Monday, 6 July 2015

ઓઇલ કંપનીઓની અઢળક કમાણી પરંતુ ત્યાંની પ્રજાનું જીવન કંગાળ

વિષુવવૃત્તિય ગીનીમાં પશ્ચિમની
ગીનીમાં સરમુખત્યારશાહી વિષુવૃત્તિય ગીની આફ્રિકા ખંડનો એક નાનકડો દેશ છે. ૨૦૧૩માં તેની વસતી સાડા સાત લાખની હતી. તેના નામ પ્રમાણે તે વિષુવૃત્ત પર આવેલો છે. ૧૯૬૮માં તે સ્વતંત્ર થયો તેના પર સ્પેનની હકુમત હતી અને હજી પણ તેની સત્તાવાર ભાષા સ્પેનીશ છે. ૧૯૬૮માં સ્વતંત્રતા મળ્યા પછી ૧૯૭૦માં માર્કોસ ન્યુગેમાએ દેશમાં માત્ર એક રાજકીય પક્ષની સરકાર રચી. ૧૯૭૨માં માર્કોસ દેશના જીવનભરના પ્રેસિડેન્ટ બની ગયા. તેમણે વિરોધી લોકોને મારી નાખ્યા. ઇ.સ. ૧૯૭૫માં તેમને ઉથલાવવાનો પ્રયત્ન કરતા ૧૫૦ લોકોની કત્લેઆમ કરી નાખી.
બ્યુબી નામની લઘુમતી ટ્રાઇબના હજારો લોકોને મારી નાખ્યા આને જેનોસાઇડ કહેવાય. દેશ ભાંગી પડયો કારણ કે કુશળ કારીગરો, ટેકનિશિયનો અને વધુ કુશળ કામ કરનારા વિદેશીઓ દેશ છોડીને ભાગી ગયા. તે પછી માર્કોસને ઓબીઆન્ડા નામના નેતાએ ઉથલાવી પાડયા અને મારી નાખ્યા.
વિદેશી ઓઇલ કંપનીઓનું આગમન ઇ.સ. ૧૯૯૬માં અમેરિકન કંપનીએ આ દેશમાં ખનિજ તેલ ખોળી કાઢ્યું, તેલના કૂવાઓ ખોદ્યા તે પછી દેશમાં અર્થકારણ ઝડપી બન્યું. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે આ દેશને જગતના સૌથી વધુ ભ્રષ્ટ બાર દેશોમાંનો એક ગણ્યો છે. આ દેશનો માનવ અધિકારનો રેકોર્ડ બહુ જ ખરાબ છે. ૧૯૬૮માં આ દેશે સ્પેન પાસેથી સ્વતંત્રતા મેળવી તે પહેલા એ કોકો, કોફી અને લાકડાની નિકાસ કરનારો દેશ હતો પરંતુ હવે તે ખનિજ તેલની પણ મોટે પાયે નિકાસ કરે છે. વર્ષોથી આ દેશના પ્રેસિડેન્ટ ઓબીઆંન્ગ છે. પુષ્કળ ભ્રષ્ટ અને ક્રૂર છે પણ અમેરિકાના મિત્ર છે. કારણ કે તેમના દેશમાં અમેરિકન ઓઇલ કંપનીઓ કામ કરે છે જેને લીધે દેશની આવકમાં ગંજાવર વધારો થયો છે. ખનિજ તેલના ધંધાના કારણે હવે આ દેશમાં એકમાત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટની રચના થઈ છે. આ દેશમાં નસીબ અજમાવવા, બ્રિટીશ, ફ્રેંચ, જર્મન વગેરે કાયમી વસવાટ કરવા આવ્યા છે. થોડાક ઇઝરાઇલી, મોરક્કન અને ભારતીયો પણ આવ્યા છે. ઇ.સ. ૨૦૦૦માં આ દેશની માથાદીઠ આવક ૨૮૦૦ ડોલર્સ હતી તેમ છતાં તેની વસતીના લગભગ ૭૭ ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે અને સરાસરી જીવન આવરદા માત્ર ૫૩ વર્ષ છે. ૨૦૦૦માં તેની માથાદીઠ આવક જે માત્ર ૨૮૦૦ ડોલર્સ હતી. ઇ.સ. ૨૦૧૩માં તે જબરજસ્ત વધીને ૧૪,૩૨૦ ડોલર્સ થઈ ગઈ પણ દેશમાં ઉપર જોયું તેમ ૭૭ ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. દેશની સમૃદ્ધિનો લાભ ત્યાંના રાજ્યકર્તાઓ અને વિદેશીઓ લે છે.
જબરજસ્ત અસમાનતા ઃ આ દેશમાં સંપત્તિ અને આવકની અસમાનતા પુષ્કળ વધારે છે, નહીં તો ૭૭ ટકા લોકો ગરીબીની રેખા હેઠળ ક્યાંથી જીવતા હોય ? દેશના નેતાઓ નિર્દયી સરમુખત્યારો છે. જેમાં વિરોધીઓની કત્લેઆમ ચલાવે છે. દેશની મોટા ભાગની સંપત્તિ આ સરમુખત્યાર અને તેના કુટુંબીજનો અને મળતિયાઓ લૂંટી લે છે. વિરોધીઓ આતંકિત (ટેરરાઇઝ્ડ) થઈ ગયા છે. મોટા ભાગના લોકો ઝોંપડપટ્ટીમાં નળના પાણીની અને ગટરની સવલતો વિના જીવે છે. તેમાંના ઘણા તો નાના નાના ફેરિયા કે નાના દુકાનદારો છે. ઘણાં અનાજ અને ભંગાર વીણે છે. આ દેશમાં તેલનો જથ્થો ખૂબ મળ્યો હોવાથી તેનો આર્થિક વૃદ્ધિદર ઉંચો રહ્યો છે ભવિષ્યમાં પણ ઉંચો રહેશે. મોટા ભાગની તેલ કંપનીઓ અમેરિકાની છે આ કંપનીઓ (અમેરિકાની અને અન્ય ધનિક દેશોની) એ દેશની સરમુખત્યાર સરકાર સાથે સમજૂતી સાધી છે. કંપનીમાં કામ કરનારા લોકો (મોટા ભાગના વિદેશીઓ) પોતાના વિસ્તારમાં ઠાઠથી સારા મકાનોમાં રહે છે. જ્યારે દેશવાસીઓ ઝૂંપડામાં રહે છે. આ કંપની ઘણો નફો કરે છે અને પોતાની મિલકત સચવાય તેથી રાજ્યને મદદ કરે છે. વળી ઓઇલ ક્ષેત્રમાં કામ કરનારા કુશળ કારીગરો (ટેકનિશિયનો) પણ સારી રીતે જીવે છે. વૉશિંગ્ટનમાં ઓઇલ લોબી તેના રાજ્યકર્તાઓને સમજાવે છે કે, અમેરિકન બિઝનેસ આ દેશમાં સારી કામગીરી કરી રહી છે. જ્યારે અમેરિકામાં જ્યોર્જ બુશ પ્રેસિડેન્ટ હતા ત્યારે તેમણે આ દેશમાં અમેરિકન એમ્બેસીની પણ સ્થાપના કરી હતી. જ્યોર્જ બુશના સમયમાં ખનિજ તેલની લોબી ઘણી શક્તિશાળી હતી. આ દશમાં માનવ અધિકારોનું ધોરણ તદ્દન નીચું હોવા છતાં અમેરિકાને તેની પડી નથી. હવે નવા બંધારણ હેઠળ કોઈ જીવનભરનો પ્રેસિડેન્ટ ના થઈ શકે તેવી જોગવાઈ છે. અત્યારના પ્રેસિડેન્ટની મુદત ઇ.સ. ૨૦૧૬માં પૂરી થાય છે પછી પણ તેઓ પ્રેસિડેન્ટ રહેવા માગે છે. તેમના મત મુજબ તેઓ ઘણા વર્ષો પ્રેસિડેન્ટ રહ્યા પછી નવા બંધારણ પછી તેઓને નવેસરથી પ્રેસિડેન્ટ બનવાનો હક્ક છે.
નિરીક્ષણો ઃ ઉપરના કેસ સ્ટડી ઉપરથી ઘણી બાબતો સ્પષ્ટ બને છે. અમેરિકન કે યુરોપની કંપનીઓ જ્યાં જ્યાં તેલ મળે કે ખોળી કાઢે ત્યાં ધસી જાય છે અને પુષ્કળ નફો કરે છે. તેમની દલીલ એવી છે કે અમે પોતે જ ખનિજ ઓઇલના ક્ષેત્રો માટે જબરજસ્ત મૂડીરોકાણ કર્યુ છે. ટેકનિકલ કુશળતા જોઈએ તે પણ અમે જ પૂરી પાડીએ છીએ. તો પછી અમે નફો કેમ ના કરીએ ? અમે તે દેશના રાજકારણમાં પડવા માંગતા નથી પણ રાજકારણીઓ અમને કાઢી ન મૂકે તે માટે તેમને મનાવી લઈએ છીએ. વળી આ દેશમાં કુશળ કારીગરો જ નથી તેથી અમારે તેઓને અન્ય દેશોમાંથી જ સારા પગારે લાવવા પડે છે. આ દેશના રાજકર્તાઓ અનર્ગળ ભ્રષ્ટાચાર કરે છે અને પુષ્કળ વિરોધીઓને જેલમાં પૂરી ટોર્ચર કરે કે મારી નાખે છે પણ તેમાં અમે શું કરી શકીએ ? અમે અહીં વેપાર કરવા આવ્યા છીએ, રાજકારણ ખેલવા નથી. આ દેશના સરમુખત્યારો અમારી સંપત્તિ લૂંટી લેતા નથી કારણ કે એમની પાસે ઓઇલ કંપનીઓ મેનેજ કરવાની કોઈ કુશળતા નથી પરંતુ આ દલીલ ચાલી શકે તેમ નથી. કુશળતા કેળવી શકાય છે ભારતે તે કેળવી છે કે નહીં ? ખનિજ તેલની આવકનો સિંહ ભાગ આ કંપનીઓ લઈ જાય છે તેના બદલામાં થોડાક પ્રતીકાત્મક રસ્તાઓ બાંધી આપે કે થોડી શાળાઓ ઊભી કરે તે પૂરતું નથી તેનાથી આ ગરીબ દેશમા મૂળભૂત સુધારા આવી શકે નહીં. ગરીબો તો ગરીબ જ રહેશે. કારણ કે કુશળતા વધારવાની સવલતો આ દેશમાં ઊભી થઈ નથી અને માત્ર સાડા સાત લાખની વસ્તી ધરાવતા આ રાજ્યના રાજકર્તાઓ પુષ્કળ ધન પોતાના અંકે કરી લે છે. વળી તે ઉપરાંત એક મુદ્દો એ છે કે આફ્રિકાના દેશોમાં લોકશાહીની પરંપરા ઊભી થઈ નથી. જ્યાં યુગાન્ડાના ઇદી અમીનને પણ ભુલાવે એવા ક્રૂર સરમુખત્યારો ઉભા થાય છે. તેઓ જનતાને લૂંટે છે આ બધું જોયા પછી ભારતમાં લોકશાહી (ભલે ત્રૂટિપૂર્ણ હોય) છે તેનાથી એક પ્રકારની નિરાંતની લાગણી થાય છે.
છેલ્લે એક વાત ભૂલવાની નથી ભારતની પણ મોટી કંપનીઓ આફ્રિકા ખંડમાં ખનિજનું ઉત્ખનન કરે છે. ખનિજ ક્ષેત્રની માલિકી પણ ધરાવે છે. ભવિષ્યમાં ભારતની અનેક કંપનીઓ બહુરાષ્ટ્રીય બનશે અને આફ્રિકાના સંશાધનોનો ઉપયોગ કરશે અને ભારતને સમૃદ્ધ કરશે. આ બાબત ઇચ્છવા યોગ્ય છે કે નહીં તે ચર્ચા માંગી લે છે. પશ્ચિમની કંપનીઓ અન્ય દેશનું શોષણ કરે છે પણ ભારતની મોટી કંપનીઓ ના કરે એવું માનવાની જરૃર નથી. તક મળતા દરેક જૂથ કે પ્રજા બીજા અસહાય જૂથ કે અસહાય દેશનું શોષણ કરે છે. તેને અટકાવવા શોષિત લોકો કે જૂથોએ 'એમ્પાવરમેન્ટ' થવું પડે. તેમણે જ પહેલ કરવી પડે કારણ કે શોષણખોરો શોષિત પ્રજા માટે કોઈ સહાનુભૂતિ ધરાવતા નથી.