Sunday 22 May 2016

જગતમાં ગરીબોની સંખ્યા શૂન્ય થઈ જાય તો પણ આર્થિક અસમાનતા રહેશે

જગતમાં ગરીબોની સંખ્યા શૂન્ય થઈ જાય તેનો અર્થ એવો નથી કે માનવસમાજમાં આર્થિક સમાનતા સ્થપાઈ છે. કોઈપણ દેશ માટે ગરીબોની સંખ્યા ઘટાડવાની વ્યૂહરચના અને આર્થિક સમાનતા સ્થાપવાની વ્યૂહરચના વચ્ચે તફાવત હોય છે. ભારતમાં દરેક પુખ્ય વ્યક્તિને નોકરી મળે, બેરોજગારી દૂર થઈ જાય તેનો અર્થ એવો નથી થતો કે આર્થિક સમાનતા આવી છે. અત્યાર સુધી અર્થશાસ્ત્રીઓએ અર્થકારણને તેજી, મંદી અને મહામંદીના ચક્રમાંથી કેવી રીતે બચાવવું તેના પર વિચાર કર્યો છે. વધુ પડતા ફુગાવા (ઈનફ્લેશન)ને કેવી રીતે કાબુમાં લેવું તે અંગે પુષ્કળ લખાયું છે. આર્થિક વિકાસ કેવી રીતે કરવો તેની ડઝન જેટલી થીઅરીઝ (બીગ પુશ અને બેલેન્સ્ડ ગ્રોથ થીઅરીઝ, અનબેલેન્સ્ડ ગ્રોથ થીઅરીઝ, રોસ્ટોવની ટેઇક-ઑફ થીઅરી, આર્થર લેવીસની ઘનિષ્ઠ મૂડીરોકાણની થીઅરી, બેન્જામીન હીગીન્સની ટેકનોલોજીકલ ડયુઆલીઝમની થીઅરી, ગુલ્ટેવ રાનીસ અને જ્હોન ફેઈની ખેતીવાડીના સરપ્લસ લોકોને ઉદ્યોગોમાં સમાવી લેવાની થીઅરી વગેરે.)

યાદ રહે કે ઉપરની બધી થીઅરીઝનો ઉદ્દેશ ગરીબ દેશોનો વિકાસ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપવાનો હતો. આર્થિક અસમાનતા ઘટાડવાનો રજમાત્ર ઉદ્દેશ તેમાં નહતો. આ ઉપરાંત પશ્ચિમ જગતના આર્થિક વૃધ્ધિ દરને સમજાવવા ઈંગ્લેન્ડના સર રૉય હેરોડ અને એવસી ડોપરે થીયરીની રચના કરી જેને હેરોડ-ડોપર ગ્રોથ મોડેલ કહેવાય છે. આ થીયરી ગરીબ દેશોને ધ્યાનમાં લઈને રચાઈ ન હતી પણ એના મુખ્ય તત્ત્વોનો ઉપયોગ વિકસતા દેશોએ પણ કર્યો. ૨૦મી સદીના બે પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ-ઈંગ્લેન્ડના કેઈન્સ અને અમેરિકાના (શીકાગો યુનિવર્સિટી) મીલ્ટન ફ્રીડમેને પણ આર્થિક અસમાનતાને ધ્યાનમાં રાખીને પોતાની થીયરીઝની રચના કરી ન હતી.

બન્નેનો ઝોક પશ્ચિમ જગતના દેશોની આર્થિક મુશ્કેલીઓને સુલઝાવવાનો હતો. કાર્લ માર્કસનો ઉદ્દેશ શ્રમિકોને ઉદ્યોગકારોની નાગચૂડથી દૂર કરી સમાજવાદ સ્થાપવાનો હતો પણ આ સૂચિત સમાજવાદ વિષે તેમણે ઝાઝુ લખ્યું નથી. તેમનું ધ્યેય શોષણવિહીન સમાજની રચનાનું હતું. તેમાં આર્થિક સમાનતા હશે કે નહી તેની ચર્ચા તેમણે કે એન્જલ્સે કરી નથી. કેઈન્સ અને ફ્રીડમેન બન્ને વચ્ચે વૈચારીક મતભેદો હતા. કેઈન્સ અર્થકારણમાં હસ્તક્ષેપ કરવાના આગ્રહી હતા. કારણકે બજારો ઘણીવાર નિષ્ફળ જાય છે. આને માર્કેટ ફેઈલ્યોર્સ કહે છે. ફ્રીડમેન કહેતા કે બજારો લાંબાગાળે કદાપી નિષ્ફળ જતા નથી તે નિષ્ફળ જાય છે કારણકે રાજ્ય અર્થકારણમાં દરમિયાનગીરી કરે છે. તેઓ આને સ્ટેટ ફેઈલ્યોર્સ કહે છે.

જગતમાં આર્થિક અસમાનતા

અમેરિકાની માથાદીઠ આવક લગભગ ૫૪,૦૦૦ ડોલર્સ છે અને ભારતની લગભગ ૧૬૦૦ ડોલર્સ છે અને આફ્રીકાના ઘણા દેશોની માથાદીઠ આવક એક હજાર ડોલર્સથી નીચી છે. દેશો વચ્ચે આમ ભયાનક આર્થિક અસમાનતા છે. દેશની અંદર પણ ઘણી મોટી આર્થિક અસમાનતા છે તેનો આપણને પ્રત્યક્ષ અનુભવ છે. ઈ.સ. ૨૦૦૫ના સરવેમાં ભારતના દસ ટકા સૌથી ગરીબ કુટુંબો પાસે ભારતની કુલ આવકના ૩.૬ ટકા આવક હતી અને સૌથી વધુ ધનિક કુટુંબો પાસે ૩૧ ટકા આવક હતી. રશિઅન ફેડરેશનમાં દસ ટકા સૌથી ગરીબ કુટુંબો પાસે ૨.૬ ટકા આવક હતી. (ભારત કરતાં પણ વધુ અસમાનતા) અને સૌથી ધનિક કુટુંબો પાસે ૩૩.૫ ટકા આવક હતી. બ્રાઝીલ આમાં કનિષ્ઠ જણાયું. તેના સૌથી ગરીબ દસ કુટુંબો પાસે માત્ર ૧.૨ ટકા આવક હતી અને સૌથી ધનિક કુટુંબો પાસે દેશની કુલ ૪૨.૫ ટકા આવક હતી.

અસમાનતા વિષે પ્રો. પીકેટીનો હુંકાર અને પડકાર

ઈ.સ. ૧૯૭૧માં જન્મેલા થોમસ પીકેટીએ જગતના દેશો પર ધન અને સંપત્તિની અસમાનતા પર ઊંડું સંશોધન કરીને ઈ.સ. ૨૦૧૪માં 'કેપીટલ ઇન ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી' નામનું પુસ્તક બહાર પાડયું છે તે માટે જગતના ૨૦ દેશોનો છેલ્લા ૨૦૦ વર્ષોનો આ અંગેનો ઈતિહાસ તપાસ્યો છે. તેમણે અભ્યાસને અંતે નક્કર આંકડા દ્વારા જણાવ્યું છે કે માત્ર અમેરીકામાં જ નહી પણ ભારત, રશિયા, ચીન વગેરેમાં અબજોપતિની સંખ્યા વધતી જાય છે. છેલ્લા અહેવાલ પ્રમાણે અબજોપતિની સંખ્યામાં ભારત પાંચમા ક્રમે છે. આ હરખાવાની બાબત નથી. પણ દુઃખની બાબત છે. અમેરિકામાં અત્યારે ૪૨૨ અબજપતિઓ છે, રશિયામાં ૬૫, જર્મનીમાં ૫૭ અને ભારતમાં ૫૭ અબજોપતિઓ છે. અહીં અબજોપતિ એટલે બીલીયન ડોલર્સની ઓછામાં ઓછી કંપની ધરાવનાર વ્યક્તિ જેની રૃા. ૬૬૦૦ કરોડની કે તેનાથી અનેક ગણી વધારે મીલકત હોય.

જગતના ઘણા દેશોમાં અસમાનતા વધે છે. ઈજારાશાહી દ્વારા કંપનીઓ અને મેનેજરો ધન કમાય છે. મૂડીવાદી દેશોના ઉદ્યોગકારો રેન્ટ ઉઘરાવનારા રેન્ટીઅર્સ બની જાય છે. અહીં રેન્ટનો અર્થ હરીફાઈના ભાવો કરતાં વધુ ભાવો ઈજારાશાહી ઊભી કરીને લેવા તેવો થાય છે. આ અસમાનતાથી ચિંતિત થઈને જ ''અમે ૯૯ ટકા છીએ'' (અમે ૯૯ ટકા ગરીબો છીએ અને તમે ૧ ટકા સુપરરીચ છો) તે સ્લોગન હેઠળ વોલસ્ટ્રીટ પર થોડાં વર્ષ પહેલાં અમેરીકામાં ચળવળ થઈ હતી તે નિષ્ફળ ગઈ છે. તે દબાઈ ગઈ. ૧૯૭૯ થી ૧૯૯૦ના અગિયાર વર્ષ દરમિયાન ઈંગ્લેન્ડના વડાપ્રધાન માર્ગારેટ થેચરે અને અમેરીકાના રોનાલ્ડ રેગને કરવેરા ઘટાડી નાખ્યા, કલ્યાણ યોજનાઓ સંકોચી દીધી, ઘણી સેવાઓનું બીનરાષ્ટ્રીયકરણ કર્યું, કંપનીઓ પરના અંકુશો ઘટાડી દીધા જેથી આર્થિક અસમાનતા વધી. આજે અમેરિકાની કુલ રાષ્ટ્રીય આવક કરતાં તેની સંપત્તિ (વેલ્થ)નું મૂલ્ય છ ગણું વધારે છે. આ ગાળામાં અમેરિકાની સોશીઅલ ડેમોક્રસીનું મોડેલ તૂટી ગયું હતું. ડૉ. પીકેટીનો મુખ્ય મુદ્દો એ છે કે મૂડીવાદને જો નાથો નહી, તેના પર નિયંત્રણ ના મુકો તો તે આર્થિક અસમાનતા જરૃરથી વધારશે.

ભારતમાં આર્થિક અસમાનતા

આ મહાન અર્થશાસ્ત્રી જાન્યુઆરી ૨૦૧૬માં જેએનયુમાં વક્તવ્ય આપવા ભારત આવ્યા હતા. તેમણે ભારતમાં ઈડીઅન એક્સપ્રેસે લીધેલા ઈન્ટરવ્યુમાં નીચેના નિરીક્ષણો કર્યા ઃ ૨૦ દેશોના છેલ્લા ૨૦૦ વર્ષનો આર્થિક અસમાનતાનો ઈતિહાસ મેં તપાસ્યો છે. તેને આધારે હું કહી શકું કે ભારતમાં જે પ્રકારની આર્થિક અસમાનતા છે તે લાંબાગાળાની વૃધ્ધિ માટે ખરાબ છે. પશ્ચિમ જગતમાં બે વિશ્વયુધ્ધો થયા, ૧૯૩૦માં ઘોર મંદી આવી તે પછી પશ્ચિમ જગતની સાન ઠેકાણે આવી અને તેણે આર્થિક અસમાનતાના મુદ્દા પર ધ્યાન આપવાનું નક્કી કર્યું. ભારત શું આવા ઝટકાની રાહ જુએ છે? પશ્ચિમ જગતે આ દિશામાં જે કાંઈ પગલાં લીધા તે ભારતે હજી લીધા નથી. ભારતમાં સ્ત્રી શિક્ષણ અને જાહેર સવલતો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પાછળ બહુ ઓછું બજેટ ફાળવાય છે. આ દિશામાં ભારતે ઘણું વધારે કામ કરવું પડશે.

મુખ્ય બાબત શિક્ષણ અને કુશળતા વૃધ્ધિના ક્ષેત્રે બહુ મૂડીરોકાણ કરવું પડશે. મેં મારા પુસ્તકમાં જણાવ્યું છે તેમ શિક્ષણ અને જ્ઞાાનનો પ્રસાર આર્થિક અસમાનતાને દૂર કરવાની દિશામાં એક મોટું પરિબળ છે. શિક્ષણનું 'ફન્ડીંગ' પુષ્કળ વધારવું પડશે. શિક્ષણને ઈન્કલ્યુઝીવ બનાવવું પડશે. ભારતમાં કરવેરા તેની રાષ્ટ્રીય આવકના માત્ર ૧૧ ટકા છે. ધનિકો પર કરવેરા વધારવા પડશે. ભારત તેની રાષ્ટ્રીય આવકના માત્ર ૧ ટકો હેલ્થ પાછળ ખર્ચે છે. ચીન ત્રણ ટકા ખર્ચે છે. આવું ચાલે નહી, કરવેરા ૨૦ ટકા સુધી લઈ જાવો.

અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

મૂડીવાદ નામની વૈશ્વિક સિસ્ટમ સામે લડત આપનાર કોઈ છે ખરું ?

સામ્યવાદની હાર :ઇ.સ. ૧૯૯૧માં સામ્યવાદી સોવિયેટ રશિયાનું જ નહિ પણ સમગ્ર સામ્યવાદી વૈશ્વિક સિસ્ટમનું પતન થયું. જગતના સૌથી મોટા દેશ ચીને બજાર-કેન્દ્રી અર્થવ્યવસ્થા અને સામ્યવાદી એકહથ્થુ રાજકીય સત્તાનું મિશ્રણ કર્યું. છેલ્લા ૩૪ વર્ષથી લાગલગાટ રાજ્ય કરતી પશ્ચિમ બંગાળની સીપીએમ સરકાર પણ તૃણમૂલ કોંગ્રેસ આગળ હારી ગઈ. કેરાલામાં પણ પાંચ વર્ષ પહેલા સામ્યવાદી સરકાર હારી ગઈ હતી. સામ્યવાદી ક્યુબા હવે બજારકેન્દ્રી બનશે તેમ લાગે છે. ઉત્તર કોરિયાની છોકરમતવાળી સામ્યવાદી સરકારને અમેરિકન સીબીઆઇ ગમે ત્યારે ઉથલાવી પાડશે એમ લાગે છે. આ બધા બનાવોને કારણે મૂડીવાદના દૂષણોનો પ્રતિકાર કરનાર પરિબળ ઉભું થયું નથી. વિચારસરણીના યુદ્ધનો અંત આવતા તેમાં જે વેક્યુમ સર્જાયું તેમાં જગત માટે ભયરૃપ ઇસ્લામિક આતંકવાદ પેદા થયો છે. તે જગતની ડેમોક્રેટિક- સીક્યુલર સીસ્ટમને તોડવા પ્રવૃત્ત થયો છે.સામ્યવાદનો અંત આવતા જગતમાંથી વિચારસરણીના યુદ્ધનો અંત આવશે. અંગ્રેજીમાં આને 'એન્ડ ઓફ એન આઇડિયોલોજી' કહે છે, આવું બન્યું નથી.

મૂડીવાદનું બદલાયેલું સ્વરૃપ : જેમ કોઈ એન્ટીબાયોટીક દવા સાથે અથવા વાયરસ પોતાનામાં જેનેટિક ફેરફારો કરીને દવા સામે પ્રતિકાર કેળવે છે તેમ ચાલાક મૂડીવાદ પણ ટકી રહેવા પોતાનામાં જાતજાતના ફેરફારો કરે છે. સૌ પ્રથમ તેણે ૧૯૮૦ કે ૧૯૯૦ પછીના વર્ષોમાં વૈશ્વિક સ્વરૃપ ધારણ કર્યું. આ પ્રક્રિયા દરમિયાન તે ઔદ્યોગિક મૂડીવાદમાંથી ફાયનાન્સિયલ મૂડીવાદ બની ગયો છે. આ પહેલા તેના નફાનું મુખ્ય કેન્દ્ર કોમોડીટી અને ઉદ્યોગ દ્વારા થયેલી પ્રોડક્ટસ હતી. હવે અમેરિકન મૂડીવાદ ફાયનાન્સીયલ એસેટ્સના સ્પેક્યુલેશન દ્વારા સમૃદ્ધિનું સર્જન કરે છે. વળી આ મૂડીવાદ ત્રીજી રીતે પણ બદલાયો છે. તેણે પોતાના જીડીપીમાં સેવાઓ (ફાયનાન્સીયલ સેવાઓ સહિત શિક્ષણ, વીમા, બેંકિંગ, ટુરિઝમ, તબીબી સારવાર મનોરંજન, ટ્રેડ વગેરે)નો ફાળો ૮૦ ટકા કરી નાખ્યો. છેવટે તેણે પોતાના અસલી સ્વરૃપને કલ્યાણ રાજ્યમાં બદલ્યું છે અને હવે કેપીટાલીઝમ વીથ એ હ્યુમન ફેસનો અવતાર ધારણ કર્યો છે. મૂડીવાદ હવે બજારવાદ સ્વરૃપે પ્રગટયો છે. મૂડીવાદીઓ બજારોનો જગતભરમાં ફેલાવો કરી રહ્યા છે. તેણે મુક્ત બજારવાદનો આંચળો ઓઢ્યો છે જેથી તે મુક્ત લોકશાહીની સાથે લગ્નથી જોડાયો છે તેવો દેખાવ કરી શકે તે એમ કહે છે કે લોકશાહીને બજારવાદ વિના ન ચાલે અને બજારવાદને લોકશાહી વિના ન ચાલે અને આ લગ્ન સારી રીતે થાય તો જગતની ગરીબી નાબૂદ થાય બંનેનું સંતાન લગ્નની જગતની સમૃદ્ધિ તરીકે અવતારણ ધારણ કરે મૂડીવાદ એવો દાવો કરે છે કે તે પોતે 'ઉત્ક્રાંતિત' થઈને વધુ ઉત્તમ થતો જાય છે સામ્યવાદ રીજીડ હોવાથી તે તૂટી ગયો.

વ્યાપારીકરણ - સેવાઓનું : પરંતુ તે ઘણા પબ્લીક ગુડ્ઝ અને પબ્લીક સેવાઓનું ખાનગીકરણ કરવા માંગે છે. પાણી અત્યાર સુધી મફત મળતું હતું પણ હવે એક પાણીની બોટલના ૧૫થી ૨૦ રૃા. આપવા પડે છે. શિક્ષણ લગભગ મફત હતું હવે તેને માટે લાખો રૃપિયા આપવા પડે છે. રસ્તા પર મુસાફરી કરવા માટે કોઈ કરવેરા ચૂકવવા પડતા ન હતા. હવે ભારે ખર્ચાળ ટોલટેક્ષ આપવો પડે છે. લોકો સુખે-દુ:ખે ધર્મશાળામાં રહેતા હતા હવે હોટલોમાં મોંઘાદાટ ભાવે લગ્નની વ્યવસ્થા કરવી પડે છે. સ્નેહીઓ અને સ્વજનનું મૃત્યુ માટે જે સભા મળે તે મોંઘાદાટ હોલમાં ગોઠવવી પડે છે.

મૂડીવાદ સામેની લડતો : મૂડીવાદના દૂષણો દૂર કરવાની કે તેને નાબૂદ કરવાની સીક્યુલર લડતો બહુ ચાલતી નથી. મૂડીવાદ એ વૈશ્વિક સિસ્ટમ છે તેથી તેના દૂષણો દૂર કરવા વર્લ્ડ સોશીયલ ફોરમની રચના થઈ હતી તેનું પહેલું સંમેલન બ્રાઝીલમાં ઘણું સફળ થયું હતું. મુંબઈમાં પણ તેનું સંમેલન મળ્યું હતું. વર્લ્ડ સોશીયલ ફોરમની એક મર્યાદા એ છે કે તેમાં અગણિત મુદ્દાઓ અને સમસ્યાઓની રજૂઆત થાય છે તેમાં નારીવાદીઓ, વાતાવરણવાદીઓ, ડાબેરીઓ, ગે હક્કો માગનારા જે તે દેશના મૂળ રહેવાસીઓ, બંધને લીધે જમીન ગુમાવનારાઓ નિર્વાસીતો વગેરેનો સમાવેશ થાય છે તેમાં અનેક જૂથો પોતપોતાના અવાજો રજૂ કરે છે. પરંતુ ફોક્સને અભાવે આ આંદોલન લગભગ તૂટી પડયું છે. તમે એક ટકો છીએ અને અમે ૯૯ ટકા છીએ એ નારા નીચે ન્યુયોર્કની વોલસ્ટ્રીટ પાસે આવેલા ઝૂકોરી પાર્કમાં શરુ થયેલું આંદોલન ચાલ્યું નહી. કોઈ આંદોલન પુષ્કળ વધારે 'ઇસ્યુઝ' લઈને ચાલવા પ્રયત્ન કરે તો તે ચાલતું નથી. નક્સલવાદનું આંદોલન ચારૃ મઝમુદારની પ્રેરણાથી સારા આશયથી શરુ થયેલું હતું પણ તે શરુઆતથી જ હિંસામાં માનતું હતું હવે નક્ષલવાદીઓ 'સમાજ કો બદલ ડાલો'ના આદેશથી ચલિત થઈને ખંડણીખોર બની ગયા છે. નક્ષલવાદીઓને ક્રાંતિકારના માનનારા અંગ્રેજીમાં જેને ર્ર્ખન'જૅચચિગૈજી કહેવાય તે દશામાં જીવે છે. નક્ષલવાદીઓના હાથમાં કેન્દ્ર સરકારનો વહીવટ આવી જાય તો તેઓ ભારતને પાયમાલ કરી મૂકે. વિવિધ આંદોલનો માનવવિકાસ કે માનવ સંસ્કૃતિ વિરોધી ગણી શકાય. તેમ છતાં હજી ઘણા લોકો 'રોમાન્ટીક' સપનાનું જીવન જીવે છે.



અનેક પ્રકારના સંઘર્ષો : જગતમાં માત્ર વર્ગ સંઘર્ષો કે ધર્મ સંઘર્ષો ચાલે છે એવું નથી. અમુક પ્રકારના સંઘર્ષો ચાલે છે બર્મામાં લોકશાહીની સ્થાપના કરવાનો સંઘર્ષ લાંબો ચાલ્યો, હજી પણ ત્યાં પૂર્ણ લોકશાહી સ્થપાઈ નથી, આફ્રિકાના ઘણા દેશોમાં ટ્રાઇબલ સંઘર્ષો ચાલે છે. પુટીન રશિયન ફેડરેશનમાં એકહથ્થુ સત્તા ભોગવે છે. જગતને હવે એક જ ચળવળ બચાવી શકે છે અને તે લોકશાહી અને સિક્યુલારીઝમને વાઇડન (પહોળી) કરવાની અને ડીપન (ઉંડી) કરવાની ચળવળો. રાષ્ટ્રીયતા અંદરથી ઉગે છે, બહારથી સ્થાપી શકાતી નથી. રાષ્ટ્રીયતા સિમ્બોલિક નહિ પણ 'સબસ્ટન્ટીવ' જોઈએ. હજી સામ્યવાદી સમીટનું જગતમાં સામ્યવાદ સ્થાપવાનું સ્વપ્ન તૂટયું નથી. તેઓ વૈશ્વિક મૂડીવાદને બદલે વૈશ્વિક સમાજવાદ ઇચ્છે છે. તેઓએ સામ્યવાદમાં લોકશાહીનો સ્વીકાર કર્યો છે તેની નવાઈ લાગે છે. ઇ.સ. ૨૦૦૬ સુધીમાં તેમણે બાલી દેશમાં ભરાયેલા બાળકો નામના શહેરમાં સભા ભરીને બાળકોને અપીલ બહાર પાડી તેમાં નીચે મુજબના મુદ્દાઓ રજૂ કર્યા (૧) લોકશાહીનો ઉપયોગ કરી સમાજવાદ સ્થાપો, (૨) બજારીકરણ વિનાનું કલ્ચર ઉભું કરો, (૩) ગરીબ દેશો અને ધનવાન દેશો વચ્ચે સોલીડારીટી ઉભી કરો, (૪) વર્લ્ડ ગવર્નમેન્ટ ઉભી કરો, (૫) શાહીવાદનો નાશ કરો.

અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

ભારતનો 'જોબલેસ ગ્રોથ' ગંભીર સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે

આર્થિક વિકાસ સંતોષજનક

ભારતને આર્થિક વિકાસ કેવી રીતે કરવો તે આવડી ગયું છે. ઇ.સ. ૨૦૧૫-૧૬માં તેનો આર્થિક વિકાસદર ૭.૬ ટકા હતો જે ચીનના ઇ.સ. ૨૦૧૫ના ૬.૯ ટકાના વિકાસદર કરતા વધારે હતો. ૨૦૧૬- ૨૦૧૭માં પણ ભારત ૭.૮ ટકા વિકાસદર સાધશે તેવું અનુમાન છે. એનું એક કારણ એ છે કે હવે આવનારું ચોમાસું ઘણું સારું હશે. ૨૦૧૫- ૧૬માં આપણું કૃષિ ઉત્પાદન માત્ર ૧.૧ ટકાના દરે વધ્યું હતું. પરંતુ ૨૦૧૬- ૨૦૧૭ (ચાલુ નાણાંકીય વર્ષ)માં તે ૨.૮ ટકાના દરે વધશે તેવો સંભવ છે. ભારતમાં વસતી વધારાનો વાર્ષિક દર ૧.૬ ટકા છે જેથી માથાદીઠ અનાજની સુલભતા આ વર્ષે વધશે. નરેન્દ્ર મોદીના એક વકતવ્ય પ્રમાણે આવતા ૧૬ વર્ષ (૨૦૩૨ સુધી) ભારત દર વર્ષે ૧૦ ટકાના આર્થિક દરે વધશે જેથી તેની રાષ્ટ્રીય આવક અત્યારના બે ટ્રિલિયન ડોલર્સ (એક ટ્રીલીયન એટલે એક લાખ કરોડ)થી વધીને ઇ.સ. ૨૦૩૨માં ૧૦ ટ્રીલીયન ડોલર્સ થશે. ચીનની અત્યારની રાષ્ટ્રીય આવક ૧૧.૨ ટ્રીલીયન ડોલર્સ છે પરંતુ દર વર્ષે આવતા સોળ વર્ષ સુધી આપણે આટલો મોટો આર્થિક વૃદ્ધિ વિકાસદર સિદ્ધ કરીશું તે મોદી સરકારનું 'વીશફૂલ થિકિંગ' છે.

આ બાબતમાં પશ્ચિમ જગત આપણાથી પાછળ છે. અમેરિકાનો આર્થિક વિકાસ દર ૨૦૧૩માં ૧.૪૯ ટકા, ૨૦૧૪માં ૨.૪૩ ટકા અને ૨૦૧૫ના ૨.૪૩ ટકા થયો હતો. જે હાસ્યાસ્પદ રીતે નીચો છે તેવું જ બ્રિટનનું છે જેનો ઇ.સ. ૨૦૧૩માં ૨.૧૬ ટકા, ઇ.સ. ૨૦૧૪માં ૨.૮૫ ટકા અને ઇ.સ. ૨૦૧૫માં ૨.૪૯ ટકા જ રહ્યો હતો. ટૂંકમાં આર્થિક વિકાસના દરની વૃદ્ધિની બાબતમાં આપણે અમેરિકા, યુ.કે., જર્મની, જાપાન કરતા ઘણા આગળ છીએ. આ બધા દેશો જો ૪ ટકા વિકાસ સિદ્ધ કરે ત્યારે રાજીના રેડ થઈ જાય છે. કારણ કે આ દેશોના અર્થકારણો આપણા કરતાં ઘણા મોટા છે. વળી ઇ.સ. ૨૦૦૯માં જગતના દાદાગીરી કરતા અમેરિકાએ નાણાંકીય કટોકટી સર્જીને મંદી સર્જી જેને કારણે તેનો આ બે વર્ષનો આર્થિક વૃદ્ધિદર અનુક્રમે -૦.૨૯ ટકા (નેગેટીવ) અને - ૨.૭૮ ટકા (નેગેટીવ) થઈ ગયો. યુ.કે.નો ૨૦૦૮માં ગ્રોથરેટ - ૦.૪૭ (નેગેટીવ) અને ૨૦૦૯માં ૨૦૦૮ની નાણાંકીય મંદીના સર્જક અમેરિકા કરતા તેનો ભોગ બનેલ યુ.કે.ને વધારે માર પડયો.

પ્રો. પીરઝાદા અને રમેશ શાહ

આર્થિક વૃદ્ધિ દરની ચર્ચા કરતા પ્રો. બી.એમ. પીરઝાદા અને પ્રો. રમેશ શાહ જેઓ અર્થશાસ્ત્ર અને અર્થકારણમાં ઊંડી સૂઝ ધરાવે છે તેમણે જણાવ્યું કે, ભલે આપણે આર્થિક વિકાસ દરમાં આગળ છીએ પરંતુ ભારતમાં મુખ્ય ચિંતાનો વિષય 'જોબલેસ ગ્રોથ' છે. જો કે આપણે ઝડપી વિકાસ ખરેખર તો નવી નોકરીઓથી ધમધમવો જોઈએ અને આપણા વ્યાપાર અને ઉદ્યોગને માણસોની ખેંચ પડતી હોય તેવું તો થતું નથી માટે આ મુદ્દાનો વધુ વિસ્તાર કરી જનતા આગળ રજૂ કરો બન્ને મહાનુભાવોની વાત તદ્દન સાચી જણાય છે. જોબલેસ ગ્રોથ અસમાનતા વધારે છેઅને દેશને માટે અભિશાપ છે કારણ કે સામાજિક સંઘર્ષો (દા.ત. પટેલ અને જાટ કોમના અનામત આંદોલનો) ઊભા કરે છે. તેમના કહેવા પ્રમાણે આપણે વિકાસ દ્વારા અબજોપતિઓ ઉભા કરવાના નથી પરંતુ સંપૂર્ણ રોજગારીની દિશામાં આગળ વધવાનું છે.

બન્નેના મતે ગરીબ લોકોને વધુ ને વધુ સ્કીલ્સ મળે તે માટે શૈક્ષણિક ખર્ચ કરવાનો છે. લાંબુ લાંબુ ખર્ચાળ એજ્યુકેશન નહિ પણ ટૂંકી અને શીઘ્ર ફળદાયી ટ્રેઇનિંગ જેમ કે પુષ્કળ આઇ.ટી.આઇ. અને પોલિટેકનિકોની સ્થાપના. વળી શિક્ષણનો પુરવઠો (સરળતા) તેની માગ કરતા વહેલો હોવો જોઈએ પહેલા શાળાઓ બનાવો પછી બાળકો આવશે અહીં ડીમાન્ડ એન્ડ સપ્લાયનો નિયમ કામ નહી કરે.

ભારતનો જોબલેસ ગ્રોથ

ભારતની લેબર બ્યુરોના છેલ્લા સર્વેક્ષણ પ્રમાણે ભારતની આઠ સૌથી વિરાટ શ્રમનિષ્ઠ ઉદ્યોગોમાં ૨૦૧૧માં નવ લાખ, ૨૦૧૩માં ૪.૧૯ લાખ જેવી નોકરીઓ ઉભી થઈ હતી. ઇ.સ. ૨૦૧૫માં કેટલી ઉભી થઈ ! માત્ર ૧.૩૫ લાખ આ બધું નિરાશાજનક ચિત્ર છે.

ગઈ સાલનો ઇકોનોમિક સર્વે જણાવે છે ૨૦૦૧ અને ૨૦૧૧ના દસ વર્ષ દરમિયાન ભારતમાં રોજગારી ૧.૪ ટકાના દરે જ્યારે લેબર ફોર્સ ૨.૩ ટકાના દરે વધ્યો. બેરોજગારોની સંખ્યા ઘણી વધી ગઈ આજે આપણું અર્થકારણ સાડા સાત ટકાના દરથી વધે છે ત્યારે નોકરીઓમાં સાડા સાત ટકાના દરે કેમ વધારો થતો નથી ? નોકરીઓ કેમ અત્યારે માત્ર ૧.૮ ટકાના દરથી વધે છે ?

આનું એક કારણ એ છે કે જાહેર સેવાઓનો વૃદ્ધિદર ઘટી રહ્યો છે. સરકાર સંકોચાઈ રહી છે ઇ.સ. ૧૯૯૬- ૯૭માં ભરાયેલી અને નહિ ભરાયેલી તમામ સરકારી નોકરીઓની સંખ્યા એક કરોડ પંચાણુ લાખ હતી તે આજે ઘટીને એક કરોડ સીત્તેર લાખ થઈ ગઈ છે. બીજું આઇ.આઇ.ટી., આઇ.ટી.આઇ. એન્જીનીયર્સને ઝડપથી નોકરી મળી જાય છે. આ બધી વ્હાઇટ કોલર નોકરીઓ છે. પરંતુ ભારતમાં ૫૦ ટકા લોકો (ખેડૂતો સહિત) ખેતી ક્ષેત્રમાં કામ કરે છે. તેમાંના અત્યારે ઔદ્યોગિક ક્ષેત્ર માટે જરૃરી કોઈ કુશળતા નથી. આ ૫૦ ટકા ખેતી આધારિત લોકોમાં પણ ખેતમજૂરોનું પ્રમાણ ઘણું વધારે છે તેમનું અક્ષરજ્ઞાાન નહિવત છે.

તેઓ ઔદ્યોગિક મશીન ચલાવવાની આવડત ક્યાંથી કેળવી શકે ? મશીનની બ્લ્યુ પ્રિન્ટ્સ કેવી રીતે વાંચી શકે ? ભારતની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓના ડ્રોપ-આઉટ રેટ પુષ્કળ ઉંચો છે તેમને આજના ટેકનોલોજીકલ ઘનિષ્ઠ ઉદ્યોગ કેવી રીતે સમાવી શકે ? મોબાઇલ ટેલિકોમ કે ટી.વી. રીપેર કરવાની કુશળતા માટે પણ એકથી બે વર્ષની ટ્રેઇનિંગ લેવી પડે. પાંચ વર્ષની ટ્રેઇનિંગ બાદ મોટર મિકેનિક થઈ શકો તે માટે પણ માત્ર મજૂરીમાંથી સુપરવાઈઝર બનવું હોય તો ડીપ્લોમા ઇન ઓટોમોબાઇલ એન્જિનિયરીંગનો ડિપ્લોમા હોવો જોઈએ. ટૂંકમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાંથી ઉઠી ગયેલા કરોડો વિદ્યાર્થીઓનું ભાવિ પણ ઉદ્યોગ જગતમાં નથી. સિવાય કે તેઓ જાતજાતના ડિપ્લોમા લઈને કુશળતા મેળવે. ચીનની કમાલ તો જુઓ માત્ર ૩૭ વર્ષમાં (૧૯૭૮થી શરુઆત) તે મેન્યુફેક્ચરીંગમાં મહાસત્તા બની ગયું.

સૌથી સારો ઉપાય

ભારતમાં એસ.એમ.ઇ. એટલે કે સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝીસ શ્રમપ્રધાન છે અને તેઓની કામગીરી અત્યંત સારી છે. ભારતમાં વધુ રોજગારી સર્જવા માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ પર આધાર રાખી શકાય તેમ નથી. તેઓ ટેકનોલોજી પ્રધાન છે. ભારતમાં લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોની મહત્ત્વની સિદ્ધિઓના આંકડા મોઢે કરી લો. ભારતમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો ભારતના શ્રમિક વર્ગના ૪૦ ટકા લોકોને નોકરીઓ આપે છે. ભારતના મેન્યુફેક્ચરીંગ ઉત્પાદનમાં તેમનો ફાળો ૪૫ ટકા જેટલો મોટો છે અને ભારતની કુલ નિકાસમાં તેમનો ફાળો ૪૦ ટકા જેટલો મોટો છે. કમનસીબે ઉદ્યોગોના ૯૫ ટકા એકમો બેંકિંગ સાથે સંપર્ક ધરાવતા નથી તેઓ ખાનગી રીતે ક્રેડિટ (ઉછીના નાણાં) મેળવી લે છે. સ્થાનિક બેંકો તેમને ખાસ મદદ કરતી નથી. ભારતમાં રોજગારી માટે ખેતી ક્ષેત્રે 'ઓવરક્રાઉડિંગ' છે.

નવી નોકરીની ટિકિટબારી બંધ થઈ ગઈ છે. આ ક્ષેત્રને ભરપુર ક્રેડિટ મળવી જોઈએ. સરકાર અને બેંકોની નજર 'મારવાડ' (મોટી કંપનીઓ, બહુ રાષ્ટ્રીય કંપનીઓ) તરફ હોય છે.. આમાંથી ક્રોની કેપિટલિઝમ ઉભું થયું છે. બીજું કે ભારતના ૨૦૧૫-૧૬ના બજેટમાં શિક્ષણમાંથી માત્ર ૩ ટકા ખર્ચનું આયોજન હતું છેલ્લા (૨૦૧૬-૨૦૧૭)ના બજેટમાં તે શું ૪ કે ૫ ટકા થઈ ગયું. ના તેમાં તદ્દન ક્ષુલ્લક વધારો થઈને તે ૩.૧ ટકા થયું. શિક્ષણના પ્રસાર વિના રોજગારી કેવી રીતે વધવાની હતી ? આપણી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ફાઇવ સ્ટારની હોય અને ત્યાં પુષ્કળ સવલતો (રમત-ગમતની, સરસ ભોજનની) હોય તો વિદ્યાર્થીઓ ટકે. ભારતમાં જોબલેસ ગ્રોથનો પ્રશ્ન જટીલ છે. જે લોકો ઓળખાવે છે કે ભારતની વધતી જતી વસ્તી તેને માટે 'બોનસ' છે, ડેમોગ્રાફીક ડીવીડન્ડ છે તેમણે પોતાની સ્વતંત્ર વિચાર કરવાની તાકાત ગુમાવી દીધી છે.

વસતીમાં માત્ર યુવક- યુવતીઓનો વધારો થાય તે અગત્યનું નથી. તેઓ પુષ્કળ શિક્ષિત હોવા જોઈએ ભારતમાં રોજગારીનો પ્રશ્ન ખેતીવાડી- કૃષિ ક્ષેત્ર સુલઝાવી શકે તેમ નથી. તે રૃઢિચુસ્ત લોકોને ગર્જી ગર્જીને કહેવું પડશે. તેવો વાસ્તવિકતાનો સ્વીકારતા નથી.


અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

વિશ્વમાં ફેકટરી કામદારોનું સ્થાન જ્ઞાાનિક વર્ગ લઇ રહ્યો છે...

મજૂર સંઘોનું ઈકોનોમીઝમ

માર્કસવાદી વર્તુળોમાં હવે એવો મત પ્રવર્તે છે કે કામદારો (પ્રોલેટેરીએટ) ક્રાંતિના વાહક રહ્યા નથી અને ભૂતકાળમાં પણ ન હતા. અત્યારના જગતમાં 'મુક્તિદાતા' આંદોલનો અનેક પ્રકારના છે જેમકે સ્ત્રીમુક્તિની ચળવળો, દલિતોની આત્માસન્માન (ડીગ્નીટી) માટેની ચળવળો, જે દેશોમાં લોકશાહી નથી તેમાં લોકશાહી માટેની ચળવળો, માર્મિક સ્વાતંત્ર્યની ચળવળો વગેરે. એનો અર્થ એ કે રાજકીય-સામાજીક ક્રાંતિ કરવામાં શ્રમિક ચળવળોનો અલાયદો હક રહેતો નથી. મજૂર સંઘો પોતાના પગાર-બોનસ-અન્ય સવલતો-કાયમી નોકરી- માટેની ચળવળોમાં પડયા છે. તેમને રાજકીય ક્રાંતિ કરવી નથી. ભારતમાં અને અન્ય દેશોમાં સંગઠિત મજૂરોની સ્થિતિ ગરીબ અસંગઠિત પ્રજાની સરખામણીમાં ઠીક ઠીક સારી છે. વળી ભારતમાં એક આંકડા પ્રમાણે કુલ કામ કરનારાની સંખ્યામાં સંગઠિત મજૂરોની સંખ્યા માત્ર ૮ ટકા છે. ટૂંકમાં ભારતમાં સંગઠિત મજૂરો સહિયારા નથી પણ અસંગઠિત મજૂરો - જેમાં ખેતમજૂૂૂરોની સંખ્યા સૌથી વધારે છે - તેઓ સહિયારા છે. ભારતમાં સંગઠિત મજૂરો - ખાસ કરીને ઉદ્યોગોમાં કામ કરનારા મજૂરો વિષે એમ કહેવાય છે કે તેઓ 'ઈકોનોમીઝમ'નો ભોગ બન્યા છે. 'ઈકોનોમિઝમ' એટલે ટ્રેડ યુનિયનો દ્વારા પોતાની આર્થિક સ્થિતિમાં ઉત્તરોત્તર સુધારો કરવો અને રાજકારણમાં મુક્તિદાતા (ઈમેન્સીમેટરી પોલીટીક્સ)ની ભૂમિકા ભજવવી નહીં. આ બાબતના માર્ક્સ-એન્જલ્સ ખોટા પડયા છે. દેશમાં વધુ ને વધુ ઔદ્યોગિકરણ સંગઠિત મજૂરોને કંગાલિયતમાં ધકેલી દેતું નથી પરંતુ તેને કારણે કામદારોની સ્થિતિ સુધરતી જાય છે. દેશના જાહેર સાહસોમાં મજૂરોને સારા પગાર મળે છે અને સારી સવલતો પણ મળે છે.

સ્વાયમ સંઘર્ષો

બીજી બાબત એ બની છે કે દેશમાં સાંસ્કૃતિક અને સામાજીક સંઘર્ષો ઊભા થઇ રહ્યા છે તે દરેકની પાછળ વર્ગસંઘર્ષ છે તેમ માનવાનું નથી. સામ્યવાદીઓ એમ માને છે કે સમાજના દરેક સંઘર્ષની પાછળ આર્થિક કારણો હોય છે. આર્થિક કારણો મૂળભૂત છે ત્યારે અન્ય પ્રકારના સંઘર્ષો તેના માત્ર બાહ્યચિન્હો (સુપરકસ્ટમર) છે. હવે પોસ્ટ-માર્કસીસ્ટસ રાજકીય, સાંસ્કૃતિક, ભાષાકીય સંઘર્ષોને પણ સ્વાયત્ત ગણતા થયા છે. સમાજ સંપૂર્ણપણે અર્થકારણ પર ચાલતો નથી. આર્થિક ચેતના એ ખરેખર સમાજીક ચેતનાનો ઉપવિભાગ છે. રશિયામાં ઈ.સ. ૧૯૧૭માં અને ચીનમાં ૧૯૪૯માં જે સામ્યવાદી ક્રાંતિ થઇ તેની પાછળ કાંઇ વર્ગસંઘર્ષો ન હતા. તેઓ તો ફયુડલ રાજ્યો હતો. તેઓ રાજકીય ચેતનાને પરીણામે ક્રાંતિ કરી શક્યા. તેમની ક્રાંતિઓ કાલમ્યુત્પતીક્રમ હતી. મૂડીવાદીઓએ મજૂરોનું પુષ્કળ શોષણ કર્યું હતું અને તે હજી થઇ રહ્યું છે તે વાત સાચી પણ માર્ક્સની લેબર થીઅરી ઓફ વેલ્યુ અર્થશાસ્ત્રમાં આઉટડેટેડ ગણાય છે. આનો અર્થ એ નથી કે અત્યારના મૂડીવાદ સામે લડત આપવાની નથી. પરંતુ તેને બદલવાની તાકાત મજૂર સંઘોની નથી. આ પ્રથા જે સામાજીક અન્યાય ઊભો કરે છે તે દરેક મથકે તેની સામે સંઘર્ષ કરવાનો છે. દલિત-આદિવાસીઓના સંઘર્ષો, સ્ત્રીરસ્વાતંત્ર્યના સંઘર્ષો, વાતાવરણના પ્રદૂષણ સામેના સંઘર્ષો, ખેતમજૂરોના સંઘર્ષો દરેકનું લોકશાહીમાં સ્થાન છે અને તેઓ ઊંડુ સામાજીક પરિવર્તન લાવે છે. કાર્લ માર્કસે ભારત પર ઘણા લેખો લખ્યા છે. તેમણે ભારતમાં અંગ્રેજોના વહીવટને ભારતીયો માટે લાભદાયક ગણાવ્યો છે. પરંતુ ભારતીયજનની નસેનસમાં વ્યાપી ગયેલી જ્ઞાાતિપ્રથાને માર્કસ ઊંડેથી સમજી શક્યા ન હતા.

ક્રાંતિ માટે નવો વર્ગ

જગતમાં ધીરે ધીરે પ્રોબેટરીએટ (ફેકટરી કામદાર)નું સ્થાન 'કોગ્નીટેરીએટ' લઇ રહ્યો છે. અંગ્રેજીમાં કોગ્નીશન એટલે જ્ઞાાન, માહિતી, લર્નીંગ, વગેરે. કોગ્નીટેરીએટ એટલે જ્ઞાાનિક વર્ગ. આ જ્ઞાાનિક વર્ગને રાજકીય ક્રાંતિની જરા પણ પડી નથી. તેઓ વધુ ને વધુ સામાજીક સવલતો અને લાંબા સુખી જીવનની અપેક્ષા રાખે છે. તેઓ હવે ખેતીવાડીના ક્ષેત્રમાં પણ દાખલ થશે. ભારતમાં ભવિષ્યના ખેડૂતો આઇઆઇટી અને આઇઆઇએમના ગ્રેજ્યુએટ્સ હશે કે એમઆઇટીના, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના પીએચડીઝ હશે. આ વિધાન અત્યારે હાસ્યાસ્પદ લાગશે. પરંતુ આવતા પચાસ વર્ષમાં ખેતીનું માત્ર યાંત્રીકરણ / મીકેનાઇઝેશન નહીં પણ રોબોટાઇઝેશન થઇ જશે. તેમાંથી ફાજલ ખેતમજૂરોને ક્યાં સમાવવા તે પ્રશ્ન અત્યારે સુલઝાવી શકાય તેમ નથી. અત્યારના ખેડૂતો એક ચોમાસુ નિષ્ફળ જાય તેનો ભાર પણ ખમી શકતા નથી. આપઘાત કરે છે. વળી તેઓ સામાજીક રીતે વધુ રૃઢિચુસ્ત છે. ડો. આંબેડકર સાચા હતા. ગામડામાં ના રહેવાય. માઓને ધન્યવાદ કે તેઓએ ખેડૂતોની મદદથી ક્રાંતિ કરી.

અત્યારે માર્કસીસ્ટ ફીલોસોફીના ક્ષેત્રમાં સ્લાવોજ ઝીઝેક ઊંચી પ્રતિષ્ઠા ધરાવે છે. તેઓ મૂળ સ્લોવાનીયા (એક જમાનામાં સામ્યવાદી દેશ)ના નાગરિક છે અને યુનિવર્સિટી ઓફ લંડનની બરબેક કોલેજમાં પ્રોફેસર છે. તેમણે તેમના 'ઈન ડીફેન્સ ઓફ લોસ્ટ કોઝીઝ' (આ કટારલેખકને અમદાવાદની બ્રીટીશ લાયબ્રેરીમાંથી મળ્યું)માં નીચેનું સૂૂચન કર્યું છે જે કાંઇક નવું છે. લેખક પોતે માર્કસવાદી છે.

ઝોંપડપટ્ટીમાં રહેનારાની ક્રાંતિ

સંગઠિત ઉદ્યોગોમાં કામ કરનારા નહીં પણ જગતના મોટા-નાના શહેરોની ઝૂંપડપટ્ટીમાં (સ્લમ્સ) કામ કરનારા ખરેખરા સહિયારા છે. તેમાંથી મોટાભાગના અસંગઠિત ક્ષેત્રમાં છૂટક છૂટક મજૂરી મેળવે છે. ઘણા દિવસો બેકાર પણ રહે છે. તેઓ પ્રોલેટરીએટ પણ નથી અને કોગ્નીટરીએટ પણ નથી. થર્ડ વર્લ્ડમાં કરોડો લોકો સ્લમ્સમાં રહે છે. લેટીન અમેરિકાના શહેરોમાં મુંબઇના સ્લમ્સ કરતા પણ મોટા સ્લમ્સ (માઇલો સુધી) છે. રાજ્યનો પણ તેમના પર ઓછો કાબુ છે. અહીં અપરાધી ટોળીઓ, ગંજરીઓ, દારૃડિયાઓ પણ રહે છે અને પ્રામાણિક કામ કરનારા લોકો પણ રહે છે. આફ્રીકાના લાગોસમાં આબીદજાનથી ઈબાદાન સુધીના લાંબા વિસ્તારમાં ૭ કરોડ લોકો સ્લમમાં રહે છે.

ઝીઝાક તેમને કાઉન્ટર ક્લાસ કહે છે. વૈશ્વીકરણને કારણે જગતના શહેરોમાં સ્લમ્સમાં રહેતા લોકોની સંખ્યા વધતી જાય છે. ઝીઝાક ઝોંપડપટ્ટીમાં રહેતા લોકોનું રાજકીયકરણ (પોલીટીલાઇઝેશન) કરવાનું સૂચન કરે છે. અત્યારે રાજકારણીઓ ચૂંટણી ટાણે જ સ્લમ્સમાં મત મેળવવા માટે જાય છે પરંતુ તેમને તેઓ રાજકારણ માટે એકત્ર (ઈન્ટીગ્રેટ) કરી શક્યા નથી. ઝીઝાક વેનેઝુએલાનું ઉદાહરણ આપતા જણાવે છે કે તેના વડા હ્યુગો આવેઝ ત્યાંના સ્લમમાં રહેનારા (ત્યાં સ્લમ્સને ફાવેલા કહે છે) લોકોને સંગઠિત કર્યા, તેમનું રાજકારણીકરણ (પોલીટીલાઇઝેશન) કર્યું અને સત્તા પ્રાપ્ત કરી અને ટકાવી રાખી. આ મોડેલ કદાચ લેટીન અમેરિકામાં ચાલે કારણકે તેની મોટાભાગની વસતી શહેરોમાં વસે છે પરંતુ ભારતમાં માત્ર ૩૨ ટકા જ વસતી શહેરોમાં વસે છે અને ૬૮ ટકા ગામડામાં રહે છે. શહેરના તમામ ઝોંપડપટ્ટીવાસીઓને તમે એકત્રીત કરો તો પણ ૬૮ ટકા ગામની પ્રજાનું શું ? આ કટારલેખકને ઝોંપડપટ્ટીમાં રહેનારા લોકો માર્કસીસ્ટ રીવોલ્યુશનના સૂત્રધાર બની શકે તે વિચાર તરંગી લાગે છે. રાજ્યમાં સામાજીક ન્યાય માટે અનેક આંદોલનો દ્વારા સામાજીક ન્યાય મેળવી શકાય.

અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા