Tuesday, 19 April 2016

મૂડીવાદથી આર્થિક વિકાસની સાથોસાથ ભયજનક આર્થિક અસમાનતાનો જન્મ

ભારત જગતમાં સૌથી ઝડપી આર્થિક વૃધ્ધિ (ઈકોનોમીક ગ્રોથ) દરે પ્રગતિ કરે છે. યુનાઇટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે ભારતીય અર્થતંત્ર ઈ.સ. ૨૦૧૬માં ૭.૩ ટકાનો અને ઈ.સ. ૨૦૧૭માં ૭.૫ ટકાના દરેક વિકાસ કરશે. ૨૦૧૫માં પણ તેણે ૭.૩ ટકા દરથી વિકાસ કર્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવ ૩૦ ડોલર્સ કે તેનાથી પણ કંઇક નીચે જતા રહ્યા તેનો ભારતને ફાયદો થયો કારણ કે ભારતની આયાતમાં સૌથી વધારે મોટી ખર્ચની આઇટમ ઓઇલની છે. અહેવાલ જણાવે છે કે અન્ય દેશો કરતા ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર (રેલવે, રસ્તા, વીજળી અને પાણીની સવલતો, બંદરો વગેરે) અને શિક્ષણ તથા તબીબી સવલતો પાછળ ઓછો ખર્ચ કરવામાં આવે છે. પછાત અને દુર્ગમ વિસ્તારોમાં લોકોનું જીવનધોરણ સુધારવા પર ભારત સરકારે ધ્યાન આપવાની જરૃર છે. અહીં એ નોંધવું જોઇએ કે ભારતની માથાદીઠ આવક ઈ.સ. ૨૦૧૫માં માત્ર ૧૬૮૮ ડોલર્સ છે જ્યારે ચીનની ઈ.સ. ૨૦૧૫માં માથાદીઠ આવક ૮૨૦૮ ડોલર્સ અને અમેરિકાની ૫૫૯૦૪ ડોલર્સ છે (વર્લ્ડબેંકના આંકડા)

થોમસ પીકેટીનો પ્રચંડ પડકાર

થોમસ પીકેટી ફ્રેંચ અર્થશાસ્ત્રી છે અને પેરીસમાં કામ કરે છે. તેમણે અમેરિકન અને યુરોપના અર્થશાસ્ત્રીઓ સામે હુંકાર કરીને કહ્યું કે તમે લોકો આર્થિક વૃધ્ધિ દરની કેમ વાતો કરો છો ? તમને તેનું કેમ વળગણ (ઓબસેશન) થઇ ગયું છે. ઈ.સ. ૨૦૧૩માં તેમણે 'કેપીટલ ઈન ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી' પુસ્તક ફ્રેંચ ભાષામાં બહાર પાડયું. ઈ.સ. ૨૦૧૪માં આ પુસ્તક અંગ્રેજી ભાષામાં બહાર પાડયું. આ પુસ્તકમાં તેમણે આર્થિક વૃધ્ધિ દર પર નહીં પણ સમૃધ્ધ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તીની અસમાનતાની સખત નીંદા કરી. તેમણે જણાવ્યું કે આર્થિક અસમાનતા એટલે કે આવક અને સંપત્તીની અસમાનતા) મૂડીવાદનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. જગતની લોકશાહી સરકારો આર્થિક અસમાનતાને નાથી શકી નથી. તંદુરસ્ત લોકશાહી માટે આટલી મોટી આર્થિક અસમાનતા સ્વીકારી શકાય તેમ નથી. તે જો ચાલુ રહેશે તો લોકશાહીને તોડી નાંખશે. અમેરિકા ગર્જી ગર્જીને લોકશાહીની વાતો કરે છે પરંતુ અમેરિકામાં ૧૯૫૦-૧૯૮૦ના ત્રીસ વર્ષ દરમિયાન તેની દસ ટકા આવક રળનારાઓ પાસે કુલ રાષ્ટ્રીય આવકનો ૩૦-૩૫ ટકા હિસ્સો હતો.

૧૯૮૦-૨૦૧૦ના ત્રીસ વર્ષના ગાળામાં તેમનો હિસ્સો ૩૦-૩૫ ટકાથી વધી ૪૫-૫૦ ટકા થઇ ગયો. ફરીથી જાણી લો કે અમેરિકાના દસ ટકા આવક મેળવનારા પાસે અમેરિકાની કુલ આવકનો હિસ્સો ૪૫થી ૫૦ ટકા જેટલો મોટો છે. અમેરિકાના ધનિક લોકો પાસે ગંજાવર મીલકત અને આવક છે. અમેરિકાના મેનેજરોના પગારો અતિશય ઊંચા છે તેઓ પોતાના પગારો અને સ્ટોક ઓપ્શન્સ વધારે જ જાય છે. કારણકે તેમની કંપનીઓના બોર્ડ ઓફ ડાયરેકટર્સ પણ પ્રોફેશનલ મેનેજરોના હોવાથી તેઓ પોતાના સાથી મેનેજરોના મહેનતાણાં પર કોઇ નિયંત્રણ મૂકતા નથી. અમેરિકામાં સામાન્ય કારીગર કે કામદારના પગારો અને ઊચ્ચ મેનેજરોના પગારો વચ્ચે હિમાલયની ઊંડી ખીણ અને ટોચ જેટલું અંતર છે. આર્થિક અસમાનતાને લગતો કોયડો માત્ર અર્થકારણને લગતો નથી પણ પોલીટીકલ ઈકોનોમીને લગતો છે.

નીઓલીબરાલીઝમ

ઈ.સ. ૧૯૮૦થી ઈ.સ. ૨૦૧૦ના ગાળા દરમિયાન અમેરિકામાં આવક અને સંપત્તીની અસમાનતા વધી તેની પાછળ રોનાલ્ડ રેગનનું નીઓલીબરાલીઝમનું અર્થકારણ છે જેને 'રેગોનોમીક્સ' તરીકે ઓળખવામાં આવે છે. રોનાલ્ડ રેગને (૧૯૮૧થી ૧૯૮૯) અને બ્રીટનના તે વખતના વડાપ્રધાન માર્ગારેટ થેચરે (૧૯૭૯-૧૯૯૦)એ સ્ટેગ્ફ્લેશનને (આર્થિક ફુગાવો અને ઊંચી બેકારીનાં પરિબળો) સામે લડવા બજારકેન્દ્રી એવી નીઓલીબરાલીઝમ અર્થકારણની રચના કરી. મુક્ત બજારો, વિદેશી મૂડીની મુક્ત આવન-જાવન, મુક્ત આયાત નિકાસ, સરકારી સાહસોને ખાનગી હાથોમાં વેચી દેવા, મજૂર સંગઠન પર કડક અંકુશો મૂકવા, અનેક જાહેર સેવાઓનું ખાનગીકરણ વગેરે) આ બજારકેન્દ્રી અર્થકારણના મુખ્ય અંગો હતા.

પરંતુ એ કબૂલ કરવું પડે કે આ બજારવાદી નીતિથી રોનાલ્ડ રેગને અને માર્ગારેટ થેચરે તેમના દેશોમાં વ્યાપેલા સ્ટેગ્ફલેશનને દૂર કર્યું. તેમણે કહ્યું કે જલદ રોગ માટે જલદ દવા જરૃરી છે. પરંતુ આ દરમિયાન અમેરિકા-યુરોપમાં આર્થિક અસમાનતા વધી. બકરૃ કાઢતા ઊંટ પેઠું. પીકેટીનું મુખ્ય ધ્યેય અર્થકારણમાં આર્થિક અસમાનતા ઓછી કરવાનું છે. પીકેટી સુધારાવાદી છે. માર્ક્સ જેવા ક્રાંતિકારી નથી. માર્ક્સ મૂડીવાદનો સર્વનાશ ઈચ્છતા હતા. પીકેટી કહે છે કે મૂડીવાદમાં સમાનતાવાદી સુધારા લાવી શકાય છે. તેમને યુરોપનું વેલફેર સ્ટેટનું મોડેલ પસંદ છે. આ મોડેલમાં મૂડીવાદ અને સમાજવાદનું મીશ્રણ છે. તેમાં રાજ્ય નાગરિકોના સ્વમાનપૂર્વકના જીવવાના હક્કની જવાબદારી લે છે.

પીકેટી માને છે કે હાલનો મૂડીવાદ ઊણપવાળો છે. તેને સમાનતાવાદી બનાવવો જરૃરી છે પણ અસમાનતાનો પ્રશ્ન અર્થકારણનો નથી પણ પોલીટીકલ ઈકોનોમીનો છે. મૂડીવાદના હાર્દમાં જ અસમાનતા હોય તો મૂડીવાદને દૂર કરવો કે સુધારવો (એન્ડ કરવો કે એમેન્ડ કરવો) તે પ્રશ્ન મુળભૂત છે. માર્ક્સે કહ્યું તેને end કરો. પીકેટી કહે છે તેને amend કરો અને માર્ક્સની વર્ગવિગ્રહની વાતો છોડી દો. દુનિયાના અતિધનાઢ્યો પર પ્રોગ્રેસીવ કરવેરા નાખો અને લોકશાહી સંસ્થાઓનું પુર્નનિર્માણ કરો. જગતની તમામ લોકશાહી સરકારો માટે બળબળતો પ્રશ્ન છે કે તેમણે મૂડીવાદને કેવી રીતે કાબુમાં રાખવો. મૂડીવાદ અને મુક્તબજારમાં એવું કોઇ ઓટોમીકેનીઝમ (આંતરરચના) નથી કે જે અસમાનતાને ઘટાડે.

ભારતમાં આર્થિક અસમાનતા અને થોમસ પીકેટી

ભારતમાં આર્થિક અસમાનતા વધતી જશે તો તેની લોકશાહી તૂટી પડશે. આવા મહાન અર્થશાસ્ત્રી થોમસ પીકેટીએ ૨૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ભારતમાં આવેલી જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીમાં ઉપરનો મુખ્ય મુદ્દો રજૂ કર્યો. ભારતની આર્થિક અસમાનતા પર તેમણે નીચેના વિધાનો કર્યા.

ભારતમાં વધી રહેલી આર્થિક અસમાનતા તેના ઝડપથી થઇ રહેલા આર્થિક વિકાસ માટે સારી બાબત નથી. લાંબા ગાળામાં આર્થિક અસમાનતા ભારતીય અર્થકારણના વિકાસની આડે આવશે. ભારતના ભદ્રવર્ગીય સમાજે પશ્ચિમના ભદ્રવર્ગીય સમાજ કરતા વધુ સારૃ વર્તન (અસમાનતા દૂર કરવાની દિશામાં) કરવું પડશે. પશ્ચિમ જગતમાં આર્થિક સમાનતા તરફનું વર્તન તેમને બે વિશ્વયુધ્ધોના અને ૧૯૩૦ના ડીપ્રેશનના ભયાનક આંચકા લાગ્યા તે પછી શરૃ થયું. શું ભારતને પણ આવા જબરજસ્ત આંચકાની જરૃર છે ? ભારતના જાહેર ક્ષેત્રની સેવાઓ (શિક્ષણ, સ્વાસ્થ્ય, રસ્તા, પાણી પૂરવઠાની અને સીંચાઇની યોજનાઓ વગેરે) પુષ્કળ અપૂરતી છે. ભારતમાં બહુ ઓછા લોકો કરવેરા આપે છે. ભારતના અગ્રવર્ગે વધારે કરો ચૂકવવા જોઇએ અને ખાસ કરીને સ્ત્રીશિક્ષણમાં પુષ્કળ ખર્ચો (મૂડીરોકાણ) કરવો જોઇએ. અસમાનતાને દૂર કરવાનું એક સબળ શસ્ત્ર શિક્ષણ અને જ્ઞાાનનો નીચે સુધીનો પ્રચાર અને પ્રસાર છે. ભારતે શિક્ષણ પાછળ હજી પુષ્કળ ખર્ચો કરવાનો રહે છે અને શિક્ષણનો સર્વસમાવેશક બનાવવાનું રહે છે. ભારતમાં રાષ્ટ્રીય આવકમાં કરવેરાનો હીસ્સો માત્ર ૧૧ ટકા છે તે ૧૫થી ૨૦ ટકા કરવો જોઇએ. ભારત જો લોકશાહીના માળખામાં અસમાનતાનો પ્રશ્ન દૂર નહીં કરી શકે તો ભારતમાં લોકશાહી ટકી શકશે નહીં.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

જગતને આજે કેઇન્સ અને શુમ્પીટરની થિયરી એમ બન્નેની જરૃર છે

જગતનું અર્થકારણ સ્લો-ડાઉનમાં છે. ચીનના સ્લો-ડાઉને (સ્લો-ડાઉન અને મંદીમા ફરક છે) જગત પર પ્રતિકૂળ અસર કરી છે. વીસ વર્ષ સુધી ચીન જગતના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે એન્જીન હતું. તે એન્જીન બંધ પડી ગયું નથી પણ તેની ગતિ ધીમી પડી ગઈ છે. અર્થકારણ એક વિચિત્ર વિરોધાભાસ છે. દેશમાં ભાવ વધારો જો અમુક હદથી (૨ થી ૩ ટકા સુધી ચાલે) વધી જાય અને દસ-બાર ટકા પર પહોંચી જાય તો તે અર્થકારણને તોડી નાંખે છે. આ પ્રકારનો ભાવ વધારો વધુ લાંબો સમય ચાલે તો સરકાર પણ તૂટી પડે છે. અત્યારે ભારતમાં છૂટક ભાવવધારાનો દર ૫ થી ૬ ટકા છે પરંતુ જો તેમ ૧૦ થી ૧૨ ટકા લાંબો સમય પહોંચી જાય તો કેન્દ્રીય સરકાર તૂટી પડે અને રાજ્યોમાં પણ સત્તાધારી પક્ષ (પછી તે ગમે તે રાજકીય પક્ષ હોય) પણ તૂટી પડે. આની વિરૃદ્ધ ભાવો ઘટી જાય તો તે મેન્યુફેકચરીંગ અને સેવાઓના ઉત્પાદનને મંદ પાડી દે છે. તે ઉત્પાદનનું સ્લો-ડાઉન કરી નાખે છે અને આ સ્લો-ડાઉન સતત બે કે ત્રણ ત્રિમાસિક (ક્વૉર્ટર્સ) ગાળા દરમિયાન ચાલુ રહે ત્યારે અર્થકારણ મંદીની જાહેરાત થાય છે.

અત્યારે જગતમાં કોમોડીટીઝ અને બળતણના તેલના ભાવો ઘટી ગયા છે. ભાવો ઘટે એટલે સપ્લાય સાઈડ અર્થકારણ નબળું પડી જાય ખેડૂતો દેવાળું કાઢે અને સાથે સાથે ડીમાન્ડ સાઇડ (ખરીદ પ્રધાન) અર્થકારણ પણ નબળું પડી જાય. ખેતપેદાશોના કે તેલના ભાવો ઘટે એટલે તેનું ઉત્પાદન કરનારનો નફો અને ખરીદશક્તિ ઘટી જાય તમે ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરો પણ સામે ખરીદનાર જોઈએ ને ? અર્થકારણમાં ભાવો ઘટે એટલે ખેડૂતો એ બેહાલ થઈ જાય.

નીચા ભાવો : કોમોડીટીઝ અને તેલના અર્થકારણ બેધારી તલવાર છે. બહુ ઊંચા ભાવો અને બહુ નીચા ભાવો ના ચાલે. અત્યારે તે જ કારણે સપ્લાય સાઈડ ઇકોનોમીક્સ અને ડિમાન્ડ સાઇડ ઇકોનોમિક્સ (કેઇન્સને પ્રિય) વચ્ચે દ્વંદ્વ ચાલી રહ્યો છે. કેઇન્સ કહેતા કે મંદીને ટાળવા લોકોની ખરીદ શક્તિ વધારો જેથી માગ વધે અને તેના પ્રતિભાવ (રીસ્પોન્સ) રૃપે વધુ માલનું ઉત્પાદન થાય અને આ નવા ઉત્પાદન દ્વારા રોજગારી વધે. અત્યારે જગતમાં અનાજ, સોયાબીન, તાંબુ, સ્ટીલ અને ખાસ કરીને બળતણના તેલના ભાવો ઘટી ગયા છે કારણ કે તેનો વપરાશ કરનાર ચીન ધીમું પડી ગયું છે.

દા.ત. ગલ્ફના પાંચ દેશો (યુએઇ, કુવેત, બહેરીન, ઓમાન અને સાઉદી અરેબીયા) જેમનો ત્રણ વર્ષ પહેલા ઓઇલના ધંધામાં વાર્ષિક ૬૦૦ બિલિયન ડોલર્સ જેટલો અધધ નફો હતો. તેઓ અત્યારે વાર્ષિક ૪૦૦ બિલિયન ડોલર્સની ખાધનો સામનો કરી રહ્યાં છે. રશિયન અર્થકારણ જે પણ તેલની અને ગેસની નિકાસ કરતું હતું તેની આવક ઘટી ગઈ છે. ચાઈનીસ શેરબજાર જૂન ૨૦૧૫ પછી અત્યારે ૪૫ ટકા ઘટી ગયું છે. અમેરિકા હજી અઢીથી ત્રણ ટકાનાં નક્કર વૃદ્ધિ દરથી આગળ વધી રહ્યું છે. અમેરિકા ૩ થી ૫ ટકાના વિકાસદરથી ખુશ રહે છે કારણ કે તેનો રાષ્ટ્રીય આવકનો બેઝ મોટો દૈન છે ૨૦૦૮માં અમેરિકાની હાઉસીંગ સેક્ટરે તે દેશને અન્ય દેશોને ડૂબાડયા હતા.

હવે લાગે છે કે કદાચ આ કામ પેટ્રોલીયમ સેક્ટર કરી રહ્યું છે. કદાચ અમેરિકાની આરબ જગતને આર્થિક રીતે નુકશાન કરવાની આ વ્યૂહરચના હોઈ શકે કારણ કે અમેરિકા અત્યારે પેટ્રોલિયમ ઉત્પાદનની નવી ટેકનોલોજી (શેલ ટેકનોલોજી)ને કારણે પેટ્રોલીયમની નિકાસ કરી શકે તેમ છે. અમેરિકા માટે હવે પેટ્રોલીયમનું ઉત્પાદન અને ભાવોની રમત રાજકીય હથિયાર બની ગયું હોય તેમ લાગે છે. આરબ દેશો નાદાર બની જાય પછી કેવી રીતે ઇસ્લામિક આતંકવાદીઓને મદદ કરી શકવાના હતા ? ભારતની એક મોટી મુશ્કેલી એ છે કે તેનો ૭.૩ ટકાનો વિકાસદર પૂરતી રોજગારી ઊભી કરતો નથી.

બેંકોની નોન-પરફોર્મીંગ એસેરસ ભયજનક રીતે ઊંચી છે. નિકાસ ઘટી ગઈ છે અને ઘટતી જાય છે, ખાનગી મૂડીરોકાણનો વૃદ્ધિ દર ઘટતો જાય છે અને જાહેર ક્ષેત્રમાં આ વર્ષ ૬૦,૦૦૦ કરોડ રૃપિયાનું ડીસઇન્વેસ્ટમેન્ટ (મૂડી પાછી ખેંચી લેવી કે શેરોને ખાનગી ક્ષેત્રે વેચી દેવા) કરવાનું હતું તેનું અડધા જેટલું પણ થયું નથી. આપણે જાહેર ક્ષેત્રના ધોળા હાથીને ક્યાં સુધી પોષીશું ? જાહેરક્ષેત્ર હોવું જોઇએ પણ તે શિક્ષણ, સ્વાસ્થ્ય, રસ્તા અને સીંચાઈ ક્ષેત્રોમાં જોઈએ - ચીજવસ્તુઓના ઉત્પાદનમાં નહીં .ભારતની ફાસ્ટ મુવીંગ કન્ઝયુમર્સ ગુડઝ (એફએમસીજી)ની કંપનીઓ, શહેરો, નગરો અને ગામડાંઓમાં સારૃં વેચાણ કરી રહી છે.

ગામડાંઓમાં આ ચીજોનું વેચાણ વધ્યું છે. અનાજના (તુવેર, મગ, મઠ, અરહર, અડદ વગેરેના ભાવોને બાદ કરતાં) ભાવો બહુ વધતા નથી. ભારતમાં છેલ્લાં બે વર્ષ અછત (ડ્રાઉટ)ના ગયા છતાં કઠોળ સિવાય અનાજના ભાવો આસમાને કેમ પહોંચ્યા નથી તે આનંદજનક આશ્ચર્ય છે ભારતે દુકાળ નાબૂદ કર્યા છે. તેની અનાજની રેશનીંગ સીસ્ટમમાં ભ્રષ્ટાચાર હોવા છતાં તે ઠીકઠીક સફળતાથી ચાલે છે.

શુમ્પીટર

મૂળ જર્મનીના પણ હાર્વડમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર ફ્રેડરીક શુમ્પીટરે કહ્યું કે અર્થકારણનું સૌથી ડાયનેમીક (ગતિશીલ) પાસુ નવી નવી શોધો છે. આ નવી શોધોમાં નવી પ્રોડક્ટસ ઊભી કરવી, નવા બજારો ઊભા કરવા, નવા વ્યવસ્થા તંત્રો (જેમકે પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓ)ની શોધ કરવી, નવા દરિયાઈ માર્ગો ખોલી કાઢવા, નવી વિતરણ વ્યવસ્થા કે ઉત્પાદન વ્યવસ્થા ઊભી કરવી. જેમકે હેન્રી ફોર્ડ ઉત્પાદનમાં એસેમ્બ્લી લાઇન પદ્ધતિની શોધ કરી. આ બધાનું સર્જન કોણ કરે છે ? આ બધાનું સર્જન ઉદ્યોગ સાહસિક (અંગ્રેજીમાં આન્ટરપ્રોનીઅર) કહે છે. તે ગણતરીપૂર્વકનું જોખમ ખેડે છે. તે અર્થકારણનો 'હીરો' છે. દરેક સફળ અર્થકારણમાં ઇનોવેશન્સ (નવી નવી શોધો)ના ચક્રો (સાયકલ) ચાલ્યા જ કરે છે. બ્રિટનમાં ઇ.સ. ૧૭૭૦ પછી ઔદ્યોગિક ક્રાંતિ શરૃ થઈ તેણે ટેક્ષટાઇલ્સ, કોલસો, યંત્ર, ઉદ્યોગોને જન્મ આપ્યો. તેણે ફેકટરી સીસ્ટમ ઊભી કરી. ઉત્પાદનમાં પ્રચંડ વધારો કર્યો. તે પછી જબરજસ્ત મોટો સ્ટીલ ઉદ્યોગ શરૃ થયો. તેના આધારરૃપે ૧૮૯૦ પછી જબરજસ્ત કાર ઉદ્યોગ શરૃ થયો.

ફોર્ડ એસેમ્બ્લી ઉત્પાદનની પદ્ધતિ ખોટી. તે જ દરમિયાન વીજળીની શોધ થતાં યંત્રો વરાળથી નહીં પણ વીજળીથી ચાલવા માંડયા. આમ મૂડીવાદી અર્થકારણમાં ૫૦ થી ૬૦ વર્ષની ઇનોવેશન્સ-સાયકલ ચાલુ જ રહે છે. ઇનોવેશન્સ એ અર્થકારણનો પ્રાણ છે. અત્યારે શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટ-અપ યોજના દાખલ કરી છે તેના હાર્દમાં નવી શોધોના આધારે થતાં ઔદ્યોગિક-વ્યાપારી એકમો છે. શુમ્પીટર કહે છે કે ઇનોવેશસન્સને કારણે લાંબા સમય સુધી આર્થિક પ્રગતિ ચાલુ રહે છે પછી થોડા સમય માટે 'ડીપ્રેશન' (મંદી) આવે છે. આ મંદી પણ જરૃરી છે કારણ કે તે 'ક્રીએટીવ ડીસ્ટ્રક્શન' છે. તે જૂની ગંદકીનો નાશ કરે છે.

અર્થકારણમાં તે જૂની પ્રથાઓ અને સંસ્થાઓને તોડી નવી પ્રથા દાખલ કરે છે. આવી સાયકલ્સ ૫૦, ૬૦ કે ૭૦ વર્ષની હોઈ શકે. આને લોંગ સાયકલ્સ થીયરી કહે છે. શુમ્પીટરે અર્થકારણમાં 'ક્રીએટીવ ડીસ્ટ્રકશન' નો વિચાર (કન્સેપ્ટ) આપ્યો. તેઓ સાચા જણાય છે. બ્રિટને એકલે હાથે ઔદ્યોગિક ક્રાંતિકારી અને ૧૯૭૦ બાદ અમેરિકાએ આઇટી ક્ષેત્રે ક્રાંતિ કરીને બ્રિટનને ધક્કો માર્યો. હવે માહિતીને ધક્કો મારીને પશ્ચિમ જગત જેનેટીક નેનોટેકનોલોજી અને રોબોરી કસની

ક્રાંતિ શરૃ કરશે આમ અર્થકારણની સાયકલ્સ ચાલતી હોય છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

અત્યારના અર્થશાસ્ત્ર વિરુદ્ધ થઈ રહેલી અઢળક ફરિયાદો

પહેલેથી ખબર કેમ ના પડી ? :
ઈ.સ. ૨૦૦૮ના ઓગષ્ટ મહિનામાં અમેરિકાની લેહમાન બ્રધર્સ નામની નાણાંકીય સેવાઓની કંપની તૂટી પડી. ૬૦૦ બીલીઅન ડોલર્સ એક બીલીયન = ૧૦૦ કરોડ)ની એસેટ્સ ધરાવતી આ કંપનીની નાદારી અમેરિકાના કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી નાદારી હતી. ૨૦૦૮ના વર્ષના અંત ભાગમાં સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર ૫૦૦ (સૌથી મોટી ૫૦૦ કંપનીઓ)નો આંક ઘટીને ૨૯ ટકા થઈ ગયો અને બજારે ૨૯ ટ્રીલીઅન ડોલર્સ ગુમાવ્યા. એક ટ્રીલીયન ડોલર્સ એટલે એક લાખ કરોડ ડોલર્સ ગણાય. ઘણાંને એમ લાગ્યું કે આખા જગતની ફાયનાન્સીયલ સિસ્ટમ તૂટી પડશે પણ સદભાગ્યે તેમ ના થયું.પરંતુ અમેરિકામાં ૨૦૦૮માં મહામંદી શરુ થઈ જેની પ્રતિકૂળ અસરો ઘણા દેશો ઉપર પડી. અર્થશાસ્ત્રીઓની આ બાબતમાં ઘણી ટીકા થઈ. સામાન્ય લોકોએ ટોણો માર્યો કે, તમે આટલા બધા અટપટા મેથેમેટીક્સ મોડેલ્સની રચના કરી છે તો પણ તમે આ નાણાંકીય કટોકટીનો અણસાર આપવામાં કેમ નિષ્ફળ ગયા ? તમે રોગ થયા પછી તેનું નિદાન કરો છો પણ રોગને અટકાવી શકતા કેમ નથી !

વેપન્સ ઓફ માસ ડીસ્ટ્રીક્શન :
છેક ઇ.સ. ૨૦૦૩માં જગતના જાણીતા મૂડી રોકાણકાર વોરેન બફેટે જાહેર કર્યું હતું કે, નાણાંકીય સંસ્થાઓએ (ખાસ કરીને બેંકોએ) ફાયનાન્સીયલ ડેરીવેટીવ નામના (ફાયનાન્સીયલ ઇન્સ્ટ્રુમેન્ટ)ની રચના કરી છે તે ખરેખર સાર્વજનિક નાશનું શસ્ત્ર' છે અંગ્રેજીમાં આને વેપન ઓફ માસ ડિસ્ટ્રીક્શન કહે છે. નાણાંકીય અર્થશાસ્ત્રીઓએ ખોટા મેથેમેટિકલ મોડેલ્સ દ્વારા લોકોને અને બેંકોને ગેરમાર્ગે દોર્યા.

બેંકરોનો લોભ :
બેંકરોને પણ આ ફાયનાન્સીયલ ડેરીવેટીવ્ઝ અને તેના પણ ડેરીવેટીવ્ઝ અને તેમાંથી બનાવેલા જાતજાતના ફેન્સી ફાયનાન્સીયલ પેકેજીસના વેચાણ દ્વારા અભૂતપૂર્વ પગારો અને બોનસ મળવા લાગ્યા. અમેરિકન સરકારની નાણાંકીય નિયંત્રણની સંસ્થાઓ પણ આ નાણાંકીય બજારોનું સંચાલન કરવામાં નિષ્ફળ નીવડી. અર્થશાસ્ત્રીઓની માન્યતા મુજબ બજારોનું નિયંત્રણ 'અદ્રશ્ય હાથો' દ્વારા ઓટોમેટિક રીતે થાય છે. પરંતુ તેમ ના થયું. દા.ત. ૨૦૦૭ની સાલના અંતમાં ખનિજ તેલના ભાવો બેરલના ૧૪૦ ડોલર્સ થઈ ગયા હતા અને તેના થોડાક જ મહિનામાં ૪૦ ડોલર્સ થઈ ગયા. ખનિજ તેલના અર્થકારણના લોહીનું ભ્રમણ ગણવામાં આવે છે. પરંતુ આ ભ્રમણમાં મુશ્કેલી સર્જાઈ અને અર્થકારણને હૃદયરોગનો હુમલો થયો. શું અર્થશાસ્ત્રીઓને નાણાં બજારમાં ઉભા થયેલા વમળોના જોખમની ખબર જ ના પડી ! ૨૦૦ વર્ષથી પણ પહેલા અર્થશાસ્ત્ર ઊભું થયું છે. તો તે આર્થિક કટોકટીની કેમ આગાહી કરી શકતું નથી ? અર્થશાસ્ત્રીઓ બ્યુટી મોડેલની જેમ પોતાના મોડેલોને ગણીતના વાઘા પહેરાવે તેથી તે કાંઈ સાચા ન પડે.

અર્થશાસ્ત્ર વાસ્તવિકતાથી દૂર :
અર્થશાસ્ત્ર માનવ વર્તણુંકને ગણિતના સ્વરૃપમાં મુકવા માંગે છે તે એક ચીજવસ્તુના ભાવ ૧૦ ટકા વધે અને તેની માગ દસ ટકા વધે તો તો તે વસ્તુની ઇલાસ્ટીસીટી એક ગણાય. જો ભાવ ૧૦ ટકા વધે અને માંગ માત્ર પાંચ ટકા જ ઘટે તો તેને માંગની ઇલાસ્ટ્રીટી એકથી ઓછી ગણાય. અને ભાવ ૧૦ ટકા વધે અને માંગ ૨૦ ટકા ઘટે તો તેની આલાસ્ટીસીટી એકથી વધુ (એટલે કે બે ગણાય) આમ ભાવ વધે કે ઘટે તો માત્ર કેટલા ટકા વધે કે ઘટે તે ખરેખર માનવ વર્તણૂંકનો પ્રશ્ન છે. જેને સમજવા અર્થશાસ્ત્રીઓ ગણિતનો ઉપયોગ કરે છે. ભાવ વધે તો માંગ ઘટે તે પણ બધી વાર સાચું હોતું નથી. ધારો કે ડુંગળીના ભાવ આજે વધીને દસ રૃપિયે કિલો થયા છે પરંતુ લોકોને એવું લાગે છે ક તેના ભાવો વીસ રૃપિયા થઈ જશે તો ડુંગલીના ભાવ દસ રૃપિયાથી બાર રૃપિયા થઈ જાય તો પણ તેની માંગ વધે છે. કારણ કે લોકો ભવિષ્યમાં મોંઘી ડુંગળી ખરીદવા તૈયાર નથી આમ ભાવ નિર્ધારણમાં લોકોની અપેક્ષાઓ હોય છે અને ઇરેશનલ અપેક્ષાઓ હોય છે. આવું શેરબજાર કે કોમોડિટી બજાર ભવિષ્યમાં શું બનશે તેની અપેક્ષાઓ પર ચાલે છે. આ કારણે બજારો અસ્થિર બને છે. અર્થકારણ આ અપેક્ષાઓને ગણિતની ભાષામાં મૂકી શકતું નથી.

સપ્લાય અને ડીમાન્ડ :
ન્યુટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ઠોસ નિરીક્ષણ અને સાબિતી પર રચાયો હતો. અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે અમારો માગ અને પુરવઠાનો સિદ્ધાંત પણ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત જેવો નક્કર છે. બધા એ જાણે છે કે માંગ વધે તો પુરવઠો (સપ્લાય) ન વધે તો ભાવ વધે અને માગ ઓછી થાય અને પુરવઠો યથાવત રહે તો ભાવ ઘટે. તેવી જ રીતે માંગ એની એ જ રહે તે પુરવઠો વધે / અત્યારે ખનિજ તેલમાં તેમ થઈ રહ્યું છે) તો ભાવ ઘટે અને પુરવઠો ઘટે અને માંગ સ્થિર રહે ભાવો ઉંચા જાય. અર્થશાસ્ત્રીઓને પૂછીએ કે આ નિયમ તમે કયા આધારે ઘડયો છે તો જવાબ મળે કે આ તો સ્વયં સ્પષ્ટ બાબત છે. યુકીબીડે જોમેટ્રીમાં પણ આવી સ્વયંસ્પષ્ટ બાબતોનો પુરાવો આપવાની ના પાડી હતી. દા.ત. સમાંતર રેખાઓ એકબીજાને કદાપિ મળતી નથી. અર્થશાસ્ત્રીઓ પણ આવી સ્વયં સ્પષ્ટ બાબતો સ્વીકારી લે તો શું વાંધો છે ?

રેશનલ મેનનો સ્વીકાર :
અર્થશાસ્ત્રીઓ કહે છે કે, દરેક ગ્રાહક કે સપ્લાયર રેશનલ છે તે પોતાની ઉપયોગિતા (યુટીલીટી)ને મહત્તમ કરવાનો પ્રયત્ન કરે છે. સપ્લાયર્સ કે ઉત્પાદકો નફાને મહત્તમ કરવા પ્રયત્ન કરે છે અને ગ્રાહક ખરીદી દ્વારા પોતાને મળેલી ઉપયોગિતા (યુટીલીટી) મહત્તમ કરવાનો પ્રયત્ન કરે છે. જો ભાવ ઉંચા જાય અને હજી ઉંચા જ જવાના હોય તો ગ્રાહક ઓછું ખરીદીને પોતાનું સ્વ-હિત સાચવે છે. અર્થશાસ્ત્રના તમામ ખેલાડીઓ (ગ્રાહકો, સપ્લાયર્સ, શેરદલાલો ઉત્પાદકો છૂટક કે જથ્થાબંધ વેપારીઓ) પોતાનું સ્વ-હિત સૌથી વધુ સિદ્ધ કરવા માંગે છે અને તેથી સમાજનું હિત આપોઆપ સચવાઈ જાય છે. તમને તમારું દૂધ કે શાકભાજી અમુક ભાવે નિયમિત મળે છે તેથી તમે દૂધવાળા કે શાકવાળા પર કે તેઓ તમારા પર ઉપકાર કરતા નથી બન્ને પક્ષો પોતાનું હિત સાચવે છે અને તેથી સમાજનું હિત સચવાય છે. આદમ સ્મિથનો આ અભિગમ ક્લાસિકલ અર્થશાસ્ત્રમાં સર્વવ્યાપી છે અહીં નોંધવું જોઈએ કે અર્થશાસ્ત્રના મોડેલ બહુ જ એબસ્ટ્રેક (અમૂર્ત) હોય છે તેનું એમ્પીરીકલ ટેસ્ટિંગ થતું નથી.

યુજીન ફાર્મા :
શીકાગો યુનિવર્સિટીના યુજીન ફામા નામના અર્થશાસ્ત્રીએ કહ્યું કે બજાર રેશનલ લોકોનું બનેલું છે. બજારના ખેલાડીઓ પોતાના નફાને મહત્તમ કરવા માગે છે. બજારનો દરેક શેર લાંબા ગાળે પોતાનું ખરેખરું મૂલ્ય દર્શાવે છે. આ ખરેખરા મૂલ્યને તેઓ 'ઇન્ટ્રીઝીક વેલ્યુ' કહે છે. બજાર આખરે દરેક ચીજવસ્તુનું (શેર અને બોન્ડઝ સહિત) ખરું મૂલ્ય દર્શાવે છે. બજાર જે મૂલ્ય નક્કી કરે છે તેને ગમે તેટલા હોંશિયાર લોકો પણ આંકી શકતા નથી કે તેની આગાહી કરી શકતા નથી. બજાર એ લગભગ ભગવાન કહેવાય જે કાર્યક્ષમ રીતે ચીજવસ્તુઓના ભાવ નક્કી કરી શકે છે અને કોઈ માનવી તેને પહેલેથી કહી શકતો નથી.

ઉપસંહાર :
અત્યારનું અર્થશાસ્ત્ર અઘુરું છે ૨૫૦ વર્ષીય તેના જીવન દરમિયાન તે આર્થિક અસ્થિરતા (ઇકોનોમિક ઇન્સ્ટેબીલીટી) દૂર કરી શક્યું નથી. તેણે બજારને દેવતા માનીને પૂજા કરી છે પણ તેમાંથી જબરદસ્ત આર્થિક અસમાનતા સર્જાઈ છે કાર્લ માર્કસે બજારવાદી મૂડીવાદની સખત ટીકા કરી હતી પણ તેમની ટીકાની અવગણના થઈ છે.
જગતમાં સર્વત્ર બજારવાદ છાઈ ગયો છે. અર્થશાસ્ત્રના મોડેલો બહુ અમૂર્ત (એબસ્ટ્રેક) છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

મૂડીવાદી અર્થકારણને પડકારનાર કોઈ પરિબળ રહ્યું નથી

સોવિયેટ ક્રાંતિ નિષ્ફળ ગઈ :
ઈ.સ. ૧૯૯૧માં સોવિયેટ રશિયા તૂટી પડયું. ઈ.સ. ૧૯૧૭ના ઓક્ટોબરમાં રશિયામાં બોલ્શેવીક ક્રાંતિ થઈ હતી. સોવિયેટ રશિયાનું સામ્રાજ્ય માત્ર ૭૪ વર્ષ જ ટક્યું. ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યાર પછીના ૧૯૯૧ સુધીના છપ્પન વર્ષ અમેરિકા અને સોવિયેટ રશિયા વચ્ચે શીતયુદ્ધ ચાલ્યું. જેમાં સોવિયેટ રશિયાની હાર થઈ. તેનાથી ૧૫ રાજ્યો છૂટા પડી ગયા. હવે બાકી રહેલા દેશને રશિયન ફેડરેશન કહે છે. શીતયુદ્ધ દરમિયાન મૂડીવાદી વિરૃદ્ધ સામ્યવાદી-સમાજવાદી પ્રથા વચ્ચે સખત હરીફાઈ ચાલી. સોવિયેટ રશિયા પોતાને સામ્યવાદી નહીં પણ સમાજવાદી ગણતું હતું. તેથી તેનું નામ યુનિયન ઓફ સોવિયેટ સોશીયાલીસ્ટ રીપબ્લીક (યુએસએસઆર) રાખવામાં આવ્યું હતું. તેનો ઝોક નાગરિકો વચ્ચે આર્થિક અને સામાજીક સમાનતા સ્થાપવા તરફ હતો. આ ક્રાંતિના આદેશો ઘણા આકર્ષક હતા.

સામ્યવાદનો વિસ્તાર :
૧૯૪૫ પછી પોલેંડ, ઝેકોસ્લોવાકીયા, હંગેરી, યુગોસ્લાવીયા, રોમાનીયા, બલ્ગેરીયા અને આલ્બેનીયા સામ્યવાદી કેમ્પમાં દાખલ થઈ ગયા. ૧૯૫૪માં જર્મનીનો પૂર્વ ભાગ જર્મન ડેમોક્રેટીક રીપબ્લીક બની ગયો અને તે પણ સામ્યવાદી જગતનો એક ભાગ બની ગયો. ૧૯૪૯માં વસતીની દ્રષ્ટિએ જગતનો સૌથી મોટો દેશ ચીન પણ સામ્યવાદી બની ગયો. વીયેટનામ, લાખોલ, કમ્બોડીયા, અને ઉત્તર કોરિયાએ પણ સામ્યવાદ સ્વીકાર્યો. ૧૯૫૯માં ક્યુબા અને તે પછીના વર્ષોમાં આફ્રિકાના કેટલાક દેશો ડાબેરી બની ગયા.

આર્થિક નિયંત્રણો : કેન્દ્રીય આયોજન :
આ બધા દેશોએ અર્થકારણમાં કેન્દ્રીય આયોજનની પદ્ધતિ અપનાવી. વળી તેમણે પોતાના નાગરિકો પર દેશની બહાર જવા માટે સખત અંકુશ મુક્યા. તેઓનું રાજકારણ માત્ર મોટે ભાગે એક પક્ષની સરમુખત્યારશાહી સરકાર પર આધારિત હતું. આ સરમુખત્યારોએ રાજ્યની સત્તા પર કાબુ મેળવી લીધો હતો. રાષ્ટ્ર અને સરકાર એકાકાર થઈ ગયા, તેઓએ પોતાના નાગરિકો પર માર્કસીસ્ટ-લેમીનીસ્ટ વિચારસરણી લાદી દીધી હતી. ૧૯૫૦ના દાયકામાં આ દેશોને 'સોશીયાલીસ્ટ કેમ્પ' તરીકે ઓળખ મળી. પરંતુ હંગેરી, પોલેંડ, યુગોસ્લાવીયા, વગેરેએ ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓમાં સોવિયેટ રશિયાના લોખંડી શાસન સામે બળવો કરતા સમાજવાદી કેમ્પમાં ફાટફૂટ પડી. સમાજવાદી કેમ્પમાં શું થઈ રહ્યું છે તેની બહુ જ મોટી વિગતો મૂડીવાદી કેમ્પમાં જતી અને મૂડીવાદી જગતમાં શું થઈ રહ્યું છે તેની વિગતો સમાજવાદી કેમ્પે પોતાના નાગરિકો પાસે જવા દીધી નહીં. સમાજવાદી કેમ્પનું એક જ ધ્યેય હતું કે મૂડીવાદી સીસ્ટમનો જગતભરમાંથી નાશ કરવો અને મૂડીવાદી છાવણી (કેમ્પ)નું ધ્યેય સામ્યવાદનો નાશ કરવાનું હતું.

સોવિયેટ રશિયા એમ માનતું હતું કે ૧૯૧૭ની ઓક્ટોબર ક્રાંતિ જગતભરમાં પ્રસરી જશે અને જગતના તમામ લોકો મૂડીવાદમાંથી 'લીબરેટ' થઈ જશે તેમ ના થયું તેથી સોવિયેટ રશિયા જગતથી વિખૂટું પડી ગયું. તેને પશ્ચિમ જગત દ્વારા વિખૂટુ પાડી દેવામાં આવ્યું. આનો તેને એક ફાયદો એ થયો કે અમેરિકામાં ૧૯૨૯માં જે મહામંદી થઈ તે સોવિયેટ રશિયાના અર્થકારણને સ્પર્શી નહીં. સોવિયેટ રશિયાએ ઈ.સ. ૧૯૧૭થી ૧૯૩૯ના ૨૨ વર્ષ દરમિયાન એટલું ઝડપથી જ દેશનું ઔદ્યોગીકરણ કર્યું કે જગત ચકિત થઈ ગયું. મૂડીવાદી દેશોના લોકોની આંખો પહોળી થઈ ગઈ. માત્ર ૨૨ વર્ષના ગાળામાં એક દેશ ફ્યુડલ અર્થકારણમાંથી ઔદ્યોગીક અર્થકારણમાં પ્રવેશી ગયો. આર્થિક સમાનતા બાજુ પર રહી ગઈ. સોવિયેટ રશિયાએ જબરજસ્ત યુદ્ધ વ્યવસ્થા (વોર ઈકોનોમી) ઊભી કરી. ઈતિહાસનો એક ક્રૂર કટાક્ષ ગણાય કે સમાનતાના આદર્શ પર રચાયેલું અર્થકારણ - રાજકારણ ગરીબ દેશમાં ઝડપી ઔદ્યોગીકરણ કેવી રીતે કરવું તેનું મોડેલ બની ગયુનો સરપ્લસ ઉભો કરવાનું યંત્ર બની ગયું.

આ મોડેલથી ભારત પણ અંજાયુ અને ૧૯૫૧થી ભારતમાં પંચવર્ષીય યોજનાઓ શરૃ થઈ. ભારતમાં ૧૯૫૧-૧૯૯૧ના ૪૦ વર્ષ સમાજવાદના નામે સ્ટેટ કેપીટાલીઝમનો ઉદય થયો અને રાજ્યનું અર્થકારણ કેન્દ્રના પ્રધાનો અને સરકારી બાબુઓના હાથમાં આવી ગયું. ભારતે મોટા પ્રમાણમાં રાજ્ય સાહસો ઉભા કર્યા અને તેમાં રોકાણ કર્યું. તેમના ઘણા ધોળા હાથી સાબીત થયા. તેઓએ ગંજાબહાર ખોટ કરવા માડી. સમાજવાદી સમાજની રચના કે પાછળથી સમાજવાદ હેઠળ આપણો આર્થિક વૃદ્ધિ દર માત્ર ૩ થી ૩.૫ ટકા સુધીનો રહ્યો જેનાથી તે દરમિયાન થયેલો વસતી વધારાનો બે ટકા જેટલો વૃદ્ધિ દર બાદ કરવો પડે. જોકે એ કબૂલ કરવું પડે કે જવાહરલાલ નહેરૃએ ૧૯૫૦ના દાયકામાં ઉચ્ચ શિક્ષણ, ભારે ઉદ્યોગોનો અને મોટી નહેર યોજનાઓ (દા.ત. ભાખરાનાંગલ)નો સંગીન પાયો નાંખ્યો પરંતુ પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક આરોગ્યની અવગણના કરી. ભારત ૧૯૫૧-૧૯૯૧ પરમીટ ક્વોટાનું સ્થગિત રાજ્ય બની ગયું. જે દરમિયાન તૈવાન, ચીન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, સીંગાપોર આર્થિક ચમત્કાર સર્જ્યો.

અર્થકારણમાં સામ્યવાદી મોડેલ કેમ નિષ્ફળ ગયું ?
ભારતે ૪૦ અણમોલ વર્ષો (૧૯૫૧-૧૯૯૧) ગુમાવ્યા કારણ કે સામ્યવાદ મુક્ત બજારનું ઘોર વિરોધી હતું. સૌ પ્રથમ તો સોવિયેટ રશિયાએ બજારમાં ભાવોની સીસ્ટમ (પ્રાઈસ મીકેનીઝમ) તોડી નાખી. બજારો ભાવો દ્વારા ગ્રાહકો કઈ ચીજવસ્તુ પસંદ કરે છે અને કઈ ચીજવસ્તુ પસંદ કરતાં નથી તેનું 'સીગ્નલીંગ' કરે છે. સોવિયેટ રશિયા અને તેના મિત્ર રાષ્ટ્રોએ આ સીગ્નલ સીસ્ટમ તોડી નાખી તેથી ગ્રાહકોને માટે માલની અછત ઊભી થઈ અને ગ્રાહકોને પસંદ ના પડે તેવા માલોનો ભરાવો થયો. જમણા પગના લાંબો બૂટ બનવા મંડયા પણ ડાબા પગના બૂટ (જોડા) ના બન્યા. માલની ગુણવત્તા તદ્દન નીચે જતી રહી. વપરાશી માલની એટલી બધી અછત ઊભી થઈ કે ઓફીસમાંથી છૂટયા પછી નાગરિકોનું મોટું કામ દુકાનોની લાઈનમાં જોડાઈ જવાનું રહેતું. પરંતુ તમારે મોટું ઔદ્યોગીક રાજ્ય રચવું હોય તો પુષ્કળ મૂડીરોકાણ કરવું પડે.

મૂડીવાદનું અર્થકારણ : ઈ.સ. ૧૯૯૧માં સોવિયેટ રશિયાનું પતન થતાં પશ્ચિમ જગતના મૂડીવાદને પડકારનાર કોઈ બળ રહ્યું નહીં. મૂડીવાદના પણ અનેક ભાગો પડી ગયા છે. અત્યારના જગતના અર્થકારણમાં મૂડીવાદ વિરૃદ્ધ સામ્યવાદી અર્થકારણનું (કેન્દ્રીય આયોજનનું) યુદ્ધ ચાલતું નથી પણ જુદા જુદા પ્રકારના મૂડીવાદી અર્થકારણો વચ્ચે (યુદ્ધ નહીં પણ) હરીફાઈ ચાલે છે. અમેરિકન મૂડીવાદ અત્યંત આક્રમક છે. જ્યારે પશ્ચિમ યુરોપનો મૂડીવાદ 'લીબરલ' અને વધુ માનવલક્ષી છે. આની સામે સ્વીડન, નોર્વે, ડેન્માર્ક, ફીનલેડ, આઈસલેડ જેવા 'નોર્ડીક' દેશોનો મૂડીવાદ કલ્યાણલક્ષી છે. જ્યારે ચીનનું અર્થકારણ લગભગ મૂડીવાદી છે. પરંતુ તેની સરકાર સામ્યવાદી છે. જગતમાં આ એક નવો પ્રયોગ છે. અત્યારના મૂડીવાદે દેશો વચ્ચે અને દેશની અંદર જબરજસ્ત અસમાનતા ઊભી કરી છે.

તેણે સંખ્યાબંધ અબજપતિઓ ઊભા કર્યા છે. જ્યારે દેશની અંદર અનેક લોકો કંગાળ છે. તે મૂડીકેન્દ્રી છે. તેણે પુષ્કળ પ્રદૂષણ ઊભું કર્યું છે. તે અન્યાયી વ્યવસ્થા(અનજસ્ટ સીસ્ટમ) છે. તેણે રાજ્યને અને અમલદારશાહીને પોતાના કહ્યાગરા બનાવી દીધા છે. આ પ્રથા અન્યાયી અને શોષણખોર હોવાથી ચાલી શકે તેમ નથી. તેને બદલવા સામાજીક ચળવળો થાય છે પણ તેને દબાવી દેવામાં આવે છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

બજેટ ટાણે ભારતના અર્થકારણનું સ્વોટ એનાલીસીસ સમજણમાં વધારો કરશે

તા. ૨૯-૨-૨૦૧૬ના રોજ ભારતનું બજેટ (૨૦૧૬-૨૦૧૭) બહાર પડશે. તેનું પૃથક્કરણ કરવા અથવા બજેટ અંગેની ઊંડી સમજ મેળવવા અત્યારના ની તાકાતો (સ્ટ્રેંથ્લ), નબળાઈઓ (વીકનેસીઝ), તકો (ઓર્પોચ્યુનીટીઝ) અને ભયો (થ્રેટસ)ની સમજ મેળવવી પડશે. આપણે બહુ જ ટૂંકમાં તેની ચર્ચા કરીશું.

અર્થકારણની તાકાતો :

ભારત અત્યારે જગતના મોટા અર્થકારણોમાં સૌથી વધારે ઝડપથી આગળ વધી રહ્યું છે. ચાલુ વર્ષે તેનો વિકાસ દર ૭.૩ કે ૭.૪ ટકા જેટલો રહેશે. ચીનનો વિકાસ દર સાત ટકાથી નીચે જતો રહ્યો છે. આઈએમએફના રીપોર્ટ મુજબ ભારતનો ૧૯૧૬-૧૯૧૭ અને ૧૯૧૭-૧૯૧૮નો વિકાસદર ૭.૫ ટકા જેટલો હોવાનું અનુમાન છે. તે ઉપરાંત જાહેર થનારા બજેટમાં ફીસકલ ખાદ્ય ૩.૫થી ૪ ટકાની વચ્ચે રહેશે. આ વર્ષે અને આવતા બે વર્ષ માટે તે ૩.૫ ટકા સુધી રાખવાનું નક્કી થયું હતું. પરંતુ જો તે ૩.૮ ટકા સુધી જશે તેમ માનવામાં આવે છે.

અલબત્ત આ ખાધ માટેના નાણા નવી નોટો છાપીને નહીં પણ સરકારી સાહસોમાં નફો કરીને કે જાહેર લોન લઈને પૂરા પડાય તો તે દેશને વધુ ફાયદાકારક (ફુગાવા વિરોધી) સાબીત થશે. ભારતમાં અત્યારે છૂટક બજારોના ભાવોને વધારો ૬ ટકાની અંદર છે અને જથ્થાબંધ ભાવોનો વધારો તેનાથી નીચો છે. તે એમ સૂચવે છે કે ફુગાવો એકંદરે કાબુમાં છે. જો ફુગાવો ૧૨ ટકા કે તેથી વધુ ઉપર થાય તો ભલભલી સરકારોને તૂટી પડવાનો ભય રહે છે. ભારતનું અર્થકારણ ધીરે ધીરે બદલાઈ રહ્યું છે. ભારતની રાષ્ટ્રીય આવકમાં સેવાઓનો ફાળો ૫૫ ટકાની આજુબાજુ ગણાય છે અને તે વધતો જાય છે. આ સેવા ક્ષેત્રે પણ આઈટી સેવાઓનો ફાળો વધતો જાય છે. ભારતના સેવા ક્ષેત્રનો વિકાસ છેલ્લા ચાર વર્ષથી ૯ ટકાના દરે વધી રહ્યો છે. જ્યારે ખેતી ક્ષેત્રના તથા ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ દરો કરતાં વધારે છે. અમેરિકામાં સેવા ક્ષેત્રનો ફાળો તેની રાષ્ટ્રીય આવકમાં ૮૦ ટકા જેટલો છે અને પશ્ચિમ યુરોપના દેશોમાં પણ 'ડીઈન્ડસ્ટ્રીઅલાઈઝેશન' થઈ રહ્યું છે.

વૈશ્વિક પરિસ્થિતિ :

ભારત માટે અત્યારે વિશ્વમાં તેલના ભાવો નીચે જઈ રહ્યા છે તે સ્થિતિ ઘણી ફાયદાકારક છે. અત્યારે ક્રૂડ તેલના ભાવો ૩૧ ડોલર્સની આજુબાજુ છે. અમુક સમય પહેલાં તે ૧૩૦ ડોલર્સની આજુબાજુ થઈ ગયા હતા. ભારતે ખુશ થવાનું છે કે ખનિજ તેલના ભાવો ઓછા થઈ ગયા છે. કેમ ? ભારતની આયાતમાં સૌથી વધુ મોટી એક આઈટમ ખનિજ તેલ અને તેની પ્રોડક્સની આયાત છે. ભારત માટે ખનિજ તેલના ઓછા ભાવો એક 'વીન્ડફોલ' જેને લીધે ભારતની બજેટ ખાધ અને ચાલુ ખાતાની ખાધ ઓછી થઈ છે. ભારતમાં બે વર્ષ સતત પ્રતિકૂળ હવામાન છતાં ભારતમાં દુકાળો પડયા નથી. કે લાંબા ગાળાની અછત સર્જાઈ નથી તે ભારતીય અર્થકારણનું પોઝીટીવ પાસુ છે. ભારતની નિકાસ ઘટી રહી છે કારણ કે જગતભરમાં કોમોડીટીઝ અને અન્ય ચીજોના ભાવો ઘટી રહ્યા છે. આ એક વૈશ્વિક પરિબળ છે. તેમ છતાં ભારતની ચાલુ ખાતાની ખાદ્ય (જેને આપણે બહોળી વ્યાખ્યામાં નિકાસમાંથી આયાતની બાદબાકી ગણી શકીએ) જીડીપીના માત્ર ૧.૫ ટકાની આજુબાજુ રહેશે. વળી ભારતમાં પ્રત્યક્ષ વેરા (વ્યક્તિગત ટેક્ષ + કંપની ટેક્ષ)ની આવક લક્ષ્યાંક કરતાં ઓછી થશે. પરંતુ અપ્રત્યક્ષ વેરા (એકસાઈઝ ડયુટી, કસ્ટમ ડયુટી અને સર્વીસ ટેક્ષ)ની આવક લક્ષ્યાંક કરતાં વધારે થવા સંભવ છે. તેથી બન્ને પ્રકારના કરવેરા ભેગા થઈને કરવેરાના લક્ષ્યાંકને પૂરા કરશે.

નબળાઈઓ :

નબળાઈઓ ઘણી છે. જબરજસ્ત આઘાત આપનારી ઘટના લીસ્ટેડ બેંકોની નોન-પરફોર્મીંગ એસેટસ છે. દા.ત. સ્ટેટ બેંકની એનપીએ ૭૨૭૯૨ કરોડ રૃપિયા બેંક ઓફ બરોડાની ૩૮૯૨૪ કરોડ રૃપિયા, બેંક ઓફ ઈન્ડીયાની ૩૬૫૧૯ કરોડ રૃપિયા, પંજાબ નેશનલ બેંકની ૩૪,૩૩૮ કરોડ રૃપિયા, ઈન્ડીયા ઓવરસીઝ બેંકની ૨૨૬૭૨ કરોડ રૃપિયા વગેરેના આંકડા જે તે બેંકની નોન-પરફોર્મીગ એસેટસ છે. આ રૃપાળા નામ હેઠળ ભયાનક હકીકત એ છે કે બેંકોએ લોકોને ધીરેલા પૈસા કરજદારોએ પાછા આપ્યા નથી. ૨૦૧૫ના અંત સુધીમાં તમામ લીસ્ટેડ બેંકોની નોન-પર્ફોમીંગ એસેટ્સ ૪.૩૯ લાખ કરોડ રૃપિયા હતી. આ રકમમાંથી કેટલી રીકવરી થશે તેની આપણને ખબર નથી. બેંકોને પુન: ધમધમતી કરવા સરકાર બજેટમાં ક્યા પગલાં લેશે તેની આપણે રાહ જોઈ રહ્યા ંછે.

બીજુ, ભારતની નિકાસ સતત ઘટી રહી છે. નિકાસમાં સતત ૧૩માં મહિને ઘટાડાનો દોર જોવા મળ્યો છે. આનું કારણ વિશ્વના બજારોના અને ખાસ કરીને ચીનમાં સ્લો-ડાઉન થઈ રહ્યું છે.

સીમેન્ટ, સ્ટીલ અને પાવર ક્ષેત્રે ભારતમાં મંદી છે. તેથી સરકાર અને ખાનગી ક્ષેત્ર જરૃર નોકરીઓ ઊભી કરી શક્યા નથી. ભારતમાં ભલે સાત ટકાથી વધુ દરે વિકાસ થઈ રહ્યો હોય પણ તે પૂરતી નવી નોકરીઓ ઊભી કરતો નથી. જાણીતા અર્થશાસ્ત્રીઓ પ્રો. બીએન પીરઝાદા અને પ્રો. રમેશ શાહે પણ આ પ્રકારના 'પ્લેબેલ ગ્રોથ' માટે ચિંતા વ્યક્ત કરી છે. ભારતની સરકાર માટે એક જબરજસ્ત ચિંતાનો વિષય સાતમાં પે કમીશનની ભલામણો અને વન રેંક - વન પેન્શન યોજનાના અમલનો રહેશે. આ અમલ માટે સરકારે ૧.૧ ટ્રીલીયન (એક ટ્રીલીએન એટલે એક લાખ કરોડ) રૃપિયાની જરૃર પડશે.

આટલી રકમ જે આપણી રાષ્ટ્રીય આવકના ૭ ટકા (એક ટકાનો સાતમો ભાગ) જેટલી જંગી થાય તેની સરકાર કેવી રીતે જોગવાઈ કરશે ? છેલ્લાં બે વર્ષથી ભારતમાં ચોમાસું સારૃ નથી ગયું. આથી ભારતમાં માથાદીઠ અનાજની ઉપલબ્ધતા ઘટી છે. વળી ભલે છૂટક ભાવો માત્ર ૬ ટકાના દરે જ વધ્યા હોય પરંતુ કઠોળના ભાવો થોડાક ઘટયા છતાં હજી કીલોના ૧૨૦-૧૫૦ના રેન્જના છે. ૨૦૧૪-૨૦૧૫માં ભારતમાં કૃષિ ઉત્પાદન માઈનસ ૨ ટકાનું અને ૨૦૧૫-૨૦૧૬માં તે માત્ર ૧.૧ ટકા (સૂચિત) થશે. ભાજપની ચૂંટણીના રાજકારણ માટે આ એક મોટી ચેતવણીરૃપ સમસ્યા છે.

મેઈક ઈન ઈન્ડીયા કાર્યક્રમને સ્કીલ ઈન્ડીયા અને ઉદ્યોગ સાહસિકતાને બરાબર આગળ વધારવામાં આવે તો ચીનને બદલે ભારત જગતનું મેન્યુફેકચરીંગ હબ બની જાય તે શક્યતા છે.

આ બજેટમાં કોર્પોરેટ ટેક્ષ પર ૩૦ ટકાનો વેરો છે તે થોડોક ઓછો થવાનો સંભવ છે. ભારત સરકાર ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસને ગંભીરતાથી લે તો ભારતમાં મોટા પ્રમાણમાં દેશની અને વિદેશી મૂડીનું જંગી રોકાણ થાય. હજી ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસમાં કે ભારતની બ્યુરોક્રસીમાં બીગબેંગ સુધારા થયા નથી. આવકવેરાની છૂટમાં વધુ ફેરફારો થવાનો સંભવ છે.

ઓસ્ટરનેટીવ મીનીમમ ટેક્ષ નાબૂદ કરવાની સરકારને આ બજેટમાં તક છે. ડોલરના પ્રમાણમાં રૃપિયો ગગડયો છે. એટલે ખરેખર તો નિકાસને ઉત્તેજન મળવું જોઈએ પણ તેમ થયું નથી.

સરકાર જાહેર ક્ષેત્રમાંથી હજી વધુ ડીસઈન્વેસ્ટમેન્ટ કરી બજેટ ખાદ્ય ઘટાડે તેની તક છે. સરકાર હજી ખાતર, પાણી (મફત વીજળી), અને ખેતીવાડીના અન્ન ક્ષેત્રોના જંગી સબીસીડી આપે છે તેનું રેશનલાઈઝેશન જરૃરી છે. સોલર એર્નજી ક્ષેત્રે અદ્ભુત તકો છે.

ભય સ્થાનો (થ્રેટ્સ) : રાજકારણ બહુ ડામાડોળ છે. જીએસટી અને બેન્કરપ્સી બીલ આ સેશનમાં પસાર થાય તે જરૃરી છે. જો જગતભરમાં મંદી આવશે (અત્યારે માત્ર સ્લોડાઉન છે) તો ભારતની નિકાસ ઘટી જશે. ભારતમાં આતંકવાદ વકરશે તો શેરબજાર મંદ પડી જશે કે તૂટી પડશે અને બેકારનો દર વધતા રાજકીય એર્નાકી થાય તેવી શક્યતા છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

બજેટની રજૂઆત બાદ ભારતીય અર્થતંત્રનું કેવું ચિત્ર ઉપસે છે...?

ફીસ્કલ ડેફીસીટ :

આ લેખમાં ચાલુ બજેટ સમયે ભારતીય અર્થતંત્રનું કેવું ચિત્ર ઉપસે છે તે પર નજર કરીશું. નીચેના મોટા ભાગના આંકડા રાષ્ટ્રીય આવકની ટકાવારી રૃપે મૂક્યા છે. ફીસ્કલ ડેફીસીટ એટલે ભારત સરકારની તમામ આવકમાંથી તમામ ખર્ચાની બાદબાકી. સરકારનો ખર્ચો વધારે છે અને આવક ઓછી છે. ફીસ્કલ ખાધમાં સરકારે જે રકમ ઉધાર (બોરોઇંગ) લીધી હોય તેનો સમાવેશ થતો નથી. ઇ.સ. ૨૦૧૨-૧૩માં ફીસ્કલ ખાધ ૪.૮ ટકા હતી, ૨૦૧૪-૨૦૧૫માં ૪.૧ ટકા હતી અને ૨૦૧૫-૨૦૧૬માં તે ૩.૯ ટકા જ રહેશે તેવું અનુમાન છે. ઘણાં અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે કેન્દ્રીય બજેટને સરપ્લસ રાખવું જોઈએ, જ્યારે ઘણાં એમ માને છે કે થોડીક ખાધ ચાલે અને બીજા અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે, દર વર્ષે બજેટનું સંતુલન રાખવું જરૃરી નથી પણ બીઝનેસ સાયકલના ચાર પાંચ કે છ વર્ષના સમગ્ર ગાળા દરમ્યાન બજેટનું સંતુલન કરો તો ચાલે મંદી અને મહામંદીમાં ફીસ્કલ ખાધ રાખો જેથી લોકોની ખરીદ શક્તિ વધે અને જ્યારે અર્થકારણ સુધરે ત્યારે બજેટનું સરપ્લસ રાખો જેથી પહેલાની ખાધ પુરાઈ જાય.

લાંબા ગાળાની ફીસ્કલ ખાધ સારી બાબત નથી. કારણ કે સરકાર ફીસ્કલ ખાધ પુરવા નવી નોટો છાપે છે કે લોકો પાસેથી પૈસા (બોન્ડઝ કે ટ્રેઝરી બિલ્સ દ્વારા) ઉધાર લે છે કે પછી સરકારને જાહેર સાહસો વેચી નાખવા પડે છે. ફીસ્કલ ખાધ બહુ વધુ હોય અને સરકાર તેને દૂર કરવા નાણાં છાપવાનો નિર્ણય લે તો ફુગાવો પણ વધી જાય અને સરકારને લોકો ઉથલાવી પાડે. અલબત્ત અત્યારે છૂટક બજારમાં ફુગાવાનો દર પાંચથી છ ટકા વચ્ચેનો છે તે બહુ ચિંતાજનક નથી. અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે વાર્ષિક બે કે ત્રણ ટકાનો ફુગાવો અર્થકારણ માટે લાભદાયી છે. કારણ કે ભાવ વધારો અને તે ચાલુ રહેશે તેવી વાજબી અપેક્ષાઓ (રેશનલ એક્સ્પેક્ટેશન) રાખીને ઉત્પાદકો પોતાનું ઉત્પાદન અને પુરવઠો (સપ્લાય) વધારશે. સરકારે ટેક્ષ અને અન્ય સ્તોત્રોમાંથી મેળવવા ધારેલી આવક અને મેળવેલી આવક વચ્ચેના તફાવતને રેવન્યુ ખાધ કહે છે. આ વર્ષે (૨૦૧૫-૧૬) ૨.૫ ટકા જેટલી મોટી રહેશે.

જાહેરક્ષેત્રમાંથી બીનરોકાણ :

આ ક્ષેત્રે સરકારને બહુ નિરાશા સાંપડી છે. ૨૦૧૫-૧૬ દરમિયાન સરકાર જાહેર સાહસોના શેરોના વેચાણ દ્વારા ૬૯,૫૦૦ કરોડ રૃપિયા મેળવવાની હતી પણ સરકાર માત્ર ૨૫૨૧૨ કરોડ રૃપિયા માર્ચ ૨૦૧૬ સુધી મેળવી શકશે. જાહેર ક્ષેત્રના માત્ર અમુક ટકા શેરો વેચવાને બદલે સરકાર અમુક ખોટ કરતા ઉદ્યોગ સાહસોને સંપૂર્ણપણે વેચી દે તો તેના પૈસા સામાજિક કલ્યાણ માટે વાપરી શકાય અહીં એ નોંધવું જરૃરી છે કે ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક માત્ર ૧૫૭૦ ડોલર્સ છે. ચીનની ૭૦૦૦ ડોલર્સ અને અમેરિકાની લગભગ ૫૨૦૦૦ ડોલર્સ છે. મેરા ભારત મહાન બોલનારે ફરીથી વિચાર કરવો પડશે.

ભારત સરકારની સબસીડી :

ભારત સરકાર ગરીબો માટે કંઈ કરતી નથી તે વાત સાચી નથી. બંને પક્ષોની સરકારોએ સબસીડીમાં સતત વધારો કર્યો છે. ૨૦૧૫-૨૦૧૬માં સરકારે નીચે પ્રમાણે જંગી સબસીડી (સૂચિત) આપી છે. એ સમજી શકાય છે કે સૌથી વધારે સબસીડી અનાજ (સસ્તા અનાજની દુકાનો) પર આપી હતી.

ભારતમાં ૨૦૧૫-૨૦૧૬ દરમિયાન અપાયેલી સબસીડી (એસ્ટીમેટ)
અનાજ ૧,૩૯,૪૧૯ કરોડ રૃા.
ખાતર ૭૨,૪૩૮ કરોડ રૃા.
પેટ્રોલિયમ ૩૦,૦૦૦ કરોડ રૃા.
વ્યાજમાં રાહત ૧૩,૮૦૮ કરોડ રૃા.
અન્ય રાહતો ૨૧૩૬ કરોડ
કુલ સબસીડી ૨,૫૭,૮૦૧ કરોડ રૃા.
૨૦૧૪-૧૫ના આગલા વર્ષે કુલ સબસીડીની રકમ ૨,૫૮,૨૫૮ કરોડ હતી એટલે કે સરકારે સબસીડીના ખર્ચામાં મામુલી ઘટાડો કર્યો છે. કેન્દ્રીય સરકાર પેટ્રોલીયમના ભાવ ૩૦થી ૩૫ ડોલર્સની વચ્ચે થઈ ગયા છતાં દેશમાં પૂરતા પ્રમાણમાં ભાવો ઘટાડતી નથી અને તે દ્વારા પુષ્કળ રેવન્યુ મેળવે છે નેપાળને માત્ર ૩૦,૦૦૦ કરોડની સબસીડી પેટ્રોલિયમ પાછળ ખર્ચે છે.

મનરેગા યોજના :

ઇ.સ. ૨૦૧૪-૧૫માં સરકારે મનરેગા પાછળ ૩૨,૪૬૩ કરોડનું બજેટ ફાળવ્યું હતું. ૨૦૧૫-૧૬માં આ બજેટ વધીને ૩૫,૭૬૬ કરોડ (સૂચિત) થયું ૨૦૧૬-૨૦૧૭માં મનરેગા પાછળ ૩૮,૫૦૦ કરોડ રૃપિયાનો ખર્ચ કરાશે. કોંગ્રેસે શરુ કરેલી મનરેગા યોજના બીજેપીને પણ ઘણી લાભદાયી (રાજકારણની રીતે) જણાઈ લાગે છે તેથી મનરેગા પાછળનું બજેટ લગભગ ૨૭૫૦ કરોડ રૃા. જેટલું વધાર્યું છે. ૨૦૧૫-૧૬ દરમિયાન આ યોજના હેઠળ ૨૧૦ કરોડ માનવ દિવસોનું મજૂરી વળતર ઉભું થયું હતું. ૨૦૧૬-૨૦૧૭માં તે વધીને ૨૧૫ કરોડ માનવ દિવસો જેટલું થશે.

ખેતીવાડી ક્ષેત્ર :

૨૦૧૬- ૨૦૧૭માં શરુ થનાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જરૃર હતી અને તેથી ખેડૂતોને લાભ થશે પરંતુ આ ક્ષેત્રમાં સૌથી મોટો નિર્ણય ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં સો ટકા વિદેશી મૂડીરોકાણની છૂટ આપી તે ગણાય. વિદેશી ફૂડ કંપનીઓ 'લોજિસ્ટિક' (માલની વહેંચણી, સ્ટોરેજ, હેરફેર, ફૂડ પ્રોડક્ટનું મેન્યુ ફેક્ચરીંગ અને પેકેજીંગ)માં અત્યંત કુશળતા ધરાવતી હોય છે. આ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ કે વિદેશી રોકાણ આવે તો આપણા કરોડોના અનાજ, શાકભાજી, ફળફૂલ વેડફાઈ જાય છે તે અટકશે. વિદેશી રોકાણ એટલે શાહીવાદ અને નકરો શાહીવાદ એમ માનવાની જરૃર નથી. સામ્યવાદી ચીને આપણાથી અનેકગણી વિદેશી મૂડી મેળવી છે અને તે દેશ લૂંટાઈ ગયો છે તેવી ફરિયાદ થઈ નથી. વળી ૧ મે, ૨૦૧૮ સુધીમાં દેશના તમામ ગામોમાં વીજળીની સગવડનું સૂચન આવકારદાયક છે. આપણા દેશના અર્થકારણને તોડી નાખે તેટલી મોટી એનપીએ આપણી જાહેર અને લિસ્ટેડ બેંકો માટે શરમજનક બાબત છે આ બાબતમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તે આપણે જાણતા નથી.

સૌથી નામોશીભરી બાબત :

રાજ્યો અને કેન્દ્ર સરકારો દેશના શિક્ષણ, સ્વાસ્થ્ય અને અન્ય કલ્યાણકારી યોજનાઓ પાછળ જે બજેટ ફાળવે છે તે શરમજનક રીતે ઓછું છે ૨૦૧૦-૨૦૧૧થી ૨૦૧૫-૨૦૧૬ (બેસ્ટ એસ્ટીમેટ) સુધીના આંકડા આ બાબત પુરવાર કરે છે. દેશમાં શિક્ષણ, સ્વાસ્થય પાછળ જીડીપીના છ ટકા તો ખર્ચાવા જ જોઈએ તેને બદલે માત્ર સાડા ચાર ટકા ખર્ચાય છે. પરંતુ દેશની વસતી દર વર્ષે દોઢ થી બે કરોડની વચ્ચે વધે છે. એટલે આ બધા પગલાં કાણી ડોલમાં પાણી ભરવા બરાબર છે.

૨૦૧૦-૧૧માં કેન્દ્ર અને રાજ્ય સરકારે શિક્ષણ પાછળ જીડીપીમાં માત્ર ૩.૧ ટકા ખર્ચ કર્યો હોત. પરંતુ ૨૦૧૫-૧૬ આ ટકાવારીમાં વધારો તો નહીં પણ આ ટકાવારી ઘટીને ૩.૦ થઈ ગઈ.
૨૦૧૦-૧૨માં સ્વાસ્થ્ય સેવાઓ (પબ્લિક હેલ્થ, તબીબી સારવાર, કુટુંબ કલ્યાણ વગેરે) પાછળ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ભેગા મળીને જીડીપીના ૧.૩ ટકા ખર્ચ કર્યો અને ૨૦૧૫-૨૦૧૬ (બેસ્ટ એસ્ટીમેટ)માં આ ટકાવારી ત્યંની ત્યાં જ (૩ ટકા) રહી છે. અન્ય કલ્યાણ યોજનાઓ પાછળ પણ ઉપરના બન્ને વર્ષોમાં માત્ર ૨.૪ ટકા પર સ્થગિત થઈ ગયો છે. ૨૦૧૬- ૨૦૧૭માં શ્રી જેટલીએ ઉચ્ચ શિક્ષણ માટે ૭૨૩૯૪ કરોડ રૃપિયા ફાળવ્યા છે. આ રકમમાં એટલો વધારો કરવામાં આવે જેથી ફાર્મસી, મેડીસન, સાયન્સ, એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ, આર્કિટેક્ચર વગેરેનું શિક્ષણ જે અત્યંત મોંઘુ થઈ ગયું છે. તે વિદ્યાર્થીઓને લગભગ મફત મળે તેવું થવું જોઈએ. સરકારે પોતે પ્રોફેશનલ કોર્સિઝમાં ધરખમ વધારો પૂરો કરવાની જરૃર છે. આપણે માસ એજ્યુકેશન નહિ પણ માસ હાયર એજ્યુકેશનવાળો સમાજ ઉભો કરવાનો છે. સામાન્ય પટાવાળો પણ એમ.એ. હોવો જોઈએ.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

સમાજવાદ, સામ્યવાદ અને મૂડીવાદથી અલગ અર્થકારણ રચવાની આવશ્યકતા

૧૯૩૧માં ઈજીપ્તમાં જન્મેલા પ્રખર સામ્યવાદી સમીર અમીન એમ માને છે કે વૈશ્વિક મૂડીવાદનું સ્થાન હવે વૈશ્વિક સમાજવાદે લેવું પડશે. સામ્યવાદ અને સમાજવાદ કાર્લ માર્ક્સ અને એન્જલ્સને પર્યાય રૃપે પ્રયોજ્યા હતા. ઈ.સ. ૧૯૧૭માં રશિયામાં ક્રાંતિ થઇ તે પછી તે દેશનું નામ યુનાઇટેડ સ્ટેટસ સોશીઆલીસ્ટ રીપબ્લીક્સ (યુએસએસઆર) રાખવામાં આવ્યું હતું. તેમાં સામ્યવાદ શબ્દનો ઉપયોગ નથી. સમીર અમીનની ઈચ્છા અત્યારે અવાસ્તવિક જણાય છે કારણ કે વ્યવહારમાં સામ્યવાદી અર્થકારણ અને રાજકારણ તેમની હેઠળના નાગરિકો માટે સારા સાબિત થયા ન હતા. ફ્યુડલ સમાજમાંથી સીધેસીધો સામ્યવાદ ઊભો થાય અને પાકટ મૂડીવાદમાંથી ઊભો ના થાય તો તે માનવ હક્કોનો વિનાશકારી સાબીત થાય છે.

સામ્યવાદી અર્થકારણ અને રાજકારણ

સોવિએટ અર્થકારણે બજાર વ્યવસ્થાનો નાશ કર્યો. પંચવર્ષીય યોજનામાં દાખલ કરી જેમાં સરકારે જ અર્થકારણને લગતા નિર્ણયો લીધા. ખેતીના ક્ષેત્રનું સામૂહીકકરણ કર્યું. ખેડૂતોની જમીન ઝૂંટવી લીધી અને કલેક્ટીવ ફાર્મ્સ ઊભા કર્યા જેનું સરપ્લસ સરકારે ઝૂંટવી લઇને શહેરોને અનાજ પૂરૃ પાડવા માંડયું. ૧૯૧૭માં સામ્યવાદી બનેલું રશિયા ઈ.સ. ૧૯૩૯માં ૨૨ વર્ષ દરમિયાન એક ઔદ્યોગીક રાષ્ટ્ર બની ગયું. આને અંગ્રેજીમાં આપણે પેરેડાઇમીક પરિવર્તન કહી શકીએ. ત્રીજું તેણે આજુબાજુના અને પશ્ચિમના મૂડીવાદી દેશોથી બચવા એક મોટું યુધ્ધતંત્ર ઊભું કરી દીધું. માત્ર બાવીસ વર્ષ દરમિયાન જ સોવિએટ રશિયા એક ફ્યુડલ ઝારશાહી રાષ્ટ્રમાંથી અમેરિકાની ટક્કર લઇ શકે તેવું રાષ્ટ્ર બની ગયું. તેની સફળતાએ લોકોને આંજી નાખ્યા. ઈ.સ. ૧૯૩૯-૧૯૪૫ના બીજા વિશ્વયુધ્ધમાં રશિયન લશ્કરે હીટલરના સૈન્યને હરાવી દીધું. નાઝીવાદને દૂર કરવામાં રશિયાનો મોટો ફાળો છે. આમ છતાં તેની નિષ્ફળતાને લીધે ઈ.સ. ૧૯૯૧માં માત્ર ૭૪ જ વર્ષમાં (૧૯૧૭-૧૯૯૧) તે અસ્ત પામ્યું. ૧૯૯૧માં તેનું વિઘટન થતા તેમાંથી ૧૫ રાજ્યો છૂટા પડી ગયા. આમ કેમ થયું ? તેના પણ કારણો છે પરંતુ તેનું અગત્યનું કારણ લોકશાહીનો તદ્દન અભાવ ગણી શકાય. સ્ટાલીન અને ક્રુશ્ચેવ બન્ને ક્રૂર રાજ્યકર્તાઓ સાબિત થયા.

સ્ટાલીને અસંખ્ય ખેડૂતો (કુલાકમ) જે સામૂહીકરણનો વિરોધ કરતા હતા તેને મારી નાંખ્યા. બૌધ્ધિકોને જેલમાં પૂરી દીધા. ટ્રોટસ્કી જેવા વિરોધીઓના ખૂન કરાવ્યા. તેમનું અર્થકારણનું કેન્દ્રીય આયોજનવાળું મોડેલ તદ્દન નિષ્ફળ ગયું. સરકારી અમલદારોને ઉદ્યોગો ચલાવતા ક્યાંથી આવડે ? ચીજવસ્તુઓની પુષ્કળ અછત ઊભી થઇ. દુકાનો પર મોટી મોટી લાઇનો લાગવા માંડી. એક લાખ જોડી બુટ અને તેમાં બધા ડાબા પગના જ હોય, જમણા પગનું બુટ જ ના હોય. ટૂંકમાં સોવિયેટ યુનિયન જે શ્રમિકોની મુક્તિની વાત કરતું હતું અને સાચી લોકશાહીની વાત કરતું હતું તે શાહીવાદી બની ગયું. તેણે પોલેંડ, હંગેરી, યુગોસ્લાવીયા, પોલેંડ, આલ્બેનીયા વગેરે પૂર્વ યુરોપના દેશોને પોતાના ખંડિયા રાષ્ટ્રો બનાવી દીધા. આમ માત્ર મૂડીવાદ જ શાહીવાદ (ઈમ્પીરીઆલીઝમ)માં માને છે તેવું સમાજવાદીઓનું મહેણું તેને ભારે પડયું કારણકે તેઓએ જ પૂર્વ યુરોપના રાષ્ટ્રોના બળવાને ટેંકોથી કચડી નાખ્યા હતા. પોલેંડ અને હંગેરીમાં આમ બન્યું હતું.

લોકશાહીનો અભાવ અને ક્રૂર સરમુખત્યારશાહીને કારણે સોવિએટ રેશિયા ૧૯૯૧માં અદ્રશ્ય થઇ ગયું. ઈતિહાસનો એ ક્રૂર કટાક્ષ છે કે મૂડીવાદની રાખમાંથી સામ્યવાદ ઊભો થવાનો હતો તેને બદલે સામ્યવાદની રાખમાંથી અમેરિકન પ્રકારનો આક્રમક મૂડીવાદ પેદા થયો. આજે ક્યુબા, વિએટનામ કે ઉત્તર કોરિયા સિવાય જગતમાં કોઇ શુધ્ધ સામ્યવાદી દેશ નથી. ચીનમાં સરકાર સામ્યવાદી છે પણ અર્થકારણમાં મૂડીવાદ અને સરકારી સાહસોનું મિશ્રણ છે. ચીનના વિકાસનો એક આધાર ત્યાં વિદેશી મૂડી અને પશ્ચિમ જગતનું બહુરાષ્ટ્રીય કંપનીઓની હાજરી છે. રશિયન ફેડરેશનમાં પુટીન સર્વસત્તાધીશ બની બેઠા છે. તેઓ ચૂંટણીમાં નંબર એક આવવાની કળામાં નિષ્ણાત છે. અત્યારે ૧૦૦ ટકા સામ્યવાદી દેશ ઉત્તર કોરિયા છે જેના વડા તેમની છોકરમતને કારણે જગત અણુયુધ્ધમાં સરકી પડે તેમ છે. તે પોતાને સામ્યવાદનું રક્ષણ કરતો જેમ્સ બોંડ માને છે તેવું તેના વર્તન પરથી લાગે છે. જેમ્સ બોંડ કોલ્ડવૉરનો હીરો હતો.

મૂડીવાદ - નવ ઉદારમતવાદ

મૂડીવાદી સમાજે ફયુડલ રાજ્યવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા ખતમ કરી. તે ફ્યુડાલીઝમની રાખમાંથી ઊભો થયો હતો. ઔદ્યોગીક મૂડીવાદનો જન્મ વ્યાપારી ક્રાંતિ (કોમર્શિઅલ રીવોલ્યુશનમાંથી થયો. ઈ.સ. ૧૪૯૦ પછી નવા દરીયાઇ રસ્તાઓ યુરોપે ખોળી કાઢ્યા (ભારતે કેમ ના ખોળ્યા ?ઃ તેમાંથી મોટી વ્યાપારી ક્રાંતિ સર્જાઇ અને તેણે ઔદ્યોગીક ક્રાંતિ શરૃ થઇ. તેણે મૂડીવાદને જન્મ આપ્યો. મૂડીવાદ એ નવી ટેકનોલોજીમાંથી ઊભો થયેલો સમાજ છે. તે સમુદાયને નહીં પણ વ્યક્તિને કેન્દ્રમાં રાખે છે. મૂડીવાદે માનવસંબંધોનું વ્યાપારીકરણ કર્યું છે.

તેથી તેણે માનવીય સંબંધોનું નિર્માનવીકરણ (ડીહ્યુમેનાઝેશન) કર્યું છે. તેણે શાહીવાદ ઊભો કરી જગતના મોટાભાગના દેશોને ગુલામ બનાવ્યા અને આ દેશોના કાચા માલ અને મજૂરોનું શોષણ કર્યું. શાહીવાદી પ્રથા દ્વારા તેણે જગતની લગભગ બે તૃતીયાંશ વસતીને ગુલામ બનાવી દીધી. ભારતને પણ ગુલામ બનાવી દીધું. તેણે જગતના બજારો કબજે કર્યા.

પોતાને ત્યાં અર્નગળ સંપત્તી ઊભી કરી. તેણે વારંવાર આર્થિક કટોકટી સર્જી. દા.ત. ૧૯૩૦ની અમેરિકન મહામંદીએ જગતના એક દેશોમાં સુનામી જેવી તબાહી સર્જી. તેણે ભયાનક સામાજીક તેમજ આર્થિક અસમાનતા ઊભી કરી છે. અમેરિકા પોતે એમ કહે છે કે એક વખતે અમે જ ઈંગ્લેન્ડના ગુલામ હતા. અમે વસાહતવાદ (કોલોનીઆલીઝમ)ની વિરૃધ્ધ છીએ પણ અમેરિકાનો વસાહતવાદ જુદા પ્રકારનો છે. તે વિદેશમાં પોતાના થાણાં નાંખીને કઠપૂતળી સરકારો ઊભી કરે છે. પોતાના હિત ખાતર તે રાજાશાહી સરકાર (દા.ત. સાઉદી અરેબીયા) અને સરમુખત્યારોને પણ ટેકો આપે છે.

આ અપરોક્ષ શાહીવાદ છે. જેમાં અન્ય દેશોને ગુલામ બનાવવાની જરૃર નથી, પણ પોતાના દેશની જંગી બહુરાષ્ટ્રીય કંપનીઓને અન્ય દેશોમાં ખુલ્લી રીતે વ્યાપાર કરવાની છૂટ અપાવવાની છે. અમેરિકા ગુલામ દેશોને પેદા કરતું નથી પણ 'ક્લાયન્ટ' (ખંડિયા) દેશોને ઊભા કરે છે. પરંતુ તેણે બે બાબતમાં કમાલ કરી છે (૧) તે લોકશાહીને વળગી રહ્યું છે અને ત્યાં વ્યક્તિસ્વાતંત્ર્ય ઘણું છે. (૨) નવી ટેકનોલોજી ખોળવામાં અને વૈજ્ઞાાનિક શોધખોળમાં તેણે કમાલ કરી છે. (૩) સ્ત્રીસ્વાતંત્ર્યમાં તે નંબર એક છે. જોકે સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીસ્વચ્છંદતા વચ્ચેની ભેદરેખા પાતળી છે.

વેલફેર સ્ટેટસ-સોશીઅલ ડેમોક્રસી

સમાજવાદ શબ્દનો અર્થ લપટો પડી ગયો છે. અત્યારે જગતનાં આદેશ રાજ્યો ઉત્તર યુરોપના સ્કેન્ડેવીઅન દેશો ગણાય છે જેમને સમાજવાદી નહીં પણ કલ્યાણ રાજ્યો (સોશીઅલ ડેમોક્રસી) ગણવામાં આવે છે. અહીં મિશ્ર અર્થકારણ છે. વસતી ઓછી છે.અહીનું અર્થકારણ મુખ્યત્વે ખાનગી અને જાહેરનું મિશ્રણ છે. સ્ત્રી સ્વતંત્ર્યનો આંક બહુ ઊંચો છે. રાજ્ય નાગરિકોની જ ઘોડીયાથી કબર (ફ્રોમ ક્રેડલ ટુ ગ્રેવ) સુધી કાળજી રાખે છે. વડાપ્રધાનો સાયકલો પર ફરતા જોવા મળે છે અને બસલાઇનમાં પણ ઊભા રહે છે. અમેરિકાનો આક્રમક મૂડીવાદ - બજારવાદ અહીં નથી. સામ્યવાદ નિષ્ફળ ગયો છે. નકરો બજારવાદ શોષણખોર છે. ગાંધીવાદ-સર્વોદયવાદના મૂળો આધ્યાત્મિક-ધાર્મિક છે અને તે વ્યક્તિના સુધારા (૧૧ વ્રતો) પર ભાર મૂકે છે. વ્રતો જડ હોય છે તે સર્જનશીલતા ઘટાડી દે છે. વ્રતોનું જીવન અહંકેન્દ્રી છે અને સ્વકલ્યાણ કેન્દ્રી છે.

ન્યુટને અને આઇનસ્ટાઇને અને બીલ ગેટ્સે વ્રતો ન હતા કર્યા. અત્યારે જગતનું મુખ્ય કાર્ય આતંકવાદનો નાશ કરવાનું છે અને લોકશાહીને ગીીૅીિ અને ુૈગીહ કરવાનું છે. યાદ રહે કે અત્યારે જગતના રાજકારણમાં સર્વત્ર જમણેરી (રીએકશનરી) મોજુ ફરી વળ્યું છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

ઝડપી આર્થિક વિકાસની સાથોસાથ ન્યાયપૂર્ણ સમાજની સ્થાપનાની જરૃર

ઝડપી વિકાસ અને સામાજીક ન્યાય

માનવજાતને એકદમ ઝડપી વિકાસ સાથે ન્યાયપૂર્ણ (અંગ્રેજીમાં જસ્ટ અથવા ઇકવીટીના અર્થમાં) સમાજ સ્થાપવાની ચાવી હાથમાં લાગી નથી. ભૂતકાળમાં મૂડીવાદ સમાજે અને સામ્યવાદે સમાજે (દા.ત. સોવિયેટ રશિયાએ ઇ.સ. ૧૯૧૭ થી ઇ.સ. ૧૯૩૯ દરમિયાન) વીજળી સાથે ઔદ્યોગીકરણ કરીને આર્થિક પ્રગતિ સાધી હતી અને ૧૯૭૮ પછીના સાડા ત્રણ દાયકામાં અદ્ભુત આર્થિક પ્રગતિ સાધી. ઇ.સ. ૧૯૪૫ થી ઇ.સ. ૧૯૭૪ સુધીના લગભગ ત્રીસ વર્ષ દરમિયાન પશ્ચિમ જગતે કેઇન્સની થીયરીને અનુસરીને જે આર્થિક પ્રગતિ સાધી તેને પશ્ચિમ જગતનો અને કેઇન્સીઅન અર્થશાસ્ત્રીનો 'ગોલ્ડન પીરીયડ' ગણવામાં આવે છે. ઇ.સ. ૧૯૩૪માં ઓપેક દેશોએ તેલના ભાવમાં ચાર ગણો વધારો કર્યો એ પશ્ચિમ જગત 'સ્ટેગ્ફેલશન' (એટલે કે ઊંચા ભાવો અને આર્થિક સ્થગિતતા જેવા વિરોધાભાસી તત્વોનું એક સાથે હોવું)માં ફસાયું.

કેઇન્સની થીયરી આ વિરોધાભાસ સમજાવી ના શકી અને તેની આવી જગ્યા મીલ્ટન ફ્રીડમેને પોતાની મોનેટરી થીયરીનો અને મુક્ત અર્થકારણનો પ્રવેશ કરાવી દીધો. ૧૯૭૯ થી ૧૯૯૦ દરમિયાન અમેરિકાના રોનાલ્ડ રીગન અને બ્રિટનના માર્ગારેટ થેચરે ફ્રીડમેને પણ જેની કલ્પના કરી નહતી તેવી જલદ નીમોલીવરલીઝમ નામથી ઓળખાતી કડક બજારવાદી નીતિઓ અમલમાં મુકી અને સ્ટેગ્ફેલશન દૂર કર્યું. સ્ટેગ્ફેલશનનું દર્દ ગયું પણ તેની આડ અસરો રૃપે જગતમાં ફ્રીડમ ટાઇપ બજારવાદ વકર્યો. જાહેર સાહસોનું ધડાધડ ખાનગીકરણ થવા માંડયું. તે સમયમાં કલ્યાણ યોજનાઓનું ફાઇનાન્સીય અને મેનેજમેન્ટ સરકાર કરતી હતી તેનું સરકારે સબકોન્ટ્રાકટીંગ કરવા માંડયું. સામાજીક સબંધોનું પણ વ્યાપારીકરણ (કોર્મશીયલાઇઝેશન) થવા માંડયું જે હજી ચાલુ છે. વૈશ્વીકરણે આ પ્રવાહોને વધુ બળ પૂરું પાડયું પરંતુ ભારતને વૈશ્વીકરણ અને બજારીકરણ ઘણું ફળ્યું. સરકારી લાંચીયો સમાજવાદ ગયો.

સોવિયેટ રશિયા : ઝડપી વિકાસ લાવવામાં સોવિયેટ રશિયા આગળ હતું. આર્થિક સમાનતાના વિચારનો અમલ કરવાને બદલે તેણે ઝડપી ઔદ્યોગિકરણનો માર્ગ અપનાવ્યો અને તેમ કરવામાં ખેડૂતોની જમીન હડપી લીધી, સામૂહિક ખેતરો સ્થાપ્યા જેનો સરપ્લસ રાજ્યે ઝૂંટવી લીધો. વાણી સ્વાતંત્ર્યતા નાગરિક હક્કનો નાશ કર્યો. મજૂર સંઘો તોડીને મજુરો પાસે અતિશય કામ લીધું અને આટઆટલા ત્રાસ પછી પણ અર્થકારણમાં ચીજવસ્તુઓની એટલી બધી તંગી વધી કે લોકોને બ્રેડ અને દુધ અને માખણ માટે લાંબી લાઇનો લગાવવી પડી. સોવિયેટ રશિયાએ જે ચીજવસ્તુઓ બનાવી તે તદ્દન હલકી કક્ષાની બની કારણ કે સ્ટાર્સએ પંચવર્ષીય યોજનાઓ હેઠળ સમસ્ત અર્થકારણ સરકારની નાગચૂડ હેઠળ હસ્તગત કરી દીધું હતું.

સોવિયેટ રશિયાએ ૧૯૪૫-૧૯૯૧ના લગભગ ૪૫ વર્ષ પશ્ચિમ જગત સામે શીતયુદ્ધ (કોલ્ડ વોર) ચલાવવા માટે રાજ્યના મોટા ભાગના નાણા શસ્ત્રો પાછળ વાપરી નાખ્યા. અમેરિકાએ પણ તેમ કર્યું પણ અમેરિકાનું અર્થકારણ રશિયાના અર્થકારણ કરતા વધુ મુક્ત હોવાથી અને વધુ વૈવિધ્યપૂર્ણ (ડાર્યર્થસીફાઇડ) હોવાથી ટકી ગયું અને ઝડપી આર્થિક વિકાસ પાછળ પડેલું સોવિયેટ રશિયા ૧૯૯૧માં તૂટી પડયું. ચીનનો વિકાસ

ચીનનો આર્થિક વિકાસ જગતની અજાયબી ગણાય છે. સતત દસ ટકાની આજુબાજુ આટલા વર્ષો સુધી કોઈ દેશે આટલો વિકાસ સાધ્યો નથી. ચીને શું સિદ્ધ કર્યું ? ચીને પોતાના દેશવાસીઓની ગરીબી લગભગ દૂર કરી. ચીનમાં ગરીબી હેઠળ રહેતા લોકોની ટકાવારી દસથી નીચે છે. ચીન અને ભારત ઇ.સ. ૧૯૪૭માં ગરીબ દેશો હતા. ઇ.સ. ૧૯૪૭માં ચીન ભારત કરતા પણ ગરીબ દેશ હતો. પણ ઇ.સ. ૧૯૭૮માં તેણે સામ્યવાદી ડેન્ગની નેતાગીરી નીચે ઝડપી ઔદ્યોગીકરણ શરૃ કર્યું તે વાતને ૩૮ વર્ષ થયા છે અને આ ૩૮ વર્ષ દરમિયાન ચીનની માથાદીઠ આવક ભારતીય નાગરિકની માથાદીઠ આવક કરતા લગભગ પાંચ ગણી થઈ ગઈ છે. ભારત અને ગંદકી પર્યાયવાચક શબ્દો છે જયારે આખુ ચીન ચોખ્ખુ ચણાક છે.

વર્લ્ડ ડેવલપમેન્ટ રીપોર્ટ ૨૦૧૫ના આંકડા પ્રમાણે ભારતની માથાદીઠ આવક ૧૫૭૦ ડોલર્સ હતી જયારે ચીનની ૭૪૦૦ ડોલર્સ હતી. ચીન ભારત કરતા ગરીબી વધુ ઝડપથી દૂર કરી રહ્યું છે પરંતુ તે હજી દમનકારી સમાજ છે. તેણે સામાજીક ન્યાયવાળો સમાજ ઊભો કર્યો નથી. તેણે પ્રજાને વ્યકિત સ્વાતંત્ર્ય અને ખાસ કરીને વિચારો રજૂ કરવાનું સ્વાતંત્ર્ય આપ્યું નથી. ચીનના ગામડામાં રહેતા લોકોને શહેરમાં જવા માટે અને વસવાટ કરવા માટે પરમીટ લેવી પડે છે. ભારતીય નાગરિકનું સરેરાશ આયુષ્ય ૬૮ વર્ષ છે જયારે ચીનના નાગરિકનું તે ૭૨ વર્ષ ઉપર પહોંચી ગયું છે જયારે સ્વીડન અને સ્વીઝર્લેન્ડ અને નોર્વે જે તે કલ્યાણ રાજ્યો કહેવાય છે તો તે અનુક્રમે ૮૨ વર્ષ, ૮૩ વર્ષ, અને ૮૧ વર્ષ પર પહોંચ્યું છે.

અમેરિકાનો વિકાસ

૧૯૭૦ના ગ્રેટ ડીપ્રેશનને દૂર કરવા પ્રેસીડેન્ટ રૃઝવેલ્ટે 'ન્યુ ડીલ' ની રચના કરી મંદીને દૂર કરવા રાજયે અનેક કાયદાઓ ઘડયા. અર્થકારણમાં હસ્તક્ષેપ કર્યો. તે પછીના ઘણા વર્ષો ઇ.સ. ૧૯૭૦ સુધી અમેરિકાએ અર્થકારણમાં રાજ્યનો હસ્તક્ષેપ સ્વીકાર્યો હતો. કેઇન્સે કહ્યું કે હજી તે રાજયના હસ્તક્ષેપ વિના તમારૃ અર્થકારણ બેરોજગારી (અનએમ્પ્લોયમેન્ટ) ના સંતુલનમાં ફસાઇ જશે. અર્થકારણ સંતુલન (ઇકવીલીબ્રીયમ) માં હશે અને છતાં બેકારી ચાલુ રહેશે. રાજયે અર્થકારણને ધક્કો મારીને બેકારીના કળણમાંથી દૂર કરવું પડશે. ૧૯૭૦ના દાયકા પછી અમેરિકાના કેઇન્સના વળતા પાણી થયા અને બજારવાદી મોનેટરી સપ્લાયના પુરસ્કર્તા ફ્રીડમેનના માનપાન વધ્યા. અત્યારનું અમેરિકન અર્થકારણ બંને પ્રકારની અર્થ નીતિઓનો પ્રયોગ કરે છે. અમેરિકા ખાતેની સૌથી મોટી અર્થસત્તા છે પરંતુ તેણે દેશની ચાર ભયાનક અસમાનતાવાળો સમાજ ઊભો કર્યો છે. પીકેટીએ પુષ્કળ આંકડાકીય સંશોધન કરીને જણાવ્યું છે કે અમેરિકામાં આવક અને સંપત્તીની અસમાનતા વધતી જાય છે. જે અર્થકારણ આવી અસમાનતા ઊભો કરે અને 'ઇકવીટી' ના સ્થાપે તેને કેવી રીતે આદર્શ માની શકાય ?

આજે પણ માનવ સમાજમાં ઇકવીટી (ન્યાયી સમાજ) વિરૃધ્ધ એફીસીયન્સી (ઉત્પાદક સમાજ)ના વિરોધાભાસો ચાલુ છે. હજી સુધી માનવ ઇતિહાસમાં કોઈ ન્યાયી સમાજ ઊભો થયો નથી- મહાભારતનો કે રામાયણનો સમાજ પણ નહીં. અત્યારે રામરાજ્ય હોય તો અનકોન્સ્ટીટયુશનલ ગણાય. રાજાશાહી હવે ના ચાલે.

ભારત

ભારત ૭૦ વર્ષની સ્વતંત્રતા પછી પણ ગરીબી દૂર કરી શક્યું નથી. ભારતના લોકો અંદરોઅંદર પુષ્કળ લડે છે. ઐક્ય નથી. ભારતમાં આર્થિક વૃદ્ધિ દરનો મોટો ભાગ પૈસાદાર લોકો અને સરકારમાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ પડાવી લે છે. ભારતમાં ડીમાન્ડ સાઇડ ઇકોનોમીકસવાળો કેઇન્સે નથી ચાલતો પણ ફ્રીડમેન (સપ્લાય સાઇડ થીયરીવાળા) પણ ચાલતો નથી. રાજ્યની બેંકો આટલા બધા ઊઘાડે છોગ ખોટા લોકોને નાણા ધીરે, ડગલે ને પગલે ભ્રષ્ટાચાર ચાલે, સરકારની યોજનાઓમાંથી ૩૦ થી ૫૦ ટકાનો લીકેજ થાય. પ્રધાનો જ ભ્રષ્ટાચાર કરે તેથી ભારતમાં સામ્યવાદ સમાજવાદ, મૂડીવાદ, નવ મૂડીવાદ, ગાંધીવાદ, સર્વોદયવાદ, માઓવાદ, નીઓલીબયાલીઝમ, ટ્રોટસ્કીવાદ કાંઈ ના ચાલે.

અંગ્રેજીમાં આને અરાજકતા યાને Chaos કહે છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

પ્રવર્તમાન અર્થશાસ્ત્ર : મધ્યમમાર્ગીય, ડાબેરી અને જમણેરી થીયરીનું સહ અસ્તિત્વ

કુદરતી વિજ્ઞાાન અને અર્થશાસ્ત્ર
અર્થશાસ્ત્ર ભલે વિજ્ઞાાન હોવાનો દાવો કરે પણ તે કુદરતી વિજ્ઞાાનો (ફીઝીક્સ, કેમીસ્ટ્રી, બાયોલોજી વગેરે)ની તોલે આવી શકે તેમ નથી. કુદરતી વિજ્ઞાાનોમાં એક થીયરી ખોટી પડે તો તેનું સ્થાન બીજી થીયરી લે છે. દા.ત. ટોલેમીની પૃથ્વીકેન્દ્રી થીયરી ખોટી પડી અને ગેલેલીઓની સૂર્યકેન્દ્રી થીયરી સાચી પડી તેથી હવે ટોલેમીની થીયરીનો કોઇ ઉપયોગ રહ્યો નથી. તે ઈતિહાસ બની ગઇ છે. આઇન્સ્ટાઇનની રીલેટીવીટીની થીયરીએ ન્યુટનની થીયરીને પણ તેનો માત્ર એક ઉપવિભાગ (સ્પેશીઅલ કેસ) બનાવી દીધો. આનાથી વિરૃધ્ધ અર્થશાસ્ત્રમાં આજે આદમ સ્મીથની, કાર્લ માર્ક્સની, કેઇન્સની અને અતિ જમણેરી મીલ્ટન ફ્રીડમેનની થીયરીઝનું સહઅસ્તિત્વ છે.

કાર્લ માર્ક્સ અને કેઇન્સ
કાર્લ માર્ક્સે મૂડીવાદમાં મજૂરોનું સખત શોષણ જોયું. તેઓ મૂડીવાદનો નાશ ઈચ્છતા હતા અને મજૂરો પોતાની બેડીઓ તોડીને પોતાનું જ રાજ્ય સ્થાપે તેમ ઈચ્છતા હતા. જગતના મજૂરોને તેમણે મૂડીવાદ રાજ્યો હિંસક રીતે તોડવાનું ઈ.સ. ૧૮૪૮માં આવ્હાન કર્યું હતું. માર્ક્સ અને એન્જેલ્સના કોમ્યુનીસ્ટોમાં આ બાબત સ્પષ્ટ રીતે જણાવાઇ છે. કાર્લ માર્ક્સ અને એંજલ્સ કોમ્યુનીસ્ટ મેનીફેસ્ટોમાં આ બાબત સ્પષ્ટ રીતે જણાવાઇ છે. કાર્લ માર્ક્સ ૧૯મી સદીના પ્રખર અર્થશાસ્ત્રી-સમાજશાસ્ત્રી હતા તો ઈંગ્લેંડના કેઇન્સ ૨૦મી સદીના મહાન અર્થશાસ્ત્રી હતા. બન્નેમાં શું ફેર હતો ? માર્ક્સ - એંજલ્સ એમ માનતા હતા કે મૂડીવાદે ફ્યુડાલીઝમને તોડીને પુષ્કળ આર્થિક પ્રગતિ કરી છે. તે માટે મૂડીવાદની પ્રસંશા કરવી પડે પણ હવે તે મજૂરોને ગળે અને પગે બેડીરૃપ બની ગયો છે. એક વખતનો પ્રગતિશીલ મૂડીવાદ હવે શોષક બની ગયો છે, રીએકશનરી (પ્રત્યાઘાતી) બની ગયો છે.

મજૂરોને ચૂસી ખાય છે. તેથી તેને સુધારી શકાય તેમ નથી. કેઇન્સ આનાથી વિરૃધ્ધ મતના છે. તેઓએ ૧૯૨૯ના અમેરિકાના ભયાનક ડીપ્રેશનમાંથી બ્રીટન અને અમેરિકાના અર્થકારણને બચાવી લીધું. તેમની ૧૯૩૬માં લખાયેલું શકવર્તી મહાન પુસ્તક 'ધ જનરલ થીયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઈન્ટરેસ્ટ એન્ડ મની'માં અને તે પહેલાના લખાણોમાં આર્થિક મહામંદી (ડીપ્રેશન)ને નાથવાના જે ઉપાયો સૂચવ્યા હતા તે ફાયદાકારક સાબીત થયા. માર્ક્સ મૂડીવાદને end કરવા માગતા હતા જ્યારે કેઇન્સ મૂડીવાદને mend (સુધારવા, દુરસ્ત કરવા) માગતા હતા. કોઇ સીસ્ટમને end કરવી કે તેને mend કરવી તે માનવજાતનો યુગોજૂનો પ્રશ્ન છે અને તે અર્થકારણ પૂરતો મર્યાદિત નથી. દા.ત. લગ્નપ્રથાનેend કરવી કે mend કરવી ? અનામત પ્રથાને end કરવી કે mend કરવી ? ટ્રોટસ્કીએ સ્ટાલીનને કહ્યું કે સામ્યવાદી રાજ્યપ્રથા-અર્થપ્રથામાં લોકશાહી દાખલ કરી તેને 'મેન્ડ' કરો અને પક્ષની સરમુખત્યારશાહી દૂર કરો.

મૂડીવાદના નાભીશ્વાસ
અમુક લેટીન અમેરિકન દેશોમાં સામ્યવાદી અર્થકારણનો આંશિક પ્રયોગ થઇ રહ્યો છે. રશિઅન ફેડરેશનમાં પણ તે આંશિક રીતે ચાલુ છે. તેના ઘણા ચાહકો માને છે કે મૂડીવાદના અત્યારે નાભીશ્વાસ ચાલી રહ્યા છે અને મૂડીવાદના વિરોધાભાસો છતાં થતા જાય છે તેથી તે નાશ પામશે. મૂડીવાદના મરવાની ટાંપીને રાહ જોતો સામ્યવાદ તેના મરણ બાદ જગત પર છવાઇ જશે તેવો સામ્યવાદના ચાહકોનો મત છે. આ એક વીશફુલ થીંકીંગ છે. અત્યારે મૂડીવાદ-શાહીબાદ અને સામ્યવાદના સંયુક્ત મરણની રાહ જોતો ઈસ્લામીક આતંકવાદ સમસ્ત જગત પર કોરાન અને શરિયાનું રાજ્ય સ્થાપવા પ્રયત્નશીલ છે. ધર્મ પોતે પણ એક હિંસક આઇડીયોલોજી (વિચારસરણી) છે અને કોઇ ધર્મ તેનાથી પર નથી.

કેઇન્સનું સ્વપ્ન
કેઇન્સનું લક્ષ્ય જગતને ડીપ્રેશન (મહામંદી)માંથી બહાર કાઢવાનું હતું અને પશ્ચિમ જગતમાં પૂર્ણ રોજગારી (ફુલ એમ્પ્લોયમેન્ટ)નું સર્જન થાય તે માટે તેમણે પોતાની થીયરીની રચના કરી હતી. માર્ક્સની આર્થિક વિચારસરણીમાં મજૂરો અને મૂડીપતિઓના હિતો એકબીજાથી વિરૃધ્ધ હોવાથી તેના કેન્દ્રસ્થાને વર્ગવિગ્રહ હતો જ્યારે કેઇન્સના કેન્દ્રમાં પૂર્ણ રોજગારી સ્થાપવા માટે વર્ગો વચ્ચે સુમેળ અને સહકારનો ખયાલ હતો.

કેઇન્સને લોકશાહીમાં પૂર્ણ શ્રધ્ધા હતી અને અર્થકારણમાં રાજ્યનો હસ્તક્ષેપ જરૃરી માનતા હતા. તેઓનો મુખ્ય સિધ્ધાંત ખેડૂતો કે રાજ્યના હસ્તક્ષેપ વિના મૂડીવાદી અર્થકારણ પૂર્ણ રોજગારી સર્જી શકે જ નહીં. મૂડીવાદી અર્થકારણની બીઝનેસ સાયકલ્સ મંદી, મહામંદી, રીકવરી અને ગ્રોથના વિષચક્રમાં ફસાયા જ કરે છે. તેને માત્ર રાજ્યનો રાજકોષીય (ફીસ્કલ) નીતિ જ મદદ કરી શકે. જમણેરી અર્થશાસ્ત્રી ફ્રીડમેનને રાજકોષીય નીતિ જરા ય ગમતી ન હતી. તેઓને અર્થકારણની બાબતમાં રાજ્યનો કોઇ પણ હસ્તક્ષેપ માન્ય ન હતો. રાજ્યનો હસ્તક્ષેપ અર્થકારણનો કચરો (રબીશ) કરી નાખે છે તેમ તેઓ માનતા. રાજ્યનો હસ્તક્ષેપ ના હોય તો અર્થકારણ આપોઆપ (ઓટોમેટીકલી) સ્વનિયંત્રિત થઇને પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરે છે તેમ તેઓ માનતા.

રાજ્યે અલબત્ત મોનેટરી પોલીસી (અર્થકારણમાં નાણાની વધઘટ કરવી) ઘડવી જોઇએ પણ તેમાં ય રાજ્યનું કાંઇ મનસ્વીપણું ના ચાલવું જોઇએ. દર વર્ષે માત્ર ૩ ટકાના દરે નાણાનો સપ્લાય વધારવો. આવા નિયમને કારણે રાજ્યને કશું મનસ્વી વર્તન કરવાનું રહેશે નહીં. શિકાગો સ્કૂલના મીલ્ટન ફ્રીડમેનને જમણેરી અર્થકારણના અધીષ્ઠાતા માનવામાં આવે છે. કેઇન્સે કટાક્ષપૂર્વક તેનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે લાંબાગાળામાં તો આપણે બધા મરી જવાના છીએ માટે ટૂંકા ગાળાના પોઝીટીવ ઉપાયોની વાત કરો. જ્યારે મંદી અને મહામંદી દરમિયાન વ્યાજના દરો તદ્દન ઘટી જાય ત્યારે મોનેટરી પોલીસી કશું કામ ના કરી શકે. મંદીમાં ખરીદશક્તિ એટલી બધી ઘટી જાય કે ઉદ્યોગકારો કશું નવું ઉત્પાદન હાથમાં જ ના લે. કેઇન્સે તેથી કહ્યું કે લોકોની ખરીદશક્તિ વધારો. ખાડા ખોદવા અને પૂરવા પડે તો ય લોકોની ખરીદશક્તિ વધારો જેથી લોકો વધુ માલ ખરીદવા પ્રેરાય અને ઉત્પાદકો નવા સાહસો શરૃ કરે કે ફાજલ પડેલી ફેકટરીઓની ઉત્પાદનશક્તિ કાર્યાન્વીત કરે
ઈ.સ. ૧૯૯૧માં સોવિયેટ રશિયાનું વિઘટન થતા માર્ક્સીસ્ટ રાજકારણ અને અર્થકારણને અસાધારણ ફટકો પડયો છે.

ઈ.સ. ૧૯૭૬માં માઓના મૃત્યુ બાદ ડેંગે સામ્યવાદી ચીનમાં મૂડીવાદી - રાજ્યવાદી મીશ્ર અર્થકારણ દાખલ કરીને સામ્યવાદી અર્થકારણની વિચારમાળા તોડી નાખી. લોર્ડ કેઇન્સે તેમની પહેલાના ક્લાસીકલ અર્થશાસ્ત્રીઓ (આદમ સ્મીથ, રીર્કાડો, માસ્થ્યુસ, મીલ, માર્જીનાલીસ્ટો વગેરે)ની બજારો સેલ્ફ-એડજસ્ટીગ છે તે મીથને તોડી નાખી. તેવે વખતે પીગુ જેવા આઉટડેટેડ ક્લાસીકલ અર્થશાસ્ત્રીઓ સરકારનો બજેટરી ખર્ચો ઘટાડવાની વાતો કરે અને મજૂરસંઘોને એમ કહે કે તમે મજૂરીના દર ઘટાડો તો જ ઉત્પાદન વધશે - આ વાત કેઇન્સને મત તદ્દન ખોટી છે.

ઈ.સ. ૧૯૪૫થી ૧૯૭૪ દરમિયાન પશ્ચિમ જગતમાં કેઇન્સીઅન થીયરીનો સુવર્ણકાળ હતો. ૧૯૭૪માં ઓપેક દેશોએ બળતણના તેલના ભાવો વધાર્યા અને પશ્ચિમ જગત સ્ટેગ્ફલેશનમાં ફસાઇ ગયું તેથી અમેરિકામાં રેગને અને ઈંગ્લેન્ડમાં થેચરે (૧૯૭૯-૧૯૯૨) ફ્રીડમેનનો સુવર્ણકાળ સ્થાપવામાં મદદ કરી. જગતમાં નીઓલીબરાલીઝમ છવાઇ ગયું. અત્યારે જગતમાં ક્લાસીકલ આદમ અને પુગીનો, ડાબેરી માર્ક્સનો, મધ્યમમાર્ગી કેઇન્સનો અને જમણેરી ફ્રીડમેનનો યુગ એક સાથે ચાલે છે. જુદા જુદા દેશોમાં તેનું ચલણ જુદું જુદું છે. કોઇ ઉમ્મીદ બર નહીં આતી !!



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

રૃઢિચુસ્ત ભારતીયજનોની લોબી દ્વારા થતા વિરોધ પાછળનું કારણ શું ? તમામ ઉભરતી ટેકનોલોજીનો

હરિયાળી ક્રાંતિનો પણ વિરોધ : ભારતની રૃઢિચુસ્ત લોબી (સ્વાવલંબન અને સ્વાવલંબન પંથી) હરિયાળી ક્રાંતિ, વૈશ્વિકરણ અને જીએમ બીયારણનો કેમ વિરોધ કરતી હશે ? ભારતમાં ૧૯૬૦ના દાયકામાં હરિયાળી ક્રાંતિ થઈ જેણે ભારતમાંથી દુકાળોને નાબુદ કર્યા આજે આ ક્રાંતિને લીધે ભારતમાં છેલ્લાં બે વર્ષમાં લાગલગાટ ચોમાસુ નિષ્ફળ ગયું છે તેમ છતાં અમુક દુર્ગમ પ્રદેશોને બાદ કરતા હાહાકાર થયો નથી.

અછત સર્જાઈ નથી કે ભૂખમરાથી મરણો થયા નથી. રેશનીગમાં ઘટાડો થયો નથી. હરિયાળી ક્રાંતિની નવી ટેકનોલોજીને કારણે માત્ર પાંચ વર્ષમાં (૧૯૬૬-૧૯૬૭ થી ૧૯૭૧-૧૯૭૨) જ ઘઉંનું વાર્ષિક ઉત્પાદન ૧.૧ કરોડ ટનથી વધીને ૨.૩ કરોડ ટનનું થઈ ગયું. હરિયાળી ક્રાંતિ મુખ્યત્વે ઘઉંમાં થઈ હતી જેમાં તે અત્યંત સફળ થઈ. ડાંગરમાં પણ તે થઈ હતી પરંતુ ઉપરોક્ત ગાળામાં ડાંગરનું ઉત્પાદન માત્ર ૩૦ ટકા વધ્યું હતું.

૧૯૬૫-૧૯૬૬થી શરૃ કરીને ૪૦ વર્ષ દરમિયાન પંજાબ અને હરિયાણામાં ઘઉંનો પાક નવ ગણો વધ્યો. આપણે હવે અનાજની બાબતમાં માત્ર સ્વાવલંબી નથી પણ તેની નિકાસ કરીએ છીએ. માત્ર કઠોળના ઉત્પાદનમાં આપણે નબળા છીએ અને અત્યારે આપણે ૧૦ મીલીયન (એક કરોડ) ટન કઠોળની આયાત કરવી પડે છે. હરિયાળી ક્રાંતિને કારણે દેશ અનાજની આયાતમાંથી મુક્તિ મેળવી શક્યો તેને બીરદાવવા બદલે અમુક રૃઢિચુસ્ત લોબીએ ફરિયાદો શરૃ કરી દીધી.

હરિયાળી ક્રાંતિને કારણે ખેડૂતો પુષ્કળ પાણી અને રાસાયણિક ખાતર વાપરે છે, પાણીના તળ નીચે જતા રહ્યા છે, ખેતરના રસકસ ખલાસ થઈ ગયા છે, જંતુનાશક દવાઓનો વપરાશ વધતા પાણીમાં ઝેર ફેલાઈ રહ્યા છે વગેરે. સ્વદેશી અને સ્વાવલંબનમાં માનતા લોકોએ કાળો કકળાટ કરી મુક્યો છે. તેઓ ઓર્ગેનીક (સેંદ્રીય) ખેતીની તરફદારી કરી રહ્યા હતા અને હજી કરી રહ્યા છે પરંતુ ઓર્ગેનીક ખેતી ખર્ચાળ છે. તેમાં ઉત્પાદન ઓછું આવે છે તેથી તેના ગ્રાહકોને વધુ ભાવ આપવા પડે છે. અમેરિકામાં ઓર્ગેનીક ફળફળાદીઓ ચીઝના અનેક સ્ટોર્સ છે જેના ભાવો ૩૦ થી ૩૫ ટકા ચાલુ સ્ટોર્સથી વધારે હોય છે.

અહીં પણ આપણે ઓર્ગેનીક ફુડના વધુ ભાવો આપવા પડે છે. જ્યારે સેંદ્રીય ખાતર અને દેશી બીયારણને ઉગાડવાની કોઈ ક્રાંતિકારી ટેકનોલોજી ખીલે અને તેના ઉત્પાદનોને ઓછા ખર્ચે ઊભા કરી શકાય તો લોકો ઓર્ગેનીક ઉત્પાદનો તરફ વળશે. પણ રૃઢિચુસ્ત વિરોધી લોબીઓને કોઈપણ 'વિદેશી' ટેકનોલોજી માટે સખત અણગમો હોય છે. અલબત્ત હવે હરિયાળી ક્રાંતિના ફાયદાઓ ઘટયા છે. કારણ કે આ ક્રાંતિ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના અમુક ભાગો, ગુજરાતના થોડાક જીલ્લાઓથી આગળ વધી શકી નથી.

તે ભારત વ્યાપી બની શકી નથી. અમુક વૃદ્ધજનો એમ પણ કહે છે કે અમને રાસાયણિક ખાતરથી ઉગાડેલા શાકભાજીમાં સારો સ્વાદ અને સુગંધ (ફલેવર) આવતા નથી. આ બાબતમાં તેઓ સાચા છે કે તેમની ઉમરને કારણે તેમને શાકભાજીનો અસલ સ્વાદ અને સુગંધ આવતા નથી તે સવાલનો જવાબ આપી શકાય તેમ નથી. રાસાયણિક ખાતરનો ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા નાશ પામે છે તેવી ફરિયાદ કરનાર વિરોધી લોબીને કદાચ ખબર નથી કે અમેરિકા કે ચીન કરતા પણ ભારતીય ખેડૂત હેક્ટર દીઠ રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરે છે. આની આંકડાકીય સાબીતી છે. વળી અમેરિકા અને યુરોપ છેલ્લા લગભગ ૧૫૦ વર્ષથી રાસાયણિક ખાતરો વાપરે છે. શું એમની ખેતરની જમીન બીનઉપજાઉ થઈ ગઈ ? તેઓ તો હજી જગતના અનેક દેશોમાં અનાજની નિકાસ કરે છે.

આપણે ભૂખે મરતા હતા ત્યારે અમેરિકાએ આપણને પીએલ ૪૮૦ હેઠળ ઘઉંની મબલખ નિકાસ કરી હતી. પબ્લીક લો ૪૮૦માં તો એવી ઉદાર શરત હતી કે આપણા દેશે અમેરિકાને તે અંગે ડોલર્સમાં પૈસા ચુકવવાના ન હતા પણ તેનું રૃપિયાનું ભંડોળ ભારતમાં જ રાખવાનું હતું અને તે ભારતની જ કલ્યાણ યોજનાઓ માટે તથા ખેતીવાડીની રીસર્ચ માટે માટે વાપરવાનું હતું. આપણે હરિયાળી ક્રાંતિનો વિરોધ કરવાનો નથી પણ બીજી હરિયાળી ક્રાંતિ શરૃ કરવાની છે. આ બીજી ક્રાંતિ જેનેટીકલી મોડીફાઈડ બીયારણની છે.

જેનેટીકલી મોડીફાઈડ બીયારણો

આ બાબતમાં કોઈ કપાસ પકવતા ખેડૂતે બુમરાણ કરી નથી કે તેને કારણે અમારી જમીનની ફળદ્રુપતા ખલાસ થઈ ગઈ છે કે જીએન કપાસ અમારે માટે એક આફતરૃપ બીયારણ છે. અલબત તેને માટે અમેરિકાની કુખ્યાત મોન્સારો કંપની પુષ્કળ ભાવ લે છે અને તે અંગેનો વિરોધ વાજબી છે. પરંતુ ભારતના રૃઢિચુસ્તો જેમાં ગાંધીજનો, સર્વોદયવાદીઓ અને સ્વદેશી અને સ્વાવલંબન લોબીનો સમાવેશ થાય છે. તેઓનો વિરોધ જુદા કારણોસર છે.

તેઓ કહે છે કે આપણે જીએન કપાસનું બીયારણ જ ના જોઈએ. તે અન્ય પાકોમાં ભળી જશે તો અન્ય પાકોને નષ્ટ કરશે. કુદરતી બીયારણ જ સારા. કપાસનું કુદરતી બીયારણ કે કદાચ સંકર બીયારણ ચાલે પણ જેનેટીકલી મોડીફાઈડ તો ના જ જોઈએ. તેનાથી જમીન તારાજ થઈ જશે. અર્થશાસ્ત્રથી તદ્દન અજાણ આ લોકોને વાસ્તવિકતાની ખબર હશે ? કોઈપણ નવી શોધના અમલ માટે કોસ્ટ-બેનીફીટ એનાલીસીસ કરવું પડે. જો તેના લાભો અને ફાયદાઓ વધુ હોય અને ગેરફાયદાઓ ઓછા હોય તો નવી શોધને સ્વીકારવી. જીએમ વિરોધી લોબી પુષ્કળ તીણે અવાજે કે તીખી ભાષામાં જીએમના ગેરલાભો રજૂ કરે છે પણ આનો કેટલો બધો લાભ ખેડૂતોને થાય છે તેનો ઉલ્લેખ માત્ર નથી કરતા આવું જ વૈશ્વીકરણની બાબતમાં રૃઢિચુસ્તો કરે છે અને અઢળક ગેરફાયદાઓ રજૂ કરે છે.

આ કલ્ચરલ રાષ્ટ્રવાદીઓ એમ માને છે કે વૈશ્વીકરણને કારણે ભારતીય (હિન્દુ) કલ્ચરના મૂળિયા ઉખડી જશે. અહીં આપણે આ વાતને લંબાવવાને બદલે એટલું જ કહીશું કે વૈશ્વીકરણના આપણને પુષ્કળ લાભો થયા છે. ૨૦૦૦ થી ૨૦૧૬ સુધી ઝડપી આર્થિક વિકાસ (અમુક વર્ષોમાં તો ૯ થી ૧૦ ટકાના દરે) થયો તે જ વૈશ્વીકરણ વિના થાત ? આપણે ત્યાં આઈટી કંપનીઓ લાખો (હા, લાખો) એન્જીનીયરીંગને અહીં કે વિદેશમાં નોકરીઓ આપે છે તે શક્ય થાત ? વૈશ્વીકરણને કારણે આપણી આયાત અને નિકાસ પુષ્કળ વધ્યા છે.

ભારતની કંનીઓએ બહારના દેશોમાં ખનિજ અને ખાણના ક્ષેત્રોમાં ઝુંકાવ્યું છે. તેમણે ભારતની બહાર અનેક કંપનીઓને ખરીદી લીધી છે. ભારતમાં કોરિયા અને જાપાનની કંપનીઓએ ભારતીય કંપનીઓ સાથે સંયુક્ત જોડાણો કરીને ઘરવપરાશના સાધનોમાં, કાર અને બાઈકમાં ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રે કમાલ કરી છે. વૈશ્વીકરણ વિના ગુજરાત રસાયણો અને દવા ઉદ્યોગોનું મુખ્ય ધામ બની ના શકત. વૈશ્વીકરણને આપણે અપનાવ્યા વિના છુટકો નથી. ૨૫૦ વર્ષ પહેલા જે ઔદ્યોગીક ક્રાંતિ થઈ તેને જે દેશોએ અપનાવી નહીં તેઓ (આફ્રીકાના ઘણા દેશો) અત્યારે પછાત રહ્યા છે.

ભારતમાં પણ તે પૂર્ણપણે ના થઈ અને ઘણા રાજ્યો તેનાથી વંચિત રહી ગયા તેથી તેઓ ગરીબ રહ્યા છે. ઔદ્યોગીકરણ ભયાનક પ્રદૂષણ ઊભું કરે છે પણ તે કારણે ઉદ્યોગોને નષ્ટ કરવાના નથી પરંતુ બીન પ્રદૂષણકારક ઉદ્યોગોને ઉત્તેજન આપવાનું છે. સોલર એર્નજી અને સૂર્ય એર્નજી તદ્દન સસ્તી થાય તેવી ટેકનોલોજી ઉભી કરવાની છે. ભવિષ્યમાં તે ઊભી થશે પરંતુ જૂનવાણીઓ એગ્રીકલ્ચરણ અને રૃરલ વે ઓફ લાઈફ તરફ પાછા ફરવાનું નથી. તદ્દન પ્રાકૃતિક અને સાદુ જીવનનો વિચાર શ્રમધનિષ્ઠ હોવાથી સ્વીકારવા યોગ્ય નથી.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

પ્રતિકુળ માહોલ વચ્ચે પણ ભારતમાં કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ક્રાંતિ

હરીયાળી ક્રાંતિ

લગભગ પચાસ વર્ષ પહેલા ભારતમાં હરિયાળી ક્રાંતિ ઘઉં અને ચોખાના ક્ષેત્રે થઈ હતી. તેણે ભારતને ખેતીવાડી ક્ષેત્રે સ્વાવલંબી બનાવ્યું અને દુકાળો નાબૂદ કર્યા. ભારતમાં કોઈક વર્ષે અનાજની અછત સર્જાય છે પણ દુકાળો પડતા નથી. ૨૦૧૫માં કઠોળમાં તંગી સર્જાઈ હતી તેથી આપણે કઠોળ આયાત કરવું પડયું. તે એક અલગ મુદ્દો છે પરંતુ અહીં એક મુખ્ય મુદ્દો એ છે કે કઠોળના જીએમ બીયારણો શોધાયા નથી. હવે જગતમાં કૃષિ ક્ષેત્રે જે બીજ ક્રાંતિ સર્જાઈ રહી છે તે જેનેટીકલી મોડીફાઈડ (જીએમ) બીયારણો અંગેની છે. તે અંગે સામાન્ય જનતા અને ખેડૂતોમાં ભય ફેલાયો છે પણ ભારતમાં કપાસનો પાક લેતા ખેડૂતોએ જીએમ કપાસને હોંસે હોંસે સ્વીકાર્યો છે. જીએમનો વિરોધ કરનાર લોબીને કદાચ કપાસના ક્ષેત્રે થયેલી ક્રાંતિની જાણ નથી કે તેને અવગણે છે, કે તેમને કાંઈપણ અજાણી બાબતનો ભય લાગે છે.

ભારતમાં કપાસનું ઉત્પાદન

ઈ.સ. ૨૦૦૨ના માર્ચમાં તે વખતની સરકારે કપાસના જીએમ બીયારણોને માન્યતા આપી. ભારત તેને માન્યતા આપનારો કાંઈ પ્રથમ દેશ નહતો પરંતુ ૧૬મો દેશ હતો. તે વખતે સ્વૈચ્છિક સંસ્થાઓએ આ મુદ્દે સરકારનો ઘણો વિરોધ કર્યો હતો. ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓ નવી ટેકનોલોજીની બાબતમાં એકદમ વલણ લે છે. નવી રેલ્વેલાઈન જે પછાતે જંગલી પ્રદેશને સમૃધ્ધ બનાવી શકે છે. તેનો પણ અમુક સ્વૈચ્છિક સંસ્થામાં એમ કહીને વિરોધ કરે છે કે રેલ્વેને કારણે ઝાડ કપાઈ જશે. વૃક્ષો તો રેલ્વેલાઈનથી થોડે દૂર લાખોની સંખ્યામાં ફરીથી ઉગાડી શકાય. નવી રેલ્વે ગરીબ નિવાસીઓની ગરીબી ઓછી કરી શકે છે તો શું નવી રેલ્વે લાઈનનો વિરોધ કરવો? નવા બંધોનો વિરોધ કરવો? નવા વીજળીમથકોનો વિરોધ કરવો? ખાણોની કામગીરી બંધ કરી દેવાની? વિકાસને વિનાશ ગણવાનો? દરેક વસ્તુના લાભો અને ગેરલાભો હોય છે. લાભો ગેરલાભો કરતાં વધુ હોય તો એકપક્ષીય રીતે ગેરલાભોને અતિશયોક્તિપૂર્ણ રજૂ ના કરી શકાય. બધું જ વિદેશી ખરાબ ન હોય. ભૂતકાળમાં કોઈ સુવર્ણયુગ ન હતો. લોકોનું જીવન ટૂકું હતું. સ્ત્રીઓનું જીવન hell હતું. પચાસ વર્ષની વયનો માણસ ઘરડોખખ લાગતો. જ્ઞાાતિના હદ બહારના બંધનો હતા.

બાયોટેકનોલોજી

જગતમાં અત્યારે બાયોટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ થઈ રહી છે. ઈંગ્લેન્ડમાં શરૃ થયેલી ઔદ્યોગિક ક્રાંતિ તો આપણે ચૂકી ગયા. ભારતમાં તે ઘણી અધૂરી છે. તે ઘણે મોડેથી શરૃ થઈ. આફ્રીકામાં તે નહીંવત છે. ઈંગ્લેન્ડમાં સૌપ્રથમ કાપડની મીલ સ્થપાઈ પછી સો વર્ષે તે આપણે ત્યાં સ્થપાઈ. શરૃઆતમાં અંગ્રેજોએ તેનો વિરોધ કર્યો હતો પણ ઈ.સ. ૧૮૫૭ પછી કર્યો ન હતો. કારણ કે ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની ભારત પરની સત્તા નાબૂદ થઈ ગઈ હતી. ચીન, તૈવાન, મલેશિયા, થાઈલેંડ, દક્ષિણ કોરિયા જેવા એશિયાઈ દેશો આ બાબતમાં આપણા પછી જાગ્યા અને ઈ.સ. ૧૯૭૫ પછી તેમણે ઉદ્યોગના ક્ષેત્રે એટલી ઝડપી પ્રગતિ કરી કે તેઓ આપણાથી માથાદીઠ આવકની બાબતમાં વધુ આગળ નીકળી ગયા.

જાપાને મેજી ક્રાંતિ છેક ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કરી અને ઔદ્યોગિકરણને ૧૦૦ ટકા અપનાવ્યું. આજે જાપાનની માથાદીઠ આવક અમેરિકાની અને બ્રિટનની માથાદીઠ આવક નજીક છે. જાપાનમાં સરાસરી જીવન આવરદા લગભગ ૮૧ વર્ષ છે અને ભારતનો તે ૬૬ થી ૬૭ વર્ષ છે. આ શું દર્શાવે છે? પ્રકૃતિની નજીક સાદુ અને ગરીબીનું જીવન જીવતા લોકો વધુ જીવે છે કે ઔદ્યોગિકરણમાં આગેવાન, સુખસાધનની સગવડો ધરાવતા લોકો સરાસરી વધુ જીવન જીવે છે? અત્યારે શરૃ થયેલી બાયોટેકનોલોજી માત્ર ખેતીવાડી ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી. તેનો તબીબી સારવારમાં ઉપયોગ અત્યંત ઝડપથી વધી રહ્યો છે. દા.ત. શરીરના સ્ટેમસેલ્સ આપણા નકામા થઈ ગયેલા શરીરની અંદરના અંગોને ફરીથી પુર્નજીવિત કરી શકે છે. ભવિષ્યમાં માનવીના અંગો પણ જેનેટીક લેબોરેટરીઝમાં ઉગાડી શકાશે.

ભારતમાં કપાસના ઉત્પાદનમાં ક્રાંતિ

ઈ.સ. ૨૦૦૦-૨૦૦૧માં ભારતમાં કપાસનું ઉત્પાદન ૧.૪ કરોડ ગાંસડીનું હતું. ઈ.સ. ૨૦૧૪-૨૦૧૫માં તે વધીને ૩.૯૦ કરોડ ગાંસડીનું થઈ ગયું. માત્ર ૧૪ વર્ષમાં કપાસનું ઉત્પાદન પોણા ત્રણ ગણુ વધી ગયું. આ જ સમય દરમિયાન કપાસની ઉત્પાદકતા ૮૪ ટકા વધી ગઈ. ૨૦૦૦-૨૦૦૧માં એક હેક્ટર (લગભગ અઢી એકર્સ) દીઠ કપાસનું ઉત્પાદન ૨૭૮ કીલોગ્રામ થયું હતું તે ૨૦૧૪-૨૦૧૫માં વધીને પ્રતિ હેક્ટરે તે ૫૧૧ કિલોગ્રામ થઈ ગયું.

ઈ.સ. ૨૦૦૦-૨૦૦૧માં ભારત કપાસની નેટ આયાત કરતું હતું તે ૨૦૧૪-૧૫માં કપાસની નેટ નિકાસ કરતું થઈ ગયું. માત્ર સામાન્ય નિકાસ કરનાર જ નહીં પરંતુ કપાસની નિકાસ કરનારા દેશોમાં તેનું સ્થાન અમેરિકા પછી બીજા નંબરનું થઈ ગયું. કપાસના ઉત્પાદનની બાબતમાં ભારતે ચીનને હરાવી દીધું. ભારતનું ૨૦૧૪-૨૦૧૫માં ઉપર જોયું તે પ્રમાણે કપાસનું ઉત્પાદન ૩.૯૦ કરોડ ગાસડીનું હતું જ્યારે આ જ ગાળામાં ચીનનું ઉત્પાદન ૩.૮૪ કરોડ ગાંસડી હતું.

જો કપાસનું જીએમ બીયારણ ના હોત તો ભારતમાં ૨૦૧૪-૨૦૧૫માં કપાસનું ઉત્પાદન ૩.૯૦ કરોડ ગાંસડીનું હતું તેને બદલે માત્ર ૨.૧ કરોડ ગાંસડીનું (લગભગ અડધોઅડધ) થાત. ઈ.સ. ૨૦૦૨-૨૦૦૩ થી ઈ.સ. ૨૦૧૪-૧૫ના ગાળામાં જો તમામ વર્ષોના કપાસ ઉત્પાદનનો કુલ સરવાળો કરીએ તો ભારતે ૧૪ કરોડ ગાંસડીઓનું વધુ ઉત્પાદન કર્યું અને ૨૧ બીલીયન ડોલર્સના કપાસની નિકાસ કરી. ઈ.સ. ૨૦૦૧-૨૦૦૨, ૨૦૧૩-૨૦૧૪ દરમિયાન ગુજરાતનું કૃષિ ઉત્પાદન પ્રતિવર્ષે ૯.૭ ટકા વધ્યું જેમાં કપાસના વધેલા ઉત્પાદનનો મોટો ફાળો હતો.

ઉપસંહાર ; દરેક નવી ટેકનોલોજીનો વિરોધ વાજબી નથી. જૂનું એટલું સોનું અને નવું એટલે કથીર એમ માનવું નહી. હવે ટેકનોલોજીમાં ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યા છે જેથી સારાસારનો વિવેક કરીને આપણે નવી ટેકનોલોજી અપનાવવી પડશે. નવી સંસ્થાઓ સ્વીકારવી પડશે. દા.ત. અંગ્રેજી મીડીયમની શાળાઓ માટે દેશી લોકોને અણગમો છે તેઓ સંકૂચિત મનના છે. સંકૂચિતતા દૂર કરવી પડશે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

બજારવાદની ઊધ્ધતાઈ, ઊછાંછળાપણા પર કલ્યાણ રાજ્ય અંકુશ મૂકે છે...

સામ્યવાદી રાજ્યો શ્રમિકો અને ખેડૂતોની બેડી તોડવામાં નિષ્ફળ ગયા તેથી મૂડીવાદી સમાજો ખુશ થયા. તેમના પોતાના દોષો, આર્થિક શોષણ, અસમાનતા અને આર્થિક અસ્થિરતા સર્જતી બીઝનેસ સાયકલ્સ-નું ભાન થયું. મૂડીવાદના સમર્થકોને થયું કે તેમણે ટકવું હશે તો શોષણખોર મૂડીવાદી રાજ્યને કલ્યાણ રાજ્ય બનાવવું પડશે.

કલ્યાણ રાજ્ય માત્ર ગરીબો અને વંચિતો માટે જ નથી પરંતુ તેમાં નીચલા મધ્યમવર્ગને પણ તેના લાભો મળે છે. તેઓની નોકરી જતી રહે તો તેમને પણ બેકારી ભથ્થુ સરકાર આપે છે. પરંતુ તેને પરીણામે મૂડીવાદી સરકાર ચાલુ રહે છે. કલ્યાણ રાજ્યો હવે મૂડીવાદ કે સામ્યવાદ કહેવાને બદલે તેઓ સોશીયલ ડેમોક્રસી તરીકે ઓળખાય છે. ભારતની મનરેગા યોજના હજી ઊભરી રહેલા ભારતીય કલ્યાણ રાજ્યનો એક ભાગ ગણી શકાય. અમેરિકામાં સોસીયલ સીકયુરીટી અને મેડીકેર લોક કલ્યાણની જબરજસ્ત યોજનાઓ છે. યુકેમાં નેશનલ હેલ્થ સર્વીસ છે જે લોકોને લગભગ મફત ભાવે તબીબી સારવાર પૂરી પાડે છે.

બ્રિટનમાં સરકારી ખર્ચમાં ૨૦ ટકા પેન્શન પાછળ, ૧૮ ટકા તબીબી સારવાર પાછળ, ૧૨ ટકા શિક્ષણ પાછળ અને બાકીના ૨૦ ટકા અન્ય પ્રકારની કલ્યાણ યોજનાઓ પાછળ ખર્ચાય છે. બાકીનો ૩૦ ટકા ખર્ચો સરકારી વહીવટ, ડીફેન્સ, સરકારની અન્ય સંસ્થાઓ (જેમ કે ન્યાયતંત્ર) પાછળ ખર્ચાય છે. બ્રીટન તેના વૃધ્ધજનોની પણ સારી સંભાળ રાખે છે અને બેકારોેને ભથ્થું આપે છે. ટૂંકમાં મૂડીવાદના જે દૂષણો છે અને તેનો ભોગ ગરીબોએ, વૃધ્ધોએ કે બેકારોએ આપવો પડે છે. તેમાથી નાગરીકોને રાહત મળે છે. વળી નિરાધાર બાળકો માટે પણ બ્રીટને 'ફોસ્ટર હોમ્સ'ની રચના કરી છે. આ કારણે ત્યાં મૂડીવાદને સ્વીકૃતિ મળી છે. બજાર વાદની ઉદ્ધતાઇ અને ઉછાંછળાપણા પર કલ્યાણ રાજ્ય અંકુશ મુકે છે. પુષ્કળ ગરમ થઇ જતા મૂડીવાદના એન્જીન માટેનો તે સેફટી વાલ્વ છે.

કલ્યાણ રાજ્ય સામ્યવાદ કે સમાજવાદની જેમ લોકોને સ્વપ્નાં દેખાડતું નથી. કારણ કે આ વિચાર સામાજીક કે રાજકીય ક્રાંતિમાંથી ઊભો થયો નથી. તે મધ્યમવર્તી હોવાથી ચુસ્ત મૂડીવાદીઓ અને ચુસ્ત સમાજવાદીઓ બંને તેની સખત ટીકા કરે છે. સામ્યવાદીઓ તેને બુર્ઝવા મૂડીવાદનું મહોરૃ (માસ્ક ગણે છે.

કલ્યાણ રાજ્યના ટીકાકારો

કલ્યાણ રાજ્યના ટીકાકારો એમ કરે છે કે સંપત્તી અને આવકની સમાન વહેંચણી તેના રાજકીય એજન્ડા પર નથી. રૃઢિચુસ્તો કહે છે કે તે લોકોને આળસુ બનાવી દે છે. તેને કારણે ઘણા લોકો રાજ્ય પર આશ્રીત થઈ જાય છે. વળી આ કલ્યાણ રાજ્ય ચલાવવા લોકો પર ભારે કરવેરા નાખવા પડે છે. કરવેરા ભરનારા એમ દલીલ કરે છે કે અમારે અસહાય લોકો માટે શું કરવા આટલો બધો કરવેરો ચુકવવો જોઈએ ? બેકારી ભથ્થુ મેળવતા બેરોજગારો એમ કહે છે કે અમારે સ્વમાનથી જીવવું છે. અમારે માટે યોગ્ય નોકરીઓની વ્યવસ્થા રાજ્યે કરવી જોઈએ. પરંતુ આમા રાજ્યનો વાંક નથી પણ બજારની નિષ્ફળતાઓ (માર્કેટ ફેઇલ્યોર્સ) નો વાંક છે. ઇ.સ. ૨૦૦૮માં અમેરિકામાં નાણાકીય બજારો એ અર્થકારણને તોડી નાખ્યું ત્યારે કલ્યાણ યોજનાઓ લોકોની મદદે આવી હતી. આ પ્રકારની સહાય તે સામાજીક ન્યાયનો ભાગ હતો. બજાર માટે અસમાનતા, અસુરક્ષિતતા, અને તારાજી સર્જી તેમાંથી કલ્યાણ રાજ્ય ઉભુ થયું છે. આ કલ્યાણ રાજ્ય રૃપી સેફટી વાલ્વ ના હોત તો લોકોએ લોકશાહી અને મૂડીવાદ સામે ખુલ્લો બળવો કરીને તેને તોડી નાંખ્યા હોત. અમેરિકામાં આજથી ૮૬ વર્ષ પહેલાના ડીપ્રેશનને તોડવા અમેરિકી પ્રેસીડેન્ટ ફેડરીક રૃઝોલ્ટે અત્યારે ભલે પ્રાથમિક કક્ષાની લાગે પણ અમુક કલ્યાણ રાજ્ય ઘડી હતી જેથી ગરીબોના હાથમાં ખરીદ શકતી ઊભી થાય. તે આયોજન 'ન્યુ ડીલ' નામે ઓળખાય છે જે રૃઝવેલ્ટે ૧૯૩૦ ના દાયકામાં કર્યું હતું. બ્રીટનના બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અને તે બાદ બીવરેજ નામના અંગ્રેજ લોર્ડે બેવરેજ પ્લાન બનાવ્યો હતો. તે લોક કલ્યાણનો સર્વ પ્રથમ પ્લાન હતો.

યુરોપના દેશો અલબત્ત સમગ્ર પશ્ચિમ યુરોપ આજે કલ્યાણ યોજનાઓનો અમલ કરે છે. પરંતુ યુરોપના નોર્વે, ડેન્માર્ક, સ્વીડન, આઇસલેન્ડ, સ્વીત્ઝર્લેન્ડ જેવા ધનિક રાષ્ટ્રો કલ્યાણ રાજ્યના નમૂનારૃપ ગણાય છે. તેઓ લોકશાહીને વરેલા દેશો છે. જગતના મુખ્યત્વે ૧૯૪૫ (બીજા વિશ્વ યુદ્ધ બાદ) કલ્યાણ રાજ્યોની સ્થાપના થઈ. આ એક અત્યંત માનવીય સીસ્ટમ છે પરંતુ તે આર્થિક અસમાનતાને ઘટાડતી નથી. જુના ભારતમાં દુઃખી અને અસહાય લોકો દાન પર નભતા. આ તદ્દન હીણપતભરી વ્યવસ્થા ગણાય. વિધવાઓનું તો દાનના બદલામાં ઘણું શોષણ થતું. ભુદાનમાં દાનનો મહિમા હતો. કલ્યાણ રાજ્યમાં સરકારની સહાય મેળવવાનો તમારો અધિકાર છે. તેમાં કશું હીણપતભર્યું નથી. જાણીતા અર્થશાસ્ત્રી કેઇન્સે જણાવ્યું કે જો તમે કલ્યાણ રાજ્યની વિરૃધ્ધ છો તો તમે મૂડીવાદના વિરોધી છો. કેમ ? કલ્યાણ રાજ્ય લોકો માટેની કલ્યાણ યોજનાઓ દ્વારા મોટી ખરીદ શક્તિ ઉભી કરે છે. આ કારણસર જ મૂડીવાદીઓ અને મોટા વ્યાપારીઓએ પણ તેનો વિરોધ ના કર્યો. રાજ્યની કલ્યાણ યોજનાઓ મોટેભાગે ઇનકમ-સપોર્ટની યોજનાઓ ઘડે છે. અમેરિકા પોતે કલ્યાણ રાજ્ય છે. પરંતુ યુરોપની કલ્યાણ યોજનાઓની સરખામણીએ તે કંજૂસ છે. છતાં અમેરિકામાં ગરીબો માટે ફુડ-સ્ટેમ્પ્સની યોજના ઘણી પ્રસંશનીય છે.

ઉપરના તમામ રાજ્યોની માથાદીઠ આવક ૨૫,૦૦૦ ડોલર્સથી વધારે છે. ભારતની તે લગભગ ૧૬૦૦ ડોલર્સની છે.

ખર્ચાળ અને ફુગાવાજનક

કલ્યાણ રાજ્યો આપણને ગમે છે પરંતુ તે પુષ્કળ ખર્ચાળ છે. તે ફુગવાજનક છે. ઇટાલી, ગ્રીસ, પોર્ટુગલ અને સ્પેન હજી દોઢ વર્ષ પહેલા જ કલ્યાણ યોજનાઓ પાછળ અખૂટ ખર્ચ કરવાને કારણે લગભગ નાદારીની સ્થિતિમાં આવી ગયા હતા. નોર્વે, સ્વીડન, ડેન્માર્ક, સ્વીત્ઝર્લેન્ડ વગેરે દેશો કલ્યાણ રાજ્યો પર પુષ્કળ ખર્ચા કરે છે. આ દેશો નાના છે. તેઓ જીડીપીના લગભગ ૩૦ ટકા કલ્યાણ યોજનાઓ પાછળ ખર્ચે છે. અમેરિકા ૨૦ ટકા જેટલી રકમ કલ્યાણ રાજ્યો પાછળ ખર્ચે છે અને પશ્ચિમ યુરોપના ઘણા દેશો ૨૫ ટકા ખર્ચે છે. અમેરિકન સરકાર બીચારી બહુ દયાળુ છે તેમ વ્યંગમાં કહી શકાય. ઇ.સ. ૨૦૦૮ની નાણાંકીય કટોકટી નિવારવા સરકારે માત્ર ૭૦૦ બીલીયન ડોલર્સની અધધધ મદદ ખાનગી ક્ષેત્રને કરી !! આને અંગ્રેજીમાં બેઇલ-આઉટ કહે છે. અંગ્રેજીમાં જેને લીબરલ નહીં પણ લીબરટેરીવન (અતિ સ્વતંત્રવાદી) લોબી કહેવાય. તેઓ વેલફેર સ્ટેટની તદ્દન વિરૃધ્ધ છે. તેમાં મીક્સ ફ્રીડમેનના પણ અનુયાયીઓ અને હાયેકના પણ અનુયાયીઓ આવી જાય. ભારત હજી ઘણું ગરીબ છે. વેલફેર કરેલો ભાર માત્ર ધનિક રાજ્યો જ ઉપાડી શકે. મનરેગા જેવી અને રેશનીંગ અનેક યોજનાઓ ભારતમાં છે જે ભૂખમરામાંથી મુકિત અપાવે છે. હજી આપણે પુષ્કળ ઝડપથી આર્થિક વિકાસ સાધવો પડશે જેથી ભારત કલ્યાણ રાજ્ય બની શકે છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા