Saturday 9 May 2015

પાકિસ્તાન હેલિકોપ્ટર ક્રેશ: એક્સિડન્ટ કે એટેક?

પાકિસ્તાન જેના પર બળજબરીથી કબજો જમાવીને બેઠું છે એવા કાશ્મીરના ગીલગીટ વિસ્તારમાં સર્જાયેલી હેલિકોપ્ટર દૂર્ઘટના અકસ્માત છે કે આતંકવાદી હુમલો તે અંગે જુદા જુદા દાવા થયા છે. આ બનાવ આતંકવાદી હુમલો હોવાના અંગે માત્ર એક દાવા સિવાય કોઇ પુરાવા તત્કાળ મળ્યા નથી પરંતુ પાકિસ્તાનમાં આવા કોઇ બનાવમાં યોગ્ય તપાસ થાય કે સાચી વિગતો જાહેર થાય તેવી આશાઓ બહુ ધૂંધળી હોય છે. પાકિસ્તાન બહુ ઘણા સમયથી ગીલગીટ ખીણને પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવાની કોશિશ કરે છે.

આ પ્રયાસોને ભાગરૂપે તેણે ચેરલિફ્ટ નલ્તાર ખીણમાં ચેરલિફ્ટ સહિતના પ્રોજેક્ટસ શરૂ કર્યા છે. વિદેશી પર્યટકોને આકર્ષવા પાકિસ્તાન ખાતેના વિવિધ દેશોની એલચી કચેરીઓના રાજદૂતોને આ પર્યટન પ્રોજેક્ટસની ચાર દિવસની ટૂર પર લઇ જતું એમઆઇ ૧૭ હેલિકોપ્ટર નલ્તાર પાસે એક સ્કૂલ પર તૂટી પડયું તેમાં ફિલિપિન્સ અને નોર્વેના રાજદૂતો અને ઇન્ડોનેશિયા તથા મલેશિયાના રાજદૂતોના પત્ની સહિત આશરે એકાદ ડઝન લોકો માર્યા ગયા છે. પાકિસ્તાની સૈન્યના દાવા મુજ્બ આ એક અકસ્માત હતો પરંતુ તહેરીકે તાલિબાન નામના આતંકવાદી જૂથે કરેલા દાવા મુજબ તેણે કરેલા એન્ટી એર મિસાઇલ હુમલામાં આ હેલિકોપ્ટર તૂટી પડયું છે. પરંતુ, પાકિસ્તાની લશ્કરે તો સાફ નનૈયો ભણી દીધો છે કે આ કોઇ આતંકવાદી હુમલાનો બનાવ નથી. રશિયન બનાવટનું એમઆઇ ૧૭ હેલિકોપ્ટર પણ આ પ્રકારના ક્રેશ માટે બદનામ છે.

ગીલગીટનો આ વિસ્તાર ગજબનું કુદરતી સૌંદર્ય ધરાવે છે પરંતુ સાથે સાથે હિમાલય, કારાકોરમ અને હિંદુકૂશ એમ ત્રણ ત્રણ પર્વતમાળાઓમાં વહેંચાયેલા આ વિસ્તારમાં સેંકડો પર્વતીય ટેકરીઓ છે અને અહીં વાતાવરણ ગમે ત્યારે પલટાતું રહેતું હોવાથી આમ પણ ઉડ્યન માટે તે જોખમી વિસ્તાર મનાય છે. આ બનાવમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલાઓમાં વિદેશી રાજદૂતો તથા તેમના પરિવારજનો સામેલ હોવાથી વિદેશી સરકારો આ ઘટનાની સાચી હકીકતો શોધવા માટે પાકિસ્તાન પર આકરું દબાણ લાવશે એ પણ નિશ્ચિત છે. આ બનાવ માત્ર એક અકસ્માતનો હોવાનું પુરવાર થાય તો પણ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ માટે તે ખતરાનો સંકેત તો છે જ. શરીફ આ જ રૂટ પર નલ્તાર ખીણના ટુરિસ્ટ પ્રોજેક્ટના ઉદ્‌ઘાટન માટે પહોંચવાના હતા અને દુર્ઘટનાની જાણ થયા પછી અડધે રસ્તે તેમનું વિમાન પાછું વાળવામાં આવ્યું હતું. ત્રાસવાદી સંગઠનના દાવા પ્રમાણે તેમનું નિશાન તો નવાઝ શરીફનું હેલિકોપ્ટર જ હતું.

પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝીયા ઉલ હક્કનું મોત પણ આવી જ એક વિમાની દુર્ઘટનામાં નીપજ્યું હતું અને તે સમયે તેમની સાથે પ્રવાસ કરી રહેલા તત્કાલીન અમેરિકી રાજદૂત પણ માર્યા ગયા હતા. પાકિસ્તાને દાયકાઓથી આતંકવાદી વાઘની સવારી કરી રહ્યું છે અને પાકિસ્તાન વેળાસર પારોઠના પગલાં નહીં ભરે તો આ વાઘ એક દિવસ તેને જ ભરખી જવાનો છે. ત્રાસવાદી હુમલો હોય કે ના હોય પરંતુ આ દુર્ઘટનાએ ફરી શરીફ માટે આ ચેતવણી પાઠવી દીધી છે.

No comments:

Post a Comment