Tuesday, 19 April 2016

અત્યારના અર્થશાસ્ત્ર વિરુદ્ધ થઈ રહેલી અઢળક ફરિયાદો

પહેલેથી ખબર કેમ ના પડી ? :
ઈ.સ. ૨૦૦૮ના ઓગષ્ટ મહિનામાં અમેરિકાની લેહમાન બ્રધર્સ નામની નાણાંકીય સેવાઓની કંપની તૂટી પડી. ૬૦૦ બીલીઅન ડોલર્સ એક બીલીયન = ૧૦૦ કરોડ)ની એસેટ્સ ધરાવતી આ કંપનીની નાદારી અમેરિકાના કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી નાદારી હતી. ૨૦૦૮ના વર્ષના અંત ભાગમાં સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર ૫૦૦ (સૌથી મોટી ૫૦૦ કંપનીઓ)નો આંક ઘટીને ૨૯ ટકા થઈ ગયો અને બજારે ૨૯ ટ્રીલીઅન ડોલર્સ ગુમાવ્યા. એક ટ્રીલીયન ડોલર્સ એટલે એક લાખ કરોડ ડોલર્સ ગણાય. ઘણાંને એમ લાગ્યું કે આખા જગતની ફાયનાન્સીયલ સિસ્ટમ તૂટી પડશે પણ સદભાગ્યે તેમ ના થયું.પરંતુ અમેરિકામાં ૨૦૦૮માં મહામંદી શરુ થઈ જેની પ્રતિકૂળ અસરો ઘણા દેશો ઉપર પડી. અર્થશાસ્ત્રીઓની આ બાબતમાં ઘણી ટીકા થઈ. સામાન્ય લોકોએ ટોણો માર્યો કે, તમે આટલા બધા અટપટા મેથેમેટીક્સ મોડેલ્સની રચના કરી છે તો પણ તમે આ નાણાંકીય કટોકટીનો અણસાર આપવામાં કેમ નિષ્ફળ ગયા ? તમે રોગ થયા પછી તેનું નિદાન કરો છો પણ રોગને અટકાવી શકતા કેમ નથી !

વેપન્સ ઓફ માસ ડીસ્ટ્રીક્શન :
છેક ઇ.સ. ૨૦૦૩માં જગતના જાણીતા મૂડી રોકાણકાર વોરેન બફેટે જાહેર કર્યું હતું કે, નાણાંકીય સંસ્થાઓએ (ખાસ કરીને બેંકોએ) ફાયનાન્સીયલ ડેરીવેટીવ નામના (ફાયનાન્સીયલ ઇન્સ્ટ્રુમેન્ટ)ની રચના કરી છે તે ખરેખર સાર્વજનિક નાશનું શસ્ત્ર' છે અંગ્રેજીમાં આને વેપન ઓફ માસ ડિસ્ટ્રીક્શન કહે છે. નાણાંકીય અર્થશાસ્ત્રીઓએ ખોટા મેથેમેટિકલ મોડેલ્સ દ્વારા લોકોને અને બેંકોને ગેરમાર્ગે દોર્યા.

બેંકરોનો લોભ :
બેંકરોને પણ આ ફાયનાન્સીયલ ડેરીવેટીવ્ઝ અને તેના પણ ડેરીવેટીવ્ઝ અને તેમાંથી બનાવેલા જાતજાતના ફેન્સી ફાયનાન્સીયલ પેકેજીસના વેચાણ દ્વારા અભૂતપૂર્વ પગારો અને બોનસ મળવા લાગ્યા. અમેરિકન સરકારની નાણાંકીય નિયંત્રણની સંસ્થાઓ પણ આ નાણાંકીય બજારોનું સંચાલન કરવામાં નિષ્ફળ નીવડી. અર્થશાસ્ત્રીઓની માન્યતા મુજબ બજારોનું નિયંત્રણ 'અદ્રશ્ય હાથો' દ્વારા ઓટોમેટિક રીતે થાય છે. પરંતુ તેમ ના થયું. દા.ત. ૨૦૦૭ની સાલના અંતમાં ખનિજ તેલના ભાવો બેરલના ૧૪૦ ડોલર્સ થઈ ગયા હતા અને તેના થોડાક જ મહિનામાં ૪૦ ડોલર્સ થઈ ગયા. ખનિજ તેલના અર્થકારણના લોહીનું ભ્રમણ ગણવામાં આવે છે. પરંતુ આ ભ્રમણમાં મુશ્કેલી સર્જાઈ અને અર્થકારણને હૃદયરોગનો હુમલો થયો. શું અર્થશાસ્ત્રીઓને નાણાં બજારમાં ઉભા થયેલા વમળોના જોખમની ખબર જ ના પડી ! ૨૦૦ વર્ષથી પણ પહેલા અર્થશાસ્ત્ર ઊભું થયું છે. તો તે આર્થિક કટોકટીની કેમ આગાહી કરી શકતું નથી ? અર્થશાસ્ત્રીઓ બ્યુટી મોડેલની જેમ પોતાના મોડેલોને ગણીતના વાઘા પહેરાવે તેથી તે કાંઈ સાચા ન પડે.

અર્થશાસ્ત્ર વાસ્તવિકતાથી દૂર :
અર્થશાસ્ત્ર માનવ વર્તણુંકને ગણિતના સ્વરૃપમાં મુકવા માંગે છે તે એક ચીજવસ્તુના ભાવ ૧૦ ટકા વધે અને તેની માગ દસ ટકા વધે તો તો તે વસ્તુની ઇલાસ્ટીસીટી એક ગણાય. જો ભાવ ૧૦ ટકા વધે અને માંગ માત્ર પાંચ ટકા જ ઘટે તો તેને માંગની ઇલાસ્ટ્રીટી એકથી ઓછી ગણાય. અને ભાવ ૧૦ ટકા વધે અને માંગ ૨૦ ટકા ઘટે તો તેની આલાસ્ટીસીટી એકથી વધુ (એટલે કે બે ગણાય) આમ ભાવ વધે કે ઘટે તો માત્ર કેટલા ટકા વધે કે ઘટે તે ખરેખર માનવ વર્તણૂંકનો પ્રશ્ન છે. જેને સમજવા અર્થશાસ્ત્રીઓ ગણિતનો ઉપયોગ કરે છે. ભાવ વધે તો માંગ ઘટે તે પણ બધી વાર સાચું હોતું નથી. ધારો કે ડુંગળીના ભાવ આજે વધીને દસ રૃપિયે કિલો થયા છે પરંતુ લોકોને એવું લાગે છે ક તેના ભાવો વીસ રૃપિયા થઈ જશે તો ડુંગલીના ભાવ દસ રૃપિયાથી બાર રૃપિયા થઈ જાય તો પણ તેની માંગ વધે છે. કારણ કે લોકો ભવિષ્યમાં મોંઘી ડુંગળી ખરીદવા તૈયાર નથી આમ ભાવ નિર્ધારણમાં લોકોની અપેક્ષાઓ હોય છે અને ઇરેશનલ અપેક્ષાઓ હોય છે. આવું શેરબજાર કે કોમોડિટી બજાર ભવિષ્યમાં શું બનશે તેની અપેક્ષાઓ પર ચાલે છે. આ કારણે બજારો અસ્થિર બને છે. અર્થકારણ આ અપેક્ષાઓને ગણિતની ભાષામાં મૂકી શકતું નથી.

સપ્લાય અને ડીમાન્ડ :
ન્યુટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ઠોસ નિરીક્ષણ અને સાબિતી પર રચાયો હતો. અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે અમારો માગ અને પુરવઠાનો સિદ્ધાંત પણ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત જેવો નક્કર છે. બધા એ જાણે છે કે માંગ વધે તો પુરવઠો (સપ્લાય) ન વધે તો ભાવ વધે અને માગ ઓછી થાય અને પુરવઠો યથાવત રહે તો ભાવ ઘટે. તેવી જ રીતે માંગ એની એ જ રહે તે પુરવઠો વધે / અત્યારે ખનિજ તેલમાં તેમ થઈ રહ્યું છે) તો ભાવ ઘટે અને પુરવઠો ઘટે અને માંગ સ્થિર રહે ભાવો ઉંચા જાય. અર્થશાસ્ત્રીઓને પૂછીએ કે આ નિયમ તમે કયા આધારે ઘડયો છે તો જવાબ મળે કે આ તો સ્વયં સ્પષ્ટ બાબત છે. યુકીબીડે જોમેટ્રીમાં પણ આવી સ્વયંસ્પષ્ટ બાબતોનો પુરાવો આપવાની ના પાડી હતી. દા.ત. સમાંતર રેખાઓ એકબીજાને કદાપિ મળતી નથી. અર્થશાસ્ત્રીઓ પણ આવી સ્વયં સ્પષ્ટ બાબતો સ્વીકારી લે તો શું વાંધો છે ?

રેશનલ મેનનો સ્વીકાર :
અર્થશાસ્ત્રીઓ કહે છે કે, દરેક ગ્રાહક કે સપ્લાયર રેશનલ છે તે પોતાની ઉપયોગિતા (યુટીલીટી)ને મહત્તમ કરવાનો પ્રયત્ન કરે છે. સપ્લાયર્સ કે ઉત્પાદકો નફાને મહત્તમ કરવા પ્રયત્ન કરે છે અને ગ્રાહક ખરીદી દ્વારા પોતાને મળેલી ઉપયોગિતા (યુટીલીટી) મહત્તમ કરવાનો પ્રયત્ન કરે છે. જો ભાવ ઉંચા જાય અને હજી ઉંચા જ જવાના હોય તો ગ્રાહક ઓછું ખરીદીને પોતાનું સ્વ-હિત સાચવે છે. અર્થશાસ્ત્રના તમામ ખેલાડીઓ (ગ્રાહકો, સપ્લાયર્સ, શેરદલાલો ઉત્પાદકો છૂટક કે જથ્થાબંધ વેપારીઓ) પોતાનું સ્વ-હિત સૌથી વધુ સિદ્ધ કરવા માંગે છે અને તેથી સમાજનું હિત આપોઆપ સચવાઈ જાય છે. તમને તમારું દૂધ કે શાકભાજી અમુક ભાવે નિયમિત મળે છે તેથી તમે દૂધવાળા કે શાકવાળા પર કે તેઓ તમારા પર ઉપકાર કરતા નથી બન્ને પક્ષો પોતાનું હિત સાચવે છે અને તેથી સમાજનું હિત સચવાય છે. આદમ સ્મિથનો આ અભિગમ ક્લાસિકલ અર્થશાસ્ત્રમાં સર્વવ્યાપી છે અહીં નોંધવું જોઈએ કે અર્થશાસ્ત્રના મોડેલ બહુ જ એબસ્ટ્રેક (અમૂર્ત) હોય છે તેનું એમ્પીરીકલ ટેસ્ટિંગ થતું નથી.

યુજીન ફાર્મા :
શીકાગો યુનિવર્સિટીના યુજીન ફામા નામના અર્થશાસ્ત્રીએ કહ્યું કે બજાર રેશનલ લોકોનું બનેલું છે. બજારના ખેલાડીઓ પોતાના નફાને મહત્તમ કરવા માગે છે. બજારનો દરેક શેર લાંબા ગાળે પોતાનું ખરેખરું મૂલ્ય દર્શાવે છે. આ ખરેખરા મૂલ્યને તેઓ 'ઇન્ટ્રીઝીક વેલ્યુ' કહે છે. બજાર આખરે દરેક ચીજવસ્તુનું (શેર અને બોન્ડઝ સહિત) ખરું મૂલ્ય દર્શાવે છે. બજાર જે મૂલ્ય નક્કી કરે છે તેને ગમે તેટલા હોંશિયાર લોકો પણ આંકી શકતા નથી કે તેની આગાહી કરી શકતા નથી. બજાર એ લગભગ ભગવાન કહેવાય જે કાર્યક્ષમ રીતે ચીજવસ્તુઓના ભાવ નક્કી કરી શકે છે અને કોઈ માનવી તેને પહેલેથી કહી શકતો નથી.

ઉપસંહાર :
અત્યારનું અર્થશાસ્ત્ર અઘુરું છે ૨૫૦ વર્ષીય તેના જીવન દરમિયાન તે આર્થિક અસ્થિરતા (ઇકોનોમિક ઇન્સ્ટેબીલીટી) દૂર કરી શક્યું નથી. તેણે બજારને દેવતા માનીને પૂજા કરી છે પણ તેમાંથી જબરદસ્ત આર્થિક અસમાનતા સર્જાઈ છે કાર્લ માર્કસે બજારવાદી મૂડીવાદની સખત ટીકા કરી હતી પણ તેમની ટીકાની અવગણના થઈ છે.
જગતમાં સર્વત્ર બજારવાદ છાઈ ગયો છે. અર્થશાસ્ત્રના મોડેલો બહુ અમૂર્ત (એબસ્ટ્રેક) છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment