Tuesday, 19 April 2016

મૂડીવાદી અર્થકારણને પડકારનાર કોઈ પરિબળ રહ્યું નથી

સોવિયેટ ક્રાંતિ નિષ્ફળ ગઈ :
ઈ.સ. ૧૯૯૧માં સોવિયેટ રશિયા તૂટી પડયું. ઈ.સ. ૧૯૧૭ના ઓક્ટોબરમાં રશિયામાં બોલ્શેવીક ક્રાંતિ થઈ હતી. સોવિયેટ રશિયાનું સામ્રાજ્ય માત્ર ૭૪ વર્ષ જ ટક્યું. ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યાર પછીના ૧૯૯૧ સુધીના છપ્પન વર્ષ અમેરિકા અને સોવિયેટ રશિયા વચ્ચે શીતયુદ્ધ ચાલ્યું. જેમાં સોવિયેટ રશિયાની હાર થઈ. તેનાથી ૧૫ રાજ્યો છૂટા પડી ગયા. હવે બાકી રહેલા દેશને રશિયન ફેડરેશન કહે છે. શીતયુદ્ધ દરમિયાન મૂડીવાદી વિરૃદ્ધ સામ્યવાદી-સમાજવાદી પ્રથા વચ્ચે સખત હરીફાઈ ચાલી. સોવિયેટ રશિયા પોતાને સામ્યવાદી નહીં પણ સમાજવાદી ગણતું હતું. તેથી તેનું નામ યુનિયન ઓફ સોવિયેટ સોશીયાલીસ્ટ રીપબ્લીક (યુએસએસઆર) રાખવામાં આવ્યું હતું. તેનો ઝોક નાગરિકો વચ્ચે આર્થિક અને સામાજીક સમાનતા સ્થાપવા તરફ હતો. આ ક્રાંતિના આદેશો ઘણા આકર્ષક હતા.

સામ્યવાદનો વિસ્તાર :
૧૯૪૫ પછી પોલેંડ, ઝેકોસ્લોવાકીયા, હંગેરી, યુગોસ્લાવીયા, રોમાનીયા, બલ્ગેરીયા અને આલ્બેનીયા સામ્યવાદી કેમ્પમાં દાખલ થઈ ગયા. ૧૯૫૪માં જર્મનીનો પૂર્વ ભાગ જર્મન ડેમોક્રેટીક રીપબ્લીક બની ગયો અને તે પણ સામ્યવાદી જગતનો એક ભાગ બની ગયો. ૧૯૪૯માં વસતીની દ્રષ્ટિએ જગતનો સૌથી મોટો દેશ ચીન પણ સામ્યવાદી બની ગયો. વીયેટનામ, લાખોલ, કમ્બોડીયા, અને ઉત્તર કોરિયાએ પણ સામ્યવાદ સ્વીકાર્યો. ૧૯૫૯માં ક્યુબા અને તે પછીના વર્ષોમાં આફ્રિકાના કેટલાક દેશો ડાબેરી બની ગયા.

આર્થિક નિયંત્રણો : કેન્દ્રીય આયોજન :
આ બધા દેશોએ અર્થકારણમાં કેન્દ્રીય આયોજનની પદ્ધતિ અપનાવી. વળી તેમણે પોતાના નાગરિકો પર દેશની બહાર જવા માટે સખત અંકુશ મુક્યા. તેઓનું રાજકારણ માત્ર મોટે ભાગે એક પક્ષની સરમુખત્યારશાહી સરકાર પર આધારિત હતું. આ સરમુખત્યારોએ રાજ્યની સત્તા પર કાબુ મેળવી લીધો હતો. રાષ્ટ્ર અને સરકાર એકાકાર થઈ ગયા, તેઓએ પોતાના નાગરિકો પર માર્કસીસ્ટ-લેમીનીસ્ટ વિચારસરણી લાદી દીધી હતી. ૧૯૫૦ના દાયકામાં આ દેશોને 'સોશીયાલીસ્ટ કેમ્પ' તરીકે ઓળખ મળી. પરંતુ હંગેરી, પોલેંડ, યુગોસ્લાવીયા, વગેરેએ ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓમાં સોવિયેટ રશિયાના લોખંડી શાસન સામે બળવો કરતા સમાજવાદી કેમ્પમાં ફાટફૂટ પડી. સમાજવાદી કેમ્પમાં શું થઈ રહ્યું છે તેની બહુ જ મોટી વિગતો મૂડીવાદી કેમ્પમાં જતી અને મૂડીવાદી જગતમાં શું થઈ રહ્યું છે તેની વિગતો સમાજવાદી કેમ્પે પોતાના નાગરિકો પાસે જવા દીધી નહીં. સમાજવાદી કેમ્પનું એક જ ધ્યેય હતું કે મૂડીવાદી સીસ્ટમનો જગતભરમાંથી નાશ કરવો અને મૂડીવાદી છાવણી (કેમ્પ)નું ધ્યેય સામ્યવાદનો નાશ કરવાનું હતું.

