Tuesday, 19 April 2016

ઝડપી આર્થિક વિકાસની સાથોસાથ ન્યાયપૂર્ણ સમાજની સ્થાપનાની જરૃર

ઝડપી વિકાસ અને સામાજીક ન્યાય

માનવજાતને એકદમ ઝડપી વિકાસ સાથે ન્યાયપૂર્ણ (અંગ્રેજીમાં જસ્ટ અથવા ઇકવીટીના અર્થમાં) સમાજ સ્થાપવાની ચાવી હાથમાં લાગી નથી. ભૂતકાળમાં મૂડીવાદ સમાજે અને સામ્યવાદે સમાજે (દા.ત. સોવિયેટ રશિયાએ ઇ.સ. ૧૯૧૭ થી ઇ.સ. ૧૯૩૯ દરમિયાન) વીજળી સાથે ઔદ્યોગીકરણ કરીને આર્થિક પ્રગતિ સાધી હતી અને ૧૯૭૮ પછીના સાડા ત્રણ દાયકામાં અદ્ભુત આર્થિક પ્રગતિ સાધી. ઇ.સ. ૧૯૪૫ થી ઇ.સ. ૧૯૭૪ સુધીના લગભગ ત્રીસ વર્ષ દરમિયાન પશ્ચિમ જગતે કેઇન્સની થીયરીને અનુસરીને જે આર્થિક પ્રગતિ સાધી તેને પશ્ચિમ જગતનો અને કેઇન્સીઅન અર્થશાસ્ત્રીનો 'ગોલ્ડન પીરીયડ' ગણવામાં આવે છે. ઇ.સ. ૧૯૩૪માં ઓપેક દેશોએ તેલના ભાવમાં ચાર ગણો વધારો કર્યો એ પશ્ચિમ જગત 'સ્ટેગ્ફેલશન' (એટલે કે ઊંચા ભાવો અને આર્થિક સ્થગિતતા જેવા વિરોધાભાસી તત્વોનું એક સાથે હોવું)માં ફસાયું.

કેઇન્સની થીયરી આ વિરોધાભાસ સમજાવી ના શકી અને તેની આવી જગ્યા મીલ્ટન ફ્રીડમેને પોતાની મોનેટરી થીયરીનો અને મુક્ત અર્થકારણનો પ્રવેશ કરાવી દીધો. ૧૯૭૯ થી ૧૯૯૦ દરમિયાન અમેરિકાના રોનાલ્ડ રીગન અને બ્રિટનના માર્ગારેટ થેચરે ફ્રીડમેને પણ જેની કલ્પના કરી નહતી તેવી જલદ નીમોલીવરલીઝમ નામથી ઓળખાતી કડક બજારવાદી નીતિઓ અમલમાં મુકી અને સ્ટેગ્ફેલશન દૂર કર્યું. સ્ટેગ્ફેલશનનું દર્દ ગયું પણ તેની આડ અસરો રૃપે જગતમાં ફ્રીડમ ટાઇપ બજારવાદ વકર્યો. જાહેર સાહસોનું ધડાધડ ખાનગીકરણ થવા માંડયું. તે સમયમાં કલ્યાણ યોજનાઓનું ફાઇનાન્સીય અને મેનેજમેન્ટ સરકાર કરતી હતી તેનું સરકારે સબકોન્ટ્રાકટીંગ કરવા માંડયું. સામાજીક સબંધોનું પણ વ્યાપારીકરણ (કોર્મશીયલાઇઝેશન) થવા માંડયું જે હજી ચાલુ છે. વૈશ્વીકરણે આ પ્રવાહોને વધુ બળ પૂરું પાડયું પરંતુ ભારતને વૈશ્વીકરણ અને બજારીકરણ ઘણું ફળ્યું. સરકારી લાંચીયો સમાજવાદ ગયો.

સોવિયેટ રશિયા : ઝડપી વિકાસ લાવવામાં સોવિયેટ રશિયા આગળ હતું. આર્થિક સમાનતાના વિચારનો અમલ કરવાને બદલે તેણે ઝડપી ઔદ્યોગિકરણનો માર્ગ અપનાવ્યો અને તેમ કરવામાં ખેડૂતોની જમીન હડપી લીધી, સામૂહિક ખેતરો સ્થાપ્યા જેનો સરપ્લસ રાજ્યે ઝૂંટવી લીધો. વાણી સ્વાતંત્ર્યતા નાગરિક હક્કનો નાશ કર્યો. મજૂર સંઘો તોડીને મજુરો પાસે અતિશય કામ લીધું અને આટઆટલા ત્રાસ પછી પણ અર્થકારણમાં ચીજવસ્તુઓની એટલી બધી તંગી વધી કે લોકોને બ્રેડ અને દુધ અને માખણ માટે લાંબી લાઇનો લગાવવી પડી. સોવિયેટ રશિયાએ જે ચીજવસ્તુઓ બનાવી તે તદ્દન હલકી કક્ષાની બની કારણ કે સ્ટાર્સએ પંચવર્ષીય યોજનાઓ હેઠળ સમસ્ત અર્થકારણ સરકારની નાગચૂડ હેઠળ હસ્તગત કરી દીધું હતું.

સોવિયેટ રશિયાએ ૧૯૪૫-૧૯૯૧ના લગભગ ૪૫ વર્ષ પશ્ચિમ જગત સામે શીતયુદ્ધ (કોલ્ડ વોર) ચલાવવા માટે રાજ્યના મોટા ભાગના નાણા શસ્ત્રો પાછળ વાપરી નાખ્યા. અમેરિકાએ પણ તેમ કર્યું પણ અમેરિકાનું અર્થકારણ રશિયાના અર્થકારણ કરતા વધુ મુક્ત હોવાથી અને વધુ વૈવિધ્યપૂર્ણ (ડાર્યર્થસીફાઇડ) હોવાથી ટકી ગયું અને ઝડપી આર્થિક વિકાસ પાછળ પડેલું સોવિયેટ રશિયા ૧૯૯૧માં તૂટી પડયું. ચીનનો વિકાસ

ચીનનો આર્થિક વિકાસ જગતની અજાયબી ગણાય છે. સતત દસ ટકાની આજુબાજુ આટલા વર્ષો સુધી કોઈ દેશે આટલો વિકાસ સાધ્યો નથી. ચીને શું સિદ્ધ કર્યું ? ચીને પોતાના દેશવાસીઓની ગરીબી લગભગ દૂર કરી. ચીનમાં ગરીબી હેઠળ રહેતા લોકોની ટકાવારી દસથી નીચે છે. ચીન અને ભારત ઇ.સ. ૧૯૪૭માં ગરીબ દેશો હતા. ઇ.સ. ૧૯૪૭માં ચીન ભારત કરતા પણ ગરીબ દેશ હતો. પણ ઇ.સ. ૧૯૭૮માં તેણે સામ્યવાદી ડેન્ગની નેતાગીરી નીચે ઝડપી ઔદ્યોગીકરણ શરૃ કર્યું તે વાતને ૩૮ વર્ષ થયા છે અને આ ૩૮ વર્ષ દરમિયાન ચીનની માથાદીઠ આવક ભારતીય નાગરિકની માથાદીઠ આવક કરતા લગભગ પાંચ ગણી થઈ ગઈ છે. ભારત અને ગંદકી પર્યાયવાચક શબ્દો છે જયારે આખુ ચીન ચોખ્ખુ ચણાક છે.

વર્લ્ડ ડેવલપમેન્ટ રીપોર્ટ ૨૦૧૫ના આંકડા પ્રમાણે ભારતની માથાદીઠ આવક ૧૫૭૦ ડોલર્સ હતી જયારે ચીનની ૭૪૦૦ ડોલર્સ હતી. ચીન ભારત કરતા ગરીબી વધુ ઝડપથી દૂર કરી રહ્યું છે પરંતુ તે હજી દમનકારી સમાજ છે. તેણે સામાજીક ન્યાયવાળો સમાજ ઊભો કર્યો નથી. તેણે પ્રજાને વ્યકિત સ્વાતંત્ર્ય અને ખાસ કરીને વિચારો રજૂ કરવાનું સ્વાતંત્ર્ય આપ્યું નથી. ચીનના ગામડામાં રહેતા લોકોને શહેરમાં જવા માટે અને વસવાટ કરવા માટે પરમીટ લેવી પડે છે. ભારતીય નાગરિકનું સરેરાશ આયુષ્ય ૬૮ વર્ષ છે જયારે ચીનના નાગરિકનું તે ૭૨ વર્ષ ઉપર પહોંચી ગયું છે જયારે સ્વીડન અને સ્વીઝર્લેન્ડ અને નોર્વે જે તે કલ્યાણ રાજ્યો કહેવાય છે તો તે અનુક્રમે ૮૨ વર્ષ, ૮૩ વર્ષ, અને ૮૧ વર્ષ પર પહોંચ્યું છે.

અમેરિકાનો વિકાસ

૧૯૭૦ના ગ્રેટ ડીપ્રેશનને દૂર કરવા પ્રેસીડેન્ટ રૃઝવેલ્ટે 'ન્યુ ડીલ' ની રચના કરી મંદીને દૂર કરવા રાજયે અનેક કાયદાઓ ઘડયા. અર્થકારણમાં હસ્તક્ષેપ કર્યો. તે પછીના ઘણા વર્ષો ઇ.સ. ૧૯૭૦ સુધી અમેરિકાએ અર્થકારણમાં રાજ્યનો હસ્તક્ષેપ સ્વીકાર્યો હતો. કેઇન્સે કહ્યું કે હજી તે રાજયના હસ્તક્ષેપ વિના તમારૃ અર્થકારણ બેરોજગારી (અનએમ્પ્લોયમેન્ટ) ના સંતુલનમાં ફસાઇ જશે. અર્થકારણ સંતુલન (ઇકવીલીબ્રીયમ) માં હશે અને છતાં બેકારી ચાલુ રહેશે. રાજયે અર્થકારણને ધક્કો મારીને બેકારીના કળણમાંથી દૂર કરવું પડશે. ૧૯૭૦ના દાયકા પછી અમેરિકાના કેઇન્સના વળતા પાણી થયા અને બજારવાદી મોનેટરી સપ્લાયના પુરસ્કર્તા ફ્રીડમેનના માનપાન વધ્યા. અત્યારનું અમેરિકન અર્થકારણ બંને પ્રકારની અર્થ નીતિઓનો પ્રયોગ કરે છે. અમેરિકા ખાતેની સૌથી મોટી અર્થસત્તા છે પરંતુ તેણે દેશની ચાર ભયાનક અસમાનતાવાળો સમાજ ઊભો કર્યો છે. પીકેટીએ પુષ્કળ આંકડાકીય સંશોધન કરીને જણાવ્યું છે કે અમેરિકામાં આવક અને સંપત્તીની અસમાનતા વધતી જાય છે. જે અર્થકારણ આવી અસમાનતા ઊભો કરે અને 'ઇકવીટી' ના સ્થાપે તેને કેવી રીતે આદર્શ માની શકાય ?

આજે પણ માનવ સમાજમાં ઇકવીટી (ન્યાયી સમાજ) વિરૃધ્ધ એફીસીયન્સી (ઉત્પાદક સમાજ)ના વિરોધાભાસો ચાલુ છે. હજી સુધી માનવ ઇતિહાસમાં કોઈ ન્યાયી સમાજ ઊભો થયો નથી- મહાભારતનો કે રામાયણનો સમાજ પણ નહીં. અત્યારે રામરાજ્ય હોય તો અનકોન્સ્ટીટયુશનલ ગણાય. રાજાશાહી હવે ના ચાલે.

ભારત

ભારત ૭૦ વર્ષની સ્વતંત્રતા પછી પણ ગરીબી દૂર કરી શક્યું નથી. ભારતના લોકો અંદરોઅંદર પુષ્કળ લડે છે. ઐક્ય નથી. ભારતમાં આર્થિક વૃદ્ધિ દરનો મોટો ભાગ પૈસાદાર લોકો અને સરકારમાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ પડાવી લે છે. ભારતમાં ડીમાન્ડ સાઇડ ઇકોનોમીકસવાળો કેઇન્સે નથી ચાલતો પણ ફ્રીડમેન (સપ્લાય સાઇડ થીયરીવાળા) પણ ચાલતો નથી. રાજ્યની બેંકો આટલા બધા ઊઘાડે છોગ ખોટા લોકોને નાણા ધીરે, ડગલે ને પગલે ભ્રષ્ટાચાર ચાલે, સરકારની યોજનાઓમાંથી ૩૦ થી ૫૦ ટકાનો લીકેજ થાય. પ્રધાનો જ ભ્રષ્ટાચાર કરે તેથી ભારતમાં સામ્યવાદ સમાજવાદ, મૂડીવાદ, નવ મૂડીવાદ, ગાંધીવાદ, સર્વોદયવાદ, માઓવાદ, નીઓલીબયાલીઝમ, ટ્રોટસ્કીવાદ કાંઈ ના ચાલે.

અંગ્રેજીમાં આને અરાજકતા યાને Chaos કહે છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment