Saturday 4 July 2015

ભારતીય કંપનીઓના ખોટકાયેલા પ્રોજેક્ટ એક વર્ષમાં અડધા થઈ ગયા

ભારતીય ઉદ્યોગ જગત માટે 'અચ્છે દિન'

હજારો કરોડના પ્રોજેક્ટ પર્યાવરણ સહિતની વિવિધ મંજૂરીઓ અને મૂડીની અછતને લીધે અટવાયા હતા
નવી દિલ્હી, શુક્રવાર
ભારતીય ઉદ્યોગ જગત માટે આખરે 'અચ્છે દિન'ની શરૃઆત થઈ ગઈ છે. એનડીએ સરકારની શરૃઆત થઈ એ પછી મૂડીભંડોળની મુશ્કેલીઓથી લઈને પર્યાવરણની મંજૂરી જેવા અનેક કારણોસર વિવિધ કંપનીઓના હજારો કરોડના પ્રોજેક્ટ ખોટકાઈ ગયા હતા. જોકે, જૂન ૨૦૧૫ સુધી આ ખોટકાયેલા પ્રોજેક્ટની સંખ્યા છેલ્લાં એક વર્ષમાં અડધી થઈ ગઈ છે એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ જાહેર કરેલા ડેટામાં જાણવા મળ્યું છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના અહેવાલ મુજબ, ખોટકાયેલા પ્રોજેક્ટની સંખ્યા અડધી થઈ જવા માટે ઘણાં બધા કારણો જવાબદાર છે. જોકે, મુખ્ય કારણોમાં રાજકીય સ્થિરતા અને નવા ઉદ્યોગ માટે અત્યંત ઝડપી ક્લિયરન્સ પ્રક્રિયાને મૂકી શકાય.
યુપીએ સરકારના કાર્યકાળમાં વિવિધ કંપનીઓના આશરે ૨૧૨ અબજ ડોલરના પ્રોજેક્ટ અટવાઈ ગયા હતા. આ પ્રોજેક્ટ પર્યાવરણ સહિતની વિવિધ મંજૂરી, જંગી મૂડીભંડોળની જરૃરિયાત અને જમીન સંપાદન બિલ જેવા કારણોસર અટવાયેલા હતા. છેલ્લાં એક વર્ષમાં ૧૪ મોટા પ્રોજેક્ટને વિવિધ સ્તરે મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટમાં કોલસા ક્ષેત્રને લગતા પ્રોજેક્ટ સૌથી વધારે છે અને તેના પછી મેટલ ક્ષેત્રનો ક્રમ છે.
છેલ્લાં એક વર્ષમાં મંજૂર થયેલા પ્રોજેક્ટનું મૂલ્ય રૃ. ૩.૭ હજાર અબજ છે, જેમાંથી એક લાખ કરોડ રૃપિયાના પ્રોજેક્ટ ફક્ત જૂનમાં જ મંજૂર થયા છે. એનો અર્થ એ છે કે, વર્ષ ૨૦૧૬ના અંત સુધી આશરે ચાર લાખ કરોડથી પણ વધુ કિંમતના પ્રોજેક્ટ અમલી થઈ ગયા હશે.
રિલાયન્સ પાવર સહિતની કેટલીક કંપનીઓએ તેમના પ્રોજેક્ટ કાયમ માટે બંધ કરી દીધા છે. જોકે, આ માટે મંજૂરી સિવાયના પરિબળો જવાબદાર છે. જેમ કે, વેદાન્તા કંપનીનો રૃ. ૨૦ હજાર કરોડનો એલ્યુનિયમ  પ્લાન્ટ ફક્ત ૨૦ ટકા ક્ષમતાથી ચાલી રહ્યો છે કારણ કે, કંપનીને કાચા માલની તકલીફ પડી રહી છે. સીએમઆઈઈના અહેવાલ મુજબ, વીજ ઉત્પાદન ક્ષેત્રના આશરે રૃ. ૨૭,૭૦૦ કરોડના છ પ્રોજેક્ટ પર કાયમ માટે બંધ થઈ ગયા છે.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૬માં ભારત સરકાર આશરે ૩૦૦ અબજ ડોલરના પ્રોજેક્ટને મંજૂરી આપે એવી શક્યતા છે.

No comments:

Post a Comment