સોવિયેટ રશિયા એમ માનતું હતું કે ૧૯૧૭ની ઓક્ટોબર ક્રાંતિ જગતભરમાં પ્રસરી જશે અને જગતના તમામ લોકો મૂડીવાદમાંથી 'લીબરેટ' થઈ જશે તેમ ના થયું તેથી સોવિયેટ રશિયા જગતથી વિખૂટું પડી ગયું. તેને પશ્ચિમ જગત દ્વારા વિખૂટુ પાડી દેવામાં આવ્યું. આનો તેને એક ફાયદો એ થયો કે અમેરિકામાં ૧૯૨૯માં જે મહામંદી થઈ તે સોવિયેટ રશિયાના અર્થકારણને સ્પર્શી નહીં. સોવિયેટ રશિયાએ ઈ.સ. ૧૯૧૭થી ૧૯૩૯ના ૨૨ વર્ષ દરમિયાન એટલું ઝડપથી જ દેશનું ઔદ્યોગીકરણ કર્યું કે જગત ચકિત થઈ ગયું. મૂડીવાદી દેશોના લોકોની આંખો પહોળી થઈ ગઈ. માત્ર ૨૨ વર્ષના ગાળામાં એક દેશ ફ્યુડલ અર્થકારણમાંથી ઔદ્યોગીક અર્થકારણમાં પ્રવેશી ગયો. આર્થિક સમાનતા બાજુ પર રહી ગઈ. સોવિયેટ રશિયાએ જબરજસ્ત યુદ્ધ વ્યવસ્થા (વોર ઈકોનોમી) ઊભી કરી. ઈતિહાસનો એક ક્રૂર કટાક્ષ ગણાય કે સમાનતાના આદર્શ પર રચાયેલું અર્થકારણ - રાજકારણ ગરીબ દેશમાં ઝડપી ઔદ્યોગીકરણ કેવી રીતે કરવું તેનું મોડેલ બની ગયુનો સરપ્લસ ઉભો કરવાનું યંત્ર બની ગયું.

આ મોડેલથી ભારત પણ અંજાયુ અને ૧૯૫૧થી ભારતમાં પંચવર્ષીય યોજનાઓ શરૃ થઈ. ભારતમાં ૧૯૫૧-૧૯૯૧ના ૪૦ વર્ષ સમાજવાદના નામે સ્ટેટ કેપીટાલીઝમનો ઉદય થયો અને રાજ્યનું અર્થકારણ કેન્દ્રના પ્રધાનો અને સરકારી બાબુઓના હાથમાં આવી ગયું. ભારતે મોટા પ્રમાણમાં રાજ્ય સાહસો ઉભા કર્યા અને તેમાં રોકાણ કર્યું. તેમના ઘણા ધોળા હાથી સાબીત થયા. તેઓએ ગંજાબહાર ખોટ કરવા માડી. સમાજવાદી સમાજની રચના કે પાછળથી સમાજવાદ હેઠળ આપણો આર્થિક વૃદ્ધિ દર માત્ર ૩ થી ૩.૫ ટકા સુધીનો રહ્યો જેનાથી તે દરમિયાન થયેલો વસતી વધારાનો બે ટકા જેટલો વૃદ્ધિ દર બાદ કરવો પડે. જોકે એ કબૂલ કરવું પડે કે જવાહરલાલ નહેરૃએ ૧૯૫૦ના દાયકામાં ઉચ્ચ શિક્ષણ, ભારે ઉદ્યોગોનો અને મોટી નહેર યોજનાઓ (દા.ત. ભાખરાનાંગલ)નો સંગીન પાયો નાંખ્યો પરંતુ પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક આરોગ્યની અવગણના કરી. ભારત ૧૯૫૧-૧૯૯૧ પરમીટ ક્વોટાનું સ્થગિત રાજ્ય બની ગયું. જે દરમિયાન તૈવાન, ચીન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, સીંગાપોર આર્થિક ચમત્કાર સર્જ્યો.

