Sunday, 22 May 2016

ભારતનો 'જોબલેસ ગ્રોથ' ગંભીર સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે

આર્થિક વિકાસ સંતોષજનક

ભારતને આર્થિક વિકાસ કેવી રીતે કરવો તે આવડી ગયું છે. ઇ.સ. ૨૦૧૫-૧૬માં તેનો આર્થિક વિકાસદર ૭.૬ ટકા હતો જે ચીનના ઇ.સ. ૨૦૧૫ના ૬.૯ ટકાના વિકાસદર કરતા વધારે હતો. ૨૦૧૬- ૨૦૧૭માં પણ ભારત ૭.૮ ટકા વિકાસદર સાધશે તેવું અનુમાન છે. એનું એક કારણ એ છે કે હવે આવનારું ચોમાસું ઘણું સારું હશે. ૨૦૧૫- ૧૬માં આપણું કૃષિ ઉત્પાદન માત્ર ૧.૧ ટકાના દરે વધ્યું હતું. પરંતુ ૨૦૧૬- ૨૦૧૭ (ચાલુ નાણાંકીય વર્ષ)માં તે ૨.૮ ટકાના દરે વધશે તેવો સંભવ છે. ભારતમાં વસતી વધારાનો વાર્ષિક દર ૧.૬ ટકા છે જેથી માથાદીઠ અનાજની સુલભતા આ વર્ષે વધશે. નરેન્દ્ર મોદીના એક વકતવ્ય પ્રમાણે આવતા ૧૬ વર્ષ (૨૦૩૨ સુધી) ભારત દર વર્ષે ૧૦ ટકાના આર્થિક દરે વધશે જેથી તેની રાષ્ટ્રીય આવક અત્યારના બે ટ્રિલિયન ડોલર્સ (એક ટ્રીલીયન એટલે એક લાખ કરોડ)થી વધીને ઇ.સ. ૨૦૩૨માં ૧૦ ટ્રીલીયન ડોલર્સ થશે. ચીનની અત્યારની રાષ્ટ્રીય આવક ૧૧.૨ ટ્રીલીયન ડોલર્સ છે પરંતુ દર વર્ષે આવતા સોળ વર્ષ સુધી આપણે આટલો મોટો આર્થિક વૃદ્ધિ વિકાસદર સિદ્ધ કરીશું તે મોદી સરકારનું 'વીશફૂલ થિકિંગ' છે.

આ બાબતમાં પશ્ચિમ જગત આપણાથી પાછળ છે. અમેરિકાનો આર્થિક વિકાસ દર ૨૦૧૩માં ૧.૪૯ ટકા, ૨૦૧૪માં ૨.૪૩ ટકા અને ૨૦૧૫ના ૨.૪૩ ટકા થયો હતો. જે હાસ્યાસ્પદ રીતે નીચો છે તેવું જ બ્રિટનનું છે જેનો ઇ.સ. ૨૦૧૩માં ૨.૧૬ ટકા, ઇ.સ. ૨૦૧૪માં ૨.૮૫ ટકા અને ઇ.સ. ૨૦૧૫માં ૨.૪૯ ટકા જ રહ્યો હતો. ટૂંકમાં આર્થિક વિકાસના દરની વૃદ્ધિની બાબતમાં આપણે અમેરિકા, યુ.કે., જર્મની, જાપાન કરતા ઘણા આગળ છીએ. આ બધા દેશો જો ૪ ટકા વિકાસ સિદ્ધ કરે ત્યારે રાજીના રેડ થઈ જાય છે. કારણ કે આ દેશોના અર્થકારણો આપણા કરતાં ઘણા મોટા છે. વળી ઇ.સ. ૨૦૦૯માં જગતના દાદાગીરી કરતા અમેરિકાએ નાણાંકીય કટોકટી સર્જીને મંદી સર્જી જેને કારણે તેનો આ બે વર્ષનો આર્થિક વૃદ્ધિદર અનુક્રમે -૦.૨૯ ટકા (નેગેટીવ) અને - ૨.૭૮ ટકા (નેગેટીવ) થઈ ગયો. યુ.કે.નો ૨૦૦૮માં ગ્રોથરેટ - ૦.૪૭ (નેગેટીવ) અને ૨૦૦૯માં ૨૦૦૮ની નાણાંકીય મંદીના સર્જક અમેરિકા કરતા તેનો ભોગ બનેલ યુ.કે.ને વધારે માર પડયો.

પ્રો. પીરઝાદા અને રમેશ શાહ

આર્થિક વૃદ્ધિ દરની ચર્ચા કરતા પ્રો. બી.એમ. પીરઝાદા અને પ્રો. રમેશ શાહ જેઓ અર્થશાસ્ત્ર અને અર્થકારણમાં ઊંડી સૂઝ ધરાવે છે તેમણે જણાવ્યું કે, ભલે આપણે આર્થિક વિકાસ દરમાં આગળ છીએ પરંતુ ભારતમાં મુખ્ય ચિંતાનો વિષય 'જોબલેસ ગ્રોથ' છે. જો કે આપણે ઝડપી વિકાસ ખરેખર તો નવી નોકરીઓથી ધમધમવો જોઈએ અને આપણા વ્યાપાર અને ઉદ્યોગને માણસોની ખેંચ પડતી હોય તેવું તો થતું નથી માટે આ મુદ્દાનો વધુ વિસ્તાર કરી જનતા આગળ રજૂ કરો બન્ને મહાનુભાવોની વાત તદ્દન સાચી જણાય છે. જોબલેસ ગ્રોથ અસમાનતા વધારે છેઅને દેશને માટે અભિશાપ છે કારણ કે સામાજિક સંઘર્ષો (દા.ત. પટેલ અને જાટ કોમના અનામત આંદોલનો) ઊભા કરે છે. તેમના કહેવા પ્રમાણે આપણે વિકાસ દ્વારા અબજોપતિઓ ઉભા કરવાના નથી પરંતુ સંપૂર્ણ રોજગારીની દિશામાં આગળ વધવાનું છે.

બન્નેના મતે ગરીબ લોકોને વધુ ને વધુ સ્કીલ્સ મળે તે માટે શૈક્ષણિક ખર્ચ કરવાનો છે. લાંબુ લાંબુ ખર્ચાળ એજ્યુકેશન નહિ પણ ટૂંકી અને શીઘ્ર ફળદાયી ટ્રેઇનિંગ જેમ કે પુષ્કળ આઇ.ટી.આઇ. અને પોલિટેકનિકોની સ્થાપના. વળી શિક્ષણનો પુરવઠો (સરળતા) તેની માગ કરતા વહેલો હોવો જોઈએ પહેલા શાળાઓ બનાવો પછી બાળકો આવશે અહીં ડીમાન્ડ એન્ડ સપ્લાયનો નિયમ કામ નહી કરે.

ભારતનો જોબલેસ ગ્રોથ

ભારતની લેબર બ્યુરોના છેલ્લા સર્વેક્ષણ પ્રમાણે ભારતની આઠ સૌથી વિરાટ શ્રમનિષ્ઠ ઉદ્યોગોમાં ૨૦૧૧માં નવ લાખ, ૨૦૧૩માં ૪.૧૯ લાખ જેવી નોકરીઓ ઉભી થઈ હતી. ઇ.સ. ૨૦૧૫માં કેટલી ઉભી થઈ ! માત્ર ૧.૩૫ લાખ આ બધું નિરાશાજનક ચિત્ર છે.

ગઈ સાલનો ઇકોનોમિક સર્વે જણાવે છે ૨૦૦૧ અને ૨૦૧૧ના દસ વર્ષ દરમિયાન ભારતમાં રોજગારી ૧.૪ ટકાના દરે જ્યારે લેબર ફોર્સ ૨.૩ ટકાના દરે વધ્યો. બેરોજગારોની સંખ્યા ઘણી વધી ગઈ આજે આપણું અર્થકારણ સાડા સાત ટકાના દરથી વધે છે ત્યારે નોકરીઓમાં સાડા સાત ટકાના દરે કેમ વધારો થતો નથી ? નોકરીઓ કેમ અત્યારે માત્ર ૧.૮ ટકાના દરથી વધે છે ?

આનું એક કારણ એ છે કે જાહેર સેવાઓનો વૃદ્ધિદર ઘટી રહ્યો છે. સરકાર સંકોચાઈ રહી છે ઇ.સ. ૧૯૯૬- ૯૭માં ભરાયેલી અને નહિ ભરાયેલી તમામ સરકારી નોકરીઓની સંખ્યા એક કરોડ પંચાણુ લાખ હતી તે આજે ઘટીને એક કરોડ સીત્તેર લાખ થઈ ગઈ છે. બીજું આઇ.આઇ.ટી., આઇ.ટી.આઇ. એન્જીનીયર્સને ઝડપથી નોકરી મળી જાય છે. આ બધી વ્હાઇટ કોલર નોકરીઓ છે. પરંતુ ભારતમાં ૫૦ ટકા લોકો (ખેડૂતો સહિત) ખેતી ક્ષેત્રમાં કામ કરે છે. તેમાંના અત્યારે ઔદ્યોગિક ક્ષેત્ર માટે જરૃરી કોઈ કુશળતા નથી. આ ૫૦ ટકા ખેતી આધારિત લોકોમાં પણ ખેતમજૂરોનું પ્રમાણ ઘણું વધારે છે તેમનું અક્ષરજ્ઞાાન નહિવત છે.

તેઓ ઔદ્યોગિક મશીન ચલાવવાની આવડત ક્યાંથી કેળવી શકે ? મશીનની બ્લ્યુ પ્રિન્ટ્સ કેવી રીતે વાંચી શકે ? ભારતની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓના ડ્રોપ-આઉટ રેટ પુષ્કળ ઉંચો છે તેમને આજના ટેકનોલોજીકલ ઘનિષ્ઠ ઉદ્યોગ કેવી રીતે સમાવી શકે ? મોબાઇલ ટેલિકોમ કે ટી.વી. રીપેર કરવાની કુશળતા માટે પણ એકથી બે વર્ષની ટ્રેઇનિંગ લેવી પડે. પાંચ વર્ષની ટ્રેઇનિંગ બાદ મોટર મિકેનિક થઈ શકો તે માટે પણ માત્ર મજૂરીમાંથી સુપરવાઈઝર બનવું હોય તો ડીપ્લોમા ઇન ઓટોમોબાઇલ એન્જિનિયરીંગનો ડિપ્લોમા હોવો જોઈએ. ટૂંકમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાંથી ઉઠી ગયેલા કરોડો વિદ્યાર્થીઓનું ભાવિ પણ ઉદ્યોગ જગતમાં નથી. સિવાય કે તેઓ જાતજાતના ડિપ્લોમા લઈને કુશળતા મેળવે. ચીનની કમાલ તો જુઓ માત્ર ૩૭ વર્ષમાં (૧૯૭૮થી શરુઆત) તે મેન્યુફેક્ચરીંગમાં મહાસત્તા બની ગયું.

સૌથી સારો ઉપાય

ભારતમાં એસ.એમ.ઇ. એટલે કે સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝીસ શ્રમપ્રધાન છે અને તેઓની કામગીરી અત્યંત સારી છે. ભારતમાં વધુ રોજગારી સર્જવા માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ પર આધાર રાખી શકાય તેમ નથી. તેઓ ટેકનોલોજી પ્રધાન છે. ભારતમાં લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોની મહત્ત્વની સિદ્ધિઓના આંકડા મોઢે કરી લો. ભારતમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો ભારતના શ્રમિક વર્ગના ૪૦ ટકા લોકોને નોકરીઓ આપે છે. ભારતના મેન્યુફેક્ચરીંગ ઉત્પાદનમાં તેમનો ફાળો ૪૫ ટકા જેટલો મોટો છે અને ભારતની કુલ નિકાસમાં તેમનો ફાળો ૪૦ ટકા જેટલો મોટો છે. કમનસીબે ઉદ્યોગોના ૯૫ ટકા એકમો બેંકિંગ સાથે સંપર્ક ધરાવતા નથી તેઓ ખાનગી રીતે ક્રેડિટ (ઉછીના નાણાં) મેળવી લે છે. સ્થાનિક બેંકો તેમને ખાસ મદદ કરતી નથી. ભારતમાં રોજગારી માટે ખેતી ક્ષેત્રે 'ઓવરક્રાઉડિંગ' છે.

નવી નોકરીની ટિકિટબારી બંધ થઈ ગઈ છે. આ ક્ષેત્રને ભરપુર ક્રેડિટ મળવી જોઈએ. સરકાર અને બેંકોની નજર 'મારવાડ' (મોટી કંપનીઓ, બહુ રાષ્ટ્રીય કંપનીઓ) તરફ હોય છે.. આમાંથી ક્રોની કેપિટલિઝમ ઉભું થયું છે. બીજું કે ભારતના ૨૦૧૫-૧૬ના બજેટમાં શિક્ષણમાંથી માત્ર ૩ ટકા ખર્ચનું આયોજન હતું છેલ્લા (૨૦૧૬-૨૦૧૭)ના બજેટમાં તે શું ૪ કે ૫ ટકા થઈ ગયું. ના તેમાં તદ્દન ક્ષુલ્લક વધારો થઈને તે ૩.૧ ટકા થયું. શિક્ષણના પ્રસાર વિના રોજગારી કેવી રીતે વધવાની હતી ? આપણી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ફાઇવ સ્ટારની હોય અને ત્યાં પુષ્કળ સવલતો (રમત-ગમતની, સરસ ભોજનની) હોય તો વિદ્યાર્થીઓ ટકે. ભારતમાં જોબલેસ ગ્રોથનો પ્રશ્ન જટીલ છે. જે લોકો ઓળખાવે છે કે ભારતની વધતી જતી વસ્તી તેને માટે 'બોનસ' છે, ડેમોગ્રાફીક ડીવીડન્ડ છે તેમણે પોતાની સ્વતંત્ર વિચાર કરવાની તાકાત ગુમાવી દીધી છે.

વસતીમાં માત્ર યુવક- યુવતીઓનો વધારો થાય તે અગત્યનું નથી. તેઓ પુષ્કળ શિક્ષિત હોવા જોઈએ ભારતમાં રોજગારીનો પ્રશ્ન ખેતીવાડી- કૃષિ ક્ષેત્ર સુલઝાવી શકે તેમ નથી. તે રૃઢિચુસ્ત લોકોને ગર્જી ગર્જીને કહેવું પડશે. તેવો વાસ્તવિકતાનો સ્વીકારતા નથી.


અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment