Saturday, 9 May 2015

બ્રિટિશ સંસદની ચૂંટણીઃ ફિર એક બાર, કેમેરૃન સરકાર

ગત ચૂંટણીની સરખામણીએ વધુ મજબૂતી સત્તા પર આવી રહેલા ડેવિડ કેમરૃન ભારતને પણ ફળશે એવી ધારણા અસ્થાને નથી

કેમરૃન ભારત સાથે નૈસર્ગિત મિત્રતા ધરાવે છે. અગાઉ તેમની બે વખતની ભારતયાત્રા વખતે તેમણે પોતે આઝાદી પૂર્વેની પરંપરાગત અંગ્રેજી તુમાખીથી મુક્ત હોવાનો અહેસાસ કરાવ્યો હતો.

સળંગ ત્રણ દિવસથી દેશભરના માધ્યમોમાં સલમાનખાન છવાયેલો હોય ત્યારે સ્વાભાવિક રીતે જ હજારો કિલોમીટર દૂર બ્રિટનમાં યોજાઈ રહેલી સંસદીય ચૂંટણી હાંસિયામાં હડસેલાઈ જાય. હાઈકોર્ટના જામીન મળ્યા પછી ઓસરેલા સલમાનજ્વરના માહોલમાં બ્રિટનની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ફરી એકવાર ડેવિડ કેમરૃનની આગેવાની હેઠળ કન્ઝર્વેટિવ પાર્ટી સત્તા પર આવી રહી છે. યુનાઈટેડ કિંગ્ડમની એકતાના મુદ્દે લડાયેલી આ ચૂંટણી ઘણી બધી રીતે વિશિષ્ટ હતી માટે તેના પરિણામો પણ અસરકારક બની રહે છે.
ફરીથી અને વધુ મજબૂતીથી સત્તા પર આવેલી કન્ઝર્વેટિવ પાર્ટી, તેના નેતા કેમરૃન, કન્ઝર્વેટિવના પરંપરાગત હરિફ લેબર પાર્ટીની સરખામણીએ નવા હરીફ તરીકે ઊભરેલી સ્કોટિશ નેશનલ પાર્ટી વગેરે વિશે તેમજ પરિણામોના સંકેતો વિશે સમજતા પહેલાં લોકશાહી શાસન પ્રણાલિના જનક એવા બ્રિટનના આંતરિક રાજકારણ વિશે થોડીક પ્રાથમિક માહિતી મેળવવી જરૃરી બની જાય છે.
પ્રાચીન ગ્રીસમાં સોક્રેટિસ અને તેના શિષ્ય પ્લેટોની વિચારધારામાંથી જન્મેલી આધુનિક લોકશાહીનો પાયો ગ્રીસને બદલે બ્રિટનમાં નંખાયો હતો. બ્રિટિશ તાજનો સુરજ પ્રખર મધ્યાહ્ને ઝગમગતો હતો અને પોણી દુનિયા તેના તાબામાં હતી ત્યારે ખુદ બ્રિટન લોકશાહી શાસન વ્યવસ્થા તળે વિચાર, વાણી અને વર્તનની આઝાદી ભોગવતું હતું. લોકશાહીના આરંભે એ જ સામંતશાહી પરિબળો એકજૂટ થઈને વિવિધ પક્ષ રચતા હતા. બ્રિટિશ તાજના સામંતો, ઉમરાવો અને રાજાશાહીમાં હિત ધરાવતા લોકોનો વર્ગ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં કેવેલિયર્સ તરીકે રાજનીતિમાં પ્રવેશ્યો. એ જ કેવેલિયર્સ પાર્ટી સમય જતાં ટોરી પક્ષ તરીકે ઓળખાઈ.
ટોરીમાં પણ એક જૂથ એવું હતું જે બ્રિટિશ તાજની ઉમરાવ પદવીઓ અને હોદ્દાઓમાં પોતાને બીજા કરતાં ચડિયાતું ગણતું હતું. પોતાના ચડિયાતાપણાંને અલગ તારવવા આ જૂથના નેતાઓ જાહેર કાર્યક્રમોમાં ગરદન સુધી ઢંકાતી લાંબી વ્હિગ પહેરતા. આથી આ જૂથ વ્હિગ પાર્ટી તરીકે પણ ઓળખાતું હતું. કન્ઝર્વેટિવ પાર્ટીના આજના સ્વરૃપમાં વ્હિગ પાર્ટીના નેતાઓનો સિંહફાળો હતો.
સમયના બદલાવ સાથે રાજકીય પક્ષોની જરૃરિયાતો પણ બદલાઈ અને દૃષ્ટિકોણ પણ વધુ આધુનિક બનતા ગયા. આથી માત્ર રાજવી પરિવાર અને તેમની આસપાસ ઘૂમતી બ્રિટિશ રાજનીતિમાં પણ આમૂલ પરિવર્તન આવ્યા અને ટોરી પક્ષે પોતાની 'પ્યોર ઈંગ્લિશ બ્લડ'ની નીતિમાં થોડાંક સુધારા કરીને કન્ઝર્વેટિવ પાર્ટી રચી. આજે ૧૮૧ વર્ષથી કન્ઝર્વેટિવ પાર્ટી બ્રિટિશ રાજનીતિની મુખ્ય અને અસરકારક રાજકિય વિચારધારા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે. બેન્જામિન ડિઝરાયલી, લોર્ડ સેલિસબરી, લોર્ડ ચેમ્સફર્ડ અને વિન્સ્ટન ચર્ચિલ એ કન્ઝર્વેટિવ પાર્ટીના એવા ધૂરંધરો ગણાય છે જેમની જે-તે વખતે સમગ્ર વિશ્વમાં હાક વાગતી હતી.
કન્ઝર્વેટિવ પાર્ટી તેની 'ઈંગ્લિશ સુપિરિયર'ની વિચારધારા માટે જાણીતી હતી. ભારત સહિતના બ્રિટિશ કોલોની તરીકે ઓળખાતા દેશોને આઝાદી આપવામાં વિન્સ્ટન ચર્ચિલનો વિરોધ જાણીતો છે અને એ વિરોધનું કારણ ઈંગ્લિશ લોહીની સર્વોચ્ચતાની વિચારધારાથી પ્રેરાયેલો હતો. પરંતુ કાળક્રમે એ અહંકાર અને ઘમંડમાં પણ ખાસ્સો બદલાવ આવ્યો છે. એટલે જ રાજનીતિના અભ્યાસુઓ કન્ઝર્વેટિવ પાર્ટી માટે પ્રિ-વર્લ્ડવોર અને પોસ્ટ વર્લ્ડવોર એવા બે વિભાગ પાડે છે. સિત્તેરના દાયકામાં માર્ગારેટ થેચરના અડીખમ નેતૃત્વે કન્ઝર્વેટિવ પાર્ટીની ચુસ્ત વિચારધારાને લચીલી બનાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ રોયલ નેવીના સૈનિક તરીકે લડેલા અને બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને વિજય સુધી દોરી ગયેલા વિન્સટન ચર્ચિલ પછી કન્ઝર્વેટિવ પાર્ટીને જગતના બદલાતા પ્રવાહો સાથે તાલમેલ બેસાડવામાં અને બ્રિટિશ મતદારોની નવી પેઢીમાં લોકપ્રિય બનાવવામાં માર્ગારેટ થેચર પછી જો કોઈએ મજબૂત નેતૃત્વ પૂરું પાડયું હોય તો એ ડેવિડ કેમરૃન છે. હાલની ચૂંટણીમાં પણ કેમરૃનના નેતૃત્વ સામે આરંભે અનેક પડકારો ઊભા થવા છતાં તેઓ પક્ષને એકજૂટ રાખી શક્યા અને પૂર્ણ બહુમતિ સુધી દોરવામાં સફળ નીવડયા છે.
હાલમાં બ્રિટન અનેક મોરચે કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. 'ક્યારેય જેનો સુરજ આથમતો નથી' એવો પોણી સદી પહેલાંનો ઘમંડ ક્યારનો ચકનાચુર થઈ ચૂક્યો છે. છેલ્લાં કેટલાંક સમયથી બ્રિટનની શાખ વૈશ્વિક સ્તરે અમેરિકાના ખાંધિયા દેશ તરીકેની દૃઢ થતી રહી છે. ખાસ કરીને જ્હોન મેજર અને ટોની બ્લેરના શાસન દરમિયાન બ્રિટને અમેરિકાની તરફદારી કરીને આ છાપ ઉપસાવી છે. કેમરૃનની સૌથી મોટી સફળતા એ છે કે તેમણે અમેરિકાને નારાજ કર્યા વગર આ છાપ ભૂંસવાનો સઘન પ્રયત્ન કર્યો છે અને તેમાં આંશિક સફળતા પણ મેળવી છે.
કેમરૃનના પહેલા તબક્કાના શાસન વખતે કન્ઝર્વેટિવ પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતિ ન હતી. બ્રિટિશ સંસદ (હાઉસ ઓફ કોમન્સ)ના કુલ ૬૫૦ના સંખ્યાબળ સામે કન્ઝર્વેટિવ પાર્ટી પાસે ૩૦૩ સભ્યો હતા. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ૫૪ સાંસદોના ટેકાથી કેમરૃન સત્તા પર આવ્યા હતા. આથી તેમણે પોતાના પક્ષના આંતરિક વિરોધ ઉપરાંત ગઠબંધનના સાથી પક્ષની નીતિનો ય ખ્યાલ રાખવો પડતો હતો. આમ છતાં તેમણે અણુબિનપ્રસાર સંધિ વખતે ભારત પર મૂકાયેલા અમેરિકા પ્રેરિત આંશિક પ્રતિબંધ છતાં ભારત સાથેના વાણિજ્ય સંબંધો જાળવી રાખવામાં, ઈરાન સાથે દ્વિપક્ષી મંત્રણા જારી રાખવામાં દૃઢતા દાખવી હતી. તેનું જ પરિણામ એ છે કે આજે ખુદ અમેરિકા ઈરાન સાથે ઈરાન ડિલ તરીકે ઓળખાતી ગોઠવણ કરવા પ્રેરાયું છે અને ભારત સાથે અમેરિકાના સંબંધો પણ સુધર્યા છે.
આ ચૂંટણી મુખ્યત્વે સંયુક્ત બ્રિટનના મુદ્દે લડાઈ છે. છેલ્લાં કેટલાંક સમયથી સ્કોટલેન્ડનો યુનાઈટેડ કિંગડમથી અલગ થવાનો વાયરો પ્રબળ બની ચૂક્યો છે. સ્કોટલેન્ડમાં લેવાયેલા જનમતમાં અલબત્ત યુનાઈટેડ કિંગડમની સાથે રહેવાનો જનાદેશ આવ્યો છે. આમ છતાં સંસદની ચૂંટણીમાં એ મુદ્દો પ્રભાવશાળી હતો. સ્કોટલેન્ડના જનમત અને ખાસ તો વેસ્ટમિન્સ્ટર એગ્રીમેન્ટ તરીકે ઓળખાતા ઈંગ્લેન્ડ-સ્કોટલેન્ડના નવા કરારના મુદ્દે ડેવિડ કેમરૃને અપનાવેલી નીતિની કસોટી થવાની હતી. પરિણામો જોતાં કેમરૃન એ કસોટીમાં અણિશુદ્ધ પસાર થયા ગણાશે.
ગત ટર્મની ૩૦૩ બેઠક સામે આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીને ૩૨૬ બેઠકો સાંપડી છે. મતલબ કે હાઉસ ઓફ કોમન્સમાં હવે તે સ્પષ્ટ બહુમતિ ધરાવે છે અને અન્ય કોઈ પક્ષ સાથે તેણે સરકાર રચવા માટે ગઠબંધન કરવાની જરૃર નથી. આ જનાદેશનો મતલબ એ રીતે પણ સાફ છે કે ઈંગ્લેન્ડ (એટલે કે ઈંગ્લેન્ડ, આયરલેન્ડ, સ્કોટલેન્ડ)ની જનતાએ યુનાઈટેડ કિંગડમની જાળવણી માટેની કેમરૃનની નીતિને મજબૂત સમર્થન આપ્યું છે.
સૌથી આંચકાજનક પરિણામ લેબર પાર્ટી માટે છે. કન્ઝર્વેટિવના કટ્ટર અને પરંપરાગત વિરોધી તરીકે લેબર પાર્ટીએ આર્થિક ઉદારીકરણ, આઉટસોર્સિંગને લીધે સર્જાતું બ્રેઈન ડ્રેઈન, વિદેશીઓના વસવાટ માટે હળવા કરાયેલા વિઝા સંબંધિત કાનૂન અને ખાસ તો અમેરિકા સાથેના ચાલીસ વર્ષના આર્થિક કરાર અંગે કન્ઝર્વેટિવ્સનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ ચૂંટણીમાં લેબર પાર્ટીનું સાવ ધોવાણ તો નથી થયું પરંતુ તેને ગત ચૂંટણીની સરખામણીએ ૨૬ બેઠકો ઓછી મળી છે.
તેની સામે સ્કોટલેન્ડની સ્કોટિશ નેશનલ પાર્ટીએ ૫૬ બેઠકો મેળવીને તહેલકો મચાવી દીધો છે. અલબત્ત, એક્ઝિટ પોલના તારણોમાં તો સ્કોટિશ નેશનલ પાર્ટીને આશરે ૧૨૫ બેઠકો મળતી દર્શાવાઈ હતી અને એ સંજોગોમાં કોઈને સ્પષ્ટ બહુમતિ ન મળે તો ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાવાની શંકા પણ વ્યક્ત થઈ હતી. એ જોતાં મતદારોએ સ્કોટિશ નેશનલ પાર્ટીને સફળતા આપવા છતાં છકી ન જવાય તેવું માપ પણ આપીને શાણપણ દર્શાવ્યું છે.
સ્કોટિશ નેશનલ પાર્ટી સ્કોટલેન્ડને યુનાઈટેડ કિંગડમથી મુક્ત કરાવવા માટે બીજા જનમતનો આગ્રહ ધરાવે છે અને પોતે અમૂક ટકાના મત મેળવીને ૧૦૦થી વધુ બેઠકો મેળવશે તો પુનઃજનમતનું આંદોલન કરશે એવી જાહેરાત કરી ચૂકી છે. એ સંજોગોમાં તેને મળેલી ૫૬ બેઠક પણ નવી સંસદના વડાપ્રધાન તરીકે કેમરૃનને હાશકારો આપશે.
કેમેરૃન અને કન્ઝર્વેટિવ્સને એવો જ બીજો પડકાર યુનાઈટેડ કિંગ્ડમ ઈન્ડિપેન્ડન્સ પાર્ટી તરફથી હતો. નેવુના દાયકામાં રચાયેલો આ પક્ષ બ્રિટનના યુરોપિય યુનિયનમાં સામેલ થવાનો વિરોધ કરતો રહ્યો છે. યુરોપિય દેશોના સહિયારા ચલણ યુરોને લીધે બ્રિટનની આંતરિક અર્થવ્યવસ્થા ખોરવાઈ રહી છે અને બ્રિટને યુનિયન છોડવું જોઈએ એવી દલીલ સાથે જનતમ કેળવી રહેલો આ પક્ષ પચાસથી વધુ વય ધરાવતા અંગ્રેજોમાં લોકપ્રિય બની રહ્યો હતો. આ વર્ગ કન્ઝર્વેટિવ પાર્ટીનો ચુસ્ત સમર્થક મનાય છે. એટલે યુકેઆઈપી આ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના મત તોડશે એવી ધારણા મૂકાતી હતી. તેને બદલે યુકેઆઈપીનો સફાયો થઈ ગયો છે. કેમરૃન ભારત સાથે નૈસર્ગિત મિત્રતા ધરાવે છે. અગાઉ તેમની બે વખતની ભારતયાત્રા વખતે તેમણે પોતે આઝાદી પૂર્વેની પરંપરાગત અંગ્રેજી તુમાખીથી મુક્ત હોવાનો અહેસાસ કરાવ્યો હતો. હવે ફરી વાર તેમની વધુ મજબૂતીથી તાજપોશી થઈ રહી છે ત્યારે ભારત માટે પણ એ અવસર આશાવાદી ગણાશે.

No comments:

Post a Comment