અર્થકારણમાં સામ્યવાદી મોડેલ કેમ નિષ્ફળ ગયું ?
ભારતે ૪૦ અણમોલ વર્ષો (૧૯૫૧-૧૯૯૧) ગુમાવ્યા કારણ કે સામ્યવાદ મુક્ત બજારનું ઘોર વિરોધી હતું. સૌ પ્રથમ તો સોવિયેટ રશિયાએ બજારમાં ભાવોની સીસ્ટમ (પ્રાઈસ મીકેનીઝમ) તોડી નાખી. બજારો ભાવો દ્વારા ગ્રાહકો કઈ ચીજવસ્તુ પસંદ કરે છે અને કઈ ચીજવસ્તુ પસંદ કરતાં નથી તેનું 'સીગ્નલીંગ' કરે છે. સોવિયેટ રશિયા અને તેના મિત્ર રાષ્ટ્રોએ આ સીગ્નલ સીસ્ટમ તોડી નાખી તેથી ગ્રાહકોને માટે માલની અછત ઊભી થઈ અને ગ્રાહકોને પસંદ ના પડે તેવા માલોનો ભરાવો થયો. જમણા પગના લાંબો બૂટ બનવા મંડયા પણ ડાબા પગના બૂટ (જોડા) ના બન્યા. માલની ગુણવત્તા તદ્દન નીચે જતી રહી. વપરાશી માલની એટલી બધી અછત ઊભી થઈ કે ઓફીસમાંથી છૂટયા પછી નાગરિકોનું મોટું કામ દુકાનોની લાઈનમાં જોડાઈ જવાનું રહેતું. પરંતુ તમારે મોટું ઔદ્યોગીક રાજ્ય રચવું હોય તો પુષ્કળ મૂડીરોકાણ કરવું પડે.

મૂડીવાદનું અર્થકારણ : ઈ.સ. ૧૯૯૧માં સોવિયેટ રશિયાનું પતન થતાં પશ્ચિમ જગતના મૂડીવાદને પડકારનાર કોઈ બળ રહ્યું નહીં. મૂડીવાદના પણ અનેક ભાગો પડી ગયા છે. અત્યારના જગતના અર્થકારણમાં મૂડીવાદ વિરૃદ્ધ સામ્યવાદી અર્થકારણનું (કેન્દ્રીય આયોજનનું) યુદ્ધ ચાલતું નથી પણ જુદા જુદા પ્રકારના મૂડીવાદી અર્થકારણો વચ્ચે (યુદ્ધ નહીં પણ) હરીફાઈ ચાલે છે. અમેરિકન મૂડીવાદ અત્યંત આક્રમક છે. જ્યારે પશ્ચિમ યુરોપનો મૂડીવાદ 'લીબરલ' અને વધુ માનવલક્ષી છે. આની સામે સ્વીડન, નોર્વે, ડેન્માર્ક, ફીનલેડ, આઈસલેડ જેવા 'નોર્ડીક' દેશોનો મૂડીવાદ કલ્યાણલક્ષી છે. જ્યારે ચીનનું અર્થકારણ લગભગ મૂડીવાદી છે. પરંતુ તેની સરકાર સામ્યવાદી છે. જગતમાં આ એક નવો પ્રયોગ છે. અત્યારના મૂડીવાદે દેશો વચ્ચે અને દેશની અંદર જબરજસ્ત અસમાનતા ઊભી કરી છે.

તેણે સંખ્યાબંધ અબજપતિઓ ઊભા કર્યા છે. જ્યારે દેશની અંદર અનેક લોકો કંગાળ છે. તે મૂડીકેન્દ્રી છે. તેણે પુષ્કળ પ્રદૂષણ ઊભું કર્યું છે. તે અન્યાયી વ્યવસ્થા(અનજસ્ટ સીસ્ટમ) છે. તેણે રાજ્યને અને અમલદારશાહીને પોતાના કહ્યાગરા બનાવી દીધા છે. આ પ્રથા અન્યાયી અને શોષણખોર હોવાથી ચાલી શકે તેમ નથી. તેને બદલવા સામાજીક ચળવળો થાય છે પણ તેને દબાવી દેવામાં આવે છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment