Tuesday, 19 April 2016

બજેટની રજૂઆત બાદ ભારતીય અર્થતંત્રનું કેવું ચિત્ર ઉપસે છે...?

ફીસ્કલ ડેફીસીટ :

આ લેખમાં ચાલુ બજેટ સમયે ભારતીય અર્થતંત્રનું કેવું ચિત્ર ઉપસે છે તે પર નજર કરીશું. નીચેના મોટા ભાગના આંકડા રાષ્ટ્રીય આવકની ટકાવારી રૃપે મૂક્યા છે. ફીસ્કલ ડેફીસીટ એટલે ભારત સરકારની તમામ આવકમાંથી તમામ ખર્ચાની બાદબાકી. સરકારનો ખર્ચો વધારે છે અને આવક ઓછી છે. ફીસ્કલ ખાધમાં સરકારે જે રકમ ઉધાર (બોરોઇંગ) લીધી હોય તેનો સમાવેશ થતો નથી. ઇ.સ. ૨૦૧૨-૧૩માં ફીસ્કલ ખાધ ૪.૮ ટકા હતી, ૨૦૧૪-૨૦૧૫માં ૪.૧ ટકા હતી અને ૨૦૧૫-૨૦૧૬માં તે ૩.૯ ટકા જ રહેશે તેવું અનુમાન છે. ઘણાં અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે કેન્દ્રીય બજેટને સરપ્લસ રાખવું જોઈએ, જ્યારે ઘણાં એમ માને છે કે થોડીક ખાધ ચાલે અને બીજા અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે, દર વર્ષે બજેટનું સંતુલન રાખવું જરૃરી નથી પણ બીઝનેસ સાયકલના ચાર પાંચ કે છ વર્ષના સમગ્ર ગાળા દરમ્યાન બજેટનું સંતુલન કરો તો ચાલે મંદી અને મહામંદીમાં ફીસ્કલ ખાધ રાખો જેથી લોકોની ખરીદ શક્તિ વધે અને જ્યારે અર્થકારણ સુધરે ત્યારે બજેટનું સરપ્લસ રાખો જેથી પહેલાની ખાધ પુરાઈ જાય.

લાંબા ગાળાની ફીસ્કલ ખાધ સારી બાબત નથી. કારણ કે સરકાર ફીસ્કલ ખાધ પુરવા નવી નોટો છાપે છે કે લોકો પાસેથી પૈસા (બોન્ડઝ કે ટ્રેઝરી બિલ્સ દ્વારા) ઉધાર લે છે કે પછી સરકારને જાહેર સાહસો વેચી નાખવા પડે છે. ફીસ્કલ ખાધ બહુ વધુ હોય અને સરકાર તેને દૂર કરવા નાણાં છાપવાનો નિર્ણય લે તો ફુગાવો પણ વધી જાય અને સરકારને લોકો ઉથલાવી પાડે. અલબત્ત અત્યારે છૂટક બજારમાં ફુગાવાનો દર પાંચથી છ ટકા વચ્ચેનો છે તે બહુ ચિંતાજનક નથી. અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે વાર્ષિક બે કે ત્રણ ટકાનો ફુગાવો અર્થકારણ માટે લાભદાયી છે. કારણ કે ભાવ વધારો અને તે ચાલુ રહેશે તેવી વાજબી અપેક્ષાઓ (રેશનલ એક્સ્પેક્ટેશન) રાખીને ઉત્પાદકો પોતાનું ઉત્પાદન અને પુરવઠો (સપ્લાય) વધારશે. સરકારે ટેક્ષ અને અન્ય સ્તોત્રોમાંથી મેળવવા ધારેલી આવક અને મેળવેલી આવક વચ્ચેના તફાવતને રેવન્યુ ખાધ કહે છે. આ વર્ષે (૨૦૧૫-૧૬) ૨.૫ ટકા જેટલી મોટી રહેશે.

જાહેરક્ષેત્રમાંથી બીનરોકાણ :

આ ક્ષેત્રે સરકારને બહુ નિરાશા સાંપડી છે. ૨૦૧૫-૧૬ દરમિયાન સરકાર જાહેર સાહસોના શેરોના વેચાણ દ્વારા ૬૯,૫૦૦ કરોડ રૃપિયા મેળવવાની હતી પણ સરકાર માત્ર ૨૫૨૧૨ કરોડ રૃપિયા માર્ચ ૨૦૧૬ સુધી મેળવી શકશે. જાહેર ક્ષેત્રના માત્ર અમુક ટકા શેરો વેચવાને બદલે સરકાર અમુક ખોટ કરતા ઉદ્યોગ સાહસોને સંપૂર્ણપણે વેચી દે તો તેના પૈસા સામાજિક કલ્યાણ માટે વાપરી શકાય અહીં એ નોંધવું જરૃરી છે કે ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક માત્ર ૧૫૭૦ ડોલર્સ છે. ચીનની ૭૦૦૦ ડોલર્સ અને અમેરિકાની લગભગ ૫૨૦૦૦ ડોલર્સ છે. મેરા ભારત મહાન બોલનારે ફરીથી વિચાર કરવો પડશે.

ભારત સરકારની સબસીડી :

ભારત સરકાર ગરીબો માટે કંઈ કરતી નથી તે વાત સાચી નથી. બંને પક્ષોની સરકારોએ સબસીડીમાં સતત વધારો કર્યો છે. ૨૦૧૫-૨૦૧૬માં સરકારે નીચે પ્રમાણે જંગી સબસીડી (સૂચિત) આપી છે. એ સમજી શકાય છે કે સૌથી વધારે સબસીડી અનાજ (સસ્તા અનાજની દુકાનો) પર આપી હતી.

ભારતમાં ૨૦૧૫-૨૦૧૬ દરમિયાન અપાયેલી સબસીડી (એસ્ટીમેટ)
અનાજ ૧,૩૯,૪૧૯ કરોડ રૃા.
ખાતર ૭૨,૪૩૮ કરોડ રૃા.
પેટ્રોલિયમ ૩૦,૦૦૦ કરોડ રૃા.
વ્યાજમાં રાહત ૧૩,૮૦૮ કરોડ રૃા.
અન્ય રાહતો ૨૧૩૬ કરોડ
કુલ સબસીડી ૨,૫૭,૮૦૧ કરોડ રૃા.
૨૦૧૪-૧૫ના આગલા વર્ષે કુલ સબસીડીની રકમ ૨,૫૮,૨૫૮ કરોડ હતી એટલે કે સરકારે સબસીડીના ખર્ચામાં મામુલી ઘટાડો કર્યો છે. કેન્દ્રીય સરકાર પેટ્રોલીયમના ભાવ ૩૦થી ૩૫ ડોલર્સની વચ્ચે થઈ ગયા છતાં દેશમાં પૂરતા પ્રમાણમાં ભાવો ઘટાડતી નથી અને તે દ્વારા પુષ્કળ રેવન્યુ મેળવે છે નેપાળને માત્ર ૩૦,૦૦૦ કરોડની સબસીડી પેટ્રોલિયમ પાછળ ખર્ચે છે.

મનરેગા યોજના :

ઇ.સ. ૨૦૧૪-૧૫માં સરકારે મનરેગા પાછળ ૩૨,૪૬૩ કરોડનું બજેટ ફાળવ્યું હતું. ૨૦૧૫-૧૬માં આ બજેટ વધીને ૩૫,૭૬૬ કરોડ (સૂચિત) થયું ૨૦૧૬-૨૦૧૭માં મનરેગા પાછળ ૩૮,૫૦૦ કરોડ રૃપિયાનો ખર્ચ કરાશે. કોંગ્રેસે શરુ કરેલી મનરેગા યોજના બીજેપીને પણ ઘણી લાભદાયી (રાજકારણની રીતે) જણાઈ લાગે છે તેથી મનરેગા પાછળનું બજેટ લગભગ ૨૭૫૦ કરોડ રૃા. જેટલું વધાર્યું છે. ૨૦૧૫-૧૬ દરમિયાન આ યોજના હેઠળ ૨૧૦ કરોડ માનવ દિવસોનું મજૂરી વળતર ઉભું થયું હતું. ૨૦૧૬-૨૦૧૭માં તે વધીને ૨૧૫ કરોડ માનવ દિવસો જેટલું થશે.

ખેતીવાડી ક્ષેત્ર :

૨૦૧૬- ૨૦૧૭માં શરુ થનાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જરૃર હતી અને તેથી ખેડૂતોને લાભ થશે પરંતુ આ ક્ષેત્રમાં સૌથી મોટો નિર્ણય ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં સો ટકા વિદેશી મૂડીરોકાણની છૂટ આપી તે ગણાય. વિદેશી ફૂડ કંપનીઓ 'લોજિસ્ટિક' (માલની વહેંચણી, સ્ટોરેજ, હેરફેર, ફૂડ પ્રોડક્ટનું મેન્યુ ફેક્ચરીંગ અને પેકેજીંગ)માં અત્યંત કુશળતા ધરાવતી હોય છે. આ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ કે વિદેશી રોકાણ આવે તો આપણા કરોડોના અનાજ, શાકભાજી, ફળફૂલ વેડફાઈ જાય છે તે અટકશે. વિદેશી રોકાણ એટલે શાહીવાદ અને નકરો શાહીવાદ એમ માનવાની જરૃર નથી. સામ્યવાદી ચીને આપણાથી અનેકગણી વિદેશી મૂડી મેળવી છે અને તે દેશ લૂંટાઈ ગયો છે તેવી ફરિયાદ થઈ નથી. વળી ૧ મે, ૨૦૧૮ સુધીમાં દેશના તમામ ગામોમાં વીજળીની સગવડનું સૂચન આવકારદાયક છે. આપણા દેશના અર્થકારણને તોડી નાખે તેટલી મોટી એનપીએ આપણી જાહેર અને લિસ્ટેડ બેંકો માટે શરમજનક બાબત છે આ બાબતમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તે આપણે જાણતા નથી.

સૌથી નામોશીભરી બાબત :

રાજ્યો અને કેન્દ્ર સરકારો દેશના શિક્ષણ, સ્વાસ્થ્ય અને અન્ય કલ્યાણકારી યોજનાઓ પાછળ જે બજેટ ફાળવે છે તે શરમજનક રીતે ઓછું છે ૨૦૧૦-૨૦૧૧થી ૨૦૧૫-૨૦૧૬ (બેસ્ટ એસ્ટીમેટ) સુધીના આંકડા આ બાબત પુરવાર કરે છે. દેશમાં શિક્ષણ, સ્વાસ્થય પાછળ જીડીપીના છ ટકા તો ખર્ચાવા જ જોઈએ તેને બદલે માત્ર સાડા ચાર ટકા ખર્ચાય છે. પરંતુ દેશની વસતી દર વર્ષે દોઢ થી બે કરોડની વચ્ચે વધે છે. એટલે આ બધા પગલાં કાણી ડોલમાં પાણી ભરવા બરાબર છે.

૨૦૧૦-૧૧માં કેન્દ્ર અને રાજ્ય સરકારે શિક્ષણ પાછળ જીડીપીમાં માત્ર ૩.૧ ટકા ખર્ચ કર્યો હોત. પરંતુ ૨૦૧૫-૧૬ આ ટકાવારીમાં વધારો તો નહીં પણ આ ટકાવારી ઘટીને ૩.૦ થઈ ગઈ.
૨૦૧૦-૧૨માં સ્વાસ્થ્ય સેવાઓ (પબ્લિક હેલ્થ, તબીબી સારવાર, કુટુંબ કલ્યાણ વગેરે) પાછળ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ભેગા મળીને જીડીપીના ૧.૩ ટકા ખર્ચ કર્યો અને ૨૦૧૫-૨૦૧૬ (બેસ્ટ એસ્ટીમેટ)માં આ ટકાવારી ત્યંની ત્યાં જ (૩ ટકા) રહી છે. અન્ય કલ્યાણ યોજનાઓ પાછળ પણ ઉપરના બન્ને વર્ષોમાં માત્ર ૨.૪ ટકા પર સ્થગિત થઈ ગયો છે. ૨૦૧૬- ૨૦૧૭માં શ્રી જેટલીએ ઉચ્ચ શિક્ષણ માટે ૭૨૩૯૪ કરોડ રૃપિયા ફાળવ્યા છે. આ રકમમાં એટલો વધારો કરવામાં આવે જેથી ફાર્મસી, મેડીસન, સાયન્સ, એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ, આર્કિટેક્ચર વગેરેનું શિક્ષણ જે અત્યંત મોંઘુ થઈ ગયું છે. તે વિદ્યાર્થીઓને લગભગ મફત મળે તેવું થવું જોઈએ. સરકારે પોતે પ્રોફેશનલ કોર્સિઝમાં ધરખમ વધારો પૂરો કરવાની જરૃર છે. આપણે માસ એજ્યુકેશન નહિ પણ માસ હાયર એજ્યુકેશનવાળો સમાજ ઉભો કરવાનો છે. સામાન્ય પટાવાળો પણ એમ.એ. હોવો જોઈએ.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment