Tuesday 19 April 2016

બજારવાદની ઊધ્ધતાઈ, ઊછાંછળાપણા પર કલ્યાણ રાજ્ય અંકુશ મૂકે છે...

સામ્યવાદી રાજ્યો શ્રમિકો અને ખેડૂતોની બેડી તોડવામાં નિષ્ફળ ગયા તેથી મૂડીવાદી સમાજો ખુશ થયા. તેમના પોતાના દોષો, આર્થિક શોષણ, અસમાનતા અને આર્થિક અસ્થિરતા સર્જતી બીઝનેસ સાયકલ્સ-નું ભાન થયું. મૂડીવાદના સમર્થકોને થયું કે તેમણે ટકવું હશે તો શોષણખોર મૂડીવાદી રાજ્યને કલ્યાણ રાજ્ય બનાવવું પડશે.

કલ્યાણ રાજ્ય માત્ર ગરીબો અને વંચિતો માટે જ નથી પરંતુ તેમાં નીચલા મધ્યમવર્ગને પણ તેના લાભો મળે છે. તેઓની નોકરી જતી રહે તો તેમને પણ બેકારી ભથ્થુ સરકાર આપે છે. પરંતુ તેને પરીણામે મૂડીવાદી સરકાર ચાલુ રહે છે. કલ્યાણ રાજ્યો હવે મૂડીવાદ કે સામ્યવાદ કહેવાને બદલે તેઓ સોશીયલ ડેમોક્રસી તરીકે ઓળખાય છે. ભારતની મનરેગા યોજના હજી ઊભરી રહેલા ભારતીય કલ્યાણ રાજ્યનો એક ભાગ ગણી શકાય. અમેરિકામાં સોસીયલ સીકયુરીટી અને મેડીકેર લોક કલ્યાણની જબરજસ્ત યોજનાઓ છે. યુકેમાં નેશનલ હેલ્થ સર્વીસ છે જે લોકોને લગભગ મફત ભાવે તબીબી સારવાર પૂરી પાડે છે.

બ્રિટનમાં સરકારી ખર્ચમાં ૨૦ ટકા પેન્શન પાછળ, ૧૮ ટકા તબીબી સારવાર પાછળ, ૧૨ ટકા શિક્ષણ પાછળ અને બાકીના ૨૦ ટકા અન્ય પ્રકારની કલ્યાણ યોજનાઓ પાછળ ખર્ચાય છે. બાકીનો ૩૦ ટકા ખર્ચો સરકારી વહીવટ, ડીફેન્સ, સરકારની અન્ય સંસ્થાઓ (જેમ કે ન્યાયતંત્ર) પાછળ ખર્ચાય છે. બ્રીટન તેના વૃધ્ધજનોની પણ સારી સંભાળ રાખે છે અને બેકારોેને ભથ્થું આપે છે. ટૂંકમાં મૂડીવાદના જે દૂષણો છે અને તેનો ભોગ ગરીબોએ, વૃધ્ધોએ કે બેકારોએ આપવો પડે છે. તેમાથી નાગરીકોને રાહત મળે છે. વળી નિરાધાર બાળકો માટે પણ બ્રીટને 'ફોસ્ટર હોમ્સ'ની રચના કરી છે. આ કારણે ત્યાં મૂડીવાદને સ્વીકૃતિ મળી છે. બજાર વાદની ઉદ્ધતાઇ અને ઉછાંછળાપણા પર કલ્યાણ રાજ્ય અંકુશ મુકે છે. પુષ્કળ ગરમ થઇ જતા મૂડીવાદના એન્જીન માટેનો તે સેફટી વાલ્વ છે.

કલ્યાણ રાજ્ય સામ્યવાદ કે સમાજવાદની જેમ લોકોને સ્વપ્નાં દેખાડતું નથી. કારણ કે આ વિચાર સામાજીક કે રાજકીય ક્રાંતિમાંથી ઊભો થયો નથી. તે મધ્યમવર્તી હોવાથી ચુસ્ત મૂડીવાદીઓ અને ચુસ્ત સમાજવાદીઓ બંને તેની સખત ટીકા કરે છે. સામ્યવાદીઓ તેને બુર્ઝવા મૂડીવાદનું મહોરૃ (માસ્ક ગણે છે.

કલ્યાણ રાજ્યના ટીકાકારો

કલ્યાણ રાજ્યના ટીકાકારો એમ કરે છે કે સંપત્તી અને આવકની સમાન વહેંચણી તેના રાજકીય એજન્ડા પર નથી. રૃઢિચુસ્તો કહે છે કે તે લોકોને આળસુ બનાવી દે છે. તેને કારણે ઘણા લોકો રાજ્ય પર આશ્રીત થઈ જાય છે. વળી આ કલ્યાણ રાજ્ય ચલાવવા લોકો પર ભારે કરવેરા નાખવા પડે છે. કરવેરા ભરનારા એમ દલીલ કરે છે કે અમારે અસહાય લોકો માટે શું કરવા આટલો બધો કરવેરો ચુકવવો જોઈએ ? બેકારી ભથ્થુ મેળવતા બેરોજગારો એમ કહે છે કે અમારે સ્વમાનથી જીવવું છે. અમારે માટે યોગ્ય નોકરીઓની વ્યવસ્થા રાજ્યે કરવી જોઈએ. પરંતુ આમા રાજ્યનો વાંક નથી પણ બજારની નિષ્ફળતાઓ (માર્કેટ ફેઇલ્યોર્સ) નો વાંક છે. ઇ.સ. ૨૦૦૮માં અમેરિકામાં નાણાકીય બજારો એ અર્થકારણને તોડી નાખ્યું ત્યારે કલ્યાણ યોજનાઓ લોકોની મદદે આવી હતી. આ પ્રકારની સહાય તે સામાજીક ન્યાયનો ભાગ હતો. બજાર માટે અસમાનતા, અસુરક્ષિતતા, અને તારાજી સર્જી તેમાંથી કલ્યાણ રાજ્ય ઉભુ થયું છે. આ કલ્યાણ રાજ્ય રૃપી સેફટી વાલ્વ ના હોત તો લોકોએ લોકશાહી અને મૂડીવાદ સામે ખુલ્લો બળવો કરીને તેને તોડી નાંખ્યા હોત. અમેરિકામાં આજથી ૮૬ વર્ષ પહેલાના ડીપ્રેશનને તોડવા અમેરિકી પ્રેસીડેન્ટ ફેડરીક રૃઝોલ્ટે અત્યારે ભલે પ્રાથમિક કક્ષાની લાગે પણ અમુક કલ્યાણ રાજ્ય ઘડી હતી જેથી ગરીબોના હાથમાં ખરીદ શકતી ઊભી થાય. તે આયોજન 'ન્યુ ડીલ' નામે ઓળખાય છે જે રૃઝવેલ્ટે ૧૯૩૦ ના દાયકામાં કર્યું હતું. બ્રીટનના બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અને તે બાદ બીવરેજ નામના અંગ્રેજ લોર્ડે બેવરેજ પ્લાન બનાવ્યો હતો. તે લોક કલ્યાણનો સર્વ પ્રથમ પ્લાન હતો.

યુરોપના દેશો અલબત્ત સમગ્ર પશ્ચિમ યુરોપ આજે કલ્યાણ યોજનાઓનો અમલ કરે છે. પરંતુ યુરોપના નોર્વે, ડેન્માર્ક, સ્વીડન, આઇસલેન્ડ, સ્વીત્ઝર્લેન્ડ જેવા ધનિક રાષ્ટ્રો કલ્યાણ રાજ્યના નમૂનારૃપ ગણાય છે. તેઓ લોકશાહીને વરેલા દેશો છે. જગતના મુખ્યત્વે ૧૯૪૫ (બીજા વિશ્વ યુદ્ધ બાદ) કલ્યાણ રાજ્યોની સ્થાપના થઈ. આ એક અત્યંત માનવીય સીસ્ટમ છે પરંતુ તે આર્થિક અસમાનતાને ઘટાડતી નથી. જુના ભારતમાં દુઃખી અને અસહાય લોકો દાન પર નભતા. આ તદ્દન હીણપતભરી વ્યવસ્થા ગણાય. વિધવાઓનું તો દાનના બદલામાં ઘણું શોષણ થતું. ભુદાનમાં દાનનો મહિમા હતો. કલ્યાણ રાજ્યમાં સરકારની સહાય મેળવવાનો તમારો અધિકાર છે. તેમાં કશું હીણપતભર્યું નથી. જાણીતા અર્થશાસ્ત્રી કેઇન્સે જણાવ્યું કે જો તમે કલ્યાણ રાજ્યની વિરૃધ્ધ છો તો તમે મૂડીવાદના વિરોધી છો. કેમ ? કલ્યાણ રાજ્ય લોકો માટેની કલ્યાણ યોજનાઓ દ્વારા મોટી ખરીદ શક્તિ ઉભી કરે છે. આ કારણસર જ મૂડીવાદીઓ અને મોટા વ્યાપારીઓએ પણ તેનો વિરોધ ના કર્યો. રાજ્યની કલ્યાણ યોજનાઓ મોટેભાગે ઇનકમ-સપોર્ટની યોજનાઓ ઘડે છે. અમેરિકા પોતે કલ્યાણ રાજ્ય છે. પરંતુ યુરોપની કલ્યાણ યોજનાઓની સરખામણીએ તે કંજૂસ છે. છતાં અમેરિકામાં ગરીબો માટે ફુડ-સ્ટેમ્પ્સની યોજના ઘણી પ્રસંશનીય છે.

ઉપરના તમામ રાજ્યોની માથાદીઠ આવક ૨૫,૦૦૦ ડોલર્સથી વધારે છે. ભારતની તે લગભગ ૧૬૦૦ ડોલર્સની છે.

ખર્ચાળ અને ફુગાવાજનક

કલ્યાણ રાજ્યો આપણને ગમે છે પરંતુ તે પુષ્કળ ખર્ચાળ છે. તે ફુગવાજનક છે. ઇટાલી, ગ્રીસ, પોર્ટુગલ અને સ્પેન હજી દોઢ વર્ષ પહેલા જ કલ્યાણ યોજનાઓ પાછળ અખૂટ ખર્ચ કરવાને કારણે લગભગ નાદારીની સ્થિતિમાં આવી ગયા હતા. નોર્વે, સ્વીડન, ડેન્માર્ક, સ્વીત્ઝર્લેન્ડ વગેરે દેશો કલ્યાણ રાજ્યો પર પુષ્કળ ખર્ચા કરે છે. આ દેશો નાના છે. તેઓ જીડીપીના લગભગ ૩૦ ટકા કલ્યાણ યોજનાઓ પાછળ ખર્ચે છે. અમેરિકા ૨૦ ટકા જેટલી રકમ કલ્યાણ રાજ્યો પાછળ ખર્ચે છે અને પશ્ચિમ યુરોપના ઘણા દેશો ૨૫ ટકા ખર્ચે છે. અમેરિકન સરકાર બીચારી બહુ દયાળુ છે તેમ વ્યંગમાં કહી શકાય. ઇ.સ. ૨૦૦૮ની નાણાંકીય કટોકટી નિવારવા સરકારે માત્ર ૭૦૦ બીલીયન ડોલર્સની અધધધ મદદ ખાનગી ક્ષેત્રને કરી !! આને અંગ્રેજીમાં બેઇલ-આઉટ કહે છે. અંગ્રેજીમાં જેને લીબરલ નહીં પણ લીબરટેરીવન (અતિ સ્વતંત્રવાદી) લોબી કહેવાય. તેઓ વેલફેર સ્ટેટની તદ્દન વિરૃધ્ધ છે. તેમાં મીક્સ ફ્રીડમેનના પણ અનુયાયીઓ અને હાયેકના પણ અનુયાયીઓ આવી જાય. ભારત હજી ઘણું ગરીબ છે. વેલફેર કરેલો ભાર માત્ર ધનિક રાજ્યો જ ઉપાડી શકે. મનરેગા જેવી અને રેશનીંગ અનેક યોજનાઓ ભારતમાં છે જે ભૂખમરામાંથી મુકિત અપાવે છે. હજી આપણે પુષ્કળ ઝડપથી આર્થિક વિકાસ સાધવો પડશે જેથી ભારત કલ્યાણ રાજ્ય બની શકે છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment