Tuesday, 19 April 2016

રૃઢિચુસ્ત ભારતીયજનોની લોબી દ્વારા થતા વિરોધ પાછળનું કારણ શું ? તમામ ઉભરતી ટેકનોલોજીનો

હરિયાળી ક્રાંતિનો પણ વિરોધ : ભારતની રૃઢિચુસ્ત લોબી (સ્વાવલંબન અને સ્વાવલંબન પંથી) હરિયાળી ક્રાંતિ, વૈશ્વિકરણ અને જીએમ બીયારણનો કેમ વિરોધ કરતી હશે ? ભારતમાં ૧૯૬૦ના દાયકામાં હરિયાળી ક્રાંતિ થઈ જેણે ભારતમાંથી દુકાળોને નાબુદ કર્યા આજે આ ક્રાંતિને લીધે ભારતમાં છેલ્લાં બે વર્ષમાં લાગલગાટ ચોમાસુ નિષ્ફળ ગયું છે તેમ છતાં અમુક દુર્ગમ પ્રદેશોને બાદ કરતા હાહાકાર થયો નથી.

અછત સર્જાઈ નથી કે ભૂખમરાથી મરણો થયા નથી. રેશનીગમાં ઘટાડો થયો નથી. હરિયાળી ક્રાંતિની નવી ટેકનોલોજીને કારણે માત્ર પાંચ વર્ષમાં (૧૯૬૬-૧૯૬૭ થી ૧૯૭૧-૧૯૭૨) જ ઘઉંનું વાર્ષિક ઉત્પાદન ૧.૧ કરોડ ટનથી વધીને ૨.૩ કરોડ ટનનું થઈ ગયું. હરિયાળી ક્રાંતિ મુખ્યત્વે ઘઉંમાં થઈ હતી જેમાં તે અત્યંત સફળ થઈ. ડાંગરમાં પણ તે થઈ હતી પરંતુ ઉપરોક્ત ગાળામાં ડાંગરનું ઉત્પાદન માત્ર ૩૦ ટકા વધ્યું હતું.

૧૯૬૫-૧૯૬૬થી શરૃ કરીને ૪૦ વર્ષ દરમિયાન પંજાબ અને હરિયાણામાં ઘઉંનો પાક નવ ગણો વધ્યો. આપણે હવે અનાજની બાબતમાં માત્ર સ્વાવલંબી નથી પણ તેની નિકાસ કરીએ છીએ. માત્ર કઠોળના ઉત્પાદનમાં આપણે નબળા છીએ અને અત્યારે આપણે ૧૦ મીલીયન (એક કરોડ) ટન કઠોળની આયાત કરવી પડે છે. હરિયાળી ક્રાંતિને કારણે દેશ અનાજની આયાતમાંથી મુક્તિ મેળવી શક્યો તેને બીરદાવવા બદલે અમુક રૃઢિચુસ્ત લોબીએ ફરિયાદો શરૃ કરી દીધી.

હરિયાળી ક્રાંતિને કારણે ખેડૂતો પુષ્કળ પાણી અને રાસાયણિક ખાતર વાપરે છે, પાણીના તળ નીચે જતા રહ્યા છે, ખેતરના રસકસ ખલાસ થઈ ગયા છે, જંતુનાશક દવાઓનો વપરાશ વધતા પાણીમાં ઝેર ફેલાઈ રહ્યા છે વગેરે. સ્વદેશી અને સ્વાવલંબનમાં માનતા લોકોએ કાળો કકળાટ કરી મુક્યો છે. તેઓ ઓર્ગેનીક (સેંદ્રીય) ખેતીની તરફદારી કરી રહ્યા હતા અને હજી કરી રહ્યા છે પરંતુ ઓર્ગેનીક ખેતી ખર્ચાળ છે. તેમાં ઉત્પાદન ઓછું આવે છે તેથી તેના ગ્રાહકોને વધુ ભાવ આપવા પડે છે. અમેરિકામાં ઓર્ગેનીક ફળફળાદીઓ ચીઝના અનેક સ્ટોર્સ છે જેના ભાવો ૩૦ થી ૩૫ ટકા ચાલુ સ્ટોર્સથી વધારે હોય છે.

અહીં પણ આપણે ઓર્ગેનીક ફુડના વધુ ભાવો આપવા પડે છે. જ્યારે સેંદ્રીય ખાતર અને દેશી બીયારણને ઉગાડવાની કોઈ ક્રાંતિકારી ટેકનોલોજી ખીલે અને તેના ઉત્પાદનોને ઓછા ખર્ચે ઊભા કરી શકાય તો લોકો ઓર્ગેનીક ઉત્પાદનો તરફ વળશે. પણ રૃઢિચુસ્ત વિરોધી લોબીઓને કોઈપણ 'વિદેશી' ટેકનોલોજી માટે સખત અણગમો હોય છે. અલબત્ત હવે હરિયાળી ક્રાંતિના ફાયદાઓ ઘટયા છે. કારણ કે આ ક્રાંતિ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના અમુક ભાગો, ગુજરાતના થોડાક જીલ્લાઓથી આગળ વધી શકી નથી.

તે ભારત વ્યાપી બની શકી નથી. અમુક વૃદ્ધજનો એમ પણ કહે છે કે અમને રાસાયણિક ખાતરથી ઉગાડેલા શાકભાજીમાં સારો સ્વાદ અને સુગંધ (ફલેવર) આવતા નથી. આ બાબતમાં તેઓ સાચા છે કે તેમની ઉમરને કારણે તેમને શાકભાજીનો અસલ સ્વાદ અને સુગંધ આવતા નથી તે સવાલનો જવાબ આપી શકાય તેમ નથી. રાસાયણિક ખાતરનો ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા નાશ પામે છે તેવી ફરિયાદ કરનાર વિરોધી લોબીને કદાચ ખબર નથી કે અમેરિકા કે ચીન કરતા પણ ભારતીય ખેડૂત હેક્ટર દીઠ રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરે છે. આની આંકડાકીય સાબીતી છે. વળી અમેરિકા અને યુરોપ છેલ્લા લગભગ ૧૫૦ વર્ષથી રાસાયણિક ખાતરો વાપરે છે. શું એમની ખેતરની જમીન બીનઉપજાઉ થઈ ગઈ ? તેઓ તો હજી જગતના અનેક દેશોમાં અનાજની નિકાસ કરે છે.

આપણે ભૂખે મરતા હતા ત્યારે અમેરિકાએ આપણને પીએલ ૪૮૦ હેઠળ ઘઉંની મબલખ નિકાસ કરી હતી. પબ્લીક લો ૪૮૦માં તો એવી ઉદાર શરત હતી કે આપણા દેશે અમેરિકાને તે અંગે ડોલર્સમાં પૈસા ચુકવવાના ન હતા પણ તેનું રૃપિયાનું ભંડોળ ભારતમાં જ રાખવાનું હતું અને તે ભારતની જ કલ્યાણ યોજનાઓ માટે તથા ખેતીવાડીની રીસર્ચ માટે માટે વાપરવાનું હતું. આપણે હરિયાળી ક્રાંતિનો વિરોધ કરવાનો નથી પણ બીજી હરિયાળી ક્રાંતિ શરૃ કરવાની છે. આ બીજી ક્રાંતિ જેનેટીકલી મોડીફાઈડ બીયારણની છે.

જેનેટીકલી મોડીફાઈડ બીયારણો

આ બાબતમાં કોઈ કપાસ પકવતા ખેડૂતે બુમરાણ કરી નથી કે તેને કારણે અમારી જમીનની ફળદ્રુપતા ખલાસ થઈ ગઈ છે કે જીએન કપાસ અમારે માટે એક આફતરૃપ બીયારણ છે. અલબત તેને માટે અમેરિકાની કુખ્યાત મોન્સારો કંપની પુષ્કળ ભાવ લે છે અને તે અંગેનો વિરોધ વાજબી છે. પરંતુ ભારતના રૃઢિચુસ્તો જેમાં ગાંધીજનો, સર્વોદયવાદીઓ અને સ્વદેશી અને સ્વાવલંબન લોબીનો સમાવેશ થાય છે. તેઓનો વિરોધ જુદા કારણોસર છે.

તેઓ કહે છે કે આપણે જીએન કપાસનું બીયારણ જ ના જોઈએ. તે અન્ય પાકોમાં ભળી જશે તો અન્ય પાકોને નષ્ટ કરશે. કુદરતી બીયારણ જ સારા. કપાસનું કુદરતી બીયારણ કે કદાચ સંકર બીયારણ ચાલે પણ જેનેટીકલી મોડીફાઈડ તો ના જ જોઈએ. તેનાથી જમીન તારાજ થઈ જશે. અર્થશાસ્ત્રથી તદ્દન અજાણ આ લોકોને વાસ્તવિકતાની ખબર હશે ? કોઈપણ નવી શોધના અમલ માટે કોસ્ટ-બેનીફીટ એનાલીસીસ કરવું પડે. જો તેના લાભો અને ફાયદાઓ વધુ હોય અને ગેરફાયદાઓ ઓછા હોય તો નવી શોધને સ્વીકારવી. જીએમ વિરોધી લોબી પુષ્કળ તીણે અવાજે કે તીખી ભાષામાં જીએમના ગેરલાભો રજૂ કરે છે પણ આનો કેટલો બધો લાભ ખેડૂતોને થાય છે તેનો ઉલ્લેખ માત્ર નથી કરતા આવું જ વૈશ્વીકરણની બાબતમાં રૃઢિચુસ્તો કરે છે અને અઢળક ગેરફાયદાઓ રજૂ કરે છે.

આ કલ્ચરલ રાષ્ટ્રવાદીઓ એમ માને છે કે વૈશ્વીકરણને કારણે ભારતીય (હિન્દુ) કલ્ચરના મૂળિયા ઉખડી જશે. અહીં આપણે આ વાતને લંબાવવાને બદલે એટલું જ કહીશું કે વૈશ્વીકરણના આપણને પુષ્કળ લાભો થયા છે. ૨૦૦૦ થી ૨૦૧૬ સુધી ઝડપી આર્થિક વિકાસ (અમુક વર્ષોમાં તો ૯ થી ૧૦ ટકાના દરે) થયો તે જ વૈશ્વીકરણ વિના થાત ? આપણે ત્યાં આઈટી કંપનીઓ લાખો (હા, લાખો) એન્જીનીયરીંગને અહીં કે વિદેશમાં નોકરીઓ આપે છે તે શક્ય થાત ? વૈશ્વીકરણને કારણે આપણી આયાત અને નિકાસ પુષ્કળ વધ્યા છે.

ભારતની કંનીઓએ બહારના દેશોમાં ખનિજ અને ખાણના ક્ષેત્રોમાં ઝુંકાવ્યું છે. તેમણે ભારતની બહાર અનેક કંપનીઓને ખરીદી લીધી છે. ભારતમાં કોરિયા અને જાપાનની કંપનીઓએ ભારતીય કંપનીઓ સાથે સંયુક્ત જોડાણો કરીને ઘરવપરાશના સાધનોમાં, કાર અને બાઈકમાં ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રે કમાલ કરી છે. વૈશ્વીકરણ વિના ગુજરાત રસાયણો અને દવા ઉદ્યોગોનું મુખ્ય ધામ બની ના શકત. વૈશ્વીકરણને આપણે અપનાવ્યા વિના છુટકો નથી. ૨૫૦ વર્ષ પહેલા જે ઔદ્યોગીક ક્રાંતિ થઈ તેને જે દેશોએ અપનાવી નહીં તેઓ (આફ્રીકાના ઘણા દેશો) અત્યારે પછાત રહ્યા છે.

ભારતમાં પણ તે પૂર્ણપણે ના થઈ અને ઘણા રાજ્યો તેનાથી વંચિત રહી ગયા તેથી તેઓ ગરીબ રહ્યા છે. ઔદ્યોગીકરણ ભયાનક પ્રદૂષણ ઊભું કરે છે પણ તે કારણે ઉદ્યોગોને નષ્ટ કરવાના નથી પરંતુ બીન પ્રદૂષણકારક ઉદ્યોગોને ઉત્તેજન આપવાનું છે. સોલર એર્નજી અને સૂર્ય એર્નજી તદ્દન સસ્તી થાય તેવી ટેકનોલોજી ઉભી કરવાની છે. ભવિષ્યમાં તે ઊભી થશે પરંતુ જૂનવાણીઓ એગ્રીકલ્ચરણ અને રૃરલ વે ઓફ લાઈફ તરફ પાછા ફરવાનું નથી. તદ્દન પ્રાકૃતિક અને સાદુ જીવનનો વિચાર શ્રમધનિષ્ઠ હોવાથી સ્વીકારવા યોગ્ય નથી.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment