Monday, 6 July 2015

યુરો જેવી કોમન કરન્સીનો આઈડિયા જ જોખમી

૧.૬ અબજ યુરોની ચૂકવણી નહીં કરી શકતા ગ્રીસ આખરે ડિફોલ્ટ

જર્મની યુરો ઝોનના મુક્ત વેપારનો લાભ લેતું અને ગ્રીસના બજારમાં સસ્તી ચીજવસ્તુઓ મૂકતું. એટલે લોકો પોતાના દેશમાં બનેલી નહીં પણ 'જર્મન મેડ' ચીજવસ્તુઓ ખરીદતા. ગ્રીસના અર્થતંત્ર પર કારમો ઘા પડવાની એ શરૃઆત હતી
યુરોપના તમામ દેશોએ સમગ્ર યુરોપનું અર્થતંત્ર 'અત્યંત મજબૂત'કરવાના ઈરાદાથી યુરોપિયન યુનિયન (ઈયુ)ની રચના કરી હતી. આ યુનિયન એટલે નવમી ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ એક કરાર કરીને યુરોપિયન દેશોએ એકબીજાના આર્થિક હિતો સાચવવા રચેલો શંભુમેળો

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડને ૧.૬ અબજ યુરોની ચૂકવણી નહીં કરી શકતા ગ્રીસ આખરે ડિફોલ્ટ એટલેે કે દેવાળિયું જાહેર થઈ ગયું છે. ગ્રીસ યુરો ઝોનમાં રહે અથવા ના રહે તો તેની વૈશ્વિક બજારો પર જુદી જુદી અસરો થઈ શકે. જોકે, ગ્રીસની આર્થિક સ્થિતિ બગડી એ પછી સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, યુરો ઝોને પોતાની કોમન કરન્સી એટલે કે સામાન્ય ચલણ તરીકે યુરોનું સર્જન કર્યું એ કેટલે અંશે યોગ્ય છે?ગ્રીસ કટોકટી વખતે વિશ્વભરના માધ્યમોમાં ગ્રીસે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડને ૧.૬ અબજ યુરોની ચૂકવણી કરવાની છે એ વાતની બહુ ચર્ચા થઈ છે. એનો અર્થ એ નથી કે, ગ્રીસનું દેવું ફક્ત ૧.૬ અબજ યુરો જ છે. આઈએમએફ સહિત વર્લ્ડ બેંક અને યુરોપિયન સેન્ટ્રલ બેંકે ગ્રીસ પાસે કુલ ૨૪૦ અબજ ડોલરના લેણાં નીકળે છે. આ આંકડા જોઈને જ કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે, હવે ગ્રીસ પાસે યુરો ઝોનમાંથી બહાર નીકળીને પોતાનું નવું ચલણ અમલી કરવા સિવાયનો કોઈ જ ઉપાય બચ્યો નથી. ગ્રીસનું ભવિષ્ય જે હોય તે 'યુરો'નો વિચાર જોખમી છે કારણ કે, બેથી વધુ દેશો ભેગા થઈને કોમન કરન્સી અમલી કરે ત્યારે ગૂંચવાડાભરી સ્થિતિનું સર્જન કરે છે.
કોમન કરન્સી કેવી ગંભીર અને જટિલ મુશ્કેલીઓ ઊભી કરે છે એ આપણે તબક્કાવાર સમજીએ.
યુરોપિયન યુનિયનની રચનાનો ઈતિહાસ
યુરોપના તમામ દેશોએ સમગ્ર યુરોપનું અર્થતંત્ર 'અત્યંત મજબૂત' કરવાના ઈરાદાથી યુરોપિયન યુનિયન (ઈયુ)ની રચના કરી હતી. આ યુનિયન એટલે નવમી ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ એક કરાર કરીને યુરોપિયન દેશોએ એકબીજાના આર્થિક હિતો સાચવવા રચેલો શંભુમેળો. આ વિચારના મૂળમાં યુરોપના તમામ દેશોની એક જ કોમન કરન્સી હોવી જોઈએ એ વિચાર હતો. આ વિચારના ભાગરૃપે ઈયુએ પહેલી જાન્યુઆરી, ૧૯૯૯ના રોજ એક મોનેટરી યુનિયન ચાલુ કર્યું. આ મોનેટરી યુનિયનનું કામ નવું ચલણ અમલી કરીને તેનું નિયમન કરવાનું હતું. આ મોનેટરી યુનિયને શરૃ કરેલું નવું ચલણ એટલે યુરો. આજે પણ વૈશ્વિક બજારમાં યુરો અત્યંત મજબૂત ચલણ છે. એક યુરોનું ભારતીય ચલણમાં મૂલ્ય સરેરાશ રૃ. ૭૦ છે.
યુરોની શરૃઆત નોન-ફિઝિકલ એટલે કે ટ્રાવેલર્સ ચેક, ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર અને બેંકિંગ વગેરે સ્વરૃપમાં કરાઈ હતી. શરૃઆતમાં યુરોપના ૧૧ મોટા દેશો આવા 'કાર્ડ યુરો'નો ઉપયોગ કરતા હતા. યુરોની સફળતાને પગલે એક પછી એક દેશો યુરો ઝોનમાં જોડાતા ગયા. આ દરમિયાન ગ્રીસે ૧૯મી જૂન, ૨૦૦૦ના રોજ પોતાનું મૂળ ચલણ ડ્રાચમા બંધ કરીને યુરોને સંપૂર્ણપણે અપનાવી લીધું. એ વખતે મોનેટરી યુનિયન માટે જરૃરી આર્થિક નિયમનના મુદ્દા હાંસિયામાં ધકેલાવાની શરૃઆત થઈ ચૂકી હતી. એ વખતે આખા યુરો ઝોનની નાણાકીય નીતિ યુરોપિયન સેન્ટ્રલ બેંક કરતી હતી. બીજી તરફ, ઈયુના તમામ સભ્ય દેશો પોતપોતાની નાણાકીય નીતિ અને બજેટ મુજબ ચાલતા જ હતા.
યુરોની પહેલી જંગી ચૂકવણીની અસર
વર્ષ ૧૯૯૦માં પશ્ચિમ અને પૂર્વ જર્મનીનું એકીકરણ થયું. આ દરમિયાન અત્યંત સમૃદ્ધ પશ્ચિમ જર્મનીએ વર્ષ ૧૯૯૦થી ૨૦૧૦ સુધી પૂર્વ જર્મનીના આધુનિકીકરણ માટે આશરે ૧.૬ હજાર અબજ યુરોની ચૂકવણી કરી. આ ભંડોળનો ઉપયોગ પૂર્વ જર્મનીએ માર્ગ-મકાન અને ફેક્ટરીઓ બાંધવા જેવા માળખાગત વિકાસની સાથે સાથે સરકારી સ્ટાફને પગારો, પેન્શન વગેરે ચૂકવવામાં પણ કર્યો. પૂર્વ જર્મનીને ફક્ત દસ વર્ષના ટૂંકા ગાળામાં મળેલી આ જંગી આર્થિક સહાયની ભરપૂર મદદ મળી અને એ પણ પશ્ચિમ જર્મનીના અર્થતંત્ર સમકક્ષ આવી ગયું. વર્ષ ૧૯૯૦થી ૧૯૯૫ દરમિયાન જર્મનીની લેબર કોસ્ટમાં ૧૭.૬ ટકાનો વધારો થયો હતો. એ વખતે યુરો ઝોનનું અર્થતંત્ર પણ લેબર કોસ્ટના ખર્ચને પગલે ૧૧.૫ ટકાની સરેરાશ એવરેજથી વિકસ્યું. જોેકે, લેબર કોસ્ટ ઊંચી આવવાના કારણે જર્મનીની નિકાસને મોટું નુકસાન થયું કારણ કે, જર્મની જેવા જ ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે ઉપલબ્ધ હતા, પરંતુ જર્મની ઊંચા ઉત્પાદન ખર્ચને કારણે ઓછી કિંમતે નિકાસ કરી શકે એમ ન હતું. આ સંજોગોમાં જર્મનીનો જીડીપી વર્ષ ૧૯૯૧-૯૩ દરમિયાન ઘટયો અને બેકારી દર પણ ૪.૨ ટકાથી વધીને ૮.૨ ટકા થઈ ગયો.
આમ, એક થઈ ગયેલા જર્મની સામે પણ મોટા આર્થિક પડકારો સર્જાવાની ધીમી શરૃઆત થઈ. એમાંથી બહાર આવવા જર્મનીએ આર્થિક સુધારાની ગતિ તેજ કરી, જેમાં પગાર-ભથ્થાંની ચૂકવણીનું આધુનિકીકરણ પણ સામેલ હતું. વર્ષ ૧૯૯૩થી ૨૦૦૦ દરમિયાન સરકારી કર્મચારીઓ પર ખર્ચાતા નાણામાં એક ટકાનો ઘટાડો થયો. એની અસર પ્રાઈવેટ ક્ષેત્ર પર પણ થઈ અને તેમણે પણ લેબર કોસ્ટ ઘટાડવા 'કોસ્ટ કટિંગ' ચાલુ કર્યું. આ સ્થિતિમાં બેકારીનો દર સતત વધતો ગયો. કોસ્ટ કટિંગને પગલે પ્રાઈવેટ ક્ષેત્રની લેબર કોસ્ટ વર્ષ ૧૯૯૫થી ૨૦૦૦ વચ્ચે ૩.૫ ટકા ઘટી ગઈ. એના કારણે વર્ષ ૧૯૯૩થી ૨૦૦૦ વચ્ચે જર્મનીના જીડીપીમાં નિકાસનો હિસ્સો ૩૩ ટકાથી ઘટીને ૨૨ ટકા થઈ ગયો. આમ, જર્મનીની વૈશ્વિક નિકાસ આશરે સાડા ત્રણ ટકા ઘટી ગઈ.
ગ્રીસ પર કારમો ઘા પડયો કેવી રીતે?
વર્ષ ૧૯૯૯માં યુરોપિયન યુનિયનનું મોનેટરી યુનિયન ચાલુ થયા પછી યુરોનો સૌથી મોટો લાભ જર્મનીએ લીધો. યુરો ઝોને યુરો અપનાવી લીધો હોવાથી કરન્સી માર્કેટની અફડાતફડીનું 'વેપારી જોખમ' બિલકુલ દૂર થઈ ગયું હતું. યુરોપિયન રાષ્ટ્રો એકબીજા સાથે ખૂબ સરળતાથી વેપાર કરી શકતા હતા કારણ કે, ખરીદી કે વેચાણ માટે યુરોમાં જ ચૂકવણી થતી હતી. જોકે, યુરો જેમ જેમ યુરો ઝોનમાં ફેલાતું ગયું એમ એમ ખબર પડી કે, જે દેશ ઓછામાં ઓછા ઉત્પાદન ખર્ચે ચીજવસ્તુઓ બનાવે તેની યુરોપના બધા દેશોમાં ઈજારાશાહી રહે. હવે બધા જ દેશોએ યુરોમાં જ ખરીદી કે વેચાણ કરવાનું હોવાથી કરન્સી માર્કેટનો લાભ પણ ના મળે. જેમ કે, અમેરિકામાં દાંતની સારવાર વધુ સારી થાય છે અને ભારતમાં પણ. આમ છતાં, અમેરિકનો દાંતની સારવાર માટે ભારત આવે છે કારણ કે, અહીં તેમણે રૃપિયામાં ચૂકવણી કરવાની હોવાથી સારવાર તેમને પ્રમાણમાં સસ્તી પડે છે. આ કારણોસર પશ્ચિમી દેશોના પ્રવાસીઓ ભારત આવે ત્યારે સારવાર કરાવવાની હોય તો તે પણ કરાવી લે છે.
યુરોપિયન દેશોમાં યુરો આવી ગયા પછી જે દેશ સૌથી સારા પગાર અને ભથ્થાં આપે ત્યાં લેબર ફોર્સ જતો રહે. પરંતુ આવું થયું નહીં કારણ કે, કોઈ પણ દેશના લોકોએ વર્ક વિઝા લઈને અન્ય દેશમાં જવું એટલું સરળ ન હતું. આ મુશ્કેલીનો ઉકેલ મોનેટરી યુનિયન લાવી શકે એમ હતું, પરંતુ એ પોલિટિકલ યુનિયન નહીં હોવાથી તેની સ્થિતિ દાંત-નહોર વિનાના સિંહ જેવી હતી. આમ, લેબર ફોર્સ વિના સૌથી કફોડી સ્થિતિ ઉદ્યોગ જગતની થઈ હતી.
આ મુદ્દો સમજવા એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે નેવુંના દાયકામાં જર્મનીમાં પગાર-ભથ્થાં ખૂબ નીચા હતા અને તેમાં વધારો પણ ધીમી ગતિએ થઈ રહ્યો હતો, જ્યારે ગ્રીસમાં પગાર ધોરણો સારા હતા અને તેનો વિકાસ દર પણ ઊંચો હતો. આ કારણોસર જર્મનીના ઉદ્યોગજગતને ભરપૂર ફાયદો મળતો હતો કારણ કે, જર્મન ચીજવસ્તુઓનો ઉત્પાદન ખર્ચ નીચો હોવાથી યુરોપના બજારોમાં જર્મની સામે ગ્રીસના ઉત્પાદનો ટકી નહીં શકતા. ગ્રીસમાં લોકોના પગાર ઊંચા હોવાથી તેની વસ્તુઓ પણ મોંઘી હતી. જર્મની યુરો ઝોનના મુક્ત વેપારનો લાભ લેતું અને ગ્રીસમાં જઈને ચીજવસ્તુઓ બજારમાં મૂકતું. એટલે ગ્રીક લોકો પણ પોતાના જ દેશમાં બનેલી ચીજવસ્તુઓ નહીં પણ જર્મન મેડ ચીજવસ્તુઓ ખરીદતી. ગ્રીસના અર્થતંત્ર પર આ કારમો ઘા હતો.
મોનેટરી યુનિયન 'પોલિટિકલ' બન્યું
મોનેટરી યુનિયનની સ્થિતિ લાંબો સમય 'ખરાબ' ન રહી અને તે પોલિટિકલ એટલે કે રાજકીય રીતે મજબૂત યુનિયન બન્યું. હવે જર્મન લેબર ફોર્સ નોકરી કરવા ગ્રીસ જઈ શકતા હતા. જર્મન કંપનીઓ પણ લેબર ફોર્સને ગ્રીસ જતો રોકવા પગાર વધારવા મજબૂર થઈ. બીજી તરફ, ગ્રીસની કંપનીઓ સસ્તા જર્મન સ્ટાફનું લોહી ચાખી ગઈ. જર્મનીના લાખો અસંતોષીઓ પગારની લાલચ પછીયે ગ્રીસ જતો રહ્યો. આટલી અફડાતફડી પછી જર્મની અને ગ્રીસના અર્થતંત્રો માંડ સંતુલિત થયા હતા. હજુ પણ જર્મન કંપનીઓનો ઉત્પાદન ખર્ચ ગ્રીસ કરતા પ્રમાણમાં નીચો જ હતો. પરંતુ વર્ષ ૨૦૦૦થી ૨૦૦૯ સુધી જર્મનીની નિકાસ માંડ ૦.૫ ટકા જ વધી હતી.
આ સમયગાળામાં વૈશ્વિક નિકાસમાં ૧૧.૬ ટકા ઘટાડો થયો હતો પણ જર્મની સહી-સલામત હતું. વર્ષ ૨૦૦૮માં જર્મનીના જીડીપીમાં નિકાસનો હિસ્સો ૪૮ ટકા હતો. આ ફૂલગુલાબી ચિત્ર નીચી લેબર કોસ્ટને જ આભારી હતું. જર્મનીની નિકાસ વર્ષ ૨૦૦૦થી ૨૦૦૮ સુધી ૧૫૦ ટકા વધીને ૧.૫ હજાર અબજે પહોંચી ગઈ હતી. જોેકે, નિકાસમાં ૧૫૦ ટકાના વધારા પછીયે લોકોના પગારધોરણોમાં માંડ ૧૧ ટકાનો વધારો થયો હતો. જર્મનીના પગારધોરણો યુરો ઝોનની સરેરાશથી પણ ૧૫ ટકા ઓછા હતા, જ્યારે પિગ્સ દેશોથી આ આંકડો ૩૬ ટકા નીચો હતો. યુરોપમાં પોર્ટુગલ, આયર્લેન્ડ, ઈટાલી, ગ્રીસ અને સ્પેન સમૂહ 'પિગ્સ' તરીકે ઓળખાય છે. એક અંદાજ પ્રમાણે, ગ્રીસમાં ઉત્પાદિત કોઈ પણ ચીજની કિંમત જર્મની કરતા ૩૦ ટકા વધારે રહેતી. આ દરમિયાન મુક્ત યુરો ઝોનમાં ગ્રીસની આયાત તેની નિકાસ કરતા અનેકગણી વધતી ગઈ. આમ, મોનેટરી યુનિયને લેબર ફોર્સની મુક્ત આવનજાવનનો પણ ગ્રીસને ફાયદો ના મળ્યો.
એક થિયરી પ્રમાણે, કોમન કરન્સીનો વિચાર મૂળમાંથી જ ખોટો છે. બેથી વધુ દેશોની કોમન કરન્સીથી લાભ થવાના બદલે નુકસાન વધુ થાય છે અને જેને ફાયદો થાય છે એને અન્ય દેશના અર્થતંત્રના ભોગે ફાયદો થાય છે. કોમન કરન્સીના તરફદારોનું કહેવું છે કે, તમામ અર્થતંત્રોને ફાયદો થાય એવી રીતે આયાત-નિકાસ અને લેબર ફોર્સને લગતા નીતિનિયમો બનાવી શકાય, પરંતુ કોમન કરન્સીનો અમલ અત્યંત જટિલ પ્રશ્નોનું સર્જન કરતા હોવાથી તેના નીતિનિયમો બનાવીને અમલમાં મૂકવા જ લગભગ અશક્ય હોય છે.