Saturday, 9 May 2015

સ્પોર્ટ્સમાં જાતીય શોષણ?

કેરળમાં ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટી કોમ્પ્લેક્સના એક વોટર સ્પોર્ટ્સ સેન્ટરની ચાર વિદ્યાર્થીનીઓ દ્વારા ઝેરી પદાર્થનું સેવન કરવાની ઘટનાએ સૌને ચકિત કરી દીધા છે. તેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે. પોલીસને ઘટનાસ્થળે એક આત્મહત્યાનો પત્ર મળ્યો છે. પોલીસે ઘટના પાછળ રેગિંગને મુખ્ય કારણ સ્વીકાર્યું છે, પરંતુ અલાપુઝા ખાતેના વોટર સ્પોર્ટ્સસેન્ટરની હોસ્ટેલમાં રહેતી આ વિદ્યાર્થીનીઓનાં પરિજનોએ કેટલાક સીનિયર ખેલાડીઓ પર તેમનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.

હોસ્ટેલ તંત્રનું કહેવું છે કે, ચારેય સગીર યુવતીઓએ એક લગ્ન સમારોહમાં દારૂ પીધો હતો, જેના કારણે તેમને ધમકાવાઈ હતી. તેમને વધુ કડક કાર્યવાહીની બીક હતી. આથી તેમણે આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું છે. આ વાત સીધી ગળા નીચે ઊતરતી નથી. જો છોકરીઓએ દારૂ પીધો હોય તો તેમના વાલીઓને સૂચના કેમ આપવામાં ન આવીω એ સવાલ પણ પુછાશે કે ચાર છોકરીઓએ સામૂહિક આત્મહત્યાનો નિર્ણય લીધો તો તેની કોઈને ગંધ સુધ્ધાં કેમ ન આવી. દરેક સ્થિતિમાં આ ઘટના એસએઆઈ સેન્ટરના ખરાબ વહીવટી તંત્ર તરફ ઈશારો કરે છે. કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના સભ્યોએ ધ્યાન દોર્યું છે ક, મૃત્યુ પામેલી 16 વર્ષની અપર્ણા રામભદ્રન કાયાકિંગ (નૌકાદોડનો એક પ્રકાર)માં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા હતી.

સ્પષ્ટ છે, આ અત્યંત દુ:ખદ ઘટનાએ એક ઉદય પામતા સિતારાને આપણી પાસેથી છીનવી લીધો છે. કેન્દ્ર અને કેરળ સરકારનું એ આશ્વાસન અપૂરતું છે કે દોષિત જણાતા અધિકારીઓ/ કર્મચારીઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરાશે. આ પ્રથમ ઘટના નથી. ગયા વર્ષે એશિયાઈ રમતોત્સવથી પહેલાં દિલ્હીમાં તાલીમ દરમિયાન મહિલા જિમ્નાસ્ટોએ કોચ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. એ કમનસીબી છે કે દેશમાં છોકરીઓ પોતાને ક્યાંય પણ સલામત અનુભવતી નથી. વિવિધ રમતો સાથે જોડાયેલા શિબિરો કે હોસ્ટેલોમાં જાતિય શોષણ, દુર્વ્યવહાર અને અધિકારીઓની દાદાગીરીની ફરિયાદો અગાઉ પણ આવી છે. અલાપુઝામાં પરિસ્થિતિ ખતરનાક હદ સુધી પહોંચી ગઈ હતી. આથી, એસએઆઈ સહિત તમામ રમત -ગમત સંસ્થાઓનાં કેન્દ્રોનાં સંચાલનની ફરીથી સમીક્ષા થવી જોઈએ.

No comments:

Post a Comment