનો સિલસિલો પણ ખતમ થતો નથી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના ચાહકો, સમર્થકોમાં 'મામા'ના હુલામણા નામે જાણીતા છે અને તેમના જ રાજ્યમાં આઝાદી પછીના દરેક કૌભાંડનો 'મામો' ગણાય એવું કૌભાંડ સનસનાટી મચાવે છે. વ્યાપમ કૌભાંડ શું છે, કોણ-કોણ એમાં સંડોવાયેલું છે એ વિશે આપણે આ કોલમ અંતર્ગત અગાઉ ચર્ચા કરી જ ચૂક્યા છીએ. છતાં ટૂંકમાં જાણી લઈએ તો, મધ્યપ્રદેશ સરકારના વ્યાવસાયિક પરિક્ષા મંડળ (વ્યાપમ) દ્વારા થતી સરકારી ભરતીમાં તેમજ ૨૦૦૮થી ૨૦૧૩ દરમિયાન લેવાયેલી મેડિકલ, એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ થતી હોવાનું બહાર આવ્યું હતું. એ પછી ઉચ્ચ શિક્ષણમંત્રી લક્ષ્મીકાંત શર્મા સહિત વ્યાપમના ટોચના એક ડઝનથી વધુ અધિકારીઓ જેલ ભેગા થયા હતા.
મોટા માથાઓની સંડોવણી પછી રાષ્ટ્રીય સ્તરે ચમકેલા આ કૌભાંડમાં સરકારે હાઈકોર્ટના આદેશથી સ્પેશ્યલ ટીમ નિમવી પડી હતી. સ્પેશ્યલ ટીમે સપાટો બોલાવાનો શરૃ કર્યો. આરોપીઓની યાદી તૈયાર થઈ, ધરપકડોનો દૌર આરંભાયો અને સાક્ષીઓને તૈયાર કરાયા. એ દરમિયાન અપમૃત્યુઓનો સિલસિલો પણ જારી થઈ ગયો. સંદેહાત્મક મૃત્યુનો આંકડો પચાસે પહોંચ્યો છે પણ મોતનું કારણ મળતું નથી, કૌભાંડનો તાગ મળતો નથી અને ચૂપકીદીપૂર્વક ત્રાટકતું મોત એવા જ છદ્મવેશે ગાયબ થઈ જાય છે... રહી જાય છે ફક્ત મોંમાંથી ફીણ નીકળતી પ્રાણ વગરની લાશ!
Source:[Gujarat Samachar]