Tuesday, 19 April 2016

મૂડીવાદથી આર્થિક વિકાસની સાથોસાથ ભયજનક આર્થિક અસમાનતાનો જન્મ

ભારત જગતમાં સૌથી ઝડપી આર્થિક વૃધ્ધિ (ઈકોનોમીક ગ્રોથ) દરે પ્રગતિ કરે છે. યુનાઇટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે ભારતીય અર્થતંત્ર ઈ.સ. ૨૦૧૬માં ૭.૩ ટકાનો અને ઈ.સ. ૨૦૧૭માં ૭.૫ ટકાના દરેક વિકાસ કરશે. ૨૦૧૫માં પણ તેણે ૭.૩ ટકા દરથી વિકાસ કર્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવ ૩૦ ડોલર્સ કે તેનાથી પણ કંઇક નીચે જતા રહ્યા તેનો ભારતને ફાયદો થયો કારણ કે ભારતની આયાતમાં સૌથી વધારે મોટી ખર્ચની આઇટમ ઓઇલની છે. અહેવાલ જણાવે છે કે અન્ય દેશો કરતા ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર (રેલવે, રસ્તા, વીજળી અને પાણીની સવલતો, બંદરો વગેરે) અને શિક્ષણ તથા તબીબી સવલતો પાછળ ઓછો ખર્ચ કરવામાં આવે છે. પછાત અને દુર્ગમ વિસ્તારોમાં લોકોનું જીવનધોરણ સુધારવા પર ભારત સરકારે ધ્યાન આપવાની જરૃર છે. અહીં એ નોંધવું જોઇએ કે ભારતની માથાદીઠ આવક ઈ.સ. ૨૦૧૫માં માત્ર ૧૬૮૮ ડોલર્સ છે જ્યારે ચીનની ઈ.સ. ૨૦૧૫માં માથાદીઠ આવક ૮૨૦૮ ડોલર્સ અને અમેરિકાની ૫૫૯૦૪ ડોલર્સ છે (વર્લ્ડબેંકના આંકડા)

થોમસ પીકેટીનો પ્રચંડ પડકાર

થોમસ પીકેટી ફ્રેંચ અર્થશાસ્ત્રી છે અને પેરીસમાં કામ કરે છે. તેમણે અમેરિકન અને યુરોપના અર્થશાસ્ત્રીઓ સામે હુંકાર કરીને કહ્યું કે તમે લોકો આર્થિક વૃધ્ધિ દરની કેમ વાતો કરો છો ? તમને તેનું કેમ વળગણ (ઓબસેશન) થઇ ગયું છે. ઈ.સ. ૨૦૧૩માં તેમણે 'કેપીટલ ઈન ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી' પુસ્તક ફ્રેંચ ભાષામાં બહાર પાડયું. ઈ.સ. ૨૦૧૪માં આ પુસ્તક અંગ્રેજી ભાષામાં બહાર પાડયું. આ પુસ્તકમાં તેમણે આર્થિક વૃધ્ધિ દર પર નહીં પણ સમૃધ્ધ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તીની અસમાનતાની સખત નીંદા કરી. તેમણે જણાવ્યું કે આર્થિક અસમાનતા એટલે કે આવક અને સંપત્તીની અસમાનતા) મૂડીવાદનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. જગતની લોકશાહી સરકારો આર્થિક અસમાનતાને નાથી શકી નથી. તંદુરસ્ત લોકશાહી માટે આટલી મોટી આર્થિક અસમાનતા સ્વીકારી શકાય તેમ નથી. તે જો ચાલુ રહેશે તો લોકશાહીને તોડી નાંખશે. અમેરિકા ગર્જી ગર્જીને લોકશાહીની વાતો કરે છે પરંતુ અમેરિકામાં ૧૯૫૦-૧૯૮૦ના ત્રીસ વર્ષ દરમિયાન તેની દસ ટકા આવક રળનારાઓ પાસે કુલ રાષ્ટ્રીય આવકનો ૩૦-૩૫ ટકા હિસ્સો હતો.

૧૯૮૦-૨૦૧૦ના ત્રીસ વર્ષના ગાળામાં તેમનો હિસ્સો ૩૦-૩૫ ટકાથી વધી ૪૫-૫૦ ટકા થઇ ગયો. ફરીથી જાણી લો કે અમેરિકાના દસ ટકા આવક મેળવનારા પાસે અમેરિકાની કુલ આવકનો હિસ્સો ૪૫થી ૫૦ ટકા જેટલો મોટો છે. અમેરિકાના ધનિક લોકો પાસે ગંજાવર મીલકત અને આવક છે. અમેરિકાના મેનેજરોના પગારો અતિશય ઊંચા છે તેઓ પોતાના પગારો અને સ્ટોક ઓપ્શન્સ વધારે જ જાય છે. કારણકે તેમની કંપનીઓના બોર્ડ ઓફ ડાયરેકટર્સ પણ પ્રોફેશનલ મેનેજરોના હોવાથી તેઓ પોતાના સાથી મેનેજરોના મહેનતાણાં પર કોઇ નિયંત્રણ મૂકતા નથી. અમેરિકામાં સામાન્ય કારીગર કે કામદારના પગારો અને ઊચ્ચ મેનેજરોના પગારો વચ્ચે હિમાલયની ઊંડી ખીણ અને ટોચ જેટલું અંતર છે. આર્થિક અસમાનતાને લગતો કોયડો માત્ર અર્થકારણને લગતો નથી પણ પોલીટીકલ ઈકોનોમીને લગતો છે.

નીઓલીબરાલીઝમ

ઈ.સ. ૧૯૮૦થી ઈ.સ. ૨૦૧૦ના ગાળા દરમિયાન અમેરિકામાં આવક અને સંપત્તીની અસમાનતા વધી તેની પાછળ રોનાલ્ડ રેગનનું નીઓલીબરાલીઝમનું અર્થકારણ છે જેને 'રેગોનોમીક્સ' તરીકે ઓળખવામાં આવે છે. રોનાલ્ડ રેગને (૧૯૮૧થી ૧૯૮૯) અને બ્રીટનના તે વખતના વડાપ્રધાન માર્ગારેટ થેચરે (૧૯૭૯-૧૯૯૦)એ સ્ટેગ્ફ્લેશનને (આર્થિક ફુગાવો અને ઊંચી બેકારીનાં પરિબળો) સામે લડવા બજારકેન્દ્રી એવી નીઓલીબરાલીઝમ અર્થકારણની રચના કરી. મુક્ત બજારો, વિદેશી મૂડીની મુક્ત આવન-જાવન, મુક્ત આયાત નિકાસ, સરકારી સાહસોને ખાનગી હાથોમાં વેચી દેવા, મજૂર સંગઠન પર કડક અંકુશો મૂકવા, અનેક જાહેર સેવાઓનું ખાનગીકરણ વગેરે) આ બજારકેન્દ્રી અર્થકારણના મુખ્ય અંગો હતા.

પરંતુ એ કબૂલ કરવું પડે કે આ બજારવાદી નીતિથી રોનાલ્ડ રેગને અને માર્ગારેટ થેચરે તેમના દેશોમાં વ્યાપેલા સ્ટેગ્ફલેશનને દૂર કર્યું. તેમણે કહ્યું કે જલદ રોગ માટે જલદ દવા જરૃરી છે. પરંતુ આ દરમિયાન અમેરિકા-યુરોપમાં આર્થિક અસમાનતા વધી. બકરૃ કાઢતા ઊંટ પેઠું. પીકેટીનું મુખ્ય ધ્યેય અર્થકારણમાં આર્થિક અસમાનતા ઓછી કરવાનું છે. પીકેટી સુધારાવાદી છે. માર્ક્સ જેવા ક્રાંતિકારી નથી. માર્ક્સ મૂડીવાદનો સર્વનાશ ઈચ્છતા હતા. પીકેટી કહે છે કે મૂડીવાદમાં સમાનતાવાદી સુધારા લાવી શકાય છે. તેમને યુરોપનું વેલફેર સ્ટેટનું મોડેલ પસંદ છે. આ મોડેલમાં મૂડીવાદ અને સમાજવાદનું મીશ્રણ છે. તેમાં રાજ્ય નાગરિકોના સ્વમાનપૂર્વકના જીવવાના હક્કની જવાબદારી લે છે.

પીકેટી માને છે કે હાલનો મૂડીવાદ ઊણપવાળો છે. તેને સમાનતાવાદી બનાવવો જરૃરી છે પણ અસમાનતાનો પ્રશ્ન અર્થકારણનો નથી પણ પોલીટીકલ ઈકોનોમીનો છે. મૂડીવાદના હાર્દમાં જ અસમાનતા હોય તો મૂડીવાદને દૂર કરવો કે સુધારવો (એન્ડ કરવો કે એમેન્ડ કરવો) તે પ્રશ્ન મુળભૂત છે. માર્ક્સે કહ્યું તેને end કરો. પીકેટી કહે છે તેને amend કરો અને માર્ક્સની વર્ગવિગ્રહની વાતો છોડી દો. દુનિયાના અતિધનાઢ્યો પર પ્રોગ્રેસીવ કરવેરા નાખો અને લોકશાહી સંસ્થાઓનું પુર્નનિર્માણ કરો. જગતની તમામ લોકશાહી સરકારો માટે બળબળતો પ્રશ્ન છે કે તેમણે મૂડીવાદને કેવી રીતે કાબુમાં રાખવો. મૂડીવાદ અને મુક્તબજારમાં એવું કોઇ ઓટોમીકેનીઝમ (આંતરરચના) નથી કે જે અસમાનતાને ઘટાડે.

ભારતમાં આર્થિક અસમાનતા અને થોમસ પીકેટી

ભારતમાં આર્થિક અસમાનતા વધતી જશે તો તેની લોકશાહી તૂટી પડશે. આવા મહાન અર્થશાસ્ત્રી થોમસ પીકેટીએ ૨૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ભારતમાં આવેલી જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીમાં ઉપરનો મુખ્ય મુદ્દો રજૂ કર્યો. ભારતની આર્થિક અસમાનતા પર તેમણે નીચેના વિધાનો કર્યા.

ભારતમાં વધી રહેલી આર્થિક અસમાનતા તેના ઝડપથી થઇ રહેલા આર્થિક વિકાસ માટે સારી બાબત નથી. લાંબા ગાળામાં આર્થિક અસમાનતા ભારતીય અર્થકારણના વિકાસની આડે આવશે. ભારતના ભદ્રવર્ગીય સમાજે પશ્ચિમના ભદ્રવર્ગીય સમાજ કરતા વધુ સારૃ વર્તન (અસમાનતા દૂર કરવાની દિશામાં) કરવું પડશે. પશ્ચિમ જગતમાં આર્થિક સમાનતા તરફનું વર્તન તેમને બે વિશ્વયુધ્ધોના અને ૧૯૩૦ના ડીપ્રેશનના ભયાનક આંચકા લાગ્યા તે પછી શરૃ થયું. શું ભારતને પણ આવા જબરજસ્ત આંચકાની જરૃર છે ? ભારતના જાહેર ક્ષેત્રની સેવાઓ (શિક્ષણ, સ્વાસ્થ્ય, રસ્તા, પાણી પૂરવઠાની અને સીંચાઇની યોજનાઓ વગેરે) પુષ્કળ અપૂરતી છે. ભારતમાં બહુ ઓછા લોકો કરવેરા આપે છે. ભારતના અગ્રવર્ગે વધારે કરો ચૂકવવા જોઇએ અને ખાસ કરીને સ્ત્રીશિક્ષણમાં પુષ્કળ ખર્ચો (મૂડીરોકાણ) કરવો જોઇએ. અસમાનતાને દૂર કરવાનું એક સબળ શસ્ત્ર શિક્ષણ અને જ્ઞાાનનો નીચે સુધીનો પ્રચાર અને પ્રસાર છે. ભારતે શિક્ષણ પાછળ હજી પુષ્કળ ખર્ચો કરવાનો રહે છે અને શિક્ષણનો સર્વસમાવેશક બનાવવાનું રહે છે. ભારતમાં રાષ્ટ્રીય આવકમાં કરવેરાનો હીસ્સો માત્ર ૧૧ ટકા છે તે ૧૫થી ૨૦ ટકા કરવો જોઇએ. ભારત જો લોકશાહીના માળખામાં અસમાનતાનો પ્રશ્ન દૂર નહીં કરી શકે તો ભારતમાં લોકશાહી ટકી શકશે નહીં.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment