Monday, 6 July 2015

ગ્રીસ બચે તો પણ ગમે ત્યારે યુરો ઝોનને વેરવિખેર કરશે

આખરી નિર્ણય તો ગ્રીસની પ્રજાનો જ રહેશે

યુરોપિયન દેશોને ગ્રીસરૃપી ડોશી મરવા કરતાં રશિયા-ચીનરૃપી જમ ઘર ભાળી જવાનો ડર વિશેષ રશિયાએ તો ગ્રીસને યુરો ઝોનમાંથી નીકળે તો મદદ કરવાનો ઇશારો પણ કર્યો




ગ્રીસની કટોકટીમાં ગ્રીસ કરતાં પણ યુરોપીયન યુનિયનના અસ્તિત્વનો સવાલ વિશેષ મહત્વનો થઇ ગયો છે, કેમ કે ગ્રીસની જેમ આર્થિક મુશ્કેલીમાં આવી ગયેલા અન્ય યુરોપીયન દેશો પણ હાથ ઊંચા કરી દે તો તેના છાંટા પૂરા વિશ્વ પર તો ઉડશે જ પણ યુરોપીયન યુનિયનના તો મૂળીયા હચમચાવી આ સંગઠનનું વિઘટન થઇ જાય તો પણ નવાઇ પામવા જેવું નહીં હોય.ગ્રીસની બેન્કો બંધ કરી દેવાઇ ,મૂડી નિયંત્રણો લદાયા અને અનેક તાકીદના પગલા લેવાયા તે જ એક્ઝીટનો અણસાર આપતા હતા.રવિવારે રેફરેન્ડમ લેવાના નિર્ણયે યુરોઝોન અને આં.રા. લેણદારો સાથે વધુ વિચારવિમર્શ માટેના દરવાજા બંધ કરી દીધા ,કદાચ વિચાર વિમર્શ ચાલુ પણ રહે તો પણ આખરી નિર્ણય તો ગ્રીસની પ્રજાનો જ રહેશે અને તે પણ બહુમતી પ્રજા જે સરકારોના શિર્ષાસનોના લીધે એવી આર્થિક સંકડામણમાં આવી ગઇ છે કે ના છૂટકે નાદારી આવે તો પણ દેવાની રકમ પાછી નહીં આપીએ એવુ કહેવાની હદે આવી ગઇ છે.
નાણાકીય યુનિયનમાંથી ગ્રીસ નિકળી જાય પણ કસ્ટમ્સ યુનિયનમાં ચાલુ રહે તો એ પૂર્વ યુરોપીયન દેશો તથા બ્રિટનના જેવું સ્ટેટસ ધરાવશે.એ સ્ટેટસથી ઉક્ત દેશોને તો લાભ જ થયો છે.ગ્રીસને પોતાના ચલણને લોન્ચ કરતાં થોડો સમય જરૃર લાગે પણ તે પછી તે ચલણનું અવમૂલ્યન કરી વિદેશોની મદદ લઇ શકે તથા ઘણા અગત્યના નિર્ણયો સ્વબળે યુરોઝોનના ઓછાયામાં રહ્યા વગર લઇ શક્શે.આઇએમએફ ગ્રીસને નાદાર જાહેર કરે તો એ આવી નાદારી નોંધાવી ચૂકેલ ઝીમ્બાબ્વે,ક્યુબા અને સોમાલિયાની જમાતમાં આવી જશે.જોકે લોકશાહીમાં માનતા રાષ્ટ્રોની ગ્રીસ તરફ કુણી લાગણી જરૃર છે અને અમેરિકા તો હંમેશા કોઇપણ ભોગે ડેમોક્રસીને બચાવવા પ્રયત્નશીલ હોય છે એ ગ્રીસના માટે એક પ્લસ પોઇન્ટ ગણાય.ગ્રીસનો અમુક વર્ગ તો ગ્રીસની લોકશાહી માર્ગે ચૂંટાયેલી સરકારને પાડવાની કેટલાક દેશો અને આં.રા. સંસ્થાઓની આ ચાલ હોવાનું જણાવે છે.આ વર્ગ તો જોરશોરથી જણાવે છે કે ગ્રીસની પ્રજાને તેમના નિર્ણય લેવા દો બ્રસેલ્સથી ગ્રીસનું રિમોટ કંટ્રોલ તો ક્યારે ય થવા નહીં દેવાય! શાસક પક્ષ સિરીઝા ૩૬ ટકા મત મેળવીને સત્તા પર આવ્યો છે અને સત્તા પર આવ્યા પછી તેણે જે લોકપ્રિય પગલા લીધા છે તેની અસરે પક્ષ વધુ બળવત્તર થવાની સંભાવના છે.
ગ્રીસના વડાપ્રધાન એલેક્ષીસ સિપ્રાસે ભારે જોખમ ખેડીને પાંચ પાંચ મહીનાઓ સુધી લેણદારોને એક યા બીજા બહાને ખો આપીને મામલો છેક જૂનના અંત સુધી ખેંચ્યો છે.જોકે તેમાં તેઓ જવાબદાર સરકાર અને અઘરા નિર્ણયો લેતી સરકારની છાપ રેફરેન્ડમનો આશરો લઇને ઊભી કરી શક્યા નથી અને કદાચ હમણા તેમણે પોતાની ખુરશીના ભોગે પણ કરકસર સામે નહીં ઝૂકવાનો નિર્ધાર કર્યો હોવાનું જણાય છે.તેમના આવા સ્ટેન્ડ માટે તેમના પક્ષના હાર્ડલાઇન ડાબેરીઓનું દબાણ હોવાનું પણ કહેવાય છે.ટીકાકારો તો એમ પણ કહે છે કે જો તેઓ દેશના લાંબાગાળાના હિતચિંતક હોત તો જાન્યુઆરીમાં સત્તાપર આવતા વેંત જ તેમણે લેણદારો સાથે ગંભીર ચર્ચાઓ શરૃ કરી દીધી હોત પણ આ દિશામાં ગંભીર પ્રયાસો કરવાના બદલે તેમણે તો ટાઇમ પાસ કર્યો અને જૂનની ડેડલાઇન પહેલા મેમાં જ રેફરેન્ડમ લેવું જોઇતું હતુ તે કર્યું. વિરોધપક્ષો તો કહે છે કે ગ્રીસને યુરોઝોનમાંથી બહાર કાઢવાના નિર્ધાર સાથે જ સિપ્રાસ સરકાર સત્તા પર આવી હતી.હમણા સુધી ગ્રીસે તેના લેણદારો સાથે કોઇપણ બાંહેધરી આપતા કરારો કર્યા નથી.
આ સમગ્ર કટોકટીમાં રેફરેન્ડમમાં સરકારનો કરકસર વિરોધી પગલાઓ સાથે વિજય થાય તો વહેલી મોડી ગ્રીસની યુરોસંધમાંથી અને લાંબે ગાળે યુરોપીયન યુનિયનમાંથી એક્ઝીટ નક્કી મનાય છે પણ જો યુરોપ બ્લોક તરફી તત્વોનો હાથ ઉપર રહે તો વર્તમાન સરકારમાં લોકોને વિશ્વાસ ન હોવાનું તારણ નિકળશે અને ટૂંક સમયમાં જ નવી ચૂંટણીઓ થવા માટેના દરવાજા ખુલી જશે.જોકે બંન્ને કિસ્સામાં ખુરશી પર ચિટકી રહેવાનો મોકો વર્તમાન વડાપ્રધાનને મળી રહેશે એવું એમના પક્ષના લોકોનું માનવું છે.એક વાત તો નિશ્ચીત છે કે સિપ્રાસ લોકશાહી રક્ષક અને ગરીબોના બેલી તરીકે આ સમગ્ર પ્રક્રિયામાંથી બહાર આવશે.
ગ્રીસમાં બેંકીંગ ચક્રો થંભી ગયા અને શેરબજારનાં શટર ડાઉન થઇ ગયા ં છે અને તેનું અર્થતંત્ર ઇન્ટેન્સીવ કેર યુનિટમાં પહોંચી ગયું છે ત્યારે યુરોપે વધુ સાવધાન થઇ જવાની જરૃર છે.આઇસીયુમાંથી બહાર આવનાર ગ્રીસના અર્થતત્રનું કદ નાનું થઇ જશે અને તેનું નવુ સ્વરૃપ લોકો માટે પચાવવું મુશ્કેલ પણ હશે પરંતુ એ લાંબાગાળે સમૃદ્ધિ માટેના દ્વારો ખોલી નાંખશે.આજની ક્ષણે તો જોકે ગ્રીસના સિનિયર સીટીઝનોની હાલની હાલાકી ઓછી થાય એ બાબત પર ભાર મુકાય એ પણ એટલું જ જરૃરી છે કેમ કે પ્રખ્યાત અર્થશાસ્ત્રી લોર્ડ કેઇન્સે કહ્યું છે કે લાંબાગાળામાં તો આપણે સૌ મૃત છીએ.
ગ્રીસમાં જોકે એક સપ્તાહમાં બેન્કો બંધ હતી ત્યારે દેશમાં આંતરિક ધોરણે ઇન્ટરનેટના માધ્યમથી લેવડદેવડ ચાલુ રાખવાની તથા દુકાનોમાં કાર્ડથી પેમેન્ટની છૂટના કારણે લોકોને થોડીક રાહત થશે.ફંડ્સ વિદેશમાં ટ્રાન્સફર કરવા માટે સરકારી મંજૂરી જરૃરી હોવાનું સરકારે જાહેર કર્યું હતુ.તે જ રીતે વિદેશોના ડેબીટ કાર્ડથી ગ્રીસનાં એટીએમમાંથી ઉપાડ પર પણ કોઇ પ્રતિબંધો લદાયા ન હતા.સ્થાનિકો માટે ૬૦ યુરો અથવા ૬૫ ડોલરની દૈનિક ઉપાડની મર્યાદા મુકાઇ હતી.પેન્શન પેમેન્ટને આવા નિયંત્રણોમાંથી બાકાત રખાયું હતુ.
ગ્રીસ નાદાર થાય તો યુરોપમાં વર્ગવિગ્રહ થાય અને તેમાં દક્ષીણ યુરોપના ગરીબ દેશો -પોર્ટુગલ,સ્પેન,ઇટાલી અને ગ્રીસની સામે ઉત્તર યુરોપના અમીર દેશો -જર્મની,ફીનલેન્ડ અને લક્ઝમબર્ગ મોરચો માંડે એવી ચર્ચા સંભળાય છે.ગ્રીસ પછી પોર્ટુગલ પડવાની અટકળો પણ થઇ રહી છે.
૨૦૦૮માં યુરોપ નાણાકીય કટોકટીમાં સપડાયું ત્યારે સૌથી ખરાબ હાલત ગ્રીસની થઇ હતી.છેલ્લા પાંચ વર્ષમાં આ દેશની જીડીપીમાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.આઇએમએફ,ઇસીબી અને ઇસીએ મળીને ગ્રીસને ૨૪૦ અબજ ડોલરની લોન આપી હતી.જોકે તેની સાથે કેટલીક શરતો પણ લદાઇ હતી.ગ્રીસે આ રકમનો ઉપયોગ વિદેશી દેવું ચૂકવવા માટે કરતાં લેણદારોના ભંવા ચઢી ગયા હતા.આ દેશનો આર્થિક વિકાસ દર માઇનસ ૬.૯ ટકા ચાલી રહ્યો છે.ગ્રીસની ઘણી કંપનીઓ નાદારી નોંધાવી ચૂકી છે.બેરોજગારીનો દર વધીને ૩૩ ટકાએ પહોંચ્યો હોવાની વાયકા છે.આમ તો પૂરા યુરોપના જીડીપીમાં ગ્રીસનો હિસ્સો બે ટકા કરતાં પણ ઓછો હોવાથી તેની એક્ઝીટની યુરોપ પર લોકો ધારે છે તેટલી વિપરિત અસર ન પણ થાય.જોકે યુરોપીયન દેશોને ગ્રીસરૃપી ડોશી મરવાના કરતાં રશીયા-ચીનરૃપી જમ ઘર ભાળી જવાનો ડર વિશેષ છે.રશીયાએ તો ગ્રીસને યુરોઝોનમાંથી નિકળે તો મદદ કરવાનો ઇશારો પણ કર્યો છે.
સમગ્ર વિશ્વમાં ગ્રીસનું કુલ સત્તાવાર દેવું ૨૪૨.૮ અબજ યુરો એટલે કે ૧૭૨૭૦.૩૬ અબજ રૃ.નું હોવાની ચર્ચા થાય છે.આમાં આઇએમએફ તથા યુરોપીયન સરકારોએ આપેલા બે બેઇલઆઉટ પેકેજો માઇનસ પરત ચૂકવાયેેલ રકમનો સમાવેશ થાય છે.આ પેકેજો નોમીનલ ૨૨૦ બિલીયન યુરોના હતા.યુરોપીયન સેન્ટ્રલ બેન્ક તથા યુરો ઝોનના રાષ્ટ્રોની મધ્યવર્તી બેન્કોમાં ગ્રીક સરકારના બોન્ડ્સની રકમનો પણ આ કુલ દેવામાં સમાવેશ થાય છે.
મળતી માહીતી મુજબ ખાનગી રોકાણકારો પાસે ૩૮.૭ અબજ યુરોના મૂલ્યના ગ્રીસ સરકારના બોન્ડો છે.૨૦૧૨માં ગ્રીસે દેવાનું સ્વેપીંગ કર્યું તેમાં આ ખાનગી હોલ્ડરોને ઓલરેડી ૭૫ ટકાનો માર પડી ચૂક્યો છે.ઉપરાંત ગ્રીસની બેન્કોને જ ગ્રીસ સરકારે ૧૫ અબજ યુરોના ટૂંકા ગાળાના ટ્રેઝરી બીલો જારી કર્યાં છે.
આઇએમએફે જો ગ્રીસ બીજો આર્થિક એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ સરખી રીતે અમલ કરે તો કુલ ૪૮.૧ અબજ યુરોની રકમમાંથી ૧૬.૩ અબજ યુરો માર્ચ ૨૦૧૬ સુધીમાં આપવાનું વચન આપ્યું હતું.ઇસીબીની ગ્રીસ પાસેથી લેણી રકમ અંદાજે ૧૮ અબજ યુરો ગ્રીસના બોન્ડ સ્વરૃપે છે પણ જો ગ્રીસ યુરોઝોનમાંથી નિકળી જાય તો ફેસ વેલ્યુની મામૂલી રકમ જ આ બોન્ડ પેટે મળે તેમ છે.આમાંથી ૬.૭ અબજ ની રકમ જુલાઇ તેમ જ ઓગષ્ટમાં પાકે છે.
ઇસીબીએ ગ્રીસ બેન્કોને ૧૧૮ અબજ યુરોની પ્રવાહીતા પૂરી પાડી છે અને તેમાંથી ૮૯ અબજ યુરો ઇમરજન્સી લિક્વિડિટી મદદ તરીકે આપી છે.આ રકમ માટે આમ તો ગ્રીસની મધ્યવર્તી બેન્ક જવાબદાર છે પણ જો ગ્રીસ યુરોઝોનમાંથી નિકળી જાય તો એ જર્મની સહીતના અન્ય દેશોના માથે જાય એમ છે.
૪૫ અબજની યુરો બેન્ક નોટો પણ સરક્યુલેશનમાં છે જે ગ્રીસે હોનર કરવી જોઇએ.યુરોઝોનના રાષ્ટ્રોની પ્રથમ બેઇલ આઉટમાં ગ્રીસને ઉગારવા સરકારોએ ૫૨.૯ અબજ યુરો ગ્રીસને ધિર્યાં છે અને ૨૦૧૨ના બીજા પેકેજમાં એથેન્સને અત્યાર સુધીમાં ૧૪૧.૮ અબજ યુરોનું ફંડ આપ્યું છે.બેઉ પેકેજો મળીને સૌથી મોટુ એક્ષપોઝર જર્મનીનું ૫૭.૨૩ અબજ યુરો, તે પછીના ક્રમે ૪૨.૯૮ અબજ યુરો સાથે ફ્રાન્સ આવે છે.નબળા પડી ચૂકેલા ઇટાલી અને સ્પેને પણ ગ્રીસ પાસેથી અનુક્રમે ૩૭.૭૬ અબજ યુરો અને ૨૫.૧ અબજ યુરો લેવાના નિકળે છે.આમ ગ્રીસ પોતે તો ડૂબશે જ પણ સાથેસાથે ઇટાલી અને સ્પેન જેવા સોફ્ટ ટારગેટ દેશોને પણ લઇને ડૂબે એવો માહોલ સર્જાયો છે.
યુરો ઝોનના દેશોએ ગ્રીસને લોનોની પાકતી મુદત ૧૫થી ૩૦ વર્ષ લંબાવી આપી હતી અને ધિરાણો પરનું વ્યાજ પણ તેમની બોરોઇંગ કોસ્ટ પ્લસ ૦.૫૦ ટકા સુધી ઘટાડી આપ્યું હતુ.તે જ રીતે યુરોઝોન રેસ્ક્યુ ફંડમાંથી બીજા બેઇલ આઉટમાં અપાયેલ રકમ પર વ્યાજની ચૂકવણી ૧૦ વર્ષ સુધી નહીં કરવાનું મોરેટોરિયમ પણ આપ્યું હતુ.આટલું ઓછું હોય તેમ ગ્રીસે યુરોપીયનો પાસેથી દેવામાં વધુ રાહતની માગણી કરી છે અને તેને આઇએમએફનો ટેકો પણ છે.જોકે યુરોઝોનના દેશોની સરકારોએ ગ્રીસ તેનું બજેટ આકરું ન કરે તો ચર્ચાની ના પાડી હોવાનું સંભળાય છે.
ગ્રીસ તેના લેણદાર ઇટાલી અને સ્પેનને સાથે લઇને ડૂબે એ દિવસો દૂર નથી ત્યારે યુરો વિઘટનની લટકતી તલવાર ત્રાટકે તો એમાંથી બચવાના ઉપાયો આપણે હમણાથી શોધવા પડશે.

યુરોપીયન દેશોના દેવા જીડીપી કરતાં કેટલા ગણા?


દેશ                     ડેબ્ટ-જીડીપી રેશીયો
ગ્રીસ                     ૧૭૫
ઇટાલી                  ૧૩૩
પોર્ટુગલ                ૧૨૯
આયર્લેન્ડ              ૧૨૪
સાયપ્રસ                ૧૧૨
બેલ્જિયમ               ૧૦૨
સ્પેન                      ૯૪
ફ્રાન્સ                      ૯૩
જર્મની                    ૭૮

આર્થિક બેહાલીનું ચિત્ર
છેલ્લા પાંચ વર્ષોથી ગ્રીસની કુલ રાષ્ટ્રીય ઊપજમાં સંકુચન જોવાયું છે અને હવે આ દેશ પર મંદીનો ભરડો વધુ કસાય એવું જણાય છે.મંદીમાં આર્થિક ચક્રો સાવ સ્થગિત ન થાય તો પણ અનેક સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડશે એવો ડર રહે છે.આ દેશનો આં.રા.વેપાર માર ખાશે,દેવાનો ડુંગર વધતો જશે,સમાંતર અર્થતંત્રનો પ્રભાવ વધશે.હોસ્પીટલો અને એરલાઇન્સની તો દુર્દશા થશે અને એમને સપ્લાય મેળવતા નાકે દમ આવી જશે.પુરવઠો મળે તો પણ ક્રેડીટરોને પેમેન્ટ કરતાં કમર તોડ બોજો આવશે.મોટા પાયે ગ્રીસમાંથી લોકો ઉચાળા ભરી રોજી-રોટી માટે અન્ય યુરોપીયન દેશોમાં સ્થળાંતર કરી જાય એવી પણ શક્યતા છે.
ગ્રીસના પર્યટન ઉદ્યોગને પણ મોટો ફટકો બેસવાની ગણતરી મુકાય છે.માનવતાના દ્રષ્ટીકોણથી જોઇએ તો ગરીબાઇ માઝા મુકશે.હાલ ૨૬ ટકાનો બેકારીનો દર છે તેમાં જોરદાર વધારો થાય તો પ્રજા ભૂખમરાના ખપ્પરમાં હોમાવાની તલવાર પણ ગ્રીસના માથે લટકી રહી છે.સરકાર પ્રજાનો ખ્યાલ રાખવા જશે તો એની પોતાની આર્થિક નૈયા ડૂબવા લાગશે,રાજકીય ગરમાગરમી વધશે અને પૂરા યુરોપમાં આક્ષેપો-પ્રતિ આક્ષેપોનો આ મુદ્દાઓને લઇને નવો દૌર શરૃ થઇ જશે.ટૂંકમાં ગ્રીસનો નવો અવતાર ફંડામેન્ટલી અલગ જ હશે અને તેની આવનારી પેઢીઓ માટે ગ્રીસ સુનહરી સવાર લઇ આવશે.જોકે તે માટે સરકારે અંદાજપત્રીય પ્રક્રિયામાં આમૂળ પરિવર્તન કરી સામાજીક સુરક્ષા માટે વધુ ફાળવણી કરવા માટે કરચોરી અટકાવી કરમાળખાનો વિસ્તાર કરવો પડશે.વેપાર ધંધામાં મોનોપોલી તથા ઓલિગોપોલી તોડવી પડશે!