Tuesday 19 April 2016

પ્રતિકુળ માહોલ વચ્ચે પણ ભારતમાં કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ક્રાંતિ

હરીયાળી ક્રાંતિ

લગભગ પચાસ વર્ષ પહેલા ભારતમાં હરિયાળી ક્રાંતિ ઘઉં અને ચોખાના ક્ષેત્રે થઈ હતી. તેણે ભારતને ખેતીવાડી ક્ષેત્રે સ્વાવલંબી બનાવ્યું અને દુકાળો નાબૂદ કર્યા. ભારતમાં કોઈક વર્ષે અનાજની અછત સર્જાય છે પણ દુકાળો પડતા નથી. ૨૦૧૫માં કઠોળમાં તંગી સર્જાઈ હતી તેથી આપણે કઠોળ આયાત કરવું પડયું. તે એક અલગ મુદ્દો છે પરંતુ અહીં એક મુખ્ય મુદ્દો એ છે કે કઠોળના જીએમ બીયારણો શોધાયા નથી. હવે જગતમાં કૃષિ ક્ષેત્રે જે બીજ ક્રાંતિ સર્જાઈ રહી છે તે જેનેટીકલી મોડીફાઈડ (જીએમ) બીયારણો અંગેની છે. તે અંગે સામાન્ય જનતા અને ખેડૂતોમાં ભય ફેલાયો છે પણ ભારતમાં કપાસનો પાક લેતા ખેડૂતોએ જીએમ કપાસને હોંસે હોંસે સ્વીકાર્યો છે. જીએમનો વિરોધ કરનાર લોબીને કદાચ કપાસના ક્ષેત્રે થયેલી ક્રાંતિની જાણ નથી કે તેને અવગણે છે, કે તેમને કાંઈપણ અજાણી બાબતનો ભય લાગે છે.

ભારતમાં કપાસનું ઉત્પાદન

ઈ.સ. ૨૦૦૨ના માર્ચમાં તે વખતની સરકારે કપાસના જીએમ બીયારણોને માન્યતા આપી. ભારત તેને માન્યતા આપનારો કાંઈ પ્રથમ દેશ નહતો પરંતુ ૧૬મો દેશ હતો. તે વખતે સ્વૈચ્છિક સંસ્થાઓએ આ મુદ્દે સરકારનો ઘણો વિરોધ કર્યો હતો. ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓ નવી ટેકનોલોજીની બાબતમાં એકદમ વલણ લે છે. નવી રેલ્વેલાઈન જે પછાતે જંગલી પ્રદેશને સમૃધ્ધ બનાવી શકે છે. તેનો પણ અમુક સ્વૈચ્છિક સંસ્થામાં એમ કહીને વિરોધ કરે છે કે રેલ્વેને કારણે ઝાડ કપાઈ જશે. વૃક્ષો તો રેલ્વેલાઈનથી થોડે દૂર લાખોની સંખ્યામાં ફરીથી ઉગાડી શકાય. નવી રેલ્વે ગરીબ નિવાસીઓની ગરીબી ઓછી કરી શકે છે તો શું નવી રેલ્વે લાઈનનો વિરોધ કરવો? નવા બંધોનો વિરોધ કરવો? નવા વીજળીમથકોનો વિરોધ કરવો? ખાણોની કામગીરી બંધ કરી દેવાની? વિકાસને વિનાશ ગણવાનો? દરેક વસ્તુના લાભો અને ગેરલાભો હોય છે. લાભો ગેરલાભો કરતાં વધુ હોય તો એકપક્ષીય રીતે ગેરલાભોને અતિશયોક્તિપૂર્ણ રજૂ ના કરી શકાય. બધું જ વિદેશી ખરાબ ન હોય. ભૂતકાળમાં કોઈ સુવર્ણયુગ ન હતો. લોકોનું જીવન ટૂકું હતું. સ્ત્રીઓનું જીવન hell હતું. પચાસ વર્ષની વયનો માણસ ઘરડોખખ લાગતો. જ્ઞાાતિના હદ બહારના બંધનો હતા.

બાયોટેકનોલોજી

જગતમાં અત્યારે બાયોટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ થઈ રહી છે. ઈંગ્લેન્ડમાં શરૃ થયેલી ઔદ્યોગિક ક્રાંતિ તો આપણે ચૂકી ગયા. ભારતમાં તે ઘણી અધૂરી છે. તે ઘણે મોડેથી શરૃ થઈ. આફ્રીકામાં તે નહીંવત છે. ઈંગ્લેન્ડમાં સૌપ્રથમ કાપડની મીલ સ્થપાઈ પછી સો વર્ષે તે આપણે ત્યાં સ્થપાઈ. શરૃઆતમાં અંગ્રેજોએ તેનો વિરોધ કર્યો હતો પણ ઈ.સ. ૧૮૫૭ પછી કર્યો ન હતો. કારણ કે ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની ભારત પરની સત્તા નાબૂદ થઈ ગઈ હતી. ચીન, તૈવાન, મલેશિયા, થાઈલેંડ, દક્ષિણ કોરિયા જેવા એશિયાઈ દેશો આ બાબતમાં આપણા પછી જાગ્યા અને ઈ.સ. ૧૯૭૫ પછી તેમણે ઉદ્યોગના ક્ષેત્રે એટલી ઝડપી પ્રગતિ કરી કે તેઓ આપણાથી માથાદીઠ આવકની બાબતમાં વધુ આગળ નીકળી ગયા.

જાપાને મેજી ક્રાંતિ છેક ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કરી અને ઔદ્યોગિકરણને ૧૦૦ ટકા અપનાવ્યું. આજે જાપાનની માથાદીઠ આવક અમેરિકાની અને બ્રિટનની માથાદીઠ આવક નજીક છે. જાપાનમાં સરાસરી જીવન આવરદા લગભગ ૮૧ વર્ષ છે અને ભારતનો તે ૬૬ થી ૬૭ વર્ષ છે. આ શું દર્શાવે છે? પ્રકૃતિની નજીક સાદુ અને ગરીબીનું જીવન જીવતા લોકો વધુ જીવે છે કે ઔદ્યોગિકરણમાં આગેવાન, સુખસાધનની સગવડો ધરાવતા લોકો સરાસરી વધુ જીવન જીવે છે? અત્યારે શરૃ થયેલી બાયોટેકનોલોજી માત્ર ખેતીવાડી ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી. તેનો તબીબી સારવારમાં ઉપયોગ અત્યંત ઝડપથી વધી રહ્યો છે. દા.ત. શરીરના સ્ટેમસેલ્સ આપણા નકામા થઈ ગયેલા શરીરની અંદરના અંગોને ફરીથી પુર્નજીવિત કરી શકે છે. ભવિષ્યમાં માનવીના અંગો પણ જેનેટીક લેબોરેટરીઝમાં ઉગાડી શકાશે.

ભારતમાં કપાસના ઉત્પાદનમાં ક્રાંતિ

ઈ.સ. ૨૦૦૦-૨૦૦૧માં ભારતમાં કપાસનું ઉત્પાદન ૧.૪ કરોડ ગાંસડીનું હતું. ઈ.સ. ૨૦૧૪-૨૦૧૫માં તે વધીને ૩.૯૦ કરોડ ગાંસડીનું થઈ ગયું. માત્ર ૧૪ વર્ષમાં કપાસનું ઉત્પાદન પોણા ત્રણ ગણુ વધી ગયું. આ જ સમય દરમિયાન કપાસની ઉત્પાદકતા ૮૪ ટકા વધી ગઈ. ૨૦૦૦-૨૦૦૧માં એક હેક્ટર (લગભગ અઢી એકર્સ) દીઠ કપાસનું ઉત્પાદન ૨૭૮ કીલોગ્રામ થયું હતું તે ૨૦૧૪-૨૦૧૫માં વધીને પ્રતિ હેક્ટરે તે ૫૧૧ કિલોગ્રામ થઈ ગયું.

ઈ.સ. ૨૦૦૦-૨૦૦૧માં ભારત કપાસની નેટ આયાત કરતું હતું તે ૨૦૧૪-૧૫માં કપાસની નેટ નિકાસ કરતું થઈ ગયું. માત્ર સામાન્ય નિકાસ કરનાર જ નહીં પરંતુ કપાસની નિકાસ કરનારા દેશોમાં તેનું સ્થાન અમેરિકા પછી બીજા નંબરનું થઈ ગયું. કપાસના ઉત્પાદનની બાબતમાં ભારતે ચીનને હરાવી દીધું. ભારતનું ૨૦૧૪-૨૦૧૫માં ઉપર જોયું તે પ્રમાણે કપાસનું ઉત્પાદન ૩.૯૦ કરોડ ગાસડીનું હતું જ્યારે આ જ ગાળામાં ચીનનું ઉત્પાદન ૩.૮૪ કરોડ ગાંસડી હતું.

જો કપાસનું જીએમ બીયારણ ના હોત તો ભારતમાં ૨૦૧૪-૨૦૧૫માં કપાસનું ઉત્પાદન ૩.૯૦ કરોડ ગાંસડીનું હતું તેને બદલે માત્ર ૨.૧ કરોડ ગાંસડીનું (લગભગ અડધોઅડધ) થાત. ઈ.સ. ૨૦૦૨-૨૦૦૩ થી ઈ.સ. ૨૦૧૪-૧૫ના ગાળામાં જો તમામ વર્ષોના કપાસ ઉત્પાદનનો કુલ સરવાળો કરીએ તો ભારતે ૧૪ કરોડ ગાંસડીઓનું વધુ ઉત્પાદન કર્યું અને ૨૧ બીલીયન ડોલર્સના કપાસની નિકાસ કરી. ઈ.સ. ૨૦૦૧-૨૦૦૨, ૨૦૧૩-૨૦૧૪ દરમિયાન ગુજરાતનું કૃષિ ઉત્પાદન પ્રતિવર્ષે ૯.૭ ટકા વધ્યું જેમાં કપાસના વધેલા ઉત્પાદનનો મોટો ફાળો હતો.

ઉપસંહાર ; દરેક નવી ટેકનોલોજીનો વિરોધ વાજબી નથી. જૂનું એટલું સોનું અને નવું એટલે કથીર એમ માનવું નહી. હવે ટેકનોલોજીમાં ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યા છે જેથી સારાસારનો વિવેક કરીને આપણે નવી ટેકનોલોજી અપનાવવી પડશે. નવી સંસ્થાઓ સ્વીકારવી પડશે. દા.ત. અંગ્રેજી મીડીયમની શાળાઓ માટે દેશી લોકોને અણગમો છે તેઓ સંકૂચિત મનના છે. સંકૂચિતતા દૂર કરવી પડશે